દયાશંકર સિંહ માયાવતીને લાભ કરાવશે?

22 Jul, 2016
12:05 AM

mamta ashok

PC:

દલિતો આ સપ્તાહે દેશના મુખ્ય સમાચારોમાં છવાયેલા રહ્યા. એ હદે કે, કાશ્મીરનો મુદ્દો સુદ્ધાં હાંસિયામાં ધકેલાઈ ગયો. અલબત્ત, સમાચારોમાં છવાવાના જે કારણો હતા એ કારણો અત્યંત ગંભીર હતા. અને જાગૃત નાગરિક તરીકે દલિતો સાથે થયેલા વર્તનને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં. ગુજરાતના ઉનામાં દલિત યુવાનોને સરેરામ પીટવાના કિસ્સામાં ગાંધીનગરની સરકાર દોડતી થઈ ગઈ છે અને આનંદીબેન પટેલના ગતિશિલ ગુજરાત પર ચારેકોર માછલા ધોવાઈ રહ્યા છે ત્યાં મુંબઈના દાદરમાં આંબેડકર ભવનને તોડી પાડવાના વિરોધમાં મહારાષ્ટ્ર સહિત દેશભરના દલિતો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. એટલામાં ઉત્તરપ્રદેશથી નવા અને ચોંકાવનારા સમાચાર આવ્યા કે, ઉત્તરપ્રદેશ ભાજપના નેતા દયાશંકર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીને રૂપજીવિની સાથે સરખાવ્યા.

જાતિવાદ અને ધર્મો બાબતનું ગંદુ રાજકારણ આપણે ત્યાં પ્રવર્તિ જ રહ્યું છે, પરંતુ આ બધા છતાં દયાશંકર સિંહ જેવાના વિધાનો એ બાબતની પુષ્ટિ કરે છે કે, આપણા દેશનું રાજકારણ કેટલી હદે નીચું ગયું છે. ખૈર, આપણા રાજકારણનું સ્તર એક અલગ ચર્ચાનો વિષય છે, પણ આજની ચર્ચા દયાશંકર સિંહના વિવાદાસ્પદ વિધાન અને માયાવતીને સહાનુભૂતિના રૂપમાં મળી ગયેલી તક વિશેની ચર્ચા કરવી છે.

દયાશંકર સિંહે માયાવતી વિશે જે શબ્દોનો ઉપયોગ કર્યા છે એ અત્યંત શરમજનક અને અયોગ્ય છે. દયાશંકર સિંહ ઉત્તરપ્રદેશ ભાજપના ઉપપ્રમુખ છે અને રાજકારણમાં કોઇ ઉચ્ચ પદે બેઠેલી વ્યક્તિ જાહેરમાં આવું વાહિયાત બયાન ફટકારે ત્યારે એ સાંખી લેવાય નહીં. એક તરફ કેન્દ્રની સરકાર 'બેટી બચાવો' આંદોલન ચલાવી રહી છે ત્યારે એ જ પક્ષના મોટા નેતા કોઈ સ્ત્રી વિશે આવું વિધાન કરે ત્યારે એની નિંદા કરવી જ રહી. રાજ્યસભામાં વિરોધપક્ષના નેતાઓથી લઈને સત્તાપક્ષના મંત્રીઓ સુધીના નેતાઓએ માયાવતી વિરુદ્ધ દયાશંકરના વિધાનની નિંદા કરી અને અરુણ જેટલી જેવા મંત્રીએ માફી પણ માગી લીધી.

જોકે આખી ઘટનાને જે સંદર્ભમાં લેવાવી જોઈતી હતી એ સંદર્ભમાં લેવામાં આવી નથી. આ મુદ્દાએ કંઈક અલગ જ સ્વરૂપ પકડ્યું અને આખી વાતમાં દલિતવાદને કેન્દ્રમાં લઈ આવવામાં આવ્યો છે. અખબારો અને માધ્યમોમાં વાતને એ રીતે રજૂ કરવામાં આવી રહી છે કે, ભાજપના નેતાએ એક દલિત નેતા વિશે આવા વાહિયાત શબ્દો ઉચ્ચાર્યા છે! મુદ્દો એ હતો કે, સ્ત્રીઓ વિશે આજેય ગમે તેમ લવારો થાય છે એ પુરુષપ્રધાન સમાજની માનસિકતા છતી કરે છે. વળી, માયાવતીએ પોતે પણ આ વાતમાં જાતિવાદને ઘૂસાડવાની તક છોડી નથી. એ પરથી એમ કહી શકાય કે, આવા ગંભીર વિષયમાં પણ જાતિવાદનો કાર્ડ રમીને માયાવતી ફરી એક તક ઝડપી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ફરી એકવાર ઉત્તરપ્રદેશના દલિતોના મત ઝબ્બે કરી લેવાની પેરવી કરી રહ્યા છે.

વળી, દયાશંકર સિંહે પણ એવા પરફેક્ટ ટાઈમે ભાજપના પગ પર કૂહાડી મારી છે કેદયાશંકરનું બયાન ભાજપને ઉત્તરપ્રદેશમાં મોટો ફટકો પાડી શકે છે. ઉત્તરપ્રદેશમાં દલિત મતદારોની સંખ્યા નાની નથી. અને આ મતદારો કિંગ મેકર સાબિત થવાની પૂરી ક્ષમતા ધરાવે છે. આ કારણે દલિત મતદારોને રિઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો મથામણ આદરી રહ્યા હતા. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં દલિત નેતા તરીકે માયાવતીની પકડ ઢીલી પડી રહી હતી અને એક પછી એક દલિત નેતાઓ માયાવતી અને બસપાનો સાથ છોડી રહ્યા હતા એટલે તો ભાજપ, કોંગ્રેસ કે સપા માટે ઉત્તરપ્રદેશ મોકળુ મેદાન હતું. પરંતુ દયાશંકર સિંહે છેલ્લી ઘડીએ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી.

હજુ બે દિવસ પહેલા જ માયાવતીએ ગુજરાતના ઉના પ્રકરણ મુદ્દે રાજ્યસભા ગજવી હતી અને દલિત નેતા તરીકેની પોતાની છાપ ઊભી કરવાના પ્રયત્નો આદર્યા હતા. એ વાત પણ નોંધવી રહી કે, માયાવતીએ રાજ્યસભામાં ઉના પ્રકરણ ઉઠાવ્યા બાદ ઉનાનું પ્રકરણ રાષ્ટ્રીય સ્તરે ગૂંજ્યું હતું અને ગુજરાતની ભાજપ સરકાર દોડતી થઈ ગઈ હતી. આ સપ્તાહની ઘટનાઓને કારણે ભાજપને કેટલો ગેરફાયદો થયો છે એની ગણતરી નહીં માંડીએ, પણ એ વાત ચોક્કસ કરવી રહી કે, દલિત નેતા તરીકે માયાવતીને ઘણો ફાયદો થયો છે, પોતાની ઈમેજ ઊભી કરવામાં એમને ઘણી સફળતા મળી છે,  જેનો લાભ એમને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં થવાનો જ છે.

બીજી તરફ ગયા સપ્તાહે કોંગ્રેસે શીલા દિક્ષિતને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારે રાજકીય વિશ્લેષકો અને ઉત્તરપ્રદેશના રાજકારણના જાણકારો એવું કહી રહ્યા છે આ વખતે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધન કરશે અને બ્રાહ્મણ-દલિત વોટબેંક પર મદાર રાખીને ચૂંટણી લડશે. હવે આ દલિલમાં કેટલું તથ્ય છે એ તો પ્રશાંત કિશોર જ જાણે, પરંતુ જો આવું કંઈક થયું તો આ ગઠબંધન સપા અને ભાજપ માટે ચિંતા ઊભી કરી શકે છે અને એમને હંફાવી શકે છે. બાપડા ભાજપને તો હજુ થોડા મહિનાઓ પહેલા જ બિહારમાં લાલુ- નીતિશના ગઠબંધને માત આપી છે એટલે બિહારની ચૂંટણી બાદ તેઓ એટલું તો સમજ્યા જ હશે કે, માયાવતી અને કોંગ્રેસ ગઠબંધ કરે તો એને અવગણી શકાય નહીં.

જો અને તો ની વાતો કોરાણે મૂકીએ તો એક વાત આપણે ભૂલવી નહીં જોઈએ કે, બિહારની ચૂંટણી દરમિયાન આરએસએસ સુપ્રિમો મોહન ભાગવતે અનામતની પુનઃસમિક્ષાની વાત કરેલી ત્યારે લાલુ યાદવ અને નીતિશ કુમારે ભાગવતના બયાનનું વાતનું વાતેસર કરેલું, જેનો એમને બિહારની ચૂંટણીમાં ભારે લાભ પણ મળેલો. એ જ તરહ પર માયાવતીની બાબતે પણ દયાશંકર સિંહનું રૂપજીવિનીઓવાળું બયાન હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. એમાંય જો કોંગ્રેસ સાથે ગઠબંધન થયું તો આવનારા સમયમાં ઉત્તરપ્રદેશમાં નવા સમીકરણો જોવા મળી શકે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.