વહાલસોયી દીકરીને માતાનો પત્ર
વહાલી જીશા,
ગયા સોમવારે એટલે કે ૧૫મી જૂને જ તું એક વર્ષની થઈ. તું જન્મી ત્યાર પછી આ આખું વર્ષ ક્યાં વીતી ગયું એની ખબર સુદ્ધાં ન રહી. જાણે દિવસોને પતંગિયાની પાંખો ફૂટેલી! જો કે જીવનમાં તારા જેવી દીકરી હોય ત્યારે સમયની પડી પણ કોને હોય? તું આસપાસ રમતી હોય ત્યારે ઘડિયાળ કે કેલેન્ડર તરફ જોવાનો સમય પણ કોને મળે?
તારો પહેલો જન્મ દિવસ નજીક હતો ત્યારે મારા મનમાં અનેક ગડમથલ ચાલતી હતી કે, તને હું શું ગિફ્ટ આપું? કારણ કે છેલ્લા એક વર્ષમાં તે અમને ખુશીઓની જેટલી ગિફ્ટ્સ આપી છે એટલી સોગાદો અમને જીવનમાં કોઈએ નથી આપી. એવામાં તને આપી આપીને આપી પણ શું શકાય? એટલે જ આ લાગણીભીના શબ્દો આપવાનું નક્કી કર્યું છે, કે ક્યારેક તું મોટી થઈને આ શબ્દો વાંચશે તો કદાચ ગમશે તને આ શબ્દો. આમેય માણસજાત માટે લાગણીથી વિશેષ કોઈ ભેટ હોઈ શકે ખરી?
આજે જ્યારે તને સંબોધીને લખવા બેઠી છું ત્યારે તારા જન્મથી નહીં પણ એ પહેલાથી શરૂઆત કરવી છે મારે. જીશા, તું માનશે નહીં પરંતુ જ્યારે મને ખબર પડી કે મારા ગર્ભમાં બાળક ઉછરી રહ્યું ત્યારથી મારી આંખોમાં ઉત્સુકતા અને હ્ર્દયમાં ઉમળકાના ઘોડાપૂર આવ્યા હતા, કે ક્યારે હું તને જોઉં! મારા વિકસિત ગર્ભ પર દિવસ દરમિયાન કોણ જાણે કેટલીય વાર હાથ પસવારીને હું કલ્પના કરતી કે, કોણ હશે તું? અને તારો ચહેરો કેવો હશે? બેટા, કેટલીક વાર તો આપણે બંને એકબીજાને જાણે જન્મોજનમથી ઓળખતા હોઈએ એ રીતે હું પેટ પર હાથ રાખીને તારી સાથે વાતો કરવા માંડતી. કદાચ આને જ નાળસંબંધ કહેવાતો હશે?
તો ક્યારેક હું ભર દિવસે પણ સપનાંમાં ખોવાઈ જતી કે, ક્યારે તું મારા હાથમાં આવશે અને ક્યારે હું તારો રૂપાળો ચહેરો જોઈશ? શબરીની જેમ મેં રાહ જોઈ છે તારી! જો કે આખરે એ દિવસ આવ્યો અને ૧૫ જૂન ૨૦૧૪ના દિવસે સાંજના સમયે તારો જન્મ થયો. તારા દાદા કહેતા હતા કે તું જન્મી ત્યારે ઘણો વરસાદ હતો. જો કે બહારના વરસાદ કરતા તો અમે ત્યારે વધુ ભીંજાયેલા, જ્યારે અમને ખબર પડી કે અમારે ત્યાં પરી જેવી રૂપાળી- ગુલાબી ગાલોવાળી દીકરીનો જન્મ થયો છે.
જીશુ તને ખબર છે? તું જે દિવસે જન્મી એ દિવસે ફાધર્સ ડે હતો. પપ્પાને ફાધર્સ ડેની ગિફ્ટ આપવા માટે ક્યાંક તે જ તો કોઈ પ્લાનિંગ નહીં કરેલુંને એ દિવસે જન્મ લેવાનું? અને તારા પપ્પા પણ કેવા? તું ચોમાસામાં જન્મી છે અને તને ક્યાંક કોઈ મચ્છર કે જંતુ કરડી નહીં જાય એની ચિંતામાં અધીરા થઈને શહેર આખામાં નીકળી પડેલા અને અનેક દુકાનદારો જીભાજોડી કરીને એક સરસ મજાની નાની મચ્છરદાની, નાનકડી ગાદી અને ટેકા માટે નાના તકિયા લઈ આવેલા. તારા જન્મને કારણે પપ્પા તો એટલા બધા લાગણીશીલ બની ગયેલા કે, તેઓ ભૂલી જ ગયેલા કે, તારું ધ્યાન રાખવા માટે તારી નાની-દાદી અને ડૉક્ટર્સ-નર્સની આખી ફોજ તૈયાર છે. એમને તો એમ જ કે, બસ હવે તું આ દુનિયામાં આવી ગઈ છે એટલે તારી બધી જવાબદારી એમની જ! જો કે સંતાન જન્મે એની પહેલી ક્ષણથી સંતાનની તમામ જવાબદારીઓ ઉઠાવવી એ દુનિયાના દરેક બાપનો સ્વભાવ હોય છે. એટલે તારી જવાબદારીની બાબતમાં તો અમે પપ્પાને લાખ સમજાવ્યા હોત તોય તેઓ નહીં માન્યા હોત.
બચ્ચા, જીવનમાં અમુક ઘટના કે પ્રસંગો એવા હોય છે, જેને ક્યારેય શબ્દોમાં સમજાવી નથી શકાતા. એવી જ એક ઘટના હતી, જ્યારે મેં તને પહેલી વખત જોઈ અને તને મારા ખોળામાં લીધી ત્યારની! પહેલી વાર તને મારા ખોળામાં મૂકવામાં આવી ત્યારે જાણે દુનિયા આખીનું સુખ મારા ખોળામાં રમતું હતું. ત્યારે મને જે સંતોષ મળેલો એ સંતોષ મેં જીવનમાં ક્યારેય નહોતો અનુભવ્યો. તને જોઈને સૌથી પહેલું વિસ્મય તો ત્યારે થયેલું, જ્યારે મેં તારી આંખો જોઈ! જાણે આખા આકાશનો રંગ તારી આંખોમાં આંજીને આવી હોય એવી નીલવર્ણી તારી આંખો. કોઈ ગજબની પારદર્શકતા હતી તારો આંખોમાં. હું તો મોહી પડેલી એ આંખો પર! અને જેવી રૂપાળી તારી આંખો એવા જ રૂપાળા તારા નાના-નાના હાથ-પગ અને આંગળીઓ. પહેલી વાર જ્યારે એ નાજુક અંગો પર હાથ ફેરવતી હતી ત્યારે એવું લાગ્યું કે, જૂઈના ફૂલ પર હાથ ફેરવી રહી છું હું!
બચ્ચા, જ્યારે પહેલી વાર મેં તને સ્પર્શ કર્યો ત્યારે મને માતૃત્વ એટલે શું એનો અહેસાસ થયો. માતૃત્વ કે મધરહુડ જેવા શબ્દો તો ઘણીવાર વાંચ્યાં હતા, પરંતુ આ શબ્દોનો જ્યારે અહેસાસ થાય ત્યારે અંતરમાં કયા પ્રકારની લાગણીઓની હેલી ચઢે એ તો મને ત્યારે જ સમજાયું. ગજબનો સ્પર્શ હતો એ. તારા જન્મના અગિયારમાં દિવસે તને નામ આપ્યું જીશા. જીશા એટલે કે જેની પાસે કોઈ પણ વિષમતામાં ટકી જવાની સૌથી વધુ ક્ષમતા હોય એવી વ્યક્તિ! જો કે તને ખબર નહીં હોય પણ, આજે હું એ વાતની કબૂલાત કરું છું કે, તારા જન્મ પછી મારી જિજીવિષા ખરેખર અત્યંત પ્રબળ થઈ ગઈ છે. એટલે મારા માટે તો જીશા એટલે જિજીવિષા પ્રદાન કરનારી વ્યક્તિ પણ!
છેલ્લા એક વર્ષમાં મેં મારો સૌથી વધુ સમય તારી વીતાવ્યો છે. બલ્કે એમ કહું તોય ચાલે કે, છેલ્લા એક વર્ષની પ્રત્યેક ક્ષણ મેં તારી સાથે માણી છે. તારું પહેલું રુદન, તારું હાસ્ય, તારી નાની-નાની ખોરાક સંબંધિત મુસીબતો, તારી વિહ્વળતાઓ, ક્યારેક ખુશ થઈને તારું ઉછળકૂદ કરવું તો ક્યારેક જમીન પર ઘૂંટણભેર ચાલવા માટેનો પ્રયત્ન કરવો. તારી તમામ ક્રિયાઓની હું પહેલી સાક્ષી બની છું. આજે જ્યારે એક વર્ષ દરમિયાનની તારી બધી હરકતો યાદ કરું છું ત્યારે સૌથી પહેલા તો ચહેરા પર હાસ્યની એક લહેરખી ફરી જાય છે. કારણ કે તારી એ નાની નાની હરકતો- તારી દૈનિક ક્રિયાઓમાં એટલો બધો આનંદ અને સુખ છુપાયેલા હતા કે, ન પૂછો વાત.
ખૈર, તારા જન્મ પહેલાથી શરૂ થયેલી મારી કલ્પનાઓ હજુ સુધી થંભી નથી. તું ગર્ભમાં હતી ત્યારે તું કેવી હોઈશ એની કલ્પનાઓ કરતી તો હવે રોજ એવા ખ્યાલ આવે છે કે, તું મોટી થઈશ પછી તારા ચહેરાની રેખાઓ કયા પ્રકારનો આકાર ધારણ કરશે અથવા જ્યારે તારા માથાના વાળ વધશે ત્યારે તું પોની ટેલમાં સારી લાગીશ કે ખુલ્લા વાળમાં? કે પછી તારા પર વેસ્ટર્ન આઉટફિટ્સ સારા લાગશે કે ઈન્ડિયન? તને આર્ટમાં રસ હશે કે સ્પોર્ટ્સમાં? જો કે મેં મારી જાતને એક બાબતે પૂરેપૂરી સજ્જ કરી લીધી છે કે, તારી મા હોવાને કારણે કે એક સ્ત્રી તરીકે મારી અંગત પસંદ-નાપસંદ જે હોય તે પરંતુ તને તારી મરજી મુજબ જીવવાની-ખીલવાની કે વિકસવાની સ્વતંત્રતા આપવી એ મારા જીવનનું મુખ્ય ધ્યેય હશે. તારી પસંદગીમાં કદાચ હું તને સલાહ કે માર્ગદર્શન આપીશ પરંતુ ક્યારેય નાહકનો ચંચુપાત કરીને તારા અંગત મત કે ઈચ્છાઓને આડે નહીં ઉતરું.
આપણે ત્યાં કહેવત છે કે, 'કુમળાં છોડને વાળે એમ વળે.' પણ મારે તને વાળવી નથી. તને તારી રીતે વિકસવા દેવી છે. માતા તરીકે હું માત્ર તારું ધ્યાન રાખીશ કે તું જે રસ્તે ચાલી રહી છે અથવા તે જે કેડી પસંદ કરી છે એ કેડી યોગ્ય છે કે નહીં. તારી પસંદ કરેલી કેડીએ જે કોઈ કાંટા હશે કે મુશ્કેલી આવશે એને હું દૂર કરીશ. તારે માત્ર ચાલવાનું છે, આગળ વધવાનું છે અને અસીમ આભને આંબવાનું છે.
મને ખબર છે કે, મારો આ પત્ર તું હમણા તો નહીં જ વાંચી શકે. પણ મને એ ખાતરી છે કે, જ્યારે તું આ પત્ર વાંચશે ત્યારે તું ચોક્કસ જ રોમાંચિત થઈશ. આ પત્રમાં મેં તારા જન્મ પહેલાની અને જન્મ પછીના એક વર્ષની લાગણીઓ ઠાલવવાનો પ્રયત્ન કર્યો છે. તને મેળવી હું ખરેખર સંપૂર્ણ બની છું. મને આવા ભર્યાં ભર્યાં જીવનની ભેટ આપવા માટે તારો ઘણો આભાર. જીવનમાં ખૂબ આગળ વધ, પ્રગતિ કર અને હંમેશાં એ જ કર, જે તારે કરવું છે. લવ યુ બચ્ચા!
તારી વહાલી
મમ્મા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર