મેં શું આપ્યું ? હું શું પામી ?
વર્ષોથી વિદ્યાર્થીઓથી વીંટળાયેલાં રહેવાનાં, એમના પ્રશ્નોમાં અટવાતાં રહેવાના અને એમના વ્યક્ત-અવ્યક્ત પ્રેમમાં ભીંજાયેલા રહેવાના મારા અનુભવ પછી દરેક માતૃદિવસે મને એક પ્રશ્ન થાય કે તમારા કોઠામાં ન આળોટ્યા હોય એ સંતાનોનો નાતો જન્મ આપેલ સંતાનોથી ઓછો ગાઢ હોય? મા થવા માટે જન્મદાતા હોવું અનિવાર્ય છે? હું આમાંની એકેય વાત સાથે સંમત નથી. આમ પણ દીકરી ભણીગણીને સાસરે જાય, સમય મળે કે તમને જરૂર પડ્યે એ મળવા આવે... દીકરા પોતાની પળોજણોમાં અટવાયેલા હોય તોયે તમારા માટે દોડતા રહે, તમારી જિંદગી શક્ય તેટલી સરળ રહે તેની કોશિશ કરતા રહે... તમે જન્મ આપ્યો હોય તોયે સંતાનો આનાથી વિશેષ કશું કરી શકતા નથી. નસીબે જો લડાઈ-ઝઘડો કરનારાં સંતાનો તમારા ભાગે ફાળવ્યા તો તો પછી કપાળ જ કૂટવાનું રહે નસીબમાં. ‘આના કરતાં તો ભગવાને/ ખુદાએ વાંઝિયા રાખ્યા હોત તો સારું હતું...’ એવું ફળફળતા નિશ્વાસ સાથે બોલતા કેટલાય મા-બાપને મેં સાંભળ્યા છે. આ પરિસ્થિતિમાં હું મારા સંતાનોને યાદ કરું તો ઈશ્વર પ્રત્યે આભારની લાગણીથી છલછલી જવાય છે.
કૉલેજે તો જિંદગીભરનો નાતો સાચવે એવા વિદ્યાર્થી આપ્યા જ પરંતુ 1997થી કૉલેજની લેડિઝ હોસ્ટેલની રેક્ટર બનતાની સાથે જ ઉપરવાળાએ સેંકડો દીકરીઓ એકસાથે આપી. આમ તો અમારો નાતો નિયમ તોડવાનો અને પરિણામે વઢવાનો હતો. સવાસો છોકરીઓ સાથે આનાથી વધારે નાતાની જરૂર પણ શી હોય? પરંતુ ખબર નહીં હું એ તમામની જિંદગીમાં અટવાતી ગઈ ને એ તમામ પણ મારામાં ગૂંથાતા ગયાં. ઉગતાથી આથમતા રખડવું, માંદા પડવું, પ્રેમમાં પડવું, લડવું... આ તમામ પ્રશ્નો ઠલવાતાં રહ્યા મારી પાસે. ઉકેલ માટે સહિયારી મથામણ, સમજાવટ કે પછી ગુસ્સે થવું... મને ખબર પણ ન પડી ને આ પતંગિયા જેવી છોકરીઓ મારા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગઈ... એમની સગવડો માટે હું સંસ્થા સાથે લડતી રહી ને મારી સુખાકારી માટે આ દીકરીઓ દોડતી રહી. દર વર્ષે સાત-આઠ દીકરી એટલી નજીક આવી જાય કે એમનું ખાવું-પીવું-વાંચવું બધું જ મારી સાથે માત્ર સુવા માટે જ એ લોકો એમની રૂમમાં જાય. આ બધા વર્ષો આ દીકરીઓ સિવાય મારી જિંદગીમાં જાણે કોઈ હતું જ નહીં! એમના માટે કવિસંમેલનો, ફિલ્મો, ફિલ્મ વર્કશોપ, મનોરંજન કાર્યક્રમો... નોકરી પછીનો મારો બધો સમય જાણે કે એમને હવાલે હતો.
વર્ષ બદલાય, દીકરીઓ બદલાય... ભણવાનું પૂરું કરીને જતી દીકરીઓ વળગી-વળગીને એટલું રડાવે કે દર વર્ષે મને આ જવાબદારી છોડી દેવાનું મન થાય. દર વર્ષે ખાલી થઈ જવાય રડી રડીને ને વળી બીજે વર્ષે જેમના પર ઠલવાઈ શકાય એવી દીકરીઓ આવી મળે... આ દીકરીઓએ મને જિંદગીના કેટકેટલા ચહેરા બતાવ્યા? દરેકની કથા અલગ હતી. ક્યાંક મા નવી હતી તો કોઈનો બાપ નઠારો હતો. કોઈક ઘરમાં દીકરીનું મહત્ત્વ નોતું તો ક્યાંક માંદગીમાં ભૂવા પાસે જવું ફરજિયાત હતું. ક્યાંક બુરખામાંથી મોં બહાર નીકળે તો કયામત ઊતરી આવતું. આ દીકરીઓના તમામ પ્રશ્નો કઈ ક્ષણે મારા થઈ ગયા એની મને ખબર પણ ન રહી. મારે અંગત કે વ્યવહારજગત સાથેની કોઈ જિંદગી જાણે કે રહી જ નહીં, એમની અનંતકથાઓ સાંભળનારી હું એકલી જ હતી. કદીક થાકી હોઉં, કંટાળી હોઉં અને જો ન સાંભળું તો ખલાસ... બીજા દિવસથી એ દીકરીની નજર ફરિયાદ કર્યા જ કરે. એ ચીરી નાખતી નજર ત્યારે જ નીચી થાય જ્યારે હું એની વાત કાન દઈને સાંભળું... આ પીડાઓ ક્યારેક રાતે દોઢ-બે વાગે પણ ઠલવાય! આ તમામ દીકરીઓના નામ, ગામ એ શામાં ભણતી એ મને આજેય હૈયાવગા... એટલે એકેય નામ નથી લખતી... મારા માટે એ બધી સરખી જ વહાલી હતી. અમે કદી નાત-જાત-ધર્મના ભેદભાવ અમારી હોસ્ટેલમાં પ્રવેશવા નોતા દીધા... તમામ તહેવારો ધામધૂમે ઉજવતી દીકરીઓને નર્યા માણસ બનાવવા હું મથતી. હોળી-ધૂળેટીના રંગો સાથે અમે ઈદની ઉજવણી પણ માણી. મારી બુરખાધારી દીકરીઓ ગરબા લેતી થઈ તો બાકીની બધી એમની સહેરી-ઈફતારની ચિંતા કરતી થઈ. આટલા તહેવાર ઓછા પડતા હોય એમ મારા જન્મદિવસને પણ આ દીકરીઓને તહેવારમાં પલટી નાંખેલો. એમના કોમનરૂમને કલાકો સુધી સજાવે, કેક કાપે ને પછી અર્ધી રાત સુધી નાચે... બદલામાં મારે એમને એમનો ભાવતો આઈસ્ક્રીમ ખવડાવવાનો. આવા ઠાઠથી કોઈનો જન્મદિવસ ઉજવાતો હશે ખરો? આટલાં વર્ષોમાં મને આવી કેટલી દીકરીઓ મળી? મારી પોતાની દીકરી હોત તો પણ કદાચ આટલી કાળજી એણે ન જ લીધી હોત. મને શ્વાસ ચડે તો બધી આખી રાત જાગે. સવારે જરાક મોડી ઊઠું તો દસ-બાર ડોકાઈ જાય. માથામાં તેલ ઘસી આપવા માટે હરીફાઈમાં ઉતરે. રાતે લખતી હોઉં ત્યારે કમર દબાવી આપવા માટે મારી સાથે જાગે... મારા એક બોલે કુરિયર, ઝેરોક્ષ, બેંકના કામકાજ પતાવી આપતી આ દીકરીનો મારી જાદુની છડીઓ હતી. આજે હૉસ્ટેલ છૂટી ગઈ છે ત્યારે કેટલી વીસે સો થાય એનું યે ભાન થાય છે. ખરું કહું તો જ્યારથી હૉસ્ટેલ છોડી છે ત્યારથી મને તમામ તહેવાર બે-રંગ લાગે છે, રાતનું જમવાનું બેસ્વાદ લાગે છે, હવે જાણે કે મારો જન્મદિવસ આવતો જ નથી. દીકરીની વિદાય પછી દુનિયાની તમામ મા જે અનુભવે એનાથી મારો અનુભવ જરાય જુદો નથી.
હજી આ દીકરીઓ મળવા આવે છે પણ સાસરવાઈ દીકરી જેવું… વીતેલી મજાની ક્ષણોને મમળાવે, નવા જીવનની વાતો કરે પણ એમની મુશ્કેલીઓ એમના સુધી જ રાખે. મને ન કહે... ને હું મનોમન બોલતી રહું... ખરેખર જિંદગીએ મારા આ પતંગિયાઓને ડાહ્યા કરી દીધા... સાવ નાની મુશ્કેલી કહી સંભળાવતી આ દીકરીઓને સમયે કેવી તો ઠાવકી કરી દીધી છે! મોટાભાગની આવે, કેટલીક ફોન કે ફેઈસબૂકથી મળીલે... પણ કેટલીક કદી નથી આવી એની મને ખરેખર ચિંતા થાય... એવા કેવા સંજોગો હશેકે એ એકાદવાર પણ મેડમ! કહી ટહુકી નથી? પણ મારી આ ચિંતા હવે મારી જ રહે છે.
સ્વાભાવિક છે કે આર્ટસ કૉલેજ હોવાને કારણે, લેડિઝ હૉસ્ટેલની રેક્ટર હોવાને કારણે મને ઈશ્વરે દીકરીઓ જ વધારે આપી... પણ બે એવા દીકરા પણ આપ્યા, જેમના વગર જિંદગી વધુ આકરી લાગે... ઈમરાન અને જગદીશ... ઈમરાન આમ તો અંગ્રેજીનો વિદ્યાર્થી પણ ‘અભ્યાસવર્તુળ’માં આવે... આગવી તેજસ્વીતા ધરાવતો આ છોકરો પેલી નજરે મનમાં વસી ગયેલો... ધીમે ધીમે નજીક આવતો ગયો ને હવે આજે તો એ હાલત છે કે ઈમરાન વગરની મારી જિંદગીની હું કલ્પના જ નથી કરી શકતી. મારા તમામ પ્રકારના બિલ, રિપેરિંગ, ટાઈપિંગ કે બીજા કામ એ એની ગમે તેવી વ્યસ્તતા વચ્ચે પણ દોડીને કરે... અર્ધી રાતે ફોન કરું તોયે, હા મેડમ... પ્રેમ અને વિશ્વાસના નાતાએ ઈમરાનને દીકરાથી પણ વિશેષ બનાવી દીધો મારા માટે... એવું જ જગદીશનું... ઈમરાન મારા બહારના મોર્ચા સંભાળે તો જગદીશ ઘરના... ઝાડવા વાવવા, ઉછેરવાના મારા શોખનો ભાર એ વેઠે, પુસ્તકોની ગોઠવણી, સફાઈ એના માથે... આ બેઉ દીકરા વગરની મારી જિંદગીની કલ્પના મને ખાસ્સી અઘરી લાગે.. અમારી વચ્ચે એવો નાતો છે કે પ્રશ્નો કે પ્રેમ વ્યક્ત કરવાની જરૂર નથી પડતી... આપોઆપ પરસ્પર સુધી પહોંચી જાય છે...
મને કાયમ થાય કે જન્મ આપ્યો હોત તો એકાદ-બે સરસ સંતાનો મળ્યા હોત. પણ વગર જન્મ આપ્યે આવા સરસ સંતાનો મેળવનાર મારા જેવી નસીબદાર મા કેટલી હશે જેને તેના સંતાનો ગઈકાલ જેટલી જ આજે પણ ચાહતા હોય?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર