દબે દબે પાંઓ સે આયે હોલે હોલે ઝિંદગી
માય ડિયર બેબી,
હજુ થોડા દિવસ પહેલાં જ સોનોગ્રાફીમાં તારો સુંદર ચહેરો જોયો અને જાણે હું ફરી વાર પ્રેમમાં પડી! જોકે, આ વખતે તારા પપ્પાના પ્રેમમાં નહીં, પણ તારા! એવું લાગ્યું, જાણે અમે બંનેએ આટલા વખતથી એકબીજાને જે પ્રાયોરિટીમાં મૂકેલા તે બધું એક પળવારમાં બદલાઈ ગયું. હવે અમારા બધા વિચારો તારામાં કેન્દ્રિત થઈ ગયા છે અને તારા આવ્યા પછી તો, અમારી વાતોનું અને આખા જીવનનું જ કેન્દ્રબિંદુ તું હશે! માતૃત્વના આ પહેલા નવ મહિના એટલે જીવનનો સૌથી સુંદર તબક્કો! આમ દેખીતી રીતે તું આસપાસ નથી, છતાંય મને સતત તારા અસ્તિત્વનો અમૂલ્ય અહેસાસ થાય એ કેટલી રોમાંચક વાત છે. ગર્ભાવસ્થાના આ ખટમધુરા તબક્કામાંથી જેમ જેમ હું પસાર થઈ રહી છું તેમ તેમ મારો એ વિશ્વાસ દૃઢ થતો જાય છે કે, માતૃત્વ એ દરેક સ્ત્રીના જીવનમાં થતો એક અદ્ભૂત ચમત્કાર છે. ગુરુ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે, ‘પૃથ્વી પર દરેક બાળકનું અવતરણ, એ વાતની સાબિતી છે કે, ઈશ્વરને હજુ માણસમાં વિશ્વાસ છે!’
હું નાની હતી ત્યારે ક્યાંક વાંચેલું કે, બાળક તરીકે તમે સ્વપ્નો જોવાના શરૂ કર્યાં હોય એના 9 મહિના પહેલેથી તમારા માતા-પિતાએ તમારા માટે સ્વપ્નો જોવાના શરૂ કરેલાં! પુસ્તકોમાં વાંચેલી એ બધી વાતો આજે વાસ્તવિક થતી જણાઈ રહી છે. તારા અસ્તિત્વનો અહેસાસ થતાં અચાનક જાણે જીવનને જોવાનો અમારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. હવે પહેલા કરતાં તારી મમ્મીના સ્વભાવમાં ધીરજ વધી છે અને રોજ મમ્મીની ખૂબ સંભાળ લેતા તારા પપ્પા અને મમ્મીના સંબંધને, પ્રેમનો એક નવો રંગ ચઢ્યો છે. અત્યાર સુધી જીવનમાં બધું જ સુખ હતું પણ અમને જેવી ખબર પડી કે તું આવે છે, ત્યારથી જાણે તારા વગર બધું અધૂરું લાગવા માંડ્યું.
જેમ કોઈ પંખી એના બચ્ચા માટે એક એક તણખણું ભેગું કરીને માળો ગૂંથે, એમ હું હવે તારા માટે સપનાં ગૂંથું છું. તારા માટે આમ કરીશ, તને આવું શીખવીશ, તને સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરીશ અને આ દુનિયાની તકલીફોથી તને દૂર રાખીશ. આવા કંઈ કેટલાય પ્લાનિંગ મારાથી અજાણતાં જ થઈ ગયા છે. તને ખબર છે? તારા આવવાથી માત્ર તારો જ નહીં પણ એક માતાનો, પિતાનો અને આ દુનિયા સાથે તારા કંઈ કેટલાય સંબંધોનો જન્મ થશે. સંબંધો- જે કેટલાક તને જન્મથી જ ભેટમાં મળશે તો કેટલાક સંબંધને તું પોતે પસંદ કરીશ! જેને અમારે સહર્ષ સ્વીકારવા પડશે.
તું માનીશ? જ્યારે સોનોગ્રાફીમાં પહેલીવાર તારા હાર્ટબીટ્સ સાંભળેલા ત્યારે મારી ને તારા પપ્પાની આંખો ખુશીથી ભીની થઈ ગઈ હતી ! જીવનમાંથી ઉદ્ભવતા જીવનનો આવો ચમત્કારિક અહેસાસ અમારા જીવતરને એક નવો આયામ આપી ગયો. તે ઘડીથી તારા હોવા સાથે અમારું હોવાપણું ને અમારા હોવા સાથે તારું હોવાપણું જાણે અભિન્ન થઈ ગયું. તું કોણ હોઈશ? દીકરો કે દીકરી? તારી આંખો કેવી હશે? તારા ચહેરાનો આકાર કેવો હશે? તું મારા જેવું દેખાઈશ કે તારા પપ્પા જેવું? તારા વાળ? તારી નાની નાની આંગળીઓ... આ બધું જાણવાની અત્યંત ઉત્સુકતા છે. એટલે જ હું વારંવાર મારા વધેલા પેટ પણ હાથ ફેરવી લઉં છું. જાણે તારા પર હાથ ફેરવીને હું આ બધું જાણી નહીં લેતી હોઉં?
જોકે, આ રાહ જોવાની પણ એક મજા છે. તારા આવતાં પહેલાં અમારી સમજણનો એકેય ખૂણો ખાલી ના રહી જાય એના માટેની તૈયારીનો આ સમય છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે તેમ- તારા માટે બધું જ કરી છૂટીએ અને સામે કોઈ જ અપેક્ષા ના હોય એવો નિ:સ્વાર્થ પ્રેમ કરવાની તૈયારીનો સમય છે આ. તને તારી સ્વતંત્રતાઓ અને તારા સન્માન સાથે સ્વીકારવાની તૈયારીનો સમય છે આ. તને તારા હિસ્સાની ભૂલો કરવાનો હક આપવો- એના માટે તૈયાર થવાનો સમય છે આ. હું હું છું ને તું તું છે, આપણે બંને અલગ હોઈ શકીએ અને છતાંય સાચા હોઈ શકીએ એ સત્યનો સ્વીકાર કરવાની તૈયારીનો સમય છે આ. તારા નિર્ણયો, તારી માન્યતાઓ અને તારા સ્વપ્નો સંપૂર્ણપણે તારા જ હોય અને એમાં નિષ્પક્ષ રીતે તને અમારો સહકાર મળે એના માટે મનથી તૈયારી કરવાનો આ સમય છે.
અર્જુનની જેમ આપણે બધા જ માનીએ છીએ કે મા-બાપ બાળક માટે આટલું બધું કરે ત્યારે એમને બદલામાં વળતી આશાઓ રાખવાનો અધિકાર છે, પણ જેમ કૃષ્ણએ કહ્યું તેમ ‘કશુંક આપ્યાના બદલામાં જો મેળવવાનું હોય, તો ત્યાં વેપાર થાય... પ્રેમ નહીં!' બસ આ ભાવનાના સ્વીકાર માટેની તૈયારી કરવાનો આ સમય છે. અને સાચું કહું છું, સંતાનના મોહમાં આ બધું સ્વીકારવું એટલું સહેલું નથી.
મને ઘણીવાર આ વિચાર આવતો કે, ભગવાને બાળજન્મ માટે 9 મહિના જેટલો લાંબો ગાળો કેમ રાખ્યો હશે? જે ભગવાન આટલા ચમત્કારો કરી શકે, એ આ ગર્ભાવસ્થાના સમયને પણ ટૂંકાવી જ શકે ને? પણ હવે સમજાય છે કે, આ સમય એક બાળક તરીકે માત્ર તારા વિકાસનો સમય નથી, પણ એક માતા પિતા તરીકે અમારા પણ વિકાસનો સમય છે. એક નાટકમાં કહ્યું હતું તેમ, ‘માતા-પિતા હોવું અને બનવું આ બંને પરિસ્થિતિમાં બહુ ફેર છે. કારણ કે માતા-પિતા હોવું એ ઘટના હોઈ શકે, પણ માતા-પિતા બનવું એ ઘટના નથી પણ સાધના છે.' અને સાધનામાં તો સમય લાગે ને! તને શું લાગે છે? આ દુનિયામાં તારા આવ્યા પછી માત્ર તું જ શીખીશ? ના... અમેય શીખીશું! તું જેમ ઘુંટણિયા તાણીશ, એમ અમેય આ નવી જવાબદારીઓમાં પાપા-પગલી માંડીશું. બસ, ખાલી ફરક એટલો છે કે તારી કરેલી ભૂલોની અસર અમારા ભવિષ્ય પર નહીં પડે.પણ, અમે કરેલી ભૂલોનો પડછાયો તારા ભવિષ્ય પર પડે પણ ખરો ! તેં અમારા પર મૂકેલા અતૂટ, આંધળા વિશ્વાસ પર અમારે ખરા ઉતરવાનું છે. તેં તો આવતાની સાથે જ બહુ મોટી જવાબદારી નાખી છે અમારા પર દીકરા!
દીકરા, સમય બદલાયો છે અને જરૂરિયાતો પણ બદલાઈ છે કે વધી છે. અને એટલે જ, તમારી પેઢીની અમારી પાસેની અપેક્ષાઓ, અમારી પેઢી કરતાં સાવ નવી, સાવ અલગ જ હોવાની. હોવી જ જોઈએ. બદલાતા સમય સાથે સમજ અને સમાજમાં પરિવર્તન જરૂરી છે! એટલે કોને ખબર કદાચ તારા આવ્યા પછી, તું અમારી પાસેથી શીખે એના કરતાં વધારે અમારે તારી પાસેથી શીખવાનું હોય?
હમણાં જ ડૉક્ટર અંકલ સાથે તારા વિકાસની ચર્ચા થતી હતી ત્યારે એમણે કહ્યું કે, શારીરિક રીતે હમણાં તારા અને મારા શરીરમાં અગણિત પ્રક્રિયાઓ એક સાથે થતી હોય છે. Just imagine my Baby! કેટલું બધું મલ્ટી-ટાસ્કિંગ છે આપણું શરીર! એક સાથે હજાર કામ કરવાની ક્ષમતા જો શરીર પાસે હોય, તો આપણી પાસે એ ક્ષમતા ના વિકસી શકે?
ખરેખર જોવા જઈએ તો, આ 9 મહિના આ જ બધી બાબતો શીખવે છે. અને એવું નથી કે, તને કંઈ સમજાતું નથી. એક મા તરીકે હું જે કંઈ અનુભવું કે વિચારું એ બધું જ તું સમજે છે. એની મર્ફી પોલ નામની લેખિકાએ એના પુસ્તકમાં આ વાત ટાંકી છે કે, ‘બાળકના 9 મહિના, જે ગર્ભમાં હોય છે, એમાં બાળક જે સમજે અને જાણે તેની અસર એના આખા જીવન પર પડે છે.’ એ માટેના કેટલાંક સંશોધનો અને સર્વેક્ષણો વિશે પણ એણે વાત કરી છે. જો આ વાત સાચી હોય તો બેટા, મને લાગ્યું કે, શબ્દો સાથેનો આવો સેતુબંધ તને ખરેખર મદદ કરશે જ! એટલે જ તને આ પત્ર પણ લખું છું અને તું કંઈક સારું પામે એ માટે આપણી માતૃભાષા અને વિશ્વ સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકો પણ વાંચું છું. તારા મોટા થયા પછી તારી 9 મહિનાની વિકાસયાત્રાની આ વાતો તને અચરજ આપશે.
હમણાં જ ફેસબુક પર એક મમ્મીને એની દીકરીએ પૂછ્યું ‘મમ્મી, આ ગાડીના વાઈપર્સ એક બીજાના ફ્રેન્ડ્સ હોય ને?’ મમ્મીએ પૂછ્યું ‘કેમ?’ એટલે દીકરીએ કહ્યું, ‘કારણ કે એ બંને હંમેશાં સાથે જ ચાલે છે ને!’ વાહ! કેટલો સુંદર વિચાર! મને થયું, આવો વિચાર એક બાળક જ કરી શકે. એના માટે બાળકમાં સહ્રદયતા જોઈએ. શું આજના માતા-પિતા બાળકને એ આપી શકે છે? બીજાની તો ખબર નથી પણ તું એ બાળસહજ પ્રશ્નો મને કરી શકે એ માટે હું એવી સહ્રદયતા કેળવી રહી છું.
તને ખબર છે? તને લખાયેલો આ પત્ર ખૂબ મહત્ત્વનો છે. માત્ર તારા માટે નહીં, મારા માટે પણ! તારા આવ્યા પછીની વ્યસ્તતામાં ક્યાંક ઘણી બાબતો મારાથી પણ ભૂલાશે. ત્યારે આ પત્ર એ મારા માટે એક સતત રિમાઈન્ડર રહેશે, જે મને તારા માટેની કેટલીક વણકહી જવાબદારીઓમાંથી ચૂકવા નહીં દે. તને એક સમજદાર અને જવાબદાર વ્યક્તિ બનાવવા અમારે પહેલાં એક બનવું પડશે એવી મને ખબર છે! શ્રવણ જેવું બાળક જોઈએ, તો એના માતા-પિતા શાંતનુ અને જ્ઞાનવતીદેવી જેવી પાત્રતા મેળવવી પડે.
તો ચલ, તું જલદીથી અમારી પાસે આવવાની તૈયારીઓ કર અને હું તારા આવવાની અને ત્યાર પછીની તૈયારીઓમાં વળગી જાઉં. ફરી મળું તને. કેટલીક નવી વાતો, નવા વાયદાઓ સાથે. આવા જ પ્રેમભર્યા શબ્દોના સંગાથે! ત્યાં સુધી ખૂબ ખૂબ પ્રેમ.
તારા આવવાની રાહમાં અધૂરી,
તારી મમ્મી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર