એક પણ સંતાન નહીં છતાંય એક ડઝન સંતાનોની હું મા!

14 May, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

હેપી મધર્સ ડે....

આજે ‘મધર્સ ડે’ છે. વિદેશી આવેલો આ ડે મને ખૂબ ગમે છે. જ્યારથી ખબર પડી ત્યારથી ગમે છે. પણ દુઃખની વાત એ છે કે, અઢાર વર્ષ પહેલાં હું ભાભી મતલબ કે મારાં મમ્મી- વિણાબેન રાવલ પાસે રહેતી હતી ત્યારે આવો કોઈ દિવસ ચલણમાં ન હતો. જો કે, ભાભી સાથે હું એવી રીતે રહેતી હતી કે, જાણે રોજેરોજ ‘મધર્સ ડે’ હોય.

ભાભીને દુઃખ થાય એવું ભાગ્યે જ કરતી. એ કહે એમ કરતી. તમામ કામમાં હંમેશાં એમની સાથે. એ પણ મને સતત સપોર્ટ કરતાં. મોટાભાઈ- પ્રભુલાલ રાવલને જર્નલિઝમ ન ગમતું તો પણ ભાભી મારી સાથે જ હતાં. રોજ રાત્રે પગની પીંડી પર વિક્સ લગાવી દેવાનું અને પગ દબાવીને સૂવાનું. ઘરમાંથી કોઈ એમની સાથે માથાકૂટ કરે તો ભાભીનું જ ખેંચવાનું. હા, ભાભી ક્યાંય ખોટાં હોય તો એમને પ્રેમથી વાત કરતી. મારો મારી મમ્મી પ્રત્યેનો સ્નેહ તો મેં અમીષા શાહ તથા મૃગાંક શાહ સંપાદિત પુસ્તક ‘થેંક્યુ મમ્મી’માં લખી નાખ્યો છે. 

આજે વાત કરવી છે કેટલાક લાગણીના સંબંધોની. છેલ્લા એક અઠવાડિયાથી ‘મધર્સ ડે’ આવવાનો છે એ સાંભળી રહી છું. દર વખતે એક ક્ષણ પૂરતો વિચાર આવી જાય કે, ભાભી મારી સાથે બોલતાં નથી. એટલે મારા ‘મધર્સ ડે’નો કોઈ મતલબ નથી. પછી તરત જ બીજો વિચાર આવે છે કે, મારી સાથે લાગણીના કેટલાં બધાં સંબંધો જોડાયેલાં છે. 

હાડમાંસમાંથી એકેયને જન્મ નથી આપ્યો. એકેય છોકરું જેને મારા પ્રત્યે મા જેવી લાગણી છે એ મારા ગર્ભમાં નથી આળોટ્યું. પણ એ મારા દિલમાં વસ્યું છે. મારી પાસે એ દરેક વ્યક્તિને દિલ ખોલવાનું ગમે એવો માહોલ મેં પૂરો પાડ્યો છે. સમજણી થઈ ત્યારથી સતત એવું અનુભવતી આવી છું અને સમયાંતરે એ સાબિત પણ થયું છે કે, લોહીનો સંબંધ લાગણીના સંબંધ કરતા ક્યાંય ઉપર છે. 

સામાન્ય રીતે આપણે ત્યાં કહે છે કે, માતૃત્વ દરેક સ્ત્રીને સંપૂર્ણ બનાવે છે. મારા કિસ્સામાં જરા ઉંધુ છે. એક પણ સંતાન નથી છતાંય અનેક છોકરાંવનો લાગણીસભર વહેવાર-સ્નેહ મને સંપૂર્ણ બનાવે છે. ઘણીવખત  એવું ઓબ્ઝર્વેશન પણ સામે આવે છે કે, માતૃત્વ નહીં પામેલી સ્ત્રી કોરી લાગે છે. એની લાગણીઓ ડ્રાય લાગે છે. પોતાનામાં કંઈ ખૂટે છે એ એના વર્તનમાં દેખાઈ આવે છે. જો કે, મારી વાતને લાગેવળગે છે ત્યાં સુધી માતૃત્વ સંતાનને જન્મ આપવાથી જ પામી શકાય કે મેળવી શકાય એવું નથી. તમારી લાગણી, પ્રેમ, સ્નેહ, આદર પણ તમને ખોળો ખાલી હોવા છતાં ભર્યો-ભાદર્યો રાખે છે. વળી, મેં by choice માતૃત્વ નથી મેળવ્યું એ વાત સત્ય છે અને બધાં જ છોકરાંઓ મને કોઈ ચોઈસ વગર જ મળી ગયાં છે. હું ઘણાં બધાંને કહું છું કે, ડીએનએના સંબંધોમાં કોઈ ચોઈસ નથી હોતી. પણ મા-સંતાન પ્રત્યેની લાગણીમાં મારાં ડીએનએનું કોડિંગ કંઈક જુદી રીતે જ ગોઠવાયું છે. 

લખવાની કળા હસ્તગત છે એટલે આવું વ્યક્ત થવામાં પણ એક હળવાશ લાગે છે. મજા આવે છે. બીજું હું એવું સ્પષ્ટપણે માનું છું કે, જે લાગણીને જેવી અનુભવો એવી જ એને વ્યક્ત કરી દેવી જોઈએ. ક્યારે, કોણ, ક્યાં મળી જવાનું કે છૂટું પડી જવાનું છે એની કોઈને ખબર નથી. 

આ લખવા બેઠી છું ત્યારે મને ખબર નથી કે જેના જેના વિશે લખું છું એના સુધી મારી આ લાગણી પહોંચશે કે કેમ? પણ, મને તો ખબર છેને કે હું શું વિચારું છું. બધાંને કેટલો પ્રેમ કરું છું એ વાતની મને તો ખબર છેને... જેમના વિશે લખવા જઈ રહી છું એમના સુધી આ વાત પહોંચશે કે કેમ એ પણ ખબર નથી. છતાંય લખવા બેઠી છું. 

સૌથી પહેલાં વાત કરું મારી અપેક્ષાની. અપેક્ષા મારા નણંદ નીતાબેનની દીકરી. એ એક વખત મને મળી હતી, 2003માં. તાન્ઝાનિયાના દાર- એ -સલામમાં જ જન્મી અને સોળ વર્ષની થઈ ત્યાં સુધી ત્યાં જ રહી. મને પહેલીવાર મળી ત્યારે એ પંદર વર્ષની હતી. અમે બંને એ દિવસોમાં બહુ ઝઘડતાં. પછી એ દાર- એ- સલામ ગઈ. બરાબર એક વર્ષ પછી એ મારી પાસે આવી. 

એક વિખેરાયેલું બાળપણ અને ફફડતો જીવ મારા હાથમાં આવી ચડ્યો. ભયંકર ડિપ્રેશનમાં હતી એ. એને નેગેટિવ વિચારો ઘેરી વળતાં. એમાંથી એને બહાર કાઢવા માટે મેં દિલથી પ્રયત્નો કર્યાં. એ બહાર પણ આવી ગઈ. આજે તો એ મારું માથું ભાંગે એવી હોશિયાર, જબરી, સમજદાર, ડાહી અને ચીવટવાળી થઈ ગઈ છે. એ હોંગકોંગ એના સાસરે છે. બે દીકરા ક્રિશ અને નીવની મમ્મી છે. 

2004માં એ મારી પાસે આવી. મને ટક્કર મારે એવી થઈ ગઈ. પછી આવ્યો ‘મધર્સ ડે’. અમે આઈસ્ક્રીમ ખાવા ગયેલાં. એના મામા મતલબ કે કૃષ્ણકાંત અમને બંનેને કારમાં મૂકીને આઈસ્ક્રીમ લેવા ગયેલાં. રેડિયો પર મધર્સ ડે વિશેની વાતો આવતી હતી. અને અચાનક જ અપેક્ષાએ કહ્યું કે, જ્યોતિ મામી, મારે તમને એક વાત કરવી છે. 

પહેલાં તો મને ધ્રાસકો પડ્યો કે આને કંઈ નેગેટિવ વિચાર ફરી ઘૂસી નથી ગયાંને? પણ એવું કંઈ ન હતું. 

એણે મને કહ્યું કે, આજે ‘મધર્સ ડે’ છે. મને દાર- એ -સલામમાં મમ્મીએ જન્મ આપ્યો છે. તમે મને રી-બર્થ આપ્યો છે. તમે મને મારી જાત સાથે મેળવી દીધી છે. આજથી હું તમને મામી નહીં મમ્મી કહીશ. બસ એની થોડી જ પળોમાં એણે આપોઆપ કૃષ્ણકાંતને ડેડી કહેવાનું ચાલુ કરી દીધું. 

દરેક બાળક માટે એની મમ્મી બેસ્ટ કૂક હોય. નીતાબેન જેટલું સરસ જમવાનું તો હું નથી બનાવી શકતી. પણ અપેક્ષા આવે ત્યારે એને મારા હાથે બનાવેલી વઘારેલી ખીચડી અને દહીં જમવા માટે આપું ત્યારે એ એવી લિજ્જતથી ખાતી હોય અને પછી કહે, મમ્મી, મને કેટલાં વખતે જમવાનો સંતોષ થયો. 

આજે પણ એના મીઠા સ્વરમાં એ જ્યારે જ્યારે મને મમ્મીનું સંબોધન કરે છે ત્યારે હું સંપૂર્ણતા અનુભવું છું. આખી દુનિયામાં આ એકમાત્ર દીકરી છે જે મને મમ્મી કહે છે. જેનું મને ગૌરવ અને આનંદ છે. 

પછી વાત લખું, યેશાની. મોટીબહેન કલ્પનાની દીકરી યેશા. એ મારાં દિલમાંથી જન્મેલી દીકરી છે એવું લખું તો વધુ પડતું નથી. હું ઓગણીસ વર્ષની હતી ત્યારે યેશા મોટીબહેનના પેટે અવતરી. અગિયાર મહિનાની થઈ ત્યારથી માંડીને નવ વર્ષની થઈ ત્યાં સુધી એ મારા પપ્પાના ઘરે અમારી સાથે રહી. બાળકના તમામ લાડકોડ, તોફાન-મસ્તી, જવાબદારી, વાચન-લેખન, હોમવર્ક બધું જ યેશા સાથે કર્યું છે. એને નાનપણમાં કોઈ પૂછતું કે, તારી મમ્મીનું નામ શું?  તો એ કહેતી કે, મારી મમ્મી, કલ્પના બહેન. પછી એની જાતે જ ઉમેરીને બોલી દેતી કે, મારી મા જ્યોતિ. 

એનાથી નાનીબહેન ગાર્ગી જેની સાથે રહેવાનો બહુ મોકો નથી મળ્યો. પણ જેટલું રહી એટલું બધું જ આજેય એવુંને એવું તાજું છે.  

એક વખત યેશાની વાત કરતાં કરતાં હું બહુ ઈમોશનલ થઈ ગઈ હતી. અપેક્ષા સાથે હતી. વાત પૂરી થઈ. હું સ્વસ્થ થઈ ગઈ પછી એણે મને પૂછ્યું, મમ્મી, તમે મને વધુ લવ કરો છો કે, યેશાને? 

મારી પાસે કોઈ જવાબ ન હતો. પણ એ મારી સાથે હતી એટલે એને ડિપ્લોમેટીક જવાબ આપ્યો. અરે, દીકરા તને... આજે એને બે દીકરા છે. નીવ અને ક્રિશ ત્યારે મને એની મસ્તી કરવાનું મન થઈ આવે છે, બેટા તને નીવ વધુ વહાલો કે ક્રિશ?

યેશા-ગાર્ગી પછી મારી બીજી બહેનોના ઘરે સંતાનો આવ્યાં. પણ એ તમામ સાથે વાતચીતનો કોઈ વહેવાર નથી. કૃષ્ણકાંત સાથે રહેવા આવી ગઈ પછી એ છેડો ત્યાં જ કપાઈ ગયો. આજે બધાંની ફેસબુક વોલ પર કે ઈન્સ્ટાગ્રામ પર જોઈને મારી યાદોને તાજી કરી લઉં છું. એ કોઈ સોશિયલ મીડિયાથી મારી સાથે જોડાયેલાં નથી ફેસબુકની વોલ પર મારા શબ્દો પડઘાઈને મને જ પાછા મળે છે. એક કોરો સન્નાટો છે જે ક્યારે તૂટશે એ નથી સમજાતું. 

હવે, વાત કરું ધ્વનિની. વડોદરાના ડૉક્ટર આર.બી. ભેસાણીયા તથા ફાલ્ગુનીબેનની મીઠડી દીકરી. બસ ગણતરીના દિવસોમાં જ એ મમ્મી બનવાની છે. એના પ્રેગનેન્સીના ફોટા મોકલે ત્યારે હું એટલી રાજી થાઉં કે વાત જવા દો. સારા વિચારો કરવા અને હસતાં રહેવા માટે કોઈ કોઈ વાર એને મેસેજ પણ કરું. હું એને પહેલીવાર મળી ત્યારે એ ફક્ત સાત વર્ષની હતી. જે દિલમાં આવે એ આજની તારીખેય કહી દે. દિલથી બહુ સ્પષ્ટ અને પારદર્શક એવી ધ્વનિએ પહેલી વખત મને જોઈ ત્યારે મને કહ્યું કે, એ તમારું લવ મેરેજ છેને. આ જોને અંકલ કેટલાં ઉંચા છે એને તમે તો જો સાવ બઠીયા...આજે પણ આ વાત લખવા બેઠી છું ત્યારે હું હસી પડી છું. 

ધ્વનિના લગ્ન થયાં એ દિવસે એને માંડવામાં જોઈને મારી આંખો વરસી પડી હતી. ધ્વનિ અમને બંનેને મા અને બાપુ કહે છે. એનું કન્યાદાન એના પપ્પા-મમ્મીની સાથે અમે પણ કરેલું હતું.  અપેક્ષાની વિદાય થઈ એ સમયે તો હું નહોતી રડી પણ એ જેવી ગાડીમાં બેઠી અને વિદાય થઈ એ પછી હું મારી આંખો વરસી પડી હતી. અમે વડોદરા રહેતાં ત્યારે ધ્વનિ અમારા ઘરે રોકાવા આવતી. મારી અને કૃષ્ણકાંતની વચ્ચે સૂઈ જતી. એના પતિ જય સાથે જ્યારે એના પ્રેમ અને લગ્ન બંનેની વાત ચાલતી હતી ત્યારે પણ અમે બંને એમની સાથે જ હતાં. ધ્વનિ જ્યારે ઘરે રોકાવા આવતી ત્યારે કોઈ પણ આવે એને બિન્ધાસ્ત કહી દેતી કે, હું આમની દીકરી છું. અને અપેક્ષા તો ઘણી વખત એવું બોલી દેતી કે, મારે શું ખુલાસો કરવોને એ જ ખબર ન પડતી. અપેક્ષાએ એક વખત કોઈને એવું કહી દીધું કે, હું આ લોકોનું એડોપ્ટેડ ચાઈલ્ડ છું. પછી એક વખત કોઈ આવ્યું તો એણે એવી કમેન્ટ કરી કે, જ્યોતિબેન તો બહુ નાના લાગે છે અને તું મોટી લાગે છે. તો કહે કે, હું એમને અર્લી એજમાં આવેલી દીકરી છું. એના જવાબો સાંભળીને હું તો મોંમાં આંગળા નાખી જતી. અને મજાની વાત એ છે કે, ધ્વનિ માટે કે અપેક્ષા માટે મેં કોઈ દિવસ કોઈને ખુલાસા નથી કર્યાં.... મને પણ એ લોકોની મસ્તીમાં મજા આવતી. 

મારા દિયર મનોજભાઈના સંતાનો ચાર્મી (દેવાંક્ષી) અને જીત. આ બંનેથી હમણાં હું કટ્ઓફ છું. મેં મારી જાતને અળગી કરી છે. હું એ લોકોથી નારાજ છું છતાંય એ બંને મને અચૂક ‘મધર્સ  ડે’ વિશ કરે છે. એ બંને માટે હું એમની મમ્મીથી ક્યારેય કમ ન હતી. મારી લાગણી હજુ એવીને એવી ભીની છે. પણ મારું દિલ એ હદે દુખવ્યું છે કે, એ ઘટનાને સમય વીત્યો હોવા છતાં હું એ લોકોના ગેરસમજણભર્યા વર્તાવથી આજે પણ ડિસ્ટર્બ થઈ જાઉં છું. દુઃખી થઈ જાઉં છું. સમય પસાર થશે એમ બધું સરખું થઈ જશે એવું બધાં કહે છે, પણ સાલું આ કિસ્સામાં કેમ આવું નથી થતું? લાગણીની તીવ્રતા કદાચ આમાં વધુ જવાબદાર છે. એટલે જ એ લોકોએ આપેલું દુઃખ હું એક સેકન્ડ માટે પણ ભૂલી નથી શકતી. કે નથી એમના વર્તનને માફ કરી શકતી. આ લખું છું ત્યારે પણ આંખો વરસી પડી છે. શબ્દો ધૂંધળા દેખાય છે. કદાચ મારી લાગણી અને પ્રેમ ઓછાં પડ્યાં હશે કે, એ લોકો મને દુઃખી કરવાનું પગલું ભરી શક્યાં....

વાત કરું ભૂમિની. સંબંધે એ મારા કાકાની દીકરી થાય છે. પણ એનું લગ્ન નિશિથ ઉનડકટ સાથે મેં કરાવ્યું છે. નિશિથના હાથમાં મેં ભૂમિનો હાથ સોંપ્યો છે. મેં અને કૃષ્ણકાંતે એનું કન્યાદાન કર્યું છે. એ માણાવદરથી બારમું સાયન્સ પાસ કરીને ભણવા માટે રાજકોટ આવી અને અમારી સાથે રહેતી હતી. ભાભી, મારી બહેનો કે બીજું કોઈ ભૂમિને કારણ વગર કે કારણ સાથે વઢતું ત્યારે ભૂમિ સાચી હોય કે ખોટી એનો પક્ષ હું ખેંચુ ખેચું ને ખેચું જ. કોણ જાણે કેમ, મને એવું થતું કે, મા વગર સોસવાતી દીકરીને જાણે- અજાણે પણ હેરાન ન કરાય. એ દૂર રહે છે પણ એ એવી વ્યક્તિ છે જે મને ગળે વળગીને હળવી થઈ શકે છે. જેને મારી પાસે આવવાનું સતત મન થાય છે. જેને મારી પાસે આવીને શાંતિ મળે છે. જેને મારા વહાલભર્યાં શબ્દો શાતા આપે છે. આજે એને ધૂન નામની દીકરી છે. એ જ્યારે પ્રેગનેન્ટ હતી ત્યારે મારી પાસે થોડાં દિવસ માટે આવી હતી. એને ફ્રેન્ચફ્રાઈઝ ખાવી હતી. વાતવાતમાં એ બોલી ગઈ કે, મને ફ્રેન્ચફ્રાઈઝ ખાવાનું એટલું મન થયું છે પણ હું અંકલેશ્વર ઘરે એકલી હોંઉને એટલે મને સમય નથી મળતો. કોઈ બનાવી દેને તો મજા પડે ખાવાની... એ રાત્રે બહાર ગઈ. ઘરે આવીને હોલમાં બેઠી ત્યાં તો ગરમાગરમ ફ્રેન્ચફ્રાઈઝની પ્લેટ એને મેં ધરી. હાથમાં લઈને એ એવી તો હીબકે હીબકે રડી પડી કે, હું શું લખું. પછી રડતી જાયને ખાતી જાય. ખાતી જાય ને રડતી જાય... એને છાની રાખીને કહ્યું, પ્રેગનેન્ટ ન હોય ત્યારે પણ તને કંઈ પણ ખાવા-પીવાનું મન થાયને તો મને કહી દેજે... હું બનાવી આપીશ. અલબત્ત મને આવડતું હોવું જોઈએ...! 

Now, મારી સાથે કોઈ જ સંબંધ વગર જોડાયેલાં મારાં એવાં સંતાનો જેમને ફક્તને ફક્ત શબ્દોની દુનિયાએ જ મને મેળવ્યાં છે. પહેલાં વહેલાં વાત કરું, રાહુલ અને શેતલ ગજ્જરની. આ યુગલ આજે દુબઈ રહે છે. એ લોકો પહેલાં વડોદરા રહેતાં હતાં. રાહુલ ગજ્જર કૃષ્ણકાંત સાથે ‘ગુજરાત સમાચાર’માં ફોટોગ્રાફર તરીકે કામ કરતાં. મારા ઉપર પહેલેથી જ આ યુગલનો અધિકાર રહ્યો છે. જે મેં હંમેશાં સ્વીકારી લીધો છે. મારો ચહેરો વાંચી શકતું આ યુગલ દિલની બહુ જ નજીક છે. હવે તો શેતલ કે રાહુલ બેમાંથી કોઈ ભાગ્યે જ મને એકબીજાંની ફરિયાદ કરે છે. પણ એ બંને વચ્ચે થતાં નાના-મોટાં મતભેદ મારાં મન સુધી પહોંચે અને પછી બેન કહે એ ફાઈનલ... એ બંને મને બેન કહીને સંબોધે છે. બંને બહુ જ ડાહ્યાં અને સમજદાર છે. જવાબદારીઓએ બંનેને વધુ મેચ્યોર્ડ બનાવી દીધાં છે. હું શેતલના દિલમાં વસું છું. એ મને દર વખતે વાત કરે ત્યારે કહે, બેન ભૂલતાં નહીં હું છું... પછી કહે, તમે બુઢ્ઢાં થાવને ત્યારે ચિંતા ન કરતાં હું આવીશ હોંને... પછી સહેજ હસીને કહે, બુઢ્ઢાં લોકોની જેમ કચકચ ન કરતાં. ઈરિટેટ ન કરતાં. 

એ પછી તો મારી સાથે જોડાયેલી તમામ નવી જનરેશનના છોકરાંવને કહી જ દઉં છું કે, જો હું બુઢ્ઢી થાઉં અને ક્યારેય તમને લોકોને મારી વાતો કે વર્તન ઈરિટેટીંગ લાગે તો બિન્ધાસ્ત કહી દેજો કે તમે યંગ હતાંને ત્યારે તમે અમને કહી દીધું હતું કે, I don’t want to be an irritating  બુઢ્ઢી! 

અંકિત દેસાઈ એવો વ્યક્તિ છે જે મને મેમ અને મા બંનેનું સંબોધન કરે છે. ફોન પર હોય ત્યારે મેમ બોલે અને મેસેજમાં હું એની મા બની જાઉં છું. એવો મીઠડો દીકરો છે આ. જેણે જાહેરમાં એવું કહ્યું હતું કે, હું ને કૃષ્ણકાંત એના માનસ માતા-પિતા છીએ. એની સાથે મારો પરિચય થયો એક ઈન્ટરવ્યૂ સમયે. એ www.khabarchhe.com  માટે કામ કરે છે. એમાં એની કૉલમ ‘મારું સુખદુઃખ’ માટે એણે મારી સાથે ફોન ઉપર વાત કરી હતી. એ પછી પુસ્તક દિવસ સમયે પણ એણે મારો ઇન્ટરવ્યૂ લીધો હતો. 

એ એટલું વાંચે છે કે મને ઘણીવાર એમ થાય કે આ છોકરો કંઈક બનવાનો છે. એ એટલું સરસ લખે છે કે, હું એનામાં બહુ મોટો લેખક જોઈ રહી છું. સંવેદના અને શબ્દોનો માણસ છે એ. મળે એના દિલમાં અંકિત થઈ જાય એવો દીકરો છે એ. હા, હું એને બહુ પ્રેમ કરું છું. મીલી એની જિંદગીમાં આવી. એના લગ્નસંસ્કારના અમે સાક્ષી બન્યાં. એ પણ એવી દૂધમાં સાકરની જેમ ભળી ગઈ છે કે, એણે મને ક્યારે દિલથી એની મા બનાવી દીધી એની મને જ ખબર ન પડી. મીલી ભગત એવો અંકિત ભલે મને મારા શબ્દોથી જાણતો હશે. પણ હું કેવી છું એ તો એને મારી સાથે વાતો કરીને અને રહીને જ ખબર પડી હશે. મારી અંદર કંઈ એવું છે, જે અંકિત નામના દીકરાએ એવી રીતે ઝીલ્યું છે કે, મારા માતૃત્વનો ધબકાર મને સંભળાય છે. 

આજે મારા શબ્દોનો ધબકાર એના લીધે જ જીવી રહ્યો છે. Khabarchhe.com પર ‘સર્જકના સાથીદાર’ નામની મારી કૉલમના આઈડિયાને એણે એવો તો દિલથી વધાવ્યો કે, મને ઠેર ઠેરથી આ લેખની સિરીઝ માટે એપ્રિશિયેશન મળે છે. 

હવે, વાત કરું ચિંતન રાવલની. એ ટીવી નાઈનમાં કામ કરતો હતો. જૂનાગઢનો છે. મારા એક ભાઈનું નામ પણ ચિંતન છે અને મારી પિયરની સરનેમ રાવલ. એટલે ચિંતનને રાખ્યો ત્યારે બધાં મજાક કરતાં હતાં કે, બ્રાહ્મણવાદ ચલાવે છે. એ ટીવી નાઈનમાંથી મને કોઈના રેફરન્સથી ‘અભિયાન’ માટે ઇન્ટરવ્યૂ આપવા આવેલો. એનું ગુજરાતી અને અંગ્રેજી બંને સરસ છે. એની કોપીમાં જોડણીની ભૂલ કાઢવી અશક્ય કામ છે. સતત વાંચતો રહે છે. પહેલી વખત એ નોકરીએ લાગ્યો ત્યારથી હું એને કહું છું કે, ચિંતન તારામાં બહુ આવડત છે. તું સતત મહેનત કરતો રહેજે. હું તને બહુ આગળ જોઉં છું. ફક્ત ચોવીસ વર્ષનો છે. પણ એની ઉંમર કરતાં એટલો મેચ્યોર્ડ અને ડાહ્યો છે કે મને ઘણીવાર એવું થાય કે આ આવડો અમથો છોકરો આટલો સિન્સીયર કેમ છે? એ મને સામે તો મા નથી કહેતો પણ મેસેજમાં કોઈવાર મા લખી નાખે. ‘અભિયાન’માં મારો છેલ્લો દિવસ હતો એ દિવસે એણે સરસ મજાનો લેટર લખીને આપ્યો. જેમાં એની મારા પ્રત્યેની લાગણી દેખાતી હતી. હા, મારા માટે એ એક આઈડિયલ દીકરાની ફ્રેમમાં ફીટ થાય છે. સાવ સીધો સાદો પણ નહીં અને સાવ ભોળો પણ નહીં બધી રીતે તૈયાર એવો ચિંતન કોઈ વાર ચિંતામાં હોય તો પણ મારી પાસે આવે, ખુશ હોય તો પણ મારી પાસે આવે, કંઈ જ વાત ન હોય તો પણ મારી પાસે આવે. એને મારી પાસે આવવા માટે કોઈ દિવસ કોઈ કારણનું બહાનું નથી શોધવું પડ્યું. એ એવો છે કે, એના ઉપર હું કોઈ દિવસ ગુસ્સે નથી થઈ, મને એના પ્રત્યે કોઈ દિવસ અણગમો નથી આવ્યો કે મારે એને કોઈ દિવસ કંઈ કહેવું જ નથી પડ્યું. કોણ જાણે કેમ એ મારી આંખો વાંચી લે છે. 

હા, એ મને ઢીલી પડતી નથી જોઈ શકતો. એના મનમાં એમ જ છે કે, જ્યોતિ મેમ એટલે સ્ટ્રોંગેસ્ટ લેડી. એ થોડાં રડે, એ થોડાં દુઃખી થાય! મેં ‘અભિયાન’ છોડ્યું પછી એ લગભગ ઝૂરતો હતો. એ જગ્યાએ મને ન જોઈ શકવાને કારણે દુઃખી પણ હતો. હવે, એ દિલ્હી બીબીસી ગુજરાતી માટે જઈ રહ્યો છે ત્યારે મારી દુઆઓ સિવાય એના માટે કંઈ જ ન હોય શકે. તમે જેમને પોતાના માની લીધાં હોય એમની પ્રગતિથી દિલને હંમેશાં ટાઢક જ થાય. 

એ મા, દર્શન ખુલ્લાં છે? થોડી પોઝિટિવિટી લેવા આવવું છે...

આવો સવાલ પૂછે એટલે એ કુલદીપ લહેરુ. હું ગમે ત્યાં હોંવ એ ફોન કરતાં પહેલાં હંમેશાં આવું પૂછે. પછી મળવા આવે. કેટલીકવાર તો ખાલી મોઢું જોઈને ચાલ્યો જાય. 2010માં અભિયાનમાં કુલદીપ જોડાયો. એ દિવસોમાં એ મજામાં નહોતો રહેતો. એને જોઈને મારો જીવ બળતો.  એનું વર્તન હું વાંચી શકી. મને થયું કે, એ મારી પાસે જલદીથી વ્યક્ત નહીં થાય એટલે કૃષ્ણકાંતને કહ્યું કે, જરા વાત તો કર. એ પછી એ અમારાં બંને પાસે હળવો થયો. સંબંધોની આંટીઘૂંટીમાં ક્યાંક અટવાયેલો હતો. એ છૂટો પડ્યો. હવે ખુશ રહે છે ત્યારે એને જોઈને આનંદ થાય છે. હવે, તો એ મળે ત્યારે મારી સાથે દરેક વાત શેર કરે છે.

જે લોકો મને સહજતાથી માના સ્થાન પર મૂકી શકે છે એ તમામ વિશે લખવાની કોશિશ કરી છે. મને અંગત રીતે જાણતાં લોકોને કદાચ આ લેખમાં એકાદ હકીકત ખૂટતી લાગશે. પણ એ સંબંધ વિશે હજુ લખવાનો સમય નથી પાક્યો. સમય આવ્યે એ પણ લખીશ. છતાંય એક વાત માનું છું કે, સંબંધને નામ આપવું જરૂરી નથી. પ્રેમ અને લાગણી સૌથી વધુ ટોચ ઉપર છે. સંબંધ જેવો સામે આવે છે એવો જ જીવાતો હોય છે. આ એવા સંબંધની વાત છે જેમાં અનકન્ડિશનલ લવ છે. ફક્ત પેટે જન્મવાથી જ અનકન્ડિશનલ લવ થાય છે એ વાતમાં હું નથી માનતી. જો એવું જ હોય તો મારો અને મારી મમ્મી વચ્ચેનો સંબંધ જીવતો હોત. કૃષ્ણકાંત પાસે આવી ગઈ એ પછી એ સંબંધ સૂકાઈ ન ગયો હોત. અલબત્ત એ એકતરફે સૂકાઈ ગયો છે. હું તો હજુ પણ ભાભીને એટલોને એટલો જ પ્રેમ કરું છું. પણ, હવે વરસો ખૂબ વીતી ગયાં છે અને અંતર પણ બહુ વધી ગયું છે. 

‘મધર્સ ડે’ આવી રહ્યો છે ત્યારે મને થયું કે, ચાલો બધાં માટે કંઈક લખું. અને હા આ મારા દિલમાંથી નીકળેલાં શબ્દો છે. જે હું જીવીશ ત્યાં સુધી એની સંવેદનાઓને પણ આમ જ જીવવાની છું.... And yes, I don’t want to be irritating buddhi…. I love you all. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.