મારા લાડેસરને એક પત્ર…
મારા દીકરા,
તું તો સાચે જ મોટો થઈ ગયો. જોકે શારીરિક રીતે ભલે તું હમણા મોટો થયો હોય પરંતુ તારી સમજણની મોટપ તો તારી આ માએ વર્ષો પહેલા જ માણી હતી. મુંબઈના આપણા વસવાટ દરમિયાન સોમવારથી શુક્રવારના દિવસોમાં તને મારો પડછાયો બની જતા અને એક બાળકમાંથી જવાબદાર પુરુષ બની જતા મેં તને જોયો છે. એ સાથે જ શનિવારે પાપા આવે એટલે અચાનક સાવ બેફિકરો બની જતાં પણ મેં તને જોયો છે. બે વર્ષ પહેલાં મારી બીમારી દરમિયાન મારી તબિયત લથડતી ત્યારે રાત્રે બે વાગે તને ખડા પગે ઊભા રહેતો મેં તને જોયો છે. ને જીદ કરીને અડધી રાતે હોસ્પિટલ આવતા, પાપાની ગેરહાજરીમાં મને હોસ્પિટલ લઈ જતા મેં તારી પ્રેમાળ સંભાળ મહેસૂસ કરી છે.
ત્યારે તું સોળ વર્ષનો હતો. પરંતુ સોળ વર્ષના છોકરા કરે એવી કોઈ કચકચ કર્યા વિના તને ઘરના કામોમાં મદદ કરતો મેં જોયો છે. દર દસ મિનિટે દોડતા આવીને, ‘મને બોલાવ્યો…?’ એમ પૂછતો મેં તને જોયો છે. હોસ્પિટલમાં મને પ્રોત્સાહિત કરવા અનેક જોક્સ ફટકારતા મેં તને જોયો છે. અને ત્યાંનું સાવ બેસ્વાદ ભોજન ફરિયાદ વગર જમતા મેં તને જોયો છે. મારું ઑપરેશન થયાં પછી ઘરના રસોડામાં વઘાર થાય તો મને છીંક ન આવે એ માટે દોડીને દરવાજો બંધ કરતી વખતે મેં તારી હૂંફ અનુભવી છે. મારો હાથ પકડી, ટેકો આપી મને પલંગ પરથી ઉઠાડતી વખતે તને અકળામણ થઈ હોય એવું મેં ક્યારેય અનુભવ્યું નથી. મારા રૂમમાં આવીને મારી પાણીની બોટલ ચેક કરતા ને મને મારી તબિયત વિશે ‘પ્રવચન’ આપી ટપારતા પણ મેં તને જોયો છે.
હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવ્યા પછી ‘તમને તકલીફ થશે, ઊભા ન થતા’ એમ કહી તારા હાથે તેં મને જમાડી ત્યારે શાક પર રોટલી લપેટતા તારા હાથ જોઈને તારા બાળપણમાં તને જમાડતી વખતે મને થતો સંતોષ મને યાદ આવી જતો. રોજ સવારે અને ક્યારેક ઉજાગરા પછીની મારી સવારની મિઠી ઉંઘ ન બગડે એ માટે મને હળવેથી ‘ચુંબન’ આપી તને સ્કૂલે જતાં મેં તને અનુભવ્યો છે. જોકે રોજ સવાર પડે એટલે બટેટાનું શાકની ખાવાની તારી જીદ મને સમજાતી નથી!
દસમાં ધોરણના પરિણામ વખતે જ્યારે ૮૪ ટકા આવ્યા ત્યારે પાપાને દુઃખ થશે એમ વિચારીને હોંગકોંગ એરપોર્ટ પર બેઠેલા પાપાને ફક્ત ‘સોરી’ એમ મેસેજ કરીને તને ધ્રૂસકે ધ્રૂસકે રડતા મેં તને જોયો છે. ખાસ તો તારી દીદીની સાથે મળીને તમે જે ખાનગી ચટરપટર કરતા તથા એના 'વકીલ' તરીકે એની ડિમાન્ડ્સ પૂરી કરવા તારા પાપાને પટાવતા હું જોઉં છું ત્યારે મને થતું કે તું દીદીનો નાનો ભાઈ નહીં પરંતુ એનો મોટો ભાઈ છે! બજારમાંથી ઘરે આવીને ‘તારો દીકરો મોંઘા કપડા ખરીદતો જ નથી’ એવી મીઠી ફરિયાદ તારા પાપા મને કરે ત્યારે તારા પર ગર્વ અનુભવું છું. ફાધર્સ ડેના દિવસે તારા બચાવેલા પોકેટ મનીમાંથી ભરબપોરે દોડીને બ્લ્યુટુથ ખરીદી લાવી સૂતેલા પાપાના માથા પાસે એ મૂકતી વખતે અને વારે વારે 'પાપાએ એ જોયું કે નહીં’ એ જોયા કરતા તને અને તારા ભાવોને મેં એકલીએ મનભરીને માણ્યા છે.
તારા પાપા સાથેની તારી બેમિશાલ દોસ્તી, તમારો પરસ્પરનો પ્રેમ, તમારી લાગણી, તમારું સાથે ગીતો ગાવું, રાત્રે બહાર મહાલવા જવું, રોજ રાતે પત્તા રમવા... આ બધું જોઈને મને પરમ સંતોષની લાગણી થાય છે. દેશદુનિયાના તાજા ખબર, રમતગમત, ફિલ્મ, રાજકારણ અને ખાસ તો ઘર્મ વિશેના તારા સ્પષ્ટ વિચારો અને તારું વિશાળ વાંચન મને કોઈ વાર અંચબામાં મૂકી દે છે. વાંચનને કારણે તારા વિચારોની ધાર પણ તેજ થઈ છે, જેને કારણે જ્યારે તું કોઈક વિષય પર બોલે ત્યારે તારી બોલવાની ઢબને હું તો બસ તને જોયા જ કરું છું. વાતે વાતે મસ્તીમાં મને ‘પાય લાગુ માતાજી. આશીર્વાદ દીજીએ’ કહીને પગે પડતા તને જોઈને તારા પર ગુસ્સો કરવો હોય તોય હસી પડાય છે. અને સાચે જ ઘણી બધી પ્રાર્થનાઓ અને આશીર્વાદો મારા હૈયામાંથી વહી નીકળે છે.
મારા દીકરા, તારા નાના-નાની હોય કે દાદા-દાદી કે પછી અમે ત્રણ હોઈએ, તારા પ્રેમાળ વર્તનથી દરેકનો તું લાડેસર બનતો જાય છે. દીકરા, સ્નેહ અને લાગણીથી વધુ આ દુનિયામાં કોઈ વસ્તુ કિંમતી નથી એ તને બહુ જલદી સમજાઈ ગયું છે તે મને બહુ ગમ્યું. કોઈનેય પ્રેમથી તરબોળ કરીને એને ખુશ રાખવાના તારા વલણને કારણે જીવનની પરીક્ષામાં તું અવ્વલ નંબરે પાસ થવાનો છે એની મને ખાતરી અને વિશ્વાસ છે. ભગવાન તને ખુશ રાખે અને તારા હ્રદયમાં ખળખળ વહેતા પ્રેમના ઝરણાને હંમેશાં વહેતું રાખે.
તારી મમ્મી,
નીવારાજ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર