યોગી, યોગ્યતા અને વહીવટ

21 Mar, 2017
12:00 AM

PC: sanjeevnitoday.com

યોગી આદિત્યનાથને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનાવાયા પછી સેક્યુલરો અને ડાબેરીઓ પર જાણે પસ્તાળ પડી કે, આમ કંઈ ભગવાધારી સાધુને તે કંઈ મુખ્યમંત્રી જેવું મહત્ત્વનું પદ સોંપી દેવાતું હશે? આ સાથે જ અનેક સેક્યુલરોએ એવા પ્રશ્નો પણ ઉઠાવ્યા કે, યોગી આદિત્યનાથ જેવા કટ્ટર હિંદુવાદીઓને મુખ્યમંત્રી બનાવીને ભાજપ એક મુસલીમ વિરોધી પક્ષ છે એવું સાબિત કરી દીધું છે! જોકે સેક્યુલરોની એ વાતમાં ઝાઝો દમ નથી અને એમની વાતો પર હવે બહુ ધ્યાન આપવા જેવું પણ નથી. કારણ કે, સેક્યુલરો કે બૌદ્ધિક બદમાશો ભલે મનેફાવે એમ બોલબોલ કરે, પરંતુ મતદારો હવે એમનાથી જરાય પ્રભાવ નથી થતા અને એમની સમજણપૂર્વક જ મતદાન કરે છે. તો જ તો ભારતીય જનતા પાર્ટીને એનીય અપેક્ષાથી વધુ મત મળ્યા!

ખૈર, રાજકારણમાં આરોપ-પ્રતિઆરોપ, વિવાદો અને મતમતાંતર તો ચાલતા રહે છે એટલે સેક્યુલરો હોય કે ડાબેરીઓ હોય કે પછી જમણેરીઓ હોય એમની વચ્ચે આવી તૂતૂમેંમેં ચાલતી હોય ત્યારે એ બાબતમાં ઝાઝા ઉંડા ઉતરવાનું ન હોય. પરંતુ ખરું ધ્યાન એ તરફ આપવાનું છે કે, હવે ઉત્તરપ્રદેશમાં જે પક્ષ ચૂંટાઈને આવ્યો છે અને એ પક્ષે જે નેતાને મુખ્યમંત્રીની ગાદીએ બેસાડ્યા છે એ નેતા એમની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકશે કે નહીં.

કારણ કે મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ સામે અનેક પડકારો સિંહની જેમ મોઢું ફાડીને ઊભા છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જો એ પડકારોનો સામનો નહીં કરી શક્યા તો એની અસર આવતી કેન્દ્રની ચૂંટણી પર થશે, જેનું ભાજપને નુકશાન થઈ શકે છે. મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે સૌથી પહેલા તમામ વર્ગને સાથે લઈને ચાલવું પડશે. ભાજપના સૌના સાથ સૌના વિકાસના સૂત્રને વળગીને એમણે જાતિ કે ધર્મ આધારિત વિવાદોથી પર રહીને વહીવટ સંભાળવાનો રહેશે. આ મુદ્દે જરા સરખી ચૂક થશે તો કોંગ્રેસ સહિતના તમામ પક્ષોને ગમતો મુદ્દો આસાનીથી હાથ લાગી જશે. આમેય કોંગ્રેસ અથવા અન્ય મજબૂત પ્રાદેશિક પક્ષો હંમેશાં આ બાબતે ટાપીને બેઠા હોય કે ક્યારે એમને તક મળે અને ક્યારે તેઓ ભાજપને કે નરેન્દ્ર મોદીને કોમવાદી જાહેર કરે.

આ ઉપરાંત યોગીજીએ ઉત્તરપ્રદેશના કાયદા અને વ્યવસ્થા બાબતે અત્યંત કડક પગલાં લઈને તેને સુચારુ કરવા પડશે. કારણ કે, વડાપ્રધાન સહિત ભાજપના મોટા નેતાઓએ એમની ચૂંટણી સભામાં ગાજીગાજીને કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં કાયદાનું પાલન નથી થતું અને અહીં ગુંડારાજ ચાલે છે. વડાપ્રધાન સહિત નેતાઓ જે ગુંડારાજનો રાગ આલાપતા હતા એ તદન સાચી વાત છે અને ત્યાંના ગામ-દેહાતોમાં કાયદા વ્યવસ્થાનું છડેચોક ચીરહરણ કરાય છે. પરંતુ આ પ્રકારની સિસ્ટમ ત્યાં એ હદે ઉંડા મૂળિયાં ધરાવે છે કે એક જ ઝાટકે એ બધુ સમુંસૂતરું કરવું એ કંઈ ખાવાના ખેલ નથી. વળી, જે ગુંડારાજને નાબૂદ કરવાની વાત થઈ રહી છે એ ગુંડારાજ કંઈ એક જ પક્ષના બાહુબલીઓનું નથી!

આ ઉપરાંત ભાજપે ચૂંટણી ઢંઢેરામાં જે વાયદા કરેલા એ વાયદાઓ પણ યોગીજીએ પૂરા કરવા પડશે. અલબત્ત, જો ભાજપની સરકાર ખરેખર એ વાયદાઓનું પાલન કરવા માગતી હોય અને ઉત્તરપ્રદેશનો ખરો વિકાસ કરવા માગતી હોય તો કંઈ રાતોરાત વાયદા પૂરા થઈ શકતા નથી. આ માટે એમણે લાંબી યોજનાઓ તૈયાર કરવી પડશે અને એ યોજનાઓનો પદ્ધતિસરનો અમલ કરાવવો પડશે. આમ આ બાબતે એમ કહી શકાય કે, યોગીજીએ ભાજપના ચૂંટણી એજેન્ડાની શરૂઆત કરી દેવી જોઈએ, જેથી આજે નહીં ને ત્રણ-ચાર વર્ષે ઉત્તરપ્રદેશની પ્રજા એનો લાભ લઈ શકે.

જોકે એ બધી યોજનાઓ લાગુ પાડવા માટે વહીવટદારોની એમને જરૂર પડવાની છે અને એ વહીવટદારો સાથે તાલમેલ બેસાડવો એ પણ યોગી માટે અગત્યનો મુદ્દો છે. કારણ કે, ઉત્તરપ્રદેશના પહેલી હરોળના બ્યુરેકેટ્સ આગલી સરકારો સાથે ઘણો ઘરોબો રાખતા હતા અને તેઓ સરકારના પિઠ્ઠુ બનવાને કારણે જ ત્યાંનું તંત્ર યોગ્ય રીતે કામ નહોતું કરી રહ્યું. એટલે યોગીજીએ સૌથી પહેલા તો યોગ્ય પદો પર યોગ્ય અધિકારીઓની વરણી કરવાની રહેશે અને જે પદો પર જૂના અધિકારીઓ કાર્યરત રહેશે એ અધિકારીઓ સાથે તાલમેલ મિલાવી યોગ્ય વહીવટ કરવો પડશે.

આ ઉપરાંત ઉત્તરપ્રદેશ ભાજપના સ્થાનિક નેતાઓ અને કેન્દ્રના મોવડી મંડળ તેમજ આરએસએસ જેવી સંસ્થાઓ સાથેના તાલમેલ બાબતે પણ એમણે એટલા જ સતર્ક રહેવું પડશે. નહીંતર કેન્દ્રનું મોવડી મંડળ ઈચ્છતું કંઈક ઓર હશે અને સ્થાનિક નેતૃત્વ કોઈક જુદી જ દિશામાં જતું હશે તો યોગીજી માટે શાસનનું કામ ભારે થઈ જશે. 

આ ઉપરાંત પણ યોગીજી સામે અન્ય અનેક પ્રશ્નો છે જે પ્રશ્નો એમને સુશાસન કરવામાં બાધરૂપ થઈ શકે છે. જોકે એ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે, યોગી આદિત્યનાથ છેલ્લા બે દાયકા વધુ સમયથી સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે ઉત્તરપ્રદેશ ભાજપમાં સંગઠન સ્તરે પણ એમણે ઘણી ભૂમિકાઓ ભજવી છે. એટલે એમના માટે આવા પડકારો નવા તો ન જ હોય. કદાચ એવું બની શકે કે પડકારોનું સ્વરૂપ બદલાયું હોય. એટલે હવે જોવું જ એ રહ્યું કે હિન્દુવાદીની છાપ ધરાવતા યોગીજી ઉત્તરપ્રદેશ જેવા સૌથી વધુ વસ્તી ધરાવતા તેમજ અનેક સમસ્યાઓની સામે ઝઝૂમી રહેલા રાજ્યને કઈ દિશામાં લઈ જાય છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.