સામાન્યમાં અસામાન્ય
હિન્દી નાટકો અને ફિલ્મોના અભિનેતા માનવ કૌલ અને એમના વાર્તાસંગ્રહ ‘ઠીક તુમ્હારે પીછે’ની ગઈકાલે વાત કરી. આજે એ વાર્તાસંગ્રહની કેટલીક વાર્તાઓ વિશેની વાતો કરીએ. મજાની વાત એ છે કે, ‘ઠીક તુમ્હારે પીછે’માં એ ટાઈટલની એક પણ વાર્તા નથી. સામાન્ય રીતે આપણી ભાષામાં મોટાભાગે વાર્તા સંગ્રહોના નામ બે પ્રકારે રખાતા હોય છે. ક્યાં તો સંગ્રહની વાર્તાઓમાંની વાર્તાઓમાંનું કોઇ એક ટાઈટલ પસંદ કરીને વાર્તાસંગ્રહનું નામ રાખવામાં આવે અથવા લેખકનું જ નામ ટાઈટલમાં યુઝ કરીને ‘અબકની પ્રતિનિધિ વાર્તાઓ’ અથવા ‘કખગની શ્રેષ્ઠવાર્તાઓ’ જેવું કોઇ નામ રાખી દેવાય! પણ માનવ કૌલના આ વાર્તાસંગ્રહની બાર વાર્તાઓમાં ‘ઠીક તુમ્હારે પીછે’ નામની કોઇ વાર્તા નથી.
વાર્તાસંગ્રહમાં ‘આસપાસ કહીં’, ‘અભી-અભી સે કભી કા તક’, ‘દુસરા આદમી’, ‘ગુણા-ભાગ’, ‘લકી’, ‘મા’, ‘મુમતાઝભાઈ પતંગવાલે’, ‘મૌન મેં બાત’, ‘સપના’, ‘શંખ ઓર સીપિયા’, ‘ટીસ’, ‘તોમાય ગાન શોનાબો’ નામની બાર વાર્તાઓ છે. ‘મુમતાઝભાઈ પતંગવાલે’ વાર્તાને માનવ કૌલે પૃથ્વી પર નાટકના રૂપમાં ભજવી છે એવી જાણકારી અમને સુરતના જાણીતા આરજે અને અભિનેતા મિહિર પાઠકે આપી છે. અંગતરીતે મને ‘મા’, ‘સપના’, ‘શંખ ઓર સીપિયા’ અને ‘દુસરા આદમી’ નામની વાર્તાઓ ખૂબ સ્પર્શી. એક ‘તોમાય ગાન શોનાબો’ વાર્તાને બાદ કરતા તમામ વાર્તાઓ પહેલા પુરુષ એકવચનમાં લખાય છે, જ્યાં કોઇ એક પાત્ર એના જીવનની કથની કહેતું જાય અને વારફરતી વિવિધ ઘટનાઓના પડ ઉઘડતા જાય.
‘મા’ નામની વાર્તામાં મા અને દીકરાના સંબંધની વાત છે. માતાના મૃત્યુથી શરૂ થતી વાર્તા કથા નાયકને એના બાળપણ સુધી લઈ જાય છે. પિતાના અવસાન બાદ નાયક અને એની માતા એક નાનકડા ગામમાં કઈ રીતે રહેતા એની વાતો એને યાદ આવે છે. માતાને હંમેશાં કંઈક લખવાની ઈચ્છા હતી, પરંતુ નપાવટ બાપ માતાને ક્યારેય કંઈ લખવા નથી દેતો. પત્ની કંઈક લખશે એ ડરથી કથા નાયકનો પિતા ઘરમાં પેન નથી રાખતો અને ક્યાંક પેન દેખાય તો એ પેનને તોડી દે છે. એ ઘરની બહાર હોય ત્યારેય પત્નીને ઘરમાં પૂરી દેતો અને ઘરને બહારથી તાળું મારી દેતો.
પતિના અવસાન બાદ કથા નાયકની માતાને જાણે રાહત થાય છે અને એ એના દીકરાના ઉછેરમાં ખૂંપી જાય છે. માને એવી ઈચ્છા હોય છે કે, એ પોતે કંઈ નહીં લખી શકી તો કંઈ નહીં, પણ દીકરો કંઈક લખે. ધીમેધીમે ઉછરી રહેલો દીકરો લખવાનું શરૂ પણ કરી દે છે અને મોટો થઈને એક વાર્તાસંગ્રહ પ્રકાશિત કરે છે, જે સંગ્રહ એ તેની માતાને અર્પણ કરે છે.
આધેડ અવસ્થામાં પહોંચે ત્યાં સુધીમાં માતાને એની જ ઉંમરના એક સોનીજી સાથે પ્રેમ થઈ જાય છે. આધેડવયની બંને વ્યક્તિઓ વચ્ચે પાંગરેલી લાગણીને પ્રેમનું સ્પષ્ટ નામ આપી શકાય નહીં, પણ ઢળતી ઉંમરે બે એકલી વ્યક્તિ એકબીજાના સાથની ઝંખના કરે એવું જ કંઈક, જેમાં શરીર કરતા એકબીજાના સાથનું મહત્ત્વ વધુ હોય! મા દીકરાને આ વાતની જાણ કરે છે દીકરાનું મગજ સુન્ન મારી જાય છે. મા સાથે એ બોલવાનું ઓછું કરી નાંખે છે અને એ દિવસથી લખવાનું પણ બંધ કરી દે છે. માને અર્પણ કરેલો પોતાનો વાર્તાસંગ્રહ અને એની તમામ અપ્રકાશિત રચના એક લોખંડની બાલદીમાં ભરીને સળગાવી છે. એ લખતો હતો એનું કારણ જ મા હતી, પણ મા તો હવે સોનીજી સાથે રહેવાની હતી. લોકો શું કહેશે? આ ઉંમરે આવા ધતિંગ થતાં હશે? એવા અનેક સવાલો એના મનમાં ઉદભવે છે અને શહેર રહેવા ગયેલો દીકરો એની માતા સાથેનો સંપર્ક ઓછો કરી નાંખે છે.
ગામમાં પણ ચર્ચાઓ જોર પકડે છે અને લોકોને પંચાત કરવાનો વિષય મળી જાય છે, પરંતુ મા કોઈની પરવા નથી કરતી. એણે તો સોનીજી સાથે રહેવું હતું તો એ સોનીજી સાથે રહી અને એનું ધાર્યું કર્યું. આખરે એક દિવસ માનું અવસાન થાય છે અને સોનીજી દીકરાને ફોન કરીને અંતિમ સંસ્કાર માટે બોલાવે છે. માના અવસાનના સમાચાર સાંભળતા દીકરાની આંખ સામે અનેક દૃશ્યો તરવા માંડે છે. એને અહેસાસ થાય છે કે, મા સાથે સંપર્ક નહીં રાખીને એણે માને ઘણો અન્યાય કર્યો છે અને એને ઘણી દુભવી છે. ફ્લાઈટ પકડીને ઘરે પહોંચે ત્યાં સુધી નજાને કેટલીય યાદો એને ઘેરી વળે છે અને માના શબ પાસે જઈને ભાંગી પડે છે. માના વિચાર સાથે સહમત નહીં થઈ શકતો સમાજ માની અંતિમ યાત્રામાં પણ શામેલ નથી થતો અને માત્ર પાંચેક લોકો માને સ્મશાન સુધી મૂકી આવે છે. શબને દાહ દેવાની વાત આવે છે ત્યારે ઘડીભર નાયક એના હાથમાં અગ્નિ ઝાલે છે, પણ પછી સોનીજીને એ અગ્નિ આપી દે છે અને સોનીજી પાસે માને અગ્નિદાહ અપાવે છે. એને થાય છે માને જ્યારે ખરેખર એની જરૂર હતી ત્યારે એણે માને પીડા આપી અને સોનીજી એમની પડખે રહ્યા હતા તો માને દાહ પણ સોનીજીએ આપવો જોઈએ!
વાર્તા કંઈક આવી છે, પણ વાર્તામાં પ્રસંગોનું નિરૂપણ અને હિન્દી ભાષાના શબ્દોની ગૂંથણી લાજવાબ છે. વાર્તાને અત્યંત અદભુત રીતે બહેલાવવામાં આવી છે, વાંચતી વખતે ખૂબ રોમાંચિત થઈ જવાય અને દિલમાં હલકાસા દર્દની ટીસ ફૂટે એ વધારાની!
મા-દીકરાના સંબંધ પરની બીજી વાર્તા છે 'દુસરા આદમી'. અહીં પણ વાર્તાનો નાયક પ્રથમ પુરુષ એકવચનમાં એની વાર્તા કરતો જાય છે. નાયકના એની પત્ની સાથે છૂટાછેડા થાય છે અને નાયક એકલો પડી જાય છે એટલે ગામથી એની માતા એની સાથે રહેવા આવી જાય છે. માતાના મનમાં એમ હોય છે કે, દીકરાના જીવનમાં આવી પડેલી આ સ્થિતિ ક્ષણિક હશે, પરંતુ દીકરાને એના સંબંધ વિશે પૂરી જાણકારી હોય છે અને ખ્યાલ હોય છે કે, એણે હવે આજીવન એકલા રહેવાનું છે.
આ ઉપરાંત બીજી એક મજાની વાર્તા છે ‘શંખ ઓર સીપિયા’, જેમાં એક પુરુષની ઘર નહીં બનાવી શકવાની પીડાને દર્શાવાઈ છે. પુરુષનું પાત્ર વાસ્તવમાં પુરુષ જ છે કે નહીં એ પણ ખ્યાલ નથી આવતો, પણ એક જીવ હંમેશાં એક ઘર બનાવવા માટે આમથી તેમ ભટકે છે અને રસ્તે મળતા માણસો, પ્રાણીઓ સાથે ઘર બનાવવાની બાબતે સંવાદ કરે છે. જેની પાસે ઘર નથી અથવા જેને માથે ઘર બનાવવાની ચિંતા છે એમના માથે કેવી મોટી જવાબદારી છે એની વાત આ વાર્તામાં રજૂ થઈ છે. જોકે કથા નાયક તો ઘરની વ્યાખ્યા કંઈક અલગ જ કરે છે, જે વ્યાખ્યા અથવા કલ્પના તમને રોમાંચિત કરી શકે છે.
વાર્તાસંગ્રહની કેટલીક વાર્તાઓનું કથાતત્ત્વ સામાન્ય કહી શકાય એવું છે, પણ બૉસ કથાની રજૂઆત એટલી કલાત્મક અને ધારદાર છે કે, તમે એ શબ્દોમાં, એ વાર્તાઓમાં વહેતા રહો. વાર્તાઓ લાંબી હોવા છતાં વાચકને એ વાંચવાનો કંટાળો નથી આવતો અને એ વાર્તાઓ બસ ચાલતી જ રહે, એનો પ્રવાહ અસ્ખલિત વહેતો રહે એવી એને ઈચ્છા થયાં કરે. કથા સાહિત્યના ચાહકો માટે આ વાર્તાસંગ્રહ મજેદાર ટ્રીટ છે, પહેલી વાર્તા શરૂ કર્યા બાદ બારમી વારતા ક્યારે આવી જશે એનો ખ્યાલ સુદ્ધાં નહીં આવે અને એ વાંચતા વાંચતા આપણને પણ કથા નાયકોની ઉદાસી, એમની પીડા ઘેરી વળશે. આમ જોવા જઈએ તો આ વાર્તાસંગ્રહમાં બધું સામાન્ય પણ છે અને બધુ જ અસામાન્ય પણ!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર