રામાયણનો સુવર્ણમૃગ બજારમાં ભટકે છે

13 Feb, 2016
12:00 AM

mamta ashok

PC:

સંબોધિ પ્રાપ્ત થઈ તે ક્ષણે સિદ્ધાર્થમાંથી બુદ્ધ બનેલા તથાગતના ઉદ્દગાર હતા : ‘અમૃતનાં દ્વાર ખૂલી ગયાં છે (અપારુતા અમરસ્સ દ્વારા).’ આમ નિર્વાણને બારણે ટકોરા દઈને ભગવાન બુદ્ધ પાછા ફર્યા અને લગભગ પચાસ વર્ષ સુધી સામાન્ય માણસ પણ સમજે એવી (પાલિ) ભાષામાં ગામેગામ ફરીને ઉપદેશ આપતા રહ્યા. એમની અપાલ કરુણાનું રહસ્ય નિર્વામ સુધી પહોંચીને માનવતાની માવજત માટે પાછા ફરવામાં રહેલું છે. કરુણા વિના માનવતા ટકી ન શકે. માનવતા છે, તો ધર્મ છે. કરુણા વિના धर्मोदय શક્ય નથી.

એક વૃદ્ધ માતા પોતાના દીકરા સાથે ગામમાં રહેતી હતી. પાડોશીઓને ત્યાં વાસણ-કપડાં કરીને એ નિર્વાહ કરતી હતી. તેણે એક ગાય રાખી હતી. મા-દીકરાને ભગવાન બુદ્ધ પ્રત્યે ઊંડો શ્રદ્ધાભાવ હતો. મા જબરી કરકસર કરીને એક એક પૈસો બચાવતી હતી. એની ખાસ ઈચ્છા હતી કે પોતાનો દીકરો મોટો થઈને જે વૃક્ષની નીચે તથાગતે તપ કર્યું હતું તે વૃક્ષની યાત્રાએ જાય.

દીકરો મોટો થયો. માતાએ દીકરાને તીર્થયાત્રાએ મોકલતી વખતે કહ્યું : ‘બેટા! જીવનભર મજૂરી કરીને બચાવેલી આ રકમ તને આપું છું. વળી આ સોનાનો ટુકડો પણ આપું છું. તેમાંથી તું બુદ્ધ ભગવાનનો દાંત ખરીદજે. સાચવીને સહેજે.’ માતાએ દીકરાને સ્વચ્છ કપડાં પહેરાવ્યાં અને આંસુભરી વિદાય આપી.

દીકરો રૂપાળો હતો અને યુવાન હતો. રસ્તે જતાં એક નગર આવ્યું. દીકરાનું ચંચળ મન બીજી આકર્ષક બાબતોમાં પરોવાયું અને બધી રકમ ખર્ચાઈ ગઈ. સોનાનો ટુકડો પણ ન બચ્યો. સવારે ઊઠ્યો ત્યારે એ બિચારા પાસે માથાના દુ:ખાવા સિવાય બીજું કશું બચ્યું ન હતું. હવે ઘરે પાછા ફર્યા સિવાય કોઈ બીજો ઉપાય ન હતો. માતાની મહેનતની કમાણી ઉડાવી મારી તેથી એ ઘણો નિરાશ થયો. ભૂખ અને તરસ વેઠતો રહીને એ ગામ ભણી પાછો વળી ગયો. પવિત્ર બોધિવૃક્ષની યાત્રા અધૂરી રહી. માતાને શો જવાબ આપવો?

ગામ તરફ જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં એ યુવાનની નજર એક ઘરડા શ્વાન પર પડી. શ્વાન મરેલો હતો અને એના દાંત બહાર આવી ગયા હતા. યુવાન દાંતને અડ્યો ન અડ્યો ત્યાં તો દાંત એના હાથમાં આવી ગયો. એણે એ દાંતને કાગળમાં વીંટાળી લીધો અને ગામ ભણી ચાલવા માંડ્યું. ઘરે પહોંચ્યો ત્યારે માતાના હરખનો પાર ન રહ્યો. દીકરાએ કાગળમાં વીંટેલો પવિત્ર દાંત માતાને આપ્યો. માતા તો હરખના કારણે પાગલ થઈ ગઈ. મહિનાઓ વીત્યા ત્યાં આસપાસનાં ગામોમાં બુદ્ધ ભગવાનના પવિત્ર દાંતની કથા પ્રસરી ગઈ. ઘર આગળ સ્થાનક રચાઈ ગયું અને ચમત્કારોની વાતો વહેતી થઈ.

જેમ-જેમ લોકોમાં પોકળ ‘દંતકથા’ વહેતી રહી. તેમ તેમ દીકરો અંદરથી દુઃખી રહેવા લાગ્યો. છેવટે એનાથી જ રહેવાયું. બધી હિંમત એકઠી કરીને એણે માતાને કહી દીધું : ‘એ દાંત બુદ્ધ ભગવાનનો નહીં પણ એક મરેલા શ્વાનનો હતો.’ સાચી વાત કહીને દીકરો તો પાગલની માફક ઘરની બહાર દોડી ગયો. ઘરની બહાર આંગણામાં એક મહાત્મા મૌનપૂર્વક ઊભા હતા. તેઓ એ યુવાન તરફ અપાર કરુણાપૂર્વક જોઈ રહ્યા હતા. અત્યંત મૃદુ અવાજમાં કરુણામૂર્તિ બુદ્ધે યુવાનને કહ્યું : ‘એ દાંત મારો જ હતો. (જીન હ્યુસ્ટન, ‘મિસ્ટિકલ ડૉગ્સ’)

સમાજમાં અઢળક દ્રવ્ય ધરાવતો અને સુખસગવડમાં આળોટતો ધનપતિ પણ દુઃખી કેમ છે? ભગવાન બુદ્ધે દુ:ખના મૂળ વિશે ઊંડું ચિંતન કર્યું છે. દુ:ખનું મૂળ તૃષ્ણા છે. શંકરાચાર્યે मृगतृष्णा શબ્દ પ્રયોજેલો. તૃષ્ણા કદી પૂરી થતી જ નથી. એક તૃષ્ણા માંડ પૂરી થાય ત્યાં બીજી તૈયાર જ હોય છે. ધનપતિની તૃષ્ણાનો રાફડો નાનો હોઈ શકે? જેમ રાફડો મોટો તેમ અતૃપ્ત તૃષ્ણાની ઊધઈ વધારે પજવે. નવી કારની ઈચ્છા, નવા બંગલાની ઈચ્છા, નવા સહવાસની ઈચ્છા અને નવી સગવડની ઈચ્છા. માનવીની તૃષ્ણાને તો આકાશ પણ નાનું પડે! રામાયણનો સુવર્ણમૃગ હજી આજની બજારમાં જૂજવે રૂપે ભટકતો રહે છે.

દુ:ખ સાર્વત્રિક છે, કારણ કે મૃગતૃષ્ણા સાર્વત્રિક છે. આજકાલ જે રોગોની બોલબાલા છે તે બધા મહદંશે તૃષ્ણાજન્ય રોગો છે. તૃષ્ણા પૂરી ન તાય ત્યારે મનને તાણયુક્ત ખલેલ પહોંચે છે. મનની ખલેલ શરીરને પહોંચે ત્યારે રોગ થાય છે. તૃષ્ણાનું કેન્દ્ર માનવીનું મન છે. દુ:ખ પણ મનનો વિષય છે. ગરીબ આદમી નિરાંતે પોતાના ઓટલે ઘસઘસાટ ઊંઘ પામે છે. ધનપતિ વાતાનુકૂલિત ઓરડામાં પણ પલંગ પર આખી રાત પડખાં ફેરવતો રહે છે. બેમાં વધારે ગરીબ કોણ? જેણે એરકન્ડિશનર માટે તૃષ્ણા જ ન રાખી તે માણસ એ સગવડ નથી તેથી દુઃખી નથી. પ્રત્યેક તૃષ્ણા દુ:ખની માતા છે. જગત દુઃખમય છે, માટે કરુણાનુભૂતિ વિના માનવજાત ટકી ન શકે. દુઃખ વગરના માનવજીવનમાં કરુણા અપ્રસ્તુત છે.

કરુણા આખરે શું છે? જ્યારે બીજી વ્યક્તિનું દુઃખ આપણું દુઃખ બની રહે ત્યારે કરુણાનું પવિત્ર ઝરણું વહેતું થાય છે. જે દુઃખ ‘આપણું’ બન્યું, તે દુઃખ દૂર કરવામાં આપણે આપણી જાત પર ઉપકાર કરતાં હોઈએ છીએ. આમ કરુણા ‘બીજા’ માનવી પર દયા ખાઈને ઢોળવાની ચીજ નથી. કરુણામાં બીજો માણસ ‘બીજો’ નથી રહેતો. આવી ઊંચેરી અવસ્થાએ કરુણા પ્રગટ થતી હોય છે. એમાં બીજાનું દુઃખ પરાયું ન રહેતાં પોતીકું બની રહે છે. સાચા સેવકત્વની આધારશિલા આવી કરુણા છે. કરુણામૂર્તિ બુદ્ધ તરફથી માનવજાતને મળેલી આ મહાન ભેટ છે. કરુણા સર્વથા સેક્યુલર છે. એ ઈશ્વરની પણ ઓશિયાળી નથી. કારણ કે એ ઉત્ક્રાંત મનની ચરમ અવસ્થા છે. બુદ્ધ નિરીશ્વરવાદી હતા.

એક માણસ અન્યને મદદરૂપ થવાના શુભ આશયથી પ્રાથમિક સારવારની સામગ્રી સાથે જ રાખતો. દિવસો વીત્યા પણ એને મોકો ન મળ્યો. એક દિવસ એ બસમાં બેઠો હતો ત્યાં કોઈ પ્રવાસીનો પગ ઊતરતી વખતે લપસ્યો. પેલા માણસે તરત જ પ્રાથમિક સારવારની સામગ્રી કાઢી અને સારવાર કરી. એ માણસના મિત્રે કહ્યું : ‘મને તારી વૃત્તિ ન ગમી. તારી સામગ્રી ખપ લાગે તે માટે તું આતુર હતો. પેલો પ્રવાસી લપસી પડ્યો ત્યારે તને છૂપો સંતોષ થયો હતો.’ કરુણા પણ સહજના સથવારે જ શોભે. કરુણાનુભૂતિ પણ સહજ અનુભૂતિ બની રહે તો તથાગતના આશીર્વાદ પામે.

(પ્રસ્તુત લેખ આદરણીય શ્રી ગુણવંત શાહનો છે અને આ લેખ એમના બેસ્ટસેલર પુસ્તક 'ભગવાનની ટપાલ'માંથી લેવામાં આવ્યો છે.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.