જ્યારે અમેરિકાના પ્રમુખ કેનેડીને અનાવિલ મિજાજનો પરચો મળ્યો

26 Feb, 2016
12:04 AM

mamta ashok

PC:

અંગ્રેજો ભારતમાંથી ગયા પછી પણ ફ્રેન્ચો અને પોર્ટુગીઝોએ ભારતના કેટલાક પ્રદેશો પર પોતાની સત્તા ટકાવી રાખી હતી એ વિશે સૌ જાણે છે. ફ્રેન્ચ- પોર્ટુગીઝોના તાબા હેઠળના પ્રદેશો એટલે પોંડિચેરી, ચંદ્રનગર, દીવ-દમણ-ગોવા તેમજ દાદરા અને નગરહવેલી. ફ્રેન્ચ અને પોર્ટુગીઝો સદીઓથી આ પ્રદેશો પર કબજો જમાવીને શાસન કરી રહ્યા હતા એટલે ભૌગોલિક અને સાંસ્કૃતિક એમ બંને રીતે ભારતનો ભાગ કહી શકાય એવા આ પ્રદેશો ભારત સરકારને સોંપવાની આનાકાની કરી રહ્યા હતા. આ પ્રદેશો પરત મેળવવા માટે જવાહરલાલ નહેરુની સરકારે બંને દેશો સાથે વાટાઘાટો કરી જોઈ, જેમાં ફ્રેન્ચો પોતાના પ્રદેશ ભારતને સોંપવા તૈયાર થઈ ગયા અને 1954માં પોતાના તાબા હેઠળના પ્રદેશોનું ભારતમાં વિલીનીકરણ કરીને ફ્રાન્સભેગા થઈ પણ ગયા પરંતુ પોર્ટુગીઝો ટસના મસ થતા ન હતા.

ભારત સરકાર ધારતે તો 1954માં જ પોર્ટુગલના તાબા હેઠળના દીવ-દમણ-ગોવા કે દાદરા અને નગરહવેલીમાં સૈન્ય મોકલીને એ પ્રદેશો પર પળવારમાં કબજો મેળવી શકી હોત. પરંતુ ગાંધીમૂલ્યોથી તરબતર દેશની એ સરકારને આવું પગલું અનુચિત લાગી રહ્યું હતું. વળી, તાજો જ આઝાદ થયેલો અને ધૂળની ઢગલીમાંથી બેઠાં થવાનો પ્રયત્ન કરી રહેલો દેશ અન્ય કોઈ દેશની સરહદમાં સૈન્ય મોકલીને કબજો મેળવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની છબી પર માઠી અસર થવાની સંભાવના હતી.

આ કારણે ભારત સરકારે પોર્ટુગીઝોને ભાઈ-બાપા કરવાનું જ ઉચિત સમજ્યું. બીજી તરફ કેટલાક ચળવળકારો એમ માનતા હતા કે, આ રીતે સંઘ ક્યારેય કાશીએ નહીં પહોંચે. એ સમયે પોર્ટુગીઝોનું મુખ્ય મથક ગોવા હતું અને ત્યાંથી તેઓ દરિયાઈ માર્ગે દમણ અને દીવનો વહીવટ ચલાવતા, પરંતુ દાદરા અને નગરહવેલીમાં વહીવટ ચલાવવા માટે પોર્ટુગીઝ અધિકારીઓ કે પોલીસે ભારતના મુંબઈ રાજ્યની હદમાંથી આવનજાવન કરવી પડતી. અને આ માટે એમણે મુંબઈના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ પાસે વિધિસર પરવાનગી પણ લેવી પડતી.

ગોવા અને દીવ-દમણને આઝાદ કરાવવા મુશ્કેલ હતા, પરંતુ દાદરા અને નગરહવેલીને એક અહિંસક પદ્ધતિથી આરામથી મુક્ત કરાવી શકાય એમ હતું. જોકે, આ માટે મુંબઈ રાજ્યની સરકારની મદદની તાતી જરૂરિયાત હતી એટલે કેટલાક સત્યાગ્રહીઓ મુખ્યમંત્રી મોરારજી દેસાઈને આ બાબતે મળવા ગયા. સત્યાગ્રહીઓએ દેસાઈને એમ સમજાવ્યું કે, જો મુંબઈ સરકારનો સહકાર મળી રહે તો અમે દાદરા અને નગરહવેલીમાં પ્રવેશીને એ પ્રદેશ પર કબજો મેળવી લઈએ.

મોરારજી દેસાઈ મૂળ દક્ષિણ ગુજરાતના હતા અને દક્ષિણ ગુજરાત પાસેનો એ પ્રદેશ આઝાદ થાય એવી એમની પણ પ્રબળ ઇચ્છા હતી એટલે એમણે સત્યાગ્રહીઓને પૂરો સહકાર આપવાનું વચન આપ્યું. સાથે એક શરત પણ મૂકી કે આ સત્યાગ્રહ અહિંસક રીતે થવો જોઈએ અને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય હોઈ, ભારત સરકારને આ બાબતે લાંછન લાગે એવું એક પણ કૃત્ય થવું જોઈએ નહીં. વળી, જો સત્યાગ્રહીઓની ત્યાં ધરપકડ થાય અને જો એમના પર જુલમ ગુજારવામાં આવે તો ભારત સરકાર એમાં કશું કરી શકશે નહીં એમ પણ એમને ચેતવ્યા.

વર્ષ 1954ની આ વાત છે. આંતરરાષ્ટ્રીય કાયદો એમ કહેતો હતો કે જે-તે દેશની હદમાં અન્ય દેશ દ્વારા સુરક્ષા દળો ખડકી શકાય નહીં. પરંતુ પોતાના જ દેશની હદમાં સૈનિકો ગોઠવવા પર કોઈ પાબંદી હતી નહીં. મોરારજી દેસાઈએ આ બાબતનો ફાયદો ઉઠાવ્યો અને એમણે દાદરા અને નગરહવેલીની હદની સામે મુંબઈ સ્ટેટની હદમાં પોતાના રિઝર્વ પોલીસના જવાનોને ખડકી દીધા, જે સૈનિકો માત્ર શોભાના ગાંઠિયા પુરવાર થવાના હતા અને એમને કોઈ પગલાં ભરવાના આદેશ પણ અપાયા ન હતા. સરહદ પર અચાનક આટલા બધા સૈનિકોની ચહલપહલ જોઈને નગરહવેલીના વહીવટીતંત્રના પેટમાં પણ ફાળ પડી અને તેઓ હરકતમાં આવી ગયા.

મુંબઈ પોલીસના જવાનોને પોર્ટુગીઝો ભારતીય સૈન્ય માની રહ્યા હતા અને ભારતીય સૈન્ય સામે નાનકડા દાદરા અને નગરહવેલીના જૂજ પોલીસ જવાનો વામણા સાબિત થાય એ કહેવાની જરૂર ખરી? બીજી તરફ ગોવાના સત્યાગ્રહીઓ પણ નગરહવેલીની હદમાં પ્રવેશી ગયા. સત્યાગ્રહીઓની નારેબાજી અને એમની સંખ્યા જોઈને પોર્ટુગીઝ સરકારના અધિકારીઓ અને પોલીસ જવાનો નગરહવેલીના જંગલોમાં સંતાઈ ગયા અને તકનો લાભ લઈને સત્યાગ્રહીઓએ દાદરા અને નગરહવેલી પર કબજો કર્યો.

સાથે જ જંગલોમાં ભરાયેલા સશસ્ત્ર પોલીસ જવાનો અને અધિકારીઓને શોધી કાઢવા પણ અત્યંત મહત્ત્વનું હતું. ગોવા હકૂમતના એ આદમીઓ ફરી બળવો કરી બેસે તો સત્યાગ્રહીઓને લેવાના દેવા થઈ જાય અને નગર હવેલીનો પ્રદેશ હાથમાંથી જાય એ વધારાનો. આ માટે પણ મોરારજી દેસાઈએ જ મુંબઈ રાજ્ય તરફથી મદદ મોકલી અને એ તમામ અધિકારી-પોલીસોને સરન્ડર થવાની ફરજ પાડી.

બીજી તરફ સત્યાગ્રહીઓની સાન ઠેકાણે લાવવા ગોવાની પોર્ટુગીઝ સરકારે એમનું સૈન્ય મોકલવાનું નક્કી કર્યું, પરંતુ આ માટે એમણે ભારતની હદમાં પ્રવેશવું પડે અને ભારતની હદમાં પ્રવેશવા એમણે મોરારજી દેસાઈની સરકાર પાસે સત્તાવાર પરવાનગી લેવી પડે. પોર્ટુગીઝ જવાનોના ભારતમાં પ્રવેશ માટે મોરારજી દેસાઈએ સ્પષ્ટ નનૈયો ભણ્યો અને એમના આ નનૈયાથી ગોવા સરકારે દાદરા અને નગરહવેલીની સત્તા પરથી હાથ ધોઈ નાંખવા પડ્યા.

દાદરા અને નગરહવેલીનો આ પ્રદેશ આજે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાણીતો છે, જ્યાં સેલવાસ નામનું શહેર આ પ્રદેશનું મુખ્ય મથક છે અને પોતાના હરણફાળ ઔદ્યોગિક વિકાસ, અહીંની સદાબહાર પ્રકૃતિ, ફળદ્રુપ ધરતી અને નિરંતર વહેતી દમણગંગા નદીને પગલે આ પ્રદેશ દેશભરના લાખો લોકોની રોજીનું કેન્દ્ર બન્યો છે.

દાદરા અને નગરહવેલીના મોડેલ પર કેટલાક સત્યાગ્રહીઓ ગોવાને પણ કબજે કરવાની હિમાયત કરી રહ્યા હતા, જેથી ગોવાની સાથે દીવ અને દમણનો પણ છુટકારો થાય. પણ આ વખતે સત્યાગ્રહીઓ એ ભૂલી રહ્યા હતા કે, વિસ્તારની દૃષ્ટિએ ગોવા ઘણું મોટું હતું તેમજ પોર્ટુગીઝોનું વડુંમથક પણ હતું. આ કારણે દાદરા અને નગરહવેલી કરતા ગોવામાં સુરક્ષા જવાનો ઘણા હતા અને એ બધા સામે સત્યાગ્રહીઓની સંખ્યા નજીવી હતી. ધારોકે ત્યાં તમામ સત્યાગ્રહીઓની ધરપકડ થાય તો એમાંના એકને પણ ભારત સરકાર બચાવી શકે નહીં અને ગોવાના સ્થાનિક લોકોના કોઈ સહકારની અપેક્ષા તો લગીર રાખી શકાય એમ ન હતી. આ કારણે મોરારજી દેસાઈએ સત્યાગ્રહીઓને આવું કોઈ પગલું ભરવાની ના પાડી.

પણ સત્યાગ્રહીઓ ન માન્યા એ ન જ માન્યા. વળી, ભારતમાં કોંગ્રેસ પર એવું દબાણ હતું કે, કોંગ્રેસ પોતે ગોવામાં ભારતના સત્યાગ્રહીઓ મોકલે. બધી બાજુએથી ઉશ્કેરાટ ફેલાતા સત્યાગ્રહીઓ તાનમાં આવી ગયા અને ઝાઝો વિચાર કર્યા વિના ગોવાની હદમાં તેઓ પ્રવેશી ગયા. દાદરાની ઘટનાથી છંછેડાયેલી ગોવાની સરકારે તરત જ એમના પર હિંસક હુમલો કર્યો, જેમાં કેટલાક સત્યાગ્રહીના મોત થયાં તો કેટલાકને ગંભીર ઇજાઓ થઈ. ગોવાના આ પગલાંને કારણે સત્યાગ્રહ પળવારમાં ભાંગી પડ્યો અને પછીનાં વર્ષોમાં ભારત સરકાર લશ્કરી કાર્યવાહી કરે એવી દેશભરમાં ઉગ્ર માંગ ઊઠી.

આંતરરાષ્ટ્રીય મુદ્દા વખતે સૈન્ય નહીં પણ વાટાઘાટથી સમસ્યાની પતાવટ કરવી એવું કેન્દ્રમાં જવાહરલાલથી લઈને મુંબઈમાં મોરારજી દેસાઈ સુધીના દેશના અગ્રણી નેતાઓ માનતા હતા. પરંતુ 1961નું વર્ષ આવ્યું ત્યાં સુધીમાં ગોવા સંદર્ભે પરિસ્થિતિ અત્યંત વણસી. દેશમાં એમ પણ વાત પ્રસરી કે પોર્ટુગીઝ સરકાર પાકિસ્તાનને ગોવા વેચી દેવાનું વિચારી રહી છે. જો આવું કંઈ થાય તો ભારત માટે તો બકરું કાઢતાં ઊંટ પેસવા જેવી સ્થિતિ સર્જાય, એટલે તકેદારીના ભાગરૂપે ભારત સરકારે ગોવામાં લશ્કર મોકલવાનું નક્કી કર્યું.

મોરારજી દેસાઈ પોતે કોંગ્રેસના સભ્ય અને કોંગ્રેસી સરકારના મુખ્યમંત્રી હોવા છતાં એમણે જવાહરલાલ નહેરુના આ પગલાની આકરી ટીકા કરી અને ભારત સરકાર વાટાઘાટ બંધ કરીને ગોવામાં લશ્કર નહીં મોકલે એ માટે બનતા પ્રયત્નો પણ કર્યા. બિહારમાં કોંગ્રેસની સામાન્ય સભા મળી ત્યારે પણ મોરારજીએ ગોવામાં લશ્કર મોકલવાની નીતિનો આકરો વિરોધ કર્યો અને આ પદ્ધતિથી ગોવા પર કબજો મેળવતા ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે કયા પ્રકારનાં જોખમોનો સામનો કરવો પડી શકે છે એ વિશેની પણ મુદ્દાસરની ચર્ચા કરી. જોકે, કોંગ્રેસની મિટિંગમાં મોરારજીએ ભલે ગમે એટલો વિરોધ કર્યો હોય પરંતુ ભારત સરકાર એમનું એક નહીં માની અને 1961માં સરકારે ગોવામાં લશ્કર મોકલ્યું અને થોડી જદ્દોજહેદ બાદ ભારત પોર્ટુગીઝોને તગેડી મૂકવામાં પણ સફળ રહ્યું.

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના આ નિર્ણય વિશે ચર્ચા જરૂર થઈ હતી, પણ આ વિષય અંતર્ગત ભારત સરકારે કોઈ માઠા પરિણામ ભોગવવા નહોતા પડ્યા. જોકે, મોરારજીને આ રસ્તો અયોગ્ય લાગ્યો હતો અને એ બાબતે એમણે એમની આત્મકથામાં ખૂલીને લખ્યું પણ છે.

આ મુદ્દા ઉપરાંત અનેક મુદ્દા પર મોરારજીને જવાહરલાલ સાથે ચડભડ થઈ હતી. જોકે, કોઈક મુદ્દે વૈચારિક મતભેદ થઈ જતો હોવા છતાં મોરારજીને નહેરુ પ્રત્યે અત્યંત માન હતું અને પોતે જ્યારે કોઈ મુદ્દે નિર્ણય લેતા ખચકાતા ત્યારે નહેરુનો સત્વરે સંપર્ક કરીને એમની સલાહ લેતા.

ગોવાની ઘટના પછીના બીજા વર્ષે 1962માં મોરારજી દેસાઈએ વર્લ્ડ બેંકની કૉન્ફરન્સ માટે જવાનું હતું. ત્યાં સુધીમાં દેસાઈ કેન્દ્રમાં આવી ચૂક્યા હતા અને તેઓ દેશના નાણામંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. કૉન્ફરન્સ પછી મોરારજી દેસાઈ અને અમેરિકાના પ્રમુખ જ્હોન એફ કેનેડીની એક મુલાકાત થઈ. આ મુલાકાત દરમિયાન કેનેડીએ ગોવાનો મુદ્દો ઉપાડ્યો અને જગત જમાદારી કરવાની એમની આદતવશ મોરારજીને સંભળાવ્યું કે, 'આવું પગલું ભરતાં પહેલા નહેરુએ મને જાણ કરવી જોઈતી હતી.' વળી, કેનેડીએ દેસાઈ સામે વિશ્વશાંતિની સુફિયાણી વાતો પણ કરી.

કેનેડી એ બાબતે વાકેફ હતા કે ગોવા મુદ્દે મોરારજી અને જવાહરલાલ આમને-સામને હતા. એટલે એમને એવી અપેક્ષા હતી કે મોરારજી પણ કેનેડીની હામાં હા મેળવશે. પણ કેનેડીની વાત સાંભળીને મોરારજી વિફરી ગયા અને કેનેડીને સામું સંભળાવ્યું કે એકતરફ તમે વિશ્વશાંતિની વાત કરો છો અને બીજી તરફ ક્યૂબામાં કત્લેઆમ ચલાવો છો. એટલે અમારી નીતિનો વિરોધ કરતાં પહેલાં તમારે તમારાં તળિયાં તપાસવાં જોઈએ. આ ઉપરાંત પણ મોરારજીએ જવાહરલાલના ગોવા વિષયક નિર્ણયને વધાવતાં અન્ય બે-ત્રણ ઉદાહરણો કેનેડીને આપ્યાં, જે વાત સાથે કેનેડી પણ સંમત થયા.

અમેરિકન પ્રમુખને પણ કદાચ કાણાને કાણો કહેનારો રાજકારણી પહેલીવાર મળ્યો હશે એટલે તેઓ પણ મોરારજીના દેશપ્રેમથી અંજાયા વિના નહીં રહ્યા હોય. પરંતુ રાષ્ટ્રવાદી માણસ કોને કહેવાય એ વિશેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. દેશમાં આપણને કોઈ પણ મુદ્દે ભલે ચડભડ ચાલતી હોય કે ભલે આપણી રાજકીય વિચારધારાઓ સામસામે ટકરાતી હોય. પરંતુ દેશની બહાર આપણા આંતરિક મતભેદોનું કોઈ મૂલ્ય ન હોવું જોઈએ. મોરારજી ચાહતે તો નહેરુની નીતિ વિશે એલફેલ બોલી શકતે, પણ એમણે એ ટાળ્યું અને પોતાના વડાપ્રધાનને પૂરું સમર્થન આપ્યું. પાકિસ્તાન જઈને નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવાનો લવારો કરી આવતા મણિશંકર ઐયર જેવા નેતાઓએ આમાંથી પાઠ ભણવા જેવો છે.

કાલે દેસાઈ વિશેની બીજી કેટલીક વાતો કરીએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.