હાલમાં બિહારમાં અમિત શાહની દિનચર્યા શું છે?
સવારે સાડા આઠનો સમય છે અને પટનાની પ્રતિષ્ઠિત હોટલ ‘મૌર્યા’ના ત્રીજા માળની લિફ્ટ સામે ત્રણ બ્લેક કમાન્ડો ખડેપગ ઊભા છે. એવામાં હોટલ મેનેજરની આગેવાનીમાં એક વેઈટર સફેદ કાપડથી ઢાંકેલી એક મોટી ટ્રે હોટલના 330 નંબરના રૂમ તરફ લઈ જઈ રહ્યો છે. હોટલનો આ આલિશાન રૂમ છેલ્લા દોઢ મહિનાથી એક શખ્સે બુક કરાવી રાખ્યો છે. એ વ્યક્તિને શખ્સ નહીં પણ શખ્શીયત કહી શકાય કારણ કે, એ વ્યક્તિ હાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી બજાવી રહી છે!
મૌર્યા હોટલમાં બુક કરાવાયેલા અમિત શાહના રૂમની આસપાસના અન્ય ચાર રૂમ પણ એમના નામે જ બોલાય છે, જેમાં અમિત શાહના અંગરક્ષકો અને એમનો અંગત સ્ટાફ રહે છે અને આખો દિવસ બિહારની ચૂંટણી સંદર્ભે કામકાજ કરે છે.
ખૈર, વેઈટર અમિત શાહ માટે જે ટ્રે લઈને આવ્યો છે, એમાં ગાજરના પરોઠાં, ઉપમા અને પપૈયાનો નાસ્તો રખાયો છે, જેને અમિત શાહ રોજ આરોગવાનું પસંદ કરે છે. અમિત શાહને ગાજરના પરોઠાં એટલા ભાવે છે કે, આ માટે હોટલના રસોઈયાઓને કેટલીક ખાસ સુચનાઓ આપવામાં આવી છે, જેથી તેઓ ખાસ તકેદારીઓ રાખીને અમિત શાહ માટે રોજ ગાજરના પરોઠાં તૈયાર કરે છે.
જોકે અમિત શાહ ડાયાબિટીઝના દર્દી છે એટલે રોજ સવારે ગાજરનાં પરોઠાં ખાવા પહેલા કે, રાત્રે પોતાનું શુદ્ધ શાકાહારી ભોજન આરોગતા પહેલા તેઓ નિયમિતપણે ઈન્સ્યુલીન લે છે. ભાજપ પ્રમુખ હોવાને કારણે તેમજ માથે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ હોવાને કારણે અમિતા શાહે છેલ્લાં બે મહિનાથી બિહારમાં પડાવ નાંખ્યો છે અને બિહારને હંગામી ધોરણે પોતાની ઓફિસ બનાવી દીધી છે.
ચૂંટણીના પ્રચાર માટે તેઓ આખો દિવસ બિહારના વિવિધ પ્રદેશોમાં ઘૂમીને સભાઓ ગજાવે છે, તો રાત્રે ફરીથી પટના પહોંચીને તેઓ પક્ષની રણનીતિઓ ઘડવામાં વ્યસ્ત થઈ જાય છે. અમિત શાહની કામ કરવાની પદ્ધતિ પણ સૌથી નોખી છે. તેમને કાર્યાલયમાં બેસીને કામ કરવું ફાવતું નથી. ચૂંટણીઓ દરમિયાન તેઓ સામાન્ય લોકોથી લઈને પક્ષના કાર્યકરો કે મોટા નેતાઓને સતત મળતા રહે છે અને એમની વાતો સાંભળીને પોતાને જરૂરી લાગે એવા સૂચનો કરતા રહે છે. લોકોને મળવાનો એમનો આ કાર્યક્રમ રાત્રે બે વાગ્યા સુધી સતત ચાલ્યાં કરે છે, જ્યાં તેઓ થાક્યાં વિના અવિરત કામ કરે છે.
જોકે સાંજના સમયે અમિત શાહની એક ખાસ ડિમાન્ડ હોય છે. સાંજના સમયે એમને એક ગરમા ગરમ બ્લેક કૉફી જોઈએ એટલે જોઈએ જ. બની શકે કે, આ બ્લેક કૉફીને કારણે જ તેઓ મોડી રાત સુધી તાજગીપૂર્વક કામ કરી શકે છે! બિહાર વિધાનસભાની આ ચૂંટણી દરમિયાન તેઓ ભલે ઘરથી દૂર રહે છે, પરંતુ એમના પરિવારજનો તેમને અવારનવાર હોટલમાં મળવા આવે છે. આ દરમિયાન એમના પત્ની સોનલ પણ એક વાર અહીં રહી ગયા છે.
આશ્ચર્યની વાત એ છે કે, અમિત શાહ જ્યારે કાર્યકર્તાઓ સાથે વાતચીતમાં વ્યસ્ત હોય અથવા પોતાની રણનીતિઓ ઘડવામાં વ્યસ્ત હોય ત્યારે તેઓ પક્ષના મહત્ત્વના માણસોને પણ મળવાનું ટાળે છે. એનું સૌથી મોટું ઉદાહરણ ત્યારે મળે છે, જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના ભૂતપૂર્વ પક્ષ પ્રમુખ રાજનાથ સિંઘ પંદર દિવસ પહેલા મૌર્યા હોટલમાં રોકાયા હતા. રાજનાથ સિંઘ બીજા માળે આવેલા 201 નંબરના રૂમમાં રોકાયેલા અને અમિત શાહની ઓફિસ ત્રીજે માળે ચાલુ હતી, છતાં આ બંને મોટા નેતાઓની પળવાર માટે પણ મુલાકાત નહીં થઈ શકી. શાહવાઝ હુસૈન સાથે પણ આવું જ કંઈક થયેલું!
એનો અર્થ એ જ થાય કે, દિવસ દરમિયાન ક્યારે કોને મળવું એ ખૂદ અમિત શાહ જ નક્કી કરે છે. એનું એક બીજું ઉદારણ આપીએ તો હજુ અઠવાડિયા પહેલા જ હોટલથી બહાર જવા માટે અમિત શાહ લિફ્ટમાંથી બહાર નીકળ્યાં અને કેટલાક પત્રકારો એમને સવાલ પૂછવા ઘેરી વળ્યાં. જોકે મનસ્વી અમિત શાહે પત્રકારોને જવાબ આપવાનું ટાળ્યું અને ગાડીમાં બેસતા પહેલા એમણે કહ્યું કે, ‘હું રસ્તા વચ્ચે ઈન્ટરવ્યુ નથી આપતો!’ અને પછી તેઓ મરકતા મરકતા પોતાની ગાડીમાં બેસીને ચૂંટણી પ્રચાર માટે નીકળી ગયા.
બિહારમાં યુપીવાળી દહોરાવી શકશે અમિત શાહ?
નરેન્દ્ર મોદીના ચાણક્ય કહેવાતા અમિત શાહે બિહારમાં પણ પોતાની રાજનૈતિક રણનીતિઓના પાસાં ફેંફ્યાં છે અને બિહારમાં ભાજપને સફળતા અપાવવા માટે એડીચોટીની મહેનત કરી છે. જાણકારો એમ કહી રહ્યા છે કે, અમિત શાહે બિહારમાં પણ અદ્દલ એવું જ જડબેસલાક તંત્ર ગોઠવ્યું છે, જેવું એમણે લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશમાં ગોઠવ્યું હતું.
છેલ્લાં પાંચ મહિનાથી બિહારના તમામ નેતાઓ અને કાર્યકરોને ઉત્તમ બુથ મેનેજમેન્ટના આદેશ અમિત શાહ તરફથી મળતા રહ્યા છે. ઉત્તરપ્રદેશની જેમ જ પટનામાં પણ ચાર ચૂંટણી વિશેષ વૉર રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે, જ્યાં દિવસ-રાત કોઈને કોઈ ગતિવિધિ ચાલુ જ હોય છે. જેની રજેરજની માહિતી અમિત શાહને આપવામાં આવે છે. જોકે આ ચાર વૉર રૂમમાં શું ચાલી રહ્યું છે કે, અત્યાર સુધી ત્યાં કયા પ્રકારની કામગીરી ચાલી એ વિશે જાણકારી મેળવવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. એ તો ઠીક બિહારના સ્થાનિક નેતાઓ પણ વૉર રૂમની કામગીરીથી અજાણ હોય છે.
આ ઉપરાંત અમિત શાહે બિહારની કમાન સંભાળતા જ સ્થાનિક નેતાઓને આંતરિક વિખવાદો અને હોંશાતોંશીથી દૂર રહેવાના આદેશ આપ્યાં છે. ભાજપના નેતાઓને એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘હાલમાં તમારે પોતાને માટે નહીં, પરંતુ પક્ષ માટે કામ કરવાનું છે. કોને શું મળશે એ બાબતોના નિર્ણયો પછીથી કરવામાં આવશે.’
સાથેસાથે બિહારમાં પગ મૂકતા જ એમણે બિહારની એવી જાતિઓ પર પણ વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું, જે જાતિઓ પર લાલુ અને નીતિશ કુમાર જેવા નેતાઓની પકડ છે. આ માટે એમની પાસે રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહા જેવા નેતાઓ તો હતાં જ, પરંતુ જીતનરામ માંઝી જેવા નેતાઓ સાથે હાથ મિલાવીને પણ એમણે જાતિય સમિકરણો પર નક્કર કામ કર્યું છે.
જાણકારો કહી રહ્યા છે કે, અમિત શાહની દરેક ચૂંટણીલક્ષી રણનીતિઓમાં ગુજરાતની છાપ સાફ રીતે ઉપસી આવે છે. ભાજપના મોટા નેતાઓ કહી રહ્યા છે કે, ચૂંટણી પ્રચાર માટે પાણીની જેમ પૈસા ઉડાવવામાં આવે છે, જ્યાં સુરત અને અમદાવાદના મોટા ઉદ્યોગપતિઓ અનેક વખત બિહાર અને અમિત શાહની મુલાકાત લઈ ગયા છે.
બિહારમાં ભાજપના પ્રચાર માટે કોઈ અથવા કોઈ કસર છોડવામાં આવી નથી. ભાજપના તમામ કાર્યાલયોની બહાર મોંઘીદાટ ગાડીઓનો કાફલો ચોવીસ કલાક સુધી ખડકાયેલો રહે છે. તો મોટા નેતાઓની પ્રચાર સભાઓ માટે દસ હેલિકોપ્ટરની રોજ સેવા લેવામાં આવે છે. એની સામે નીતિશ કુમાર પાસે બે અને લાલુપ્રસાદ યાદવ પાસે માત્ર એક જ હેલિકોપ્ટર છે!
જોકે બિહારમાં ભાજપનો આટલો બધો પ્રચાર થતો હોવા છતાં કેટલાક રાજકીય વિવેચકો એમ માને છે કે, બિહારની આ ચૂંટણીમાં અમિત શાહ કેટલીક ભૂલો પણ કરી રહ્યા છે. પીટીઆઈના બ્યુરો ચીફ સંજય સિંહા એમ માને છે કે, બિહારના સ્થાનિક નેતાઓને ભાજપે આ વખતે બહુ મહત્ત્વ આપ્યું નથી, જે બાબત ભાજપ માટે ભૂલ પુરવાર થઈ શકે છે.
તો ‘ટેલીગ્રાફ’ અખબારના પત્રકાર નલિન વર્માના જણાવ્યા મુજબ, ‘ભાજપ માટે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાનો છે. કારણ કે કેન્દ્રની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને વોટ આપી આવેલા બિહારના મતદાતા એમના મુખ્યમંત્રીના નામને લઈને અવઢવમાં છે. આખરે તેઓ મતદાન કરશે કોના માટે?’
આ ઉપરાંત દાદરી હત્યાકાંડ અને આરએસએસ સુપ્રિમો ભાગવતના અનામતને લઈને કરાયેલા નિવેદનો પણ એમના માટે મોટા પડકારો ઊભા કરી રહ્યા છે. મોહન ભાગવતના નિવેદન બાદ તો અમિત શાહે બિહાર ભાજપના તમામ મોટા નેતાઓને ફોન કરીને હાકોટા પાડીને કીધેલું કે, ‘આપણે અનામતને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. અને તમારે બધાએ લોકો આગળ વારંવાર આ વાતનું પુનરાવર્તન કરતા રહેવાનું છે!’
તો આ છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની કામ કરવાની પદ્ધતિ. એમની આ પદ્ધતિ કેટલી કારગર નીવડે છે અને બિહારના મતદાતાઓ એમની રણનીતિઓને સ્વીકારે છે કે એને નકારે છે એની નજીકના ભવિષ્યમાં ખબર પડી જશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર