તું અને તારી સમજણ

08 May, 2016
12:01 AM

mamta ashok

PC:

હેલ્લો મોમ,

હે મોમ, હું નાની હતી ત્યારે ઘણા સવાલો મનમાં ઊઠે... હું કદાચ સામાન્ય સમજદાર છોકરીઓથી થોડી વધુ અંશે બુદ્ધિ નહીં ચલાવી શકનારી બાળા એટલે મને પાંચેક વર્ષની ઉંમરે તને જોઈને હંમેશાં સવાલ થતો કે, આ મંદા રોજેરોજ એક સરખા જ કલરની, એક સરખી જ મીઠી અને એક સરખી જ આદુના સ્વાદવાળી ચા કેવી રીતે બનાવી શકતી હશે? અલબત્ત, ચા પીનારા માણસોમાં વધઘટ થાય તો પણ એની ચાનો સ્વાદ એવો જ કેવી રીતે રહેતો હશે? પાછું એવું તને પૂછવાનું એ ઉંમરે સૂઝ્યું નહોતું, કારણ કે આવું બધું વિચારવા ને પૂછવામાં હું મારો રમવાનો સમય બગાડવાનું ક્યારેય પસંદ કરતી નહીં. એ તો વિચાર આવે ને ઝબકી ને પછી જતો રહે, પણ વિચાર આવતો રોજ.

ઘણા વર્ષો પછી ચૌદ – પંદર વર્ષની ઉંમરે હું પણ માપથી ચા બનાવતા શીખી ગઈ. એ માપ પણ તેં જ શીખવ્યું. એ પછી એક દિવસ મેં તને કહ્યું હતું કે, પહેલાં હું તને રીતસર વિઝર્ડ સમજતી હોં ભઈ કે તને એકસરખા જ સ્વાદની ચા બનાવતા આવડે છે. ત્યારે આપણે બંને ખૂબ જ હસ્યા હતા. મોમ, આ ભર્યા ભાદર્યા વિશ્વમાં કોઈ એવી છોકરી કે સ્ત્રી નહીં હોય કે તેને ક્યારેય કોઈ વાતે કૌતુક ન થયું હોય, અલબત્ત તે ઓછે વત્તે અંશે હોઈ શકે, પણ કૌતુકો જ નવા નવા વિશ્વો રચી શકે અને એ કૌતુકોના જવાબો માણસમાં શાંતિમય ઉર્જા પૂરે... ઠહેરાવ પૂરે...

દુનિયાના સુખો અને અલબત્ત દુખોનો અહેસાસ પણ ક્યારેક મનને શાંતિ આપે એવી સમજ તેં જ મને આપી છે. આ દુનિયામાં ઘણા બધા WOWs છે, પણ આ WOWsના જવાબ શોધવામાં તેં હંમેશાં મારી આંગળી ઝાલી છે. મને જ્યારે જ્યારે મનમાં WOWs ફૂટતાં ત્યારે ત્યારે મેં એની ચર્ચા સૌથી પહેલાં તારી સાથે કરી અને એના જવાબો તેં આપ્યાં. જે સવાલો, મુશ્કેલીઓના જવાબો તને માલૂમ નહોંતા એ આપણે મિત્રોની જેમ સાથે શોધ્યાં, માલૂમ કર્યાં. હવે મારાં લગ્ન નજીક છે ત્યારે તારા જેવી જ પરિણિતા, વહુ, પત્ની, મા, મિત્ર હું પણ બની શકું એવા આશીર્વાદ મને આપ... મોમ મારે પણ તારી જેમ વિઝર્ડ બનવું છે.

તારી ખુશાલી

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.