અમે, પુસ્તકો અને અમારો પ્રેમ

23 Apr, 2016
12:05 AM

mamta ashok

PC:

યુનેસ્કો ભલે દર વર્ષે 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઊજવતું હોય, પરંતુ જેઓ પુસ્તકોને ચાહે છે કે, જેઓ દિવસમાં ઓછામાં ઓછો એક કલાક પણ પુસ્તકોની સંગત માણે છે એવા લોકો તો પ્રત્યેક દિવસે પુસ્તક દિવસ ઊજવતા હોય છે. એવા લોકોએ પુસ્તકો માટેના કોઈ વિશેષ દિવસની રાહ નથી જોવી પડતી. અરે... અરે... પણ એવા લોકો એટલે કેવા લોકો? એ લોકો એટલે કોણ?

આ લેખ પૂરતી, એવા લોકોની ઓળખાણ આપવાની હોય તો હું કહીશ કે, એ લોકો એટલે ગુજરાતના નામી અને લોકપ્રિય લેખકો અને પત્રકારો, જેમના શબ્દોમાં કંઈક જાદુ છે, એમના વિચારોનું આગવું મૂલ્ય છે અને એમણે લખેલા લેખો કે કવિતાઓનો બુલંદ પ્રભાવ છે. આ લોકો એમના દિવસનો મોટા ભાગનો સમય શબ્દોની વચ્ચે, પુસ્તકોની વચ્ચે વિતાવે છે અને ખૂબ વાંચે-વિચારે છે. આવા સમયે ભાવક તરીકે કે એમના ચાહક તરીકે એમ થાય કે આપણા પ્રિય લેખકોને એમનાં પુસ્તકો પ્રત્યે કેવો લગાવ હશે? કે એમની પર્સનલ લાઇબ્રેરીમાં પુસ્તકો કેટલાં હશે? તેઓ એમનાં પુસ્તકો કોઈને વાંચવા આપતા હશે ખરા? અને જો વાંચવા આપતા હોય અને એમનું પુસ્તક પરત નહીં આવે અથવા ગેરવલ્લે થાય તો, આવા સમયે તેઓ શું કરતા હશે?

ખેર, આજે 'વર્લ્ડ બુક ડે'ના દિવસ માટે આપણી ભાષાના છ લોકપ્રિય લેખકોએ 'khabarchhe.com'ને ખાસ મુલાકાત આપી હતી અને એમનાં પુસ્તકો વિશે કે પુસ્તકો માટેના એમના પ્રેમ વિશે કેટલીક રસપ્રદ વાતો કરી હતી. આ બધી મુલાકાતોને એક સાથે પ્રકાશિત કરવાની હોવાથી આજે ઘણા વખતે એક પ્રયોગ કરવામાં આવ્યો છે અને દરેક સવાલની નીચે કુલ છ જવાબ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ મુલાકાતો પ્રકાશિત કરતી વખતે ડિજિટલ માધ્યમની થોડી મર્યાદાઓ નડી રહી છે એટલે કદાચ આ મુલાકાત થોડી લાંબી લાગી શકે છે પરંતુ એક વાત દાવાપૂર્વક કહી શકાય કે, આટલું લાંબું લખાણ વાંચ્યા પછી પણ વાચક કંટાળવાનો નથી. કારણ કે લંબાણની સાથે અહીં ઉંડાણ પણ છે! તો ચાલો એક ગોતાખોરી કરીએ આ સવાલ-જવાબોમાં...

પ્રશ્નઃ પુસ્તક સાથે પહેલી વાર દોસ્તી ક્યારે બંધાયેલી?

(કૃષ્ણકાંત ઉનડકટ)

મને દોસ્તી વિશેની સમજણ પડી એ પહેલાં મને પુસ્તક સાથે દોસ્તી બંધાઈ ગયેલી! કારણ કે, દોસ્તી શું છે કે દોસ્તી કોને કહેવાય એની સમજણ જ મને પુસ્તકો પાસેથી મળી છે. નાના હતા ત્યારે જ્યારે મારાં ભાઈ-બહેન રમવા જતાં ત્યારે પણ હું મારાં પુસ્તકોની દુનિયામાં ખોવાયેલો રહેતો.

(સૌરભ શાહ)

મારી માલિકીનું પહેલવહેલું પુસ્તક મૂળશંકર મો. ભટ્ટે ટ્રાન્સલેટ કરેલું જુલે વર્નનું 'સાહસિકોની સૃષ્ટિ'. મારી દસમી વર્ષગાંઠે મારા પપ્પાના કઝીન સંજયભાઈએ મને ભેટ આપેલું આ પુસ્તક, હું તે વખતે ઑલરેડી 'રમકડું' વગેરે મેગેઝિનો અને બકોર પટેલ, છકોમકોનાં પુસ્તકો વાંચતો થઈ ગયો હોવા છતાં, બે વર્ષ પછી - સાતમા ધોરણના વેકેશનમાં વાંચ્યું. કેમ? એના ટાઇપ બહુ ઝીણા હતા!

(જય વસાવડા)

પુસ્તકો સાથે તો નાનપણમાં જ દોસ્તી બંધાઈ ગયેલી. મારાં મમ્મી-પપ્પાએ મને ઘરે ભણાવવાનો નિર્ણય કરેલો ત્યારે એમણે બીજો નિર્ણય એ કરેલો કે, તેઓ મારા માટે રોજનું એક નવું પુસ્તક ખરીદીને લાવશે અને એ રીતે મેં ઘણાં પુસ્તકો વાંચેલાં. મેં પોતે ખરીદેલા પહેલા પુસ્તકની વાત કરું તો 1979માં અમદાવાદમાં ‘બાળનગરી’ ભરાયેલી ત્યારે મેં અનડા પ્રકાશનનું ‘ઉંદરોની મિજબાની’ નામનું પુસ્તક ખરીદેલું.

(જ્યોતિ ઉનડકટ)

સમજણી થઈ ત્યારથી પુસ્તકો વાંચવા જરૂરી છે એવું શીખવવામાં આવતું પણ સૌથી પહેલી દોસ્તી 11 સાયન્સમાં ભણતી હતી ત્યારે પંદર વર્ષની ઉંમરે થયેલી. સાયન્સ સ્કૂલની લાઇબ્રેરીમાંથી સાયન્સનાં પુસ્તકો જ વિદ્યાર્થીઓને મળે. પણ હું મેનેજ કરીને અભ્યાસ સિવાયનાં પુસ્તકો લઈ આવતી.

(શિશિર રામાવત)

જ્યારથી વાંચતા-લખતા શીખ્યો ત્યારથી જ, સમજોને કે પાંચ-છ વર્ષની ઉંમરથી જ પુસ્તક સાથે 'યે દોસ્તી... હમ નહીં... છોડેંગે' ટાઇપની જડબેસલાક ફ્રેન્ડશિપની શરૂઆત થઈ ગયેલી. સમય અને ઉંમરની સાથે એ મજબૂત બનતી ગઈ.

(અંકિત ત્રિવેદી)

દસમા ધોરણના વેકેશન પછી.

પ્રશ્નઃ પુસ્તકો પ્રત્યેના તમારા લગાવને વ્યાખ્યાયિત કરી શકો?

(કૃષ્ણકાંત ઉનડકટ)

હા, પુસ્તકો પ્રત્યેના મારા લગાવને હું કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરી શકું. ‘પુસ્તકોનું વાચન એટલે પોતાની નજીક જવાની અને પોતાની નજીક રહેવાની અલૌકિક અનુભૂતિ.’

(સૌરભ શાહ)

મારા શબ્દોને બદલે એક વખત મને ક્રોસવર્ડની બુકશૉપમાંથી મળેલા બુકમાર્કના શબ્દો ક્વૉટ કરું. આ નાનકડું બુક માર્ક મેં મઢાવીને મારા ડ્રોઇંગરૂમમાં ગોઠવ્યું છે :

'when i get a little money, i buy books, and if any is left, i buy food and clothes.'

(જય વસાવડા)

પુસ્તકો આસપાસ હોય એટલે માણસ બહુ જાણકાર નથી થઈ જતો. એવું હોત તો લાઇબ્રેરીયનો દુનિયાના સૌથી જાણકાર લોકો હોત, પરંતુ વાસ્તવિકતા એવી નથી. મહત્ત્વનું છે વાંચવાનું અને વાંચવું એ સિવિલાઇઝેશનની નિશાની છે. માણસ વાંચતો રહે ત્યારે જ એ જુદી જુદી રીતે જ્ઞાન મેળવતો રહે અને બધાં કરતાં કંઈક જુદો દૃષ્ટિકોણ કેળવી શકે છે.

(જ્યોતિ ઉનડકટ)

સમયના અભાવે કોઈ સારું પુસ્તક વાંચી ન શકાય તો નથી મજા આવતી. કોઈ પુસ્તક વાંચવામાં મજા આવે તો આખી રાત જાગીને વાંચું ત્યારે મોજ પડી જાય.

(શિશિર રામાવત)

નેચરલી, પુસ્તકને હું સ્વજનો, પ્રિયજન અને ગુરુજનોની કેટેગરીમાં મૂકું છું. માબાપ અને સ્કૂલ આપણા સંસ્કારોના સૌથી મોટાં અને સૌથી પહેલાં સ્રોત હોય છે. મોટા થઈએ એટલે અમુક સંસ્કારો આપણે સ્વતંત્રપણે ડેવલપ કરતાં જઈએ છીએ. મને લાગે છે કે મેં પોતે પેદા કરેલા અને દૃઢ બનાવેલા મારા સ્વતંત્ર સંસ્કારો પુસ્તક સાથેના લગાવને કારણે શક્ય બન્યા છે.

(અંકિત ત્રિવેદી)

પુસ્તકો આપણને પસ્તી થતાં બચાવે છે.

પ્રશ્નઃ તમે ખરીદેલું સૌથી મોંઘું પુસ્તક કયું? એની કિંમત કેટલી અને એ ખરીદતી વખતે તમને કોઈ ખચકાટ થયેલો ખરો?

(કૃષ્ણકાંત ઉનડકટ)

આજથી વીસપચીસ વર્ષ પહેલાં માત્ર સો રૂપિયાનું પુસ્તક પણ ખરીદતાં તો એ મોંઘું લાગતું અને આજે હજાર રૂપિયાનું પુસ્તક પણ સસ્તું લાગે છે. જોકે, મોંઘાં પુસ્તકો ખરીદતી વખતે ક્યારેય ખચકાટ નથી થયો. બલકે કોઈક કારણસર ગમતું પુસ્તક નહીં ખરીદી શકાય તો ખચકાટ થઈ આવે છે.

(સૌરભ શાહ)

ભેટ આપવા માટે ખરીદેલું ખાલીદ મોહમ્મદનું અમિતાભ બચ્ચન વિશેનું પુસ્તક. 2003માં તેની કિંમત રૂ. 3,500 હતી. પરેશ રાવળને ભેટ આપવા મેં એની હાર્ડ બાઉન્ડ એડિશન ખરીદી હતી. બે-એક વરસ પછી મારા માટે એની સસ્તી, કાચા પૂંઠાવાળી આવૃત્તિ ખરીદી.

જો ભગવદ્ગોમંડલ કોશના 9 ભાગને એક જ પુસ્તક ગણો તો 1996-97ના અરસામાં મેં આ કોશ ડિસ્કાઉન્ટ બાદ કરીને રૂ. 3,000માં ખરીદ્યો હતો.

અને એક સિંગલ વોલ્યુમની વાત કરવાની હોય તો 2012માં મને મારિયો પૂઝોની વર્લ્ડ બેસ્ટ સેલર નોવેલ 'ધ ગૉડફાધર'નું ઑફિશિયલ ગુજરાતી ટ્રાન્સલેશનનું કામ મળ્યું ત્યારે 'ધ ગૉડફાધર ફેમિલી આલબમ' નામનું લાંબું, પહોળું, દળદાર અને ખૂબ તસવીરો - લેખો ધરાવતું પુસ્તક સવા ચાર હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. મોંઘાં પુસ્તકો ખરીદવાનો ખચકાટ? ક્યારેય નહીં.

(જય વસાવડા)

મેં ખરીદેલા સૌથી મોંઘા પુસ્તકની મૂળ કિંમત 35,000ની છે અને એ પુસ્તક એમ. એફ. હુસેનના કલેક્ટેડ વર્ક વિશેનું છે. ત્રણ ભાગના એ પુસ્તકમાં હુસેનના ઓરિજિનલ પેઇન્ટિંગ્સની સિરીઝ છે અને હુસેને એમાં એમના અક્ષરોથી થોડુંક લખેલું છે. ભારતમાં તો એ પુસ્તક મળતું પણ નથી એટલે વિદેશથી મંગાવવાના ખર્ચ સાથે એની કિંમત આંકીએ તો એની કિંમત 37000 જેટલી થાય.

આ પુસ્તક શરૂઆતમાં તો આઠેક હજારનું જ હતું, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એની કિંમત વધવા માંડી અને હવે તો એ પુસ્તક કલેક્ટર્સ એડિશન થઈ ગયું છે. એ પુસ્તક પ્રકાશિત થયેલું ત્યારથી મને એ ખરીદવાની ઇચ્છા હતી પણ એક જમાનામાં આઠ હજારનું એક જ પુસ્તક લઈ શકાય એવું હતું નહીં. પણ પછી હું ક્રેડિટકાર્ડ ધરાવતો થઈ ગયો એટલે કોઈ જ ખચકાટ વિના મેં એ પુસ્તક ખરીદી લીધેલું.

(જ્યોતિ ઉનડકટ)

ગમતું પુસ્તક હોય તો પછી કિંમત બહુ મેટર નથી કરતી. મોંઘામાં મોંઘું પુસ્તક યાદ નથી. પણ ગમતું પુસ્તક મોંઘું હોય તો પણ ખચકાટ કદીય થાય જ નહીં. હા, બુકશૉપમાં જાઉં ત્યારે જાતને રોકવી પડે કે હવે બસ કર, વાંચી શકે તો જ પુસ્તકો લે.

(શિશિર રામાવત)

સૌથી મોંઘાં પુસ્તકની એક્ઝેક્ટ વિગતો તો યાદ કેવી રીતે હોય, પણ સમજોને કે એમેઝોન જેવી વેબસાઇટથી વિદેશથી ડિલિવર થતાં પુસ્તકોને સામાન્યપણે મોંઘાં કહી શકાય. દાખલા તરીકે, અત્યારે હું જેનાં કુરિયરની અદ્ધર જીવે રાહ જોઈ રહ્યો છું એ ડેવિડ બોલનું 'બેકવર્ડ્ઝ એન્ડ ફોરવર્ડ્ઝઃ અ ટેક્નિકલ મેન્યુઅલ ફોર રીડિંગ પ્લેઝ' નામના પુસ્તકની કિંમત 1485 રુપિયા છે. અલબત્ત, આ રકમ ફેમિલી સાથે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોઈને સરસ રેસ્ટોરાંમાં ડિનર કરવામાં જે ખર્ચ થાય છે તેના કરતાં તો ઓછી જ છે. સામાન્યપણે પુસ્તકમેળામાં જઈએ ત્યારે ગાંડાની જેમ પુસ્તકો ખરીદવાની મોજ પડતી હોય છે. વચ્ચે એકવાર સાડાસાત હજારનું બિલ થયેલું. આ વન-ટાઇમ શોપિંગ ખરું, પણ આમાં નેચરલી, ખૂબ બધાં પુસ્તકોનાં થપ્પાં હોય. મારા જેવા કમ્પલ્સિવ બુક-બાયરનું ઓનલાઇન શૉપિંગ આખા મહિના દરમિયાન ટુકડાઓમાં ચાલતું જ રહે છે. લેખકોએ એટલે જ વ્યવસ્થિત કમાવું પડે કે જેથી પુસ્તકો ખરીદતી વખતે બિલ જોઈને ટેન્શન ન થાય.

(અંકિત ત્રિવેદી)

ભગવદ્ગોમંડલ’ના બધા જ ભાગ. એની ખરીદી કરતી વખતે કોઈ ખચકાટ નહીં થયેલો. માત્ર રોમાંચ થયેલો!

પ્રશ્નઃ તમારી લાઇબ્રેરીમાં કુલ કેટલા પુસ્તકો હશે? એ બધાની કિંમત નક્કી કરવા બેસીએ તો આશરે કેટલા રૂપિયાના પુસ્તકો થતાં હશે?

(કૃષ્ણકાંત ઉનડકટ)

મેં કોઈ દિવસ મારાં પુસ્તકો ગણ્યાં નથી પરંતુ આશરે ગણું તો અમારા ઘરે ત્રણેક હજાર પુસ્તકો હશે. મારી લાઇબ્રેરીમાં અત્યંત સિલેક્ટેડ પુસ્તકો હોય છે, હું માનું છું કે, લાઇબ્રેરી મોટી હોય એ મહત્ત્વનું નથી, પણ લાઇબ્રેરી સારી હોય એ મહત્ત્વનું છે. તમારી પાસે પચીસ હજાર પુસ્તકો હોય એના કરતાં તમને ગમતાં અને તમને સ્પર્શતાં માત્ર થોડાં જ પુસ્તકો હોય તો એમાંય કંઈ ખોટું નથી અને પુસ્તકોની કિંમત નક્કી કરવા બેસીએ તો લગભગ પાંચથી છ લાખનાં પુસ્તકો હશે અમારે ત્યાં.

આજે વિશ્વ પુસ્તક દિવસ છે તો વાચકોને હું એમ કહેવા માગીશ કે, લાઇબ્રેરી મોટી બનાવવામાં રસ નહીં રાખો અને પુસ્તકો વાંચવાનું વધુ રાખો. આ પ્રક્રિયામાં પુસ્તકો ખરીદ્યા પછી સૌથી પહેલા એને તમે વાંચો અને પછી એને લાઇબ્રેરીમાં સાચવો. આફ્ટરઑલ લાઇબ્રેરી એ ઇમ્પ્રેશન જમાવવાની બાબત નથી. પુસ્તકો ખરીદીને એને નહીં વાંચવું એટલે લગ્ન કરીને પત્ની સાથે સંબંધ નહીં રાખવા જેવી બાબત છે. પુસ્તક સાથેનો પ્રેમ એ માનસિક સંવનન જેવો છે.

(સૌરભ શાહ)

મારી પાસેનાં પુસ્તકોની સંખ્યા ગણવાનું મન મને ક્યારેય થયું નથી. સંખ્યાનો અંદાજ પણ હજુ સુધી લગાવ્યો નથી. 2009માં અમદાવાદ પાંચ-છ વર્ષ ગાળીને હું પરત મારા વતન મુંબઈમાં પાછો આવી રહ્યો હતો ત્યારે મૂવર્સ એનેડ પેકર્સના માણસોએ મારાં પુસ્તકોનાં કાર્ટનોનું વજન બે ટન કરતાં વધારે છે એવું કહીને કેટલી મોટી ટ્રકની જરૂર પડશે એવું કહ્યું હતું. 2009થી 2016ના ગાળામાં બીજાં અનેક પુસ્તકો ઉમેરાયાં પણ તેના તો વજનનો પણ અંદાજ નથી!

આ પુસ્તકોની કુલ કિંમત કેટલી હશે? ફ્રેન્કલી, નો આઈડિયા, પણ એટલું ખરું કે જો મેં જીવનમાં એકપણ પુસ્તક ખરીદ્યું ન હોત તો આજે હું ભાડાના ઘરને બદલે મારા પોતાના ઘરમાં રહેતો હોત. પણ ઈન ધેટ કેસ એ ઘર, ઘર ન હોત ને એ હું, હું ન હોત. એક વાત કહું? ન કરે નારાયણ ને મારી આ આખી લાયબ્રેરી વરસાદ કે આગમાં નષ્ટ પામે તો હું મારી કિડની વેચીને પણ આ તમામ પુસ્તકો ફરીથી વસાવું એટલું મૂલ્ય અને મમત્વ મને મારી લાયબ્રેરી માટે છે.

(જય વસાવડા)

હવે તો મેં પુસ્તકોની ગણતરી કરવાનું બંધ કર્યું છે પરંતુ છેલ્લે જ્યારે ગણેલા ત્યારે ટોટલ 15,000 જેટલાં પુસ્તકો હતાં, જેમાં વિવિધ મેગેઝિન્સના વિશેષાંકોનો પણ સમાવેશ થાય છે. વિવિધ મેગેઝિન્સ નિયમિત રીતે સ્પેશિયલ એડિશન બહાર પાડતા હોય છે, જે પુસ્તકો જેવા જ હોય છે એટલે એવા અંકોને પણ હું પુસ્તક તરીકે ગણતરીમાં લઉં છું. આ આંકડો ગયા વર્ષનો છે અને હમણાં થોડાક સમયથી હું પુસ્તકો ઓછા ખરીદું છું એટલે હજાર બારસો જેટલાં પુસ્તકોનો વધારો થયો હશે. એટલે રફલી એ આંકડો 16000 જેટલો ગણી શકાય.

મારાં તમામ પુસ્તકોની કિંમત આંકવા બેસીએ તો એ કિંમત લાખોમાં પહોંચે. મારી પર્સનલ લાઇબ્રેરીમાં અમુક તો રેર પુસ્તકો છે, જે માર્કેટમાં તો નહીં જ હોય પણ પુસ્તકના પ્રકાશકો પાસે પણ નહીં હોય! એવા અનેક પુસ્તકોની કિંમત નહીં આંકી શકાય. પણ તોય ધારોકે આપણે સોળ હજાર પુસ્તકોને માત્ર સો રૂપિયાથી ગુણીએ તોય મારા પુસ્તકોની કિંમત સોળ લાખ પર પહોંચે અને આગળ કહ્યું એમ અમુક પુસ્તકો દુર્લભ છે અને કેટલાંય પુસ્તકો ઘણી ઊંચી કિંમતના છે એટલે મારી ગણતરી મુજબ તો એ આંકડો પચાસ લાખની પાસે પહોંચી જાય. મારા ઘણા મિત્રો મારી મજાક કરતા હોય છે કે, જેટલા પૈસા મેં પુસ્તકોની પાછળ ખર્ચ્યા છે એટલા પૈસા મેં શેર માર્કેટમાં રોકેલા હોત તો અત્યાર સુધીમાં હું કરોડો કમાયો હોત!

(જ્યોતિ ઉનડકટ)

લાઇબ્રેરીમાં કેટલાં પુસ્તકો છે એ કરતાં કેવા પ્રકારના પુસ્તકો છે એ વધુ મહત્ત્વનું છે. છતાંય ત્રણેક હજાર પુસ્તકો હશે. કિંમત કદીય આંકી નથી પણ અમુક રેર કહી શકાય એવા રુગવેદ સંહિતા જેવાં પુસ્તકો પણ ખરાં.

(શિશિર રામાવત)

મારી લાઇબ્રેરીમાં કેટલાં પુસ્તકો હશે, એમ? એક્ચ્યુઅલી, પુસ્તકોનું લિસ્ટ મેન્ટેઇન કરવું જોઈએ. કમનસીબે મેં નથી કર્યું. હું 'ચિત્રલેખા'માં બુક રિવ્યુની કોલમ લખું છું એટલે મને પ્રકાશકો તરફથી વાયા ઓફિસ થઈને દર પંદર દિવસે-મહિને નવાં નવાં ગુજરાતી પુસ્તકોનાં થપ્પાં આવતાં રહે છે. વપરાશ પૂરો થઈ ચૂક્યો હોય તેવાં પુસ્તકોને વિદાય કરીને લાઇબ્રેરીમાં ડોનેટ કરી દેતો હોઉં છું. સ્થાયી અને પ્રિય પુસ્તકોનો આંકડાનો અંદાજ લગાઉં તો મને લાગે છે કે દોઢ-બે હજાર પુસ્તકો તો હોવાં જોઈએ.

(અંકિત ત્રિવેદી)

મારે ત્યાં આશરે 5થી 7 હજાર પુસ્તકો છે પણ એ બધાની કિંમત નહીં આંકી શકું... વહાલની વાત છે દોસ્ત.

પ્રશ્નઃ તમને પુસ્તક ખરીદી કરવાની કઈ ઢબ વધુ ગમે? બુકશૉપમાં જઈને પુસ્તકોની ખરીદી કરવાનું ગમે કે ઑનલાઇન પરચેઝ કરવાનું ગમે?

(કૃષ્ણકાંત ઉનડકટ)

હું બંનેમાંથી એક પણ રીતે ખોટી નથી ગણતો પણ મેં ક્યારેય ઑનલાઇન પુસ્તકો ખરીદ્યા નથી. મેં બુકશૉપ્સ કે ક્રોસવર્ડમાં જઈને જ પુસ્તકોની ખરીદી કરી છે.

(સૌરભ શાહ)

બુકશૉપમાં જઈને ખરીદવાની મઝા કે પુસ્તક મેળામાં ફરીને પુસ્તકોને પંપાળવાની મઝા વર્ષો સુધી માણી. હવે 80 ટકા ખરીદી ઑનલાઇન થાય છે.

(જય વસાવડા)

ઑનલાઇન ખરીદી કરવાનું વધુ ગમે. બુકશૉપમાં જવાનો તો હવે થાક લાગે! બુક શૉપમાં હું ટ્રાવેલર તરીકે એકાદ ચક્કર મારી આવું છું. ત્યાં કોઈક પુસ્તક ગમે તો એના ફોટોગ્રાફ્સ પાડી લઉં અને પછી ઘરે આવીને એને ઑનલાઇન ઓર્ડર કરી દઉં.

(જ્યોતિ ઉનડકટ)

બુકશૉપમાં જઈને શોપિંગ કરવું વધુ ગમે. ઑનલાઇન પુસ્તક ખરીદવાની આદત નથી કેળવી શકી.

(શિશિર રામાવત)

મને તો પુસ્તક ખરીદવાની બંને રીત ગમે છે. બુકશૉપમાં જવાનો અલગ જ ચાર્મ હોય છે. પુસ્તકોને હાથમાં ઉઠાવીને, એના પર હળવેથી આંગળીઓ પસરાવીને ફીલ કરવાનો આનંદ અનોખો છે. પણ મને તો મારા બેડરુમમાં પગ લાંબા કરીને, પીઠ પાછળ તકિયો ગોઠવીને ને ખોળામાં લેપટોપ મૂકીને (અને કયારેક તો વળી સૂતાં સૂતાં) પુસ્તકોની વેબસાઈટ્સ પર લટાર મારવામાં પણ એટલી જ મોજ પડે છે. મેં જોયું છે કે આ ઑનલાઇનનું ફિતૂર શરૂ થયું છે ત્યારથી મારું પુસ્તકોનું શોપિંગ ખાસ્સું વધી ગયું છે. હવે તો મારા બેટા ઑનલાઇનવાળાઓ પણ વારેતહેવારે પુસ્તકોનું 'સેલ' ગોઠવતાં થઈ ગયા છે

(અંકિત ત્રિવેદી)

બંને… જોકે વધુ મજા બુકશૉપમાં જઈને પુસ્તકો ખરીદવાની આવે.

પ્રશ્નઃ તમને ઈ-બુક્સ વાંચવાની ગમે કે પુસ્તક હાથમાં લઈને વાંચવાનું ગમે?

(કૃષ્ણકાંત ઉનડકટ)

મને ઈ-બુક્સ વાંચવાની ગમે છે પણ સૌથી વધુ મજા સૂતાં સૂતાં પુસ્તક હાથમાં લઈને વાંચવાની જ વધુ ગમે.

(સૌરભ શાહ)

મારા કિન્ડલ પર અને ફોન પરની કિન્ડલની એપ પર ઘણાં પુસ્તકો છે. વાંચું પણ છું. પણ વાંચવાની બાબતમાં હું જૂનવાણી છું. નવું પુસ્તક હાથમાં લઈને પાનાં ફેરવતાં વાંચવાની જે મઝા આવે છે તે આનંદ પડિયામાં બાબુલનાથની પાણીપૂરી ખાવા જેટલો અવર્ણનીય છે.

(જય વસાવડા)

મને બંને રીતો ગમે છે અને બંને કમ્ફર્ટ પણ લાગે છે. હા, જોકે પુસ્તક હાથમાં લઈને વાંચવાની એક આગવી સાહ્યબી હોય છે એ વાત સાચી.

(જ્યોતિ ઉનડકટ)

-બુક્સ વાંચવા સામે દેખીતી રીતે કોઈ વાંધો નથી પણ પુસ્તક હાથમાં હોય ત્યારે તે પુસ્તકના શબ્દો સાથે જોડાયેલાં હોઈએ એવું લાગે.

(શિશિર રામાવત)

કિંડલ પર વાંચવાની મજા આવે જ છે પણ અનુભવે મને સમજાયું છે કે પરંગપરાગત પુસ્તકો તરફ મારું મન વધારે ઢળે છે. વધારે મહત્ત્વનાં કે વધારે ગમતાં પુસ્તકો હું હાર્ડ કોપીમાં જ ખરીદવાનું પસંદ કરું છું, કિંડલ વર્ઝનમાં તે વધારે સસ્તાં પડતાં હોય તો પણ.

(અંકિત ત્રિવેદી)

હાથમાં લઈને વાંચવું વધારે ગમે.

પ્રશ્નઃ તમે કોઈને તમારાં પુસ્તકો વાંચવા આપો ખરા? જો વાંચવા આપતા હોય અને એ પુસ્તક તમારી પાસે નહીં આવે તો તમે શું કરો?

(કૃષ્ણકાંત ઉનડકટ)

કોઈ મારી પાસે પુસ્તક માગે તો હું એમને ના પાડી શકતો નથી. એ મારી કમજોરી છે એટલે પુસ્તક પાછું આપવાની શરતે હું ઘણાં લોકોને પુસ્તકો વાંચવા આપતો હોઉં છું. જો મારે કોઈ પુસ્તકો નહીં આપવા હોય તો એ પુસ્તકો હું કોઈને બતાવતો જ નથી. એ પુસ્તકોને હું મારી ખુલ્લી લાઇબ્રેરીમાં રાખતો નથી, એ માટે મેં મારી બેડરૂમમાં મેં એક અલાયદું કબાટ રાખ્યું છે. અને ભૂલેચૂકે પણ એવાં પુસ્તકો પર કોઈની નજર પડે તો હું એમને ફોડ પાડીને કહી દઉં છું કે, આ પુસ્તક તમે મારી પાસે માગતા નહીં.

(સૌરભ શાહ)

હું મારાં પુસ્તકો કોઈને ય 'વાંચવા' નથી આપતો. કોઈ મિત્રને મારા કલેક્શનમાંનું પુસ્તક ખૂબ ગમે ને વાંચવા માગે તો હું, એ જો બજારમાં મળતું હોય તો એ નકલ ભેટ આપીને નવી નકલ મારા માટે મગાવી લઉં અને જો આઉટ ઑફ પ્રિન્ટ હોય તો ફોટોકૉપી કરીને કુરિયર કરી દઉં.

(જય વસાવડા)

શરૂઆતમાં હું ખૂબ ઉદારતાથી લોકોને પુસ્તકો આપતો. ત્યારે મારા મમ્મી એ બધું મેનેજ કરતાં અને જે જે લોકો મારે ત્યાંથી પુસ્તકો લઈ ગયા હોય એમની પાસે ઉઘરાણી કરતા પણ મમ્મી ગુજરી ગયાં પછી મને ઘણા કડવા અનુભવો થવા માંડ્યા. કોઈ જોવા માટે પુસ્તકો લઈ જાય તો કોઈ વાંચવા માટે લઈ જાય, જેમાંના કેટલાંક આપે તો કેટલાંક પુસ્તક પરત ન પણ કરે. તો કેટલાંકને હું જ સામેથી કહી દઉં કે, ‘ભાઈ, હવે જવા દો તમે જ રાખી લ્યો.’ આ રીતે મારા સોથી દોઢસો પુસ્તકો ગેરવલ્લે થયાં છે. વચ્ચે મેં એની નોંધ કરવાનું પણ નક્કી કરેલું પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી હું મારા કલેક્શનમાંથી કોઈને પુસ્તકો નથી આપતો. કોઈને મારે ત્યાંનું કોઈ પુસ્તક ગમી જાય તો હું એને નવું પુસ્તક મગાવીને ભેટ આપી દઉં છું.

ભેટ આપવાની બાબતે એક બીજી વાત પણ જણાવું કે, મને કોઈ પુસ્તક ગમી જાય તો હું એ પુસ્તકની પચ્ચીસેક કોપી ખરીદી લઉં છું અને પછી મિત્રો, મુલાકાતીઓ, વાચકો અથવા એ મહિનામાં કોઈકના લગ્નમાં જવાનું હોય તો એમને હું એ પુસ્તક ભેટમાં આપું છું.

(જ્યોતિ ઉનડકટ)

હા, વાંચવા આપું ખરી. પણ મારી પાસે પરત ન આવે તો બહુ જ બહુ જ મોકળા મને સામેવાળાને યાદ અપાવું કે મારું પુસ્તક વાંચીને તમારી અનુકૂળતાએ પરત આપી જજો. સામેથી ફોન કરીને પણ યાદી અપાવું. કદાચ સામેવાળાને ન ગમે પણ હું પુસ્તક પરત ન મળે ત્યાં સુધી ચેનથી ન બેસી રહું.

(શિશિર રામાવત)

ઓફકોર્સ, જેન્યુઇન માણસોને હું મારાં પુસ્તકો વાંચવા આપું જ છું. પુસ્તક પાછું ન આવે તો રિમાઈન્ડ કરાવવાનું અથવા એ વ્યક્તિના ઘરે જઈએ ત્યારે યાદ કરીને પાછું લઈ આવવાનું, બીજું શું!

(અંકિત ત્રિવેદી)

હું મારા અને અન્ય તમામના પુસ્તકો ભેટ જ આપું છું એટલે પાછા માગવાની વાત જ નથી.

પ્રશ્નઃ તમારાં સૌથી પ્રિય પાંચ પુસ્તકો કયાં?

(કૃષ્ણકાંત ઉનડકટ)

જ્યોતિ ઉનડકટનાં બે પુસ્તકો ‘વાચા’ અને ‘તારે મન મારે મન’ મારા દિલની નજીક છે. આ ઉપરાંત પાંચ પુસ્તકોની યાદી કરવાની હોય તો એ નીચે મુજબ છે.

લા મિઝરેબલઃ વિક્ટર હ્યુગો

અલકેમિસ્ટઃ પાઉલો કોએલો

ન હન્યતેઃ મૈત્રેયી દેવી

રેવન્યુ સ્ટેમ્પઃ અમૃતા પ્રીતમ

ડૉન કિહોતેઃ સર્વેન્ટીસ

(સૌરભ શાહ)

પાંચ નહીં પણ દસ પુસ્તકોની યાદી બનાવી છે.

1. શિયાળાની સવારનો તડકો : વાડીલાલ ડગલી

2. છ અક્ષરનું નામ : રમેશ પારેખ

3. મારા અનુભવો : સ્વામી સચ્ચિદાનંદ

4. અનાસક્તિ યોગ : ગાંધીજી

5. ક્રમશઃ ચંદ્રકાંત બક્ષી

6. મારી હકીકત : નર્મદ

7. કુળ કથાઓ : સ્વામી આનંદ

8. લિખિતંગ હું આવું છું : ઝવેરચંદ મેઘાણી

9. વિનોદની નજરે : વિનોદ ભટ્ટ.

10. પ્રિયજનઃ વિનેશ અંતાણી

(જય વસાવડા)

દુખિયારાઃ વિક્ટર હ્યુગો

સાહસિકોની સૃષ્ટિઃ જૂલે વર્ન

પલકારા અને પ્રતિમાઓઃ બંને ઝવેરચંદ મેઘાણીના

ફાઈવ પોઈન્ટ સમવનઃ ચેતન ભગત

માઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટોઃ એલેક્ઝાન્ડર ડૂમા

(જ્યોતિ ઉનડકટ)

પોલીએનાઃ એલીએનોર પોર્ટર

લા મિઝરેબલઃ વિક્ટર હ્યુગો

સત્યના પ્રયોગોઃ ગાંધીજી

ચિંતનની પળેઃ કૃષ્ણકાંત ઉનડકટ

ચાર્લી ચેપ્લિનની આત્મકથા

(શિશિર રામાવત)

સૌથી પ્રિય પાંચ પુસ્તકોનાં નામ કહેવા અઘરાં છે પણ છતાંય રેન્ડમ્લી જે મનમાં આવે છે તે કહું છું

ઉમાશંકર જોશીનું કંપાઈલેશન 'સર્જકની આંતરકથા'

સમગ્ર ચંદ્રકાંત બક્ષી,

સમગ્ર મધુ રાય,

એન રેન્ડની 'ફાઉન્ટનહેડ',

રમેશ પારેખનું 'છઅક્ષરનું નામ',

ફાધર વાલેસનું 'શબ્દલોક'.

(અંકિત ત્રિવેદી)

અત્યારના મૂડ પ્રમાણે કહું તો

મરીઝનાં બંને આગમન, ‘નકશા

રસિદી ટીકટ

બક્ષીનામા

વાલ્મીકિ રામાયણ

પ્રશ્નઃ કોઈ એક પુસ્તક લઈને તમને સ્વર્ગમાં જવાનું કહેવામાં આવે તો તમે કયું પુસ્તક સાથે લઈને જાઓ?

(કૃષ્ણકાંત ઉનડકટ)

તો હું ભગવદ્ ગીતા સાથે લઈને જાઉં અને જો હજુ એક પુસ્તક સાથે લઈને જવાની પરવાનગી મળે તો હું સત્યના પ્રયોગોલઈને જાઉં.

(સૌરભ શાહ)

સ્વર્ગમાં જ જવાનું હોય તો એકપણ પુસ્તક શું કામ સાથે લઈ જઉં. ત્યાં મઝા કરવા માટે કેટલી બધી અપ્સરાઓ છે, મદિરાની નદીઓ છે. એમાંથી ફુરસદ મળે તો પુસ્તક વંચાય ને!

પણ મારી કરમ-કુંડળી જોતાં સ્વર્ગમાં જવાના ચાન્સીસ બહુ પાંખા છે. એટલે નરકમાં જ જવાનું આવશે. અને તો હું મરણ પથારીએ રહીને મારા પ્રિય લેખક ચન્દ્રકાંત બક્ષીનું જે પુસ્તક હાથમાં આવશે તે લઈ જઈશ. ઑન સેકન્ડ થૉટ, પુસ્તક ઉપાડીને લઈ જવાની કોઈ મહેનત કરવાની જરૂર નહીં પડે. ખુદ લેખક પોતે જ મને ત્યાં મળી જશે!

(જય વસાવડા)

સ્વર્ગમાં જઈને પણ પુસ્તકો જ વાંચવાના હોય તો સ્વર્ગમાં જવાનો અર્થ શું? સ્વર્ગમાં તો ઘણુંબધું માણવાનું હોય છે એટલે જ તો એને સ્વર્ગ કહેવાય છે! એટલે સ્વર્ગમાં હું એકપણ પુસ્તક નહીં લઈ જાઉં અને ત્યાં જે કંઈ હશે એને માણીશ.

(જ્યોતિ ઉનડકટ)

પોલીએના

(શિશિર રામાવત)

આ સવાલનો કોઈ ચોક્કસ જવાબ નહીં આપી શકું.

(અંકિત ત્રિવેદી)

'આગમન'

પ્રશ્નઃ ક્યારેય પુસ્તકોની ચોરી કરી છે ખરી? એટલે કે કોઈક લાઇબ્રેરીમાંથી અથવા મિત્રને ત્યાંથી કે કોઈક સંબંધીને ત્યાંથી ગમતું પુસ્તક ઉઠાવી લીધું હોય એવું?

(કૃષ્ણકાંત ઉનડકટ)

ના મેં કોઈ દિવસ એવું નથી કર્યું, મેં જેમની પાસે પણ પુસ્તકો લીધા હોય એમને પાછા આપી જ દીધા છે. હા, એવું બન્યું છે કે, મને કોઈ પુસ્તક ગમી જાય તો કોઈની પાસે માગીને એ લઈ લઉં, પણ ચોરી ક્યારેય નથી કરી.

(સૌરભ શાહ)

તમને શું લાગે છે, આ બધાં પુસ્તકો મારી પાસે કેવી રીતે આવ્યાં! હવે તો હું પુસ્તકોની નહીં, સીસમના લાકડામાંથી બનેલી થોડીક બુક્સ મૂકવાની અભરાઈઓની તલાશમાં છું. સવાલ એ છે કે સામેવાળાને કન્વિન્સ કેવી રીતે કરું કે અઠવાડિયામાં તમારી બુક શેલ્ફ પછી આપી જઈશ!

(જય વસાવડા)

મેં જે કરેલું એને ચોરી કહેવાય કે નહીં એ વાચકોને જ નક્કી કરવા દઈએ. કોઈક લાઇબ્રેરીમાંનું અથવા કોઈકનું પુસ્તક મને ગમી જાય તો હું એમને કહું કે, ‘થોડા સમય માટે તમે મને આ પુસ્તક આપો, સાંજ સુધીમાં એની ફોટોકોપી કરાવીને હું તમને પાછું આપી જઈશ.’ આ ઉપરાંત એક વાર મેં એવું કરેલું કે, ગોંડલની લાઇબ્રેરીવાળા લાઇબ્રેરીનાં કેટલાંક પુસ્તકોને પસ્તીમાં મોકલી દેવાનાં હતાં. કોઈક પુસ્તકનું પૂઠું ફાટી ગયું હોય કે કોઈનાં પાનાં ફાટી ગયાં હોય એવાં અનેક પુસ્તકોને તેઓ ડિસ્પોઝ કરવાનાં હતાં. મેં જોયું કે, એમાંનાં ઘણાં પુસ્તકો દુલર્ભ હતાં એટલે મેં મારી દોસ્તીનો લાભ લઈને એમને કહ્યું કે, ‘તમે પરવાનગી આપો તો હું કેટલાંક પુસ્તકો સિલેક્ટ કરી લઉં. કાનૂની રીતે જોવા જઈએ તો એ પુસ્તકો કોઈને આપવા માટેનાં ન હતાં, એ પુસ્તકોને ડિસ્પોઝ કરવાનાં હતાં પણ મેં મારા સંબંધોનો લાભ લઈને એ પુસ્તકો ઘરભેગા કરેલાં!

(જ્યોતિ ઉનડકટ)

હા, બે પુસ્તકો ચોર્યાં છે. લાઇબ્રેરીમાંથી જ. પન્નાલાલ પટેલની મળેલા જીવઅને બીજું પુસ્તક તો ક્યાંય અવેલેબલ નથી એટલે નામ નહીં કહી શકું.

(શિશિર રામાવત)

પુસ્તકની ચોરી? હે ભગવાન આ શું પૂછી નાખ્યું તમે? હેલ નો... ના... નક્કો!

(અંકિત ત્રિવેદી)

ના... ચોરી કરવાનું મન થાય એવું પુસ્તક સીધું ખરીદ્યું જ છે.

પ્રશ્નઃ તમે લખેલાં સંપાદિત કરેલાં પુસ્તકોની સંખ્યા કેટલી?

(કૃષ્ણકાંત ઉનડકટ)

મારાં પુસ્તકોની સંખ્યા પાંચ છે અને છઠ્ઠું આજકાલમાં આવશે.

(સૌરભ શાહ)

લખેલાં પુસ્તક : 10,સંકલન : 1,સંપાદન : 1

(જય વસાવડા)

તાજા આંકડા મુજબ જોઈએ તો મેં લખેલાં કે સંપાદિત કરેલાં પુસ્તકોની સંખ્યા સત્તર છે.

(જ્યોતિ ઉનડકટ)

સંપાદન નથી કર્યું પણ મારાં પોતાનાં બે પુસ્તકો છે, મારી કૉલમ્સનો સંગ્રહ વાચાઅને 'તારે મન મારે મન

(શિશિર રામાવત)

મેં લખેલાં પુસ્તકો પાંચ અને અનુદિત પુસ્તક એક. એટલે કુલ છ.

(અંકિત ત્રિવેદી)

સંપાદિત - 11 અને સંકલન - 6

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.