ભારત માતા કી જય એટલે?

26 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

થોડા દિવસો પહેલા ‘ભારત માતા કી જય’ બોલવાનો કે બીજા પાસે બળપૂર્વક બોલાવવાનો ટ્રેન્ડ પૂરબહારમાં ચાલેલો. ઔવેશીએ આ બાબતે વિવાદનો મધપૂડો છંછેડી દીધા બાદ દેશભરમાં રાબેતા મુજબનો ઉહાપોહ મચ્યો, જેના પડધાના ભાગરૂપે સોશિયલ મીડિયામાં આ મુદ્દાને લઈને ખૂબ લખાયું, એના ટ્રેન્ડિંગ્સ પણ થયાં અને પત્રકારોએ પણ પોતાની કૉલમોમાં કે તંત્રીલેખોમાં આ વિષયને લઈને તટસ્થતાને નેવે મૂકીને પોતપોતાની રાજકીય વિચારધારા મુજબ ખૂબ લખ્યું. આમાં અપવાદો હશે, પણ જૂજ. વળી, આશ્ચર્યની કહો તો આશ્ચર્યની અને દુખની કહો તો દુખની વાત એ કે, આ વિવાદ વખતે દેશભરમાં ઠેરઠેર સ્વનિયુક્ત સર્ટિફાયરો નીકળી પડેલા, જેઓ પોતાની મરજીમાં આવે એને દેશભક્ત અને મરજીમાં આવે એને દેશદ્રોહીના સર્ટિફિકેટ આપતા ફરતા હતા. એમણે આપેલા સર્ટિફિકેટ્સની કોઈ વેલ્યુ ન હોવા છતાં!

જોકે હવે મામલો થોડો થાળે પડ્યો છે. સાવ નજીવી વાતોમાં આખો દેશ જોતરાઈ જાય અને બધુ માણસ બે વિભાગમાં વહેંચાઈને માથાઝીંક કરે એ હવે આપણે ત્યાં સામાન્ય વાત થઈ ગઈ છે. અગાઉના જ એક લેખમાં મેં લખેલું એમ આ બધા સાવ નાંખી દેવા જેવા મુદ્દાઓને કારણે દેશની વાસ્તવિક સમસ્યાઓ તરફ આપણું ધ્યાન જ નથી જતું, જેના કારણે સત્તા ભોગવતા લોકો કે સત્તા ભોગવવા માટે તરસતા લોકોને મજા પડી ગઈ છે અને પોતાનું આધિપત્ય જળવાયેલું રહે અને બધા વારાફરતી સત્તા ભોગવતા રહે એ માટે તેઓ પણ આવા કોઈ મુદ્દામાં તલનું તાડ કરી નાંખે છે અને ટીઆરપીના ભાવે બારડાન્સ કરતી મીડિયાના હવનમાં કેટલાક વિવાદાસ્પદ વિધાનોની આહૂતી આપીને દેશના સામાન્ય નાગરિકોને ગુમરાહ અને ગૂંચવેલા રાખે છે.

ભારત માતા કી જયના સંદર્ભમાં આજે આપણે એક હકારાત્મક વાત કરવાની છે. સાર્વત્રિક નકારાત્મકતાનું ચલણ હોય ત્યારે નાની હકારાત્મકતાનું હોવું ન હોવું બહુ મૂલ્ય નથી ધરાવતું. પણ તોય હકારાત્મકતા આપણા હોપ એટલે કે, આપણી આશા જેવી બાબત છે, જેનું હોવાપણું ભલે વાસ્તવ નહીં હોય, પરંતુ એના આધારે જીવવાનું બળ જરૂર મળે છે. કદાચ એટલે જ ‘ભારત માતા કી જય’ના સંદર્ભમાં કંઈક હકારાત્મક લખવાની ઈચ્છા થઈ.

વાત છે આઝાદી પહેલાની. સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની જવાહરલાલ નહેરુની અને ‘ભારત માતા કી જય’ના સૂત્ર વિશેના એમના અર્થઘટનની. સુજ્ઞ વાચક જાણતા જ હશે કે, 1942થી 1945 સુધીના ત્રણ વર્ષ સુધી નહેરુને અહેમદનગરની જેલમાં કેદ કરાયેલા. આ જેલવાસ દરમિયાન નહેરુએ ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’ નામનું દળદાર પુસ્તક લખેલું, જેમાં એમણે વિશાળ ભારત દેશના ઈતિહાસ, દેશની અધ્યાત્મિકતા અને દેશની વિવિધતા વિશેના એમના વિચારો વ્યક્ત કર્યા છે.

દેશ વિદેશમાં ખૂબ વખણાયેલા આ પુસ્તકનો હિન્દીમાં ‘ભારત એક ખોજ’ નામે તો ગુજરાતીમાં ‘મારું હિન્દનું દર્શન’ નામે અનુવાદ થયો છે. દળદાર પુસ્તકની શરૂઆતમાં જ ‘ભારત માતા’ નામનું એક પ્રકરણ છે, જેમાં નહેરુએ ‘ભારત માતા કી જય’ના નારા વિશે નાની પણ ઊંડી વાત કરી છે.

આઝાદીની ચળવળો દરમિયાન નહેરુ દેશભરમાં પ્રવાસો કરીને સભાઓ કરતા અને શહેર તેમજ ગ્રામીણ ભારતમાં વસતા લોકોને દેશના સ્વતંત્ર સંગ્રામમાં ઝૂકવવા અને પોતાનું યોગદાન આપવાની સલાહ આપતા. શહેરોમાં તો નહેરુ કંઈક વિશિષ્ટ પ્રકારના ભાષણો આપતા પરંતુ ગામડામાં વસતા અને ભણતરથી વંચિત રહી ગયેલા લોકોમાં જાગૃતિ આણવા માટે તેઓ મહાન ભારત દેશની સંસ્કૃતિ અને દેશના સંસ્કાર તેમજ વારસા વિશેની વાતો કરતા. સાથે જ આ દેશનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે અને જો દેશ આઝાદ થાય તો ગરીબ ખેડૂતોને કયા પ્રકારના લાભો મળે એ વિશેની વાતો પણ કરતા.

સભાઓ સંબંધવા તેઓ જ્યાં પણ જતાં ત્યાં એમના સ્વાગત દરમિયાન આજનો હેઝટેગ સાથેનો ટ્રેન્ડિંગ નારો બોલાતો. ‘ભારત માતા કી જય’ના આ નારા બોલાતા ત્યારે નહેરુ સહેજ અટકી જતાં અને પછી નારા બોલાવતા લોકો પાસે પહોંચીને એમને એ નારાનો અર્થ પૂછતા કે, ‘તમે ભારત માતા કી જય બોલો છો. પણ ભારતમાતા એટલે કોણ? અને તમે કોનો વિજય ઈચ્છો છો?’

નહેરુનો આવો વિચિત્ર સવાલ સાંભળીને પહેલા તો ગામડાના ગરીબો નિરુત્તર થઈ જતાં, પરંતુ નહેરુના વારંવાર પૂછતા રહેવાથી લોકો એમને એમની સમજણ મુજબના જવાબો આપતા. એક દિવસે નહેરુના આવા સવાલના જવાબમાં એક જાટે (હા, જાટ. હમણા જ જેમણે અનામતને નામે દેશની નુકશાની કરીએ જાટોના પૂર્વજ!) એમ જવાબ આપ્યો કે, ‘ભારત માતા અમારી ધરતી છે, ધરતીની પ્યારી માટી છે.’ જોકે જાટના જવાબથી નહેરુને સંતોષ નહીં થયો એટલે એમણે ફરી એક સવાલ કર્યો કે, ‘માટી એટલે કઈ માટી? તમારા ગામની માટી કે તમારા જિલ્લાની, રાજ્યની કે પછી આખા ભારતની માટી?’

નહેરુ અને લોકો વચ્ચેની એ પ્રશ્નોતરી થોડાં સમય સુધી ચાલતી રહી, જેમાં નિષ્કર્ષ એ આવ્યો કે, ભારત માતા એટલે સમગ્ર ભારતની દેશની ધરા તો ખરી જ પરંતુ અહીંના દરેક પહાડો, પાણીથી છલોછલ વહેતી અને આપણી સંસ્કૃતિને હરીભરી રાખતી નદીઓ, જુદી જુદી ધરામાં પથરાયેલા અને જુદી જુદી વિચિત્રતા ધરાવતા અહીંના જંગલો તેમજ સમગ્ર દેશની આબાદીને ખોરાક પૂરો પાડતા અહીંના ખેતરો પણ અમને પ્રિય છે, જેમને અમે ભારત માતા તરીકેનું માન આપીએ છીએ.

આ જ વાતચીતમાં અત્યંત મહત્ત્વની ચર્ચા એમ પણ થાય છે કે, ભારતની ધરતી, એના જંગલો કે નદીઓ ઉપરાંત પણ સૌથી મહત્ત્વની બાબત છે આ ધરા પર વસતા લોકો, એ તમામ લોકો જે દેશની વિશાળ ધરતી પર ચારેકોર ફેલાયેલા છે. અને ભારતમાતાનું મૂળ સ્વરૂપ આ લાખો લોકો જ છે! એટલે ભારત માતા કી જય બોલાવવી એનો અર્થ એ થાય છે કે, તમે ભારતના કરોડો લોકોની જય બોલાવો છો અને એમની સુખાકારી અને એમના વિજયની પ્રાર્થના કરો છોઆ કિસ્સા વિશે નોંધતા નહેરુ લખે છે કે, ‘તમે બધા ભારત માતાનો એક અંશ છો, એટલે એક રીતે જોવા જઈએ તો તમે સૌ પોતે જ ભારતમાતા છો.’

આ કિસ્સા પછી પણ નહેરુએ આપણા દેશના જુદાં જુદાં પ્રદેશોમાં વસતા લોકોની સાંસ્કૃતિક વિવિધતા કે દેશના વિભિન્ન ભાગોમાં વસતા લોકોની શારીરિક, માનસિક વિવિધતા વિશેના પોતાના રસપ્રદ નિરિક્ષણો ટાંક્યા છે. પરંતુ આઝાદીના સાત દાયકા પછી જ્યારે ‘ભારત માતા કી જય’ જેવા શુદ્ધ અને ગહન અર્થ ધરાવતા સૂત્રને ધર્મ સાથે જોડીને એને અત્યંત સંક્ષિપ્ત અર્થમાં લેવામાં આવે છે અને એ આધારે દેશને બે ભાગમાં વહેંચવાનું અધમ કૃત્ય આચરવામાં આવે છે ત્યારે ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’માં નહેરુએ વર્ણવેલો આ કિસ્સો વિશેષ યાદ કરવો રહ્યો.

નહેરુના અન્ય વિચારો કે એમની નીતિઓ સાથે આપણે સંમત થઈએ કે નહીં થઈએ, પરંતુ ‘ભારત માતા કી જય’ સૂત્ર વિશેની એમની ફિલસૂફી સાથે આપણે આપણે સંમત થવું જ રહ્યું. કારણ કે ભારત નથી તો માત્ર હિન્દુઓનું કે નથી એ માત્ર મુસલમાનો, ખ્રિસ્તીઓ કે જૈનો-શીખો-બૌદ્ધોનું. ભારત પર આપણા સૌનો એક સરખો અધિકાર છે અને ભારતમાં વસતો હર એક જણ સૌથી પહેલા ભારતીય છે અને ત્યાર પછી જ એ હિન્દુ, મુસલમાન કે શીખ- ઈસાઈ છે. એટલે જ્યારે પણ આપણે ભારત માતા કી જય બોલીએ છીએ ત્યારે પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગામાં વસતા તમામ ભારતીયોની જય બોલીએ છે. અને એ સૌની સુખાકારીની મનોકામના કરીએ છીએ.

અને ‘ભારત માતા કી જય’ના આ સૂત્રને નથી તો ઈસલામ સાથે કોઈ લેવા દેવા કે નથી એને હિન્દુત્વ સાથે કોઈ સંબંધ. કોઈ પણ ભારતીય માટે હિન્દુત્વ કે ઈસલામથી પહેલા ભારતીયતા આવે છે અને એટલે જ દેશનો સામાન્ય માણસ હંમેશાં અત્યંત ગર્વથી ભારત માતા કી જય બોલે છે. જે કોઈ લોકો ભારત માતા કી જય બોલાવામાં ધર્મને આડે લાવે છે એ લોકોના ડીએનએ ટેસ્ટ કરવાનો સમય થઈ ગયો છે. કારણ કે, જેના લોહીમાં ભારત ફરે છે એને તો ક્યારેય ભારત માતા કી જય બોલવામાં હિચકિચાહટ નથી થતી. અને જેઓ ખચકાય છે તેઓ ભારતીય હોઈ શકે ખરા?

ભારત માતા કી જય

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.