બે લઘુકથા

14 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

1.

સમૃદ્ધિ

હોસ્ટેલમાં આવ્યે અમને લગભગ છ મહિના થવા આવ્યા. બધા વિદ્યાર્થીઓ અલગ-અલગ સંસ્થાઓમાં અભ્યાસ કરતા હતા. હોસ્ટેલમાં 60 વિદ્યાર્થીઓ, બે પ્યૂન અને એક સુપ્રિન્ટેન્ડન્ટ મળીને કુલ 63 વ્યક્તિ રહેતી. કોલેજમાં ભણતા છોકરાંઓને સાચવવા એ કાંઈ નાનીસૂની વાત નથી. રાત્રે મોડેથી આવવું, સવારે મોડે સૂધી સુઈ રહેવું, સિગારેટ કે માવાનું વ્યસન હોવું કે, ક્યારેક વિના કોઈ કારણ કોલાહલ મચાવવો. આ દરેક બાબતો બધા વિદ્યાર્થીઓમાં મહદઅંશે પ્રસરી ચૂકી હતી.

હોસ્ટેલના નિયમો મુજબ સવારે 8 વાગ્યે ચા નાસ્તો, બપોરે 12 થી 1.30માં જમવાનું, સાંજે 6 વાગ્યે ફરી ચા અને રાત્રે 8.30 કલાકે જમવાનું. આ અમારી હોસ્ટેલનો નિત્યક્રમ હતો. હોસ્ટેલનું જમવાનું બહુ વખાણવા લાયક નહીં. ઘર અને હોસ્ટેલમાં આટલો ફરક તો રહેવાનો જ ને! પણ ત્યાંનો ખોરાક એવો પણ ખરાબ પણ નહીં કે એ ખાઈ નહીં શકાય. છતાં વરણાગી દરેકમાં ભરપૂર પડી હતી એટલે જમવાના સમયે વાંકુ બોલવાની ઘણા વિદ્યાર્થીઓને ટેવ પડી ગયેલી. કેટલાક તો મેસમાં આવે ત્યારથી રોદણાં રડવા માંડે, દાળ પાણી જેવી છે… ભાત કાચો છે… શાકમાં પાણી છે… આ તે કંઈ રસોઈ છે… વગેરે.

થોડા દિવસોમાં દિવાળીના તહેવારોની રજા આવી રહી હતી. વેકેશનમાં દરેક વિદ્યાર્થી પોતપોતાના ઘરે જાય અને હોસ્ટેલ આખી ખાલી. દરેક વિદ્યાર્થી આજુબાજુના ગામડામાંથી આવતા મધ્યમવર્ગીય કુટુંબના હતા, એટલે દિવાળી વેકેશનમાં ઘરે જાય, થોડી-ઘણી ખરીદી કરે અને દિવાળીનું વેકેશન માણે.

શનિવારે સવારે કોલેજ ગયા બાદ બપોરે હોસ્ટેલ પર આવી, જમી અને સામાન પેક કરી બધાએ પોતપોતાના ઘરે નીકળવું એ રીતનું ટાઈમટેબલ તૈયાર થયું. આગલા દિવસે, શુક્રવારે રાત્રે બધા વિદ્યાર્થીઓ જમ્યા પછી ભેગા મળ્યા અને નક્કી કર્યું કે આવતી કાલે તો બધા પોતપોતાનાં ઘરે જવાના એટલે આપણે કાલે બપોરે હોસ્ટેલમાં જમવું નહીં. કાલે કોલેજથી આવ્યા પછી બહારથી પાર્સલ મગાવી લેવા અને ભેળા બેસીને જમવું એવો ઠરાવ પસાર થયો. જોકે કોઈએ સુપ્રિન્ટેન્ડન્ટને આ ઠરાવની જાણ કરવાની તસદી લીધી નહીં કે, ‘કાલે આ પલટન હોસ્ટેલમાં જમવાની નથી!’

શનિવારે બપોરે બધા વિદ્યાર્થીઓ કોલેજથી તો આવ્યા, પણ મેસમાં ફરક્યુ નહીં. આગલી રાત્રે નક્કી થયેલા ઠરાવ મુજબ કેટલાક આગેવાન વિદ્યાર્થીઓ બહારથી પાર્સલ લઈ આવ્યા અને બધાએ ભેગા મળીને મોજમસ્તી કરતાં જમી લીધું. સુપ્રિન્ટેન્ડન્ટને જાણ થતાં જ તેઓએ બધાને ભેગા કરીને ખખડાવ્યા કે, ‘આવું જ કરવાના હતા તો પહેલાથી જાણ કરવી હતી. હવે આ ખોરાકનું શું કરવું?’ કોઈ કંઈ બોલ્યું નહીં અને સુપ્રિન્ટેન્ડન્ટ પણ ચાલ્યા ગયા.

તેમણે પ્યૂનને મોકલીને નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોને બોલાવ્યા. બાળકો, વૃદ્ધો, મહિલાઓ મળીને કુલ 60થી 70 લોકો પોતપોતાના વાસણ લઈને આવી પહોંચ્યાં. સાહેબે તેમને ઓટલા ઉપર બેસાડ્યા અને પ્યૂનને વહેંચવાનું કહ્યું. અમે જ્યારે હોસ્ટેલમાંથી નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે તેઓ જમી રહ્યા હતા. મારી નજર એક બાપ અને તેના 8-10 વર્ષના દીકરા પર પડી. તેઓ ઓટલાના ખૂણે બેઠા હતા. પ્યૂન દાળ-ભાત-શાક વહેંચતો વહેંચતો એમની પાસે પહોંચ્યો ત્યારે બાપે પોતાના થેલામાંથી એક એલ્યુમિનિયમનું મોટું ઢાંકણ કાઢ્યું અને જમીન પર મૂકી કહ્યું - સાહેબ આમાં આપી દો. એમની ઉંડી ઉતરી ગયેલી આંખમાં આજે ગજબનો સંતોષ ઝળકતો હતો. પ્યૂન એમના ઢાંકણમાં દાળ-ભાત-શાક મૂકીને ચાલ્યો ગયો અને એ બાપ અને દીકરો હોંશથી ખાવા લાગ્યા. તેમની થેલીમાં જમવા માટે માત્ર આ એક જ વાસણ હશે એવું એમને જોતાં જ લાગતું હતું. અને અમારી પાસે હતી ખોરાક પ્રત્યેની વરણાગી!

મારી સમૃદ્ધિનો નશો પળવારમાં ઉતરી ગયો.

2.

વ્યથા

હવે અઠવાડિયું બાકી રહ્યું... હવે ચાર દિવસ બાકી રહ્યા... હવે બે દિવસ જ બાકી રહ્યા...

દિવસો નજીક આવતા ગયા તેમ બાળકો અને પત્નીના ચહેરા કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ નાના થતા જતા હતા. તેઓના ચહેરા પર કંઈક ઉદાસી વર્તાતી હતી. છેલ્લા બાર વર્ષથી ભારતીય સેનામાં જોડાયેલા ભાર્ગવે એક જ જવાબ આપ્યો - દિવાળીના તહેવારોમાં રજા લઈને આવી જઈશ. આ દિવાળી સાથે ઉજવીશું. ફટાકડા ફોડીશું, મઝા કરીશું... બસ. ખુશ...? અને ભાર્ગવના બંને બાળકો એને વિંટળાઈ વળેલા… અને ભાર્ગવને વિંટળાઈ વળેલા બાળકોને જોઈને એની પત્ની લીલાની આંખોમાં પાણી ભરાઈ આવેલા…

લીલાએ ભાર્ગવનો બધો સામાન પલંગ ઉપર એકઠો કરી લીધો અને વારાફરતી બધું એક બેગમાં ગોઠવતી ગઈ. કંઈ ભૂલી ન જવાય એની એ તકેદારી રાખતી હતી. છેલ્લા કેટલાક દિવસથી ભાર્ગવને ભાવતું જ બનાવાતું હતું. બાળકો પણ ઘરની બહાર રમવા જતાં નહોતા... કારણ - કાલે પપ્પા ફરી સરહદ પર ચાલ્યા જશે.

સવારથી જ બાળકોના ચહેરા ઉતરેલા હતા. લીલા ભાર્ગવને થોડી સૂચનાઓ આપતી અને ઘર માટેની અગત્યની બાબતો પૂછી લેતી હતી. સાંજે છ વાગ્યે સ્ટેશન પર પહોંચવાનું હતું. બપોરે બધો સામાન પેક થઈ ગયો હતો. બાળકો પણ પપ્પાની સાથે પેટ ભરીને વાતો કરવામાં પડ્યા હતા. એમની સામે બેસીને લીલા ભાર્ગવને એકી ટશે જોઈ રહી હતી.

સાંજે પાંચ વાગ્યે જીપ આવી અને ભાર્ગવ, લીલા અને બંને બાળકો જીપમાં બેઠા. સ્ટેશને પહોંચ્યા.. થોડીવારમાં દૂરથી ટ્રેન આવતી દેખાઈ અને લીલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા... નાની દીકરી પણ રડવા લાગી. દીકરો કંઈક હિંમત એકઠી કરીને રડતો નહોતો... એણે સૈનિક છટામાં ટટ્ટાર થઈ પપ્પાને સલામ મારી. ફરી ભાર્ગવે ત્રણેયને બાથમાં લીધા અને કહ્યું, ‘દિવાળી પર હું રજા લઈને આવીશ અને ખૂબ મઝા કરીશું...’ આ વાક્યો બાળકોને ખુશ કરી શક્યા... લીલાની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા... ટ્રેનમાં ભાર્ગવનો સામાન ગોઠવાઈ ગયો અને ટ્રેન ઉપડવાની વ્હીસલ વાગી. ફરી એક વાર કુટુંબને હિંમત આપીને ભાર્ગવે દિવાળી પર વહેલો આવીશનું વચન આપ્યું. ટ્રેન ઉપડી... અને ભાર્ગવ પોતાની સીટ પર ગોઠવાઈ ગયો.

ભાર્ગવની ડ્યૂટી સરહદ પર હતી. પાડોશી દેશો અને આતંકવાદીઓ સામે અથડામણો થતી રહેતી હતી. પાડોશી દેશો પોતાનું જોર વધારી રહ્યા હતા. આતંકવાદીઓ સાથેની અથડામણો નિત્યક્રમ બની ગયો હતો. આ કારણે 24 કલાક એલર્ટ રહેવું પડતું હતું. ભાર્ગવે દિવાળીના દિવસો માટે રજા માગી લીધી હતી. પણ દિવાળીને થોડા જ દિવસો બાકી રહ્યા હતા ત્યાં સરહદની પરિસ્થિતીને જોતા દરેક સૈનિકને સૂચના આપવામાં આવી કે બધાની રજા કેન્સલ કરવામાં આવી છે. ભાર્ગવની આંખોમાં એની પત્ની અને બંને બાળકો તરી આવ્યા. બાળકોને આપેલું વચન તેને યાદ આવ્યું. પત્નીનો રડતો ચહેરો યાદ આવ્યો.... અને યાદ આવ્યું ઘર.

આખરે દિવાળી આવી ગઈ. ભાર્ગવ સરહદ પર પોતાની ફરજ પર છે અને લીલા ઘરે બાળકોને ખુશ રાખવાના પ્રયત્નો કરે છે.

ભાર્ગવના હૃદયની વ્યથા લીલા જાણે છે, અને લીલાની વ્યથા ભાર્ગવ જાણે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.