ઘણા ગયા, થોડા રહ્યા તોય મર્ડોકના અભરખા પૂરા ન થયા
મીડિયા મુગલ રુપર્ટ મર્ડોક આજકાલ ફરી સમાચારોમાં છવાયા છે અને પશ્ચિમના અખબારોમાં આજકાલ પાના ભરી ભરીને મર્ડોકને લગતી ગોસિપ પ્રકાશિત થઈ રહી છે. જોકે આ વખતે મર્ડોકનો અખબાર કે પત્રકારત્વને લગતો કોઈ વિવાદ નથી. આ વખતે મર્ડોક એમની પર્સનલ લાઈફને લઈને સમાચારોમાં છે. મર્ડોકની પર્સનલ લાઈફની નવાજૂનીને કારણે જેપશ્ચિમના અખબારો અને ત્યાંની વેબ પોર્ટલ્સને મર્ડોક કેન્દ્રી અહેવાલો છાપવાની મજા પણ આવી રહી છે, કારણ કે એમનું તો પત્રકારત્વ જ આવા સમાચારો પર નભતું હોય છે. અને એમને જ્યારે કોઈકની પર્સનલ લાઈફના સ્કૂપ્સ નહીં જડે તો તેઓ એશિયાઈ દેશોની પત્તર ખાંડવા બેસે છે. ખૈર, આપણે ફરી મર્ડોક પર આવીએ. 84 વર્ષના આ મીડિયા બાદશાહ લગને લગને હજી કુંવારા જ છે અને એટલે જ તેઓ ત્રણ વખત લગ્ન કર્યા બાદ જીવનના આઠમાં દાયકામાં વટથી પરવણવા નીકળ્યા છે.
બીજી તરફ વર્ષો સુધી કોઈ પુરુષ સાથે લીવઈન રિલેશનશિપમાં રહેલી અને એ પુરુષના સંતાનોની માતા બની ચૂકેલી એમની 59 વર્ષીય લાડી, નામે જેરી હૉલના આ પહેલા સત્તાવાર લગ્ન છે. પશ્ચિમી જગતમાં આવા બે-ત્રણ-પાંચ લગ્નો કે વર-વધુની સીત્તેર-એંસીની ઉંમર વિશે બહુ આશ્ચર્ય નથી હોતું, પરંતુ મર્ડોકની બાબતે હવે જોવું એ રહ્યું કે, આ પૂર્વે ત્રણ વખત છૂટાછેડા લઈ ચૂકેલા મર્ડોકના આ લગ્ન કેટલા સમય સુધી ટકશે? અને બીજો એનાથી મોટો પ્રશ્ન એ છે કે આ લગ્ન મર્ડોકના આખરી લગ્ન હશે કે આ તરવરિયો જુવાન હજુ એકાદ વાર પરણશે?
મર્ડોક કુમાર પહેલી વખત 25 વર્ષની ઉંમરે પરણેલા, જે લગ્ન જીવન માત્ર અગિયાર વર્ષ ટકેલું અને આ દરમિયાન એમને ત્યાં પ્રૂડન્સ નામનો એક પાટવીકુંવર પણ અવતરેલો. વર્ષ 1967માં મર્ડોકના પહેલા ડિવોર્સ થયેલા અને એમણે એ જ વર્ષે નેકી ઓર પૂછ પૂછના સિદ્ધાંતે ફરી અન્ના મારિયા ટોર્વ નામની સ્ત્રી સાથે લગ્ન કરેલા. મર્ડોકના સિડની ખાતેના અખબાર 'ધ ડેઈલી ટેલિગ્રાફ'માં પત્રકાર તરીકે નોકરી કરતી અન્ના મારિયા સાથેના બીજા લગ્નથી આ જોડાને ત્રણ સંતાનો થયેલા. અન્ના મારિયા તો પાછી બૌદ્ધિક ભાર્યા હતી, જેણે મર્ડોક સાથેના લગ્ન જીવન દરમિયાન 'ફેમિલી બિઝનેસ' અને 'કમિંગ ટુ ટર્મ્સ' નામની બે નવલકથાઓ પણ લખેલી, જેને રુપર્ટ મર્ડોકની જ કોઈ કંપનીએ પ્રકાશિત કરેલી અને મર્ડોકના અખબારોમાં જ એ નવલકથાઓ બેસ્ટ સેલરનું બિરુદ પણ પામેલી. આ બૌદ્ધિક ભાર્યા સાથે મર્ડોકે પ્રમાણમાં સારો સમય પસાર કર્યો, જ્યાં 32 વર્ષ બાદ એમના લગ્ન જીવનમાં ભંગાણ પડેલું. જોકે આ છૂટાછેડા વખતે સમાચાર પત્રોના મથાળા એ હતા કે, 'મર્ડોકે અન્ના મારિયાને ભરપોષણ પેઠે 1.2 યુએસ ડૉલરની ચૂકવણી કરવી પડી!'
મૂળ ઓસ્ટ્રેલિયાના મર્ડોક અમેરિકાની ખ્યાતનામ ન્યૂઝ કંપની ન્યૂઝ કોર્પોરેશનના સ્થાપક અને CEO છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડથી વાયા લંડન થઈ અમેરિકા પહોંચેલા મર્ડોકની લાઈફ રોમાંચક ચઢાવ ઉતારોથી ભરપૂર છે. પત્રકાર પિતા કિથ મર્ડોકની ઓસ્ટ્રેલિયન કંપની 'ન્યૂઝ લિમિટેડ'માં તૈયાર ભાણે જમવા બેઠેલા મર્ડોકે પચાસ-સાંઠના દાયકામાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના અનેક અખબારો ખરીદી લીધેલા અને કંઈક આ રીતે મીડિયા પર પ્રભુત્વ જાળવીને એમેણે ત્યાંના રાજકારણ પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખેલું. પછી તો મર્ડોકે યુરોપ અને અમેરિકા તરફ પોતાની નજર દોડાવી અને અહીં પણ મર્ડોકે એમની સંપત્તિના જોરે નામી અખબારોને ખરીદીને કે નવા પ્રકાશનો શરૂ કરીને પોતાની પકડ મજબૂત કરેલી. પાછળથી ઈલેક્ટ્રોનિક મીડિયામાં પણ મર્ડોકે પગપેસારો કર્યો અને '21st Century Fox' દ્વારા પશ્ચિમી જગત અને એશિયામાં પણ દાયકાઓ સુધી રાજ કર્યું.
એકવીસમી સદીના બીજા દાયકાની શરૂઆતમાં મર્ડોકની કંપની 'ન્યૂઝ કોર્પોરેશન'ના પત્રકારો દ્વારા થતાં ફોન ટેપિંગ અને પશ્ચિમના દેશોની પોલીસને લાંચ આપવાના વિવાદ મામલે મર્ડોકને નામે ખૂબ માછલાં ધોવાયેલા. વર્ષ 2011માં ખૂબ ગાજેલા આ વિવાદને કારણે જ મર્ડોકે એમનું ટેબલૉઈડ અખબાર 'ન્યૂઝ ઑફ ધ વર્લ્ડ' બંધ કરવું પડેલું. 'ન્યુઝ ઑફ ધ વર્લ્ડ' યુકેના જૂના ટેબલૉઈડમાનું એક હતું, જે સળંગ 168 વર્ષ ચાલેલું. નૉટ ઑનલી ચાલેલું, પણ એ અખબારે અનેક વાર યુકેમાં ઉહાપોહ પણ મચાવેલો. અલબત્ત અખબાર ટેબલૉઈડ હતું એટલે એટલે એનું પત્રકારત્વ બહુ વખાણવા લાયક ન હતું અને આ અખબાર અનેક વખત મોટા વિવાદોમાં પણ સપડાતુ રહેલું. પરંતુ મર્ડોક જેવા વ્યવસાયિકો પત્રકારત્વમાં ઘૂસે ત્યારે દોઢ સદી જૂના અખબારના પણ તેઓ શા હાલ કરી શકે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આ વિવાદ વખતે એમની ત્રીજી પત્ની વેન્ડી ડેંગ મર્ડોક પણ ભારે ચર્ચામાં આવેલી. પેલી બૌદ્ધિક ભાર્યા સાથેના છૂટાછેડા પછીના સત્તરમે જ દિવસે મર્ડોકે પોતાની 68 વર્ષની ઉંમરે ત્રીસ વર્ષની વેન્ડી ડેંગ સાથે લગ્ન કરેલા. મર્ડોકની કંપની દ્વારા થતાં ફોન ટેપિંગના વિવાદ વખતે જ્યારે ઈંગલેન્ડની સંસદમાં રુપર્ટ મર્ડોકની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે મર્ડોકની કાળી કરતૂતોથી ત્રસ્ત એક વ્યક્તિએ મર્ડોક પર સેવિંગ ફોમ નાંખવાની કોશિશ કરેલી. પેલી વ્યક્તિ જ્યારે મર્ડોકના ચહેરા પર ફોમ ચોપડવા આગળ ધસી ત્યારે મર્ડોકની બાજુમાં બેઠેલી વેન્ડી ડેંગ એ વ્યક્તિ પર વાવાજોડાની જેમ ત્રાટકેલી અને એ વ્યક્તિને બરાબરનો ધોઈ નાંખેલો. આવા બચાવને કારણે માધ્યમોમાં વેન્ડીની ખૂબ પ્રસંશા થઈ અને પતિની મુશ્કેલીમાં એની સાથે ઊભેલી રહેલી સહચારિણી તરીકે ખૂબ પોંખાઈ.
વેન્ડી મર્ડોક કરતા આડત્રીસ વર્ષ નાની હતી અને મર્ડોક સાથેના લગ્ન દરમિયાન એમને બે સંતાનો થયેલા. મૂળ ચીનની વેન્ડી રુપર્ટ મર્ડોકની કંપની ન્યૂઝ કોર્પોરેશનમાં એક સામાન્ય કર્મચારી હતી પરંતુ એક વાર મર્ડોકે કોઈક કામસર ચીન જવું પડેલું અને ત્યાં વેન્ડીને દુભાષિયા તરીકે લઈ જવામાં આવેલી અને એ ચીન સફર દરમિયાન જ મર્ડોક, વેન્ડીને ઈલુ ઈલુ થઈ ગયેલું. આ લગ્નથી મર્ડોકને બે દીકરીઓ પણ થયેલી.
જોકે વર્ષ 2013માં મર્ડોકને વેન્ડી સાથે ડખો થયો અને એમના ચૌદ વર્ષના લગ્ન જીવનનો અચાનક અંત આવ્યો. આ ડિવોર્સ થયેલા ત્યારે મર્ડોક છ સંતાનોના પિતા હતા તો કુલ તેર પૌત્રો-પૌત્રીના દાદા હતા. એવામાં પત્ની વિના બેએક વર્ષ એકલતામાં કાઢ્યાં ન કાઢ્યાં ત્યાં તો વર્ષ 2016ના પહેલા જ મહિને મૉડેલ જેરી હૉલ સાથેની મર્ડોકની સગાઈની જાહેરાત કરવામાં આવી. એ પણ ક્યાં? તો કે મર્ડોકના જ 'ધ ટાઈમ્સ' નામના અખબારના લગ્ન વિષયક જાહેરાતોના પાના પર! જેરી હૉલને પણ આગલા રિલેશનથી ચાર સંતાન હતા એટલે હવે ટૂંક સમયમાં જ મર્ડોક અંકલ દસ સંતાનોના ડેડી બનશે. મર્ડોક અબજોની સંપત્તિનું સામ્રાજ્ય ધરાવે છે, છતાં એમના સંતાનોને સંપત્તિ બાબતે ઝાઝા ડખા નથી થયાં, એટલે એ બાબતે મર્ડોક સુખી જ કહી શકાય. પરંતુ 84 વર્ષના મર્ડોકને હવે ખરા અર્થમાં ઘણા ગયા ને થોડા રહ્યા જેવી સ્થિતિ છે, ત્યારે એમના આ ચોથા લગ્નમાં તેઓ કેટલું સુખ માણે છે એ જોવું રહ્યું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર