એ કોણ હતું?

23 Nov, 2016
12:00 AM

PC: elipunto.com

આમ તો કંઈ એ ભૂતબૂતમાં માને નહીં.  પણ આ વખતની ઘટનાએ એને કોઈક અદૃશ્ય શક્તિમાં માનવા મજબૂર કરેલો. સામાન્ય રીતે જ્યારે પણ ભૂતની વાત નીકળતી ત્યારે એ કહેતો કે, 'એવું કશું હોતું નથી. આ તો બસ મગજના વહેમો છે. જ્યાં સુધી હું રૂબરૂ નહીં જોઉં કે અનુભવ નહીં કરું ત્યાં સુધી હું એવી કોઈ બાબતોમાં વિશ્વાસ નહીં કરું. વળી, કંઈ એક વખતના અનુભવ પછી પણ હું કંઈ એમાં માનું નહીં. કોઈક વાર એવી ઘટના બની જાય તો આપણને થોડો વહેમ જઈ શકે છે, પરંતુ જો એવી ઘટના વારંવાર બને તો જ હું એમાં માનું નહીંતર જયશ્રી કૃષ્ણ!'

જોકે છેલ્લા ત્રણ દિવસથી જે બની રહ્યું એ એક જ ઘટના હતી, પરંતુ ત્રણ દિવસથી લગાતાર ઘટી રહી હતી. પહેલી વખત જ્યારે એ ઘટના બનેલી ત્યારે એને એમ જ થયેલું કે, એને કશોક ભ્રમ થયો હશે, પરંતુ બીજી વખત થયું ત્યારે એના દિલમાં ફડક પેઠી કે નક્કી કશુંક અજુગતું થઈ રહ્યું છે અને ત્રીજી વખત એટલે કે આજે તો એ બાબત એકદમ સ્પષ્ટ થઈ ગઈ કે, છેલ્લા ત્રણ દિવસથી એ જે જોઈ-અનુભવી રહ્યો છે એ કશુંક અજુગતું નહીં, પણ એ અગોચર હતું.

પાંચસો અને હજારની નોટો રદ્દ થવાને કારણે રાહુલને છેલ્લા કેટલાક દિવસોથી બેન્કમાં ખૂબ કામ રહેતું. વહેલી સવારે ઘરેથી નીકળી જતા રાહુલને ઓફિસનું કામ આટોપીને બેન્કમાંથી નીકળતા બાર સાડાબાર થઈ જતા. રાહુલનું ઘર શહેરથી બહાર હતું અને બેન્કથી એનું ઘર વીસેક કિલોમીટર દૂર હતું. સામાન્ય દિવસોમાં તો એ ટ્રેનમાં અપડાઉન કરી લેતો. પરંતુ હમણા કામનું કોઈ ઠેકાણું ન રહેતા એ કાર લઈને આવતો. 

કાર લઈને નીકળે ત્યારે શહેરમાં હોય ત્યાં સુધી તો ઠીક, પરંતુ પછીના બારેક કિલોમીટરનો વિસ્તાર સાવ નિર્જન અને ઝાડી-ઝાંખરાવાળો રહેતો. એ રસ્તા પરથી પસાર થતો ત્યારે રાહુલને માત્ર એક જ બીક રહેતી કે ક્યાંક કોઈ એની કારને આંતરીને કે એના પર હુમલો કરીને એને લૂંટી ન લે. આ કારણે તે નિર્જન રસ્તા પર એની કાર પૂરપાટ મારી મૂકતો.

પહેલા દિવસે એ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો ત્યારે એણે જોયું કે, રસ્તાની કોરે એક બુઢ્ઢો બેઠો બેઠો બીડી પી રહ્યો હતો. બુઢ્ઢાની કદ-કાઠી અને પહેરવેશ જોઈને રાહુલને સાંત્વના મળી કે, આ બુઢ્ઢો એનું કંઈ બગાડી શકે એમ નથી. પરંતુ પાછી એને ફડક પેઢી કે, ક્યાંક આ બુઢ્ઢો કોઇનો મેસેન્જર તો નહીં હોય ને? આગળ બેઠેલા એના કોઈ સાગરીતને એ જાણ તો નહીં કરતો હોય ને કે, તમારી તરફ એક કાર આવી રહી છે!

બુઢ્ઢો શું કરે છે એ જોવા માટે રાહુલે કારની ગતિ સહેજ ધીમી પાડી અને રિયરવ્યૂ મિરરમાંથી જોવા માંડ્યો. પણ બુઢ્ઢાને જોઈને રાહુલ અચરજમાં પડી ગયો કે, જે બુઢ્ઢો બીડી પી રહ્યો હતો ત્યાં ધોળા રંગની એક મોટી સફેદ આકૃતિ દેખાઈ રહી હતી. જાણે સફેદ રંગનો કોઈ વિશાળ ધબ્બો હોય એવી એ આકૃતિમાં થોડું હલનચલન પણ દેખાઈ રહ્યું હતું. એ જોઈને રાહુલને થોડું અચરજ થયું, પરંતુ પછી એને થયું શિયાળાના ધુમ્મસ અને પોતાના થાકને કારણે એને એવું કંઈક દેખાયું હશે.

પરંતુ બીજા દિવસે પણ એ જ્યારે રાત્રે નીકળ્યો ત્યારે એણે જોયું કે, પેલો બુઢ્ઢો આજે પણ ત્યાં જ બેઠો છે. અદ્દલ ગઈકાલની જ સ્ટાઈલમાં એ બેઠો હતો અને એના કારની તરફ તાકીને બીડી ફૂંકી રહ્યો હતો. રાહુલે જોયું કે, એની નજરો કાતિલ હતી. એની આંખોમાં કશોક આક્રોશ હતો અને એ આંખો કોઈકને શોધી રહી હતી. ગઈકાલે જે રીતે રિયરવ્યૂ મિરરમાં એક ધોળો ધબ્બો દેખાયેલો એમ કાર સહેજ દૂર જતાં એ ધબ્બો મોટો થતો ગયેલો.

જોકે બીજા દિવસે રાહુલે થોડો શરાબ પીધો હતો કારણ કે, કામના ભારને કારણે એ અને એના કલીગ્સ ખૂબ થાકી ગયેલા, જેને કારણે ઓફિસથી થોડા વહેલા નીકળીને એ બધા કલીગ્સ એક કલીગને ત્યાં ભેગા થયેલા અને એમણે બિયર પીધેલો. બિયરને કારણે એને એવું લાગતું હતું કે કદાચ ગઈકાલનો ભ્રમ એને ફરી થયો હશે. પણ ત્રીજા દિવસે ફરી જ્યારે એણે બુઢ્ઢાને ત્યાં બેઠેલો જોયો ત્યારે એના મોતિયા મરી ગયા. કારણ કે, આજે જ્યારે એની કાર બુઢ્ઢાથી થોડી દૂર ગઈ કે પેલો સફેદ ધબ્બો એની પાછળ દોડતો હોય એવો એને ભાસ થયો. આ કારણે એણે પણ ગાડી પૂરપાટ મારી મૂકી, પણ પેલો ધબ્બો તો વધુ ને વધુ ઝડપે એની તરફ દોડી રહ્યો હતો. અને અચાનક જ એ સફેદ પ્રકાશ ક્યાંક અદૃશ્ય થઈ ગયો.

આ વખતે એને ખ્યાલ આવી ગયો કે, એણે જે જોયું હતું એ ભૂત જ હતું. અને આ દુનિયામાં જેમ માણસનું કે બીજા જીવોનું અસ્તિત્વ છે એ રીતે ભૂતોનું પણ અસ્તિત્વ છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.