ટીન-એજમાં પ્રવેશતી દીકરીને પિતાનો પત્ર
હાઈ ઢીંગલી,
તું તો મોટી થઈ ગઈ ને એકાએક ?
તારા બર્થ ડે પર કોને બોલાવવા અને કોને નહીં એના નિર્ણયો પણ તું જાતે જ લેવા માંડી.
જે રીતે ભલે સાયકલ પર ભલે થાક લાગતો, પણ હવે વેનમાં તો સ્કૂલે નથી જ જવુંનો નિર્ણય લીધેલો તેમ જ!
આમ તો તમે મા-દીકરી સારા મિત્રો છો એટલે મારા ભાગે સલાહો આપવાની ઓછી આવે છે
(અને આપું તો પણ મારું સાંભળે કોણ? )
છતાં એક બાપ તરીકે તને બે વાત ચોક્કસ કહીશ :
ટીનમાં આવતાની સાથે જ તારા બદલાતા જતાં શોખ આંખે ઉડીને વળગે છે,
તારી ક્યુટ બેબી ડોલ્સ અને કિચન સેટ હવે ધૂળ ખાય છે.
હવે તું મારી પાસે ગીતો ગવડાવવાના બદલે હની સિંઘના પાર્ટી અને આફ્ટર શોક આપે તેવા આફટર પાર્ટીના ગીતો વધુ પસંદ કરે છે,
તારી બેનપણીઓ ઘરે આવી હોય અને તને લાડથી ચકલી કે ઢીંગલી જેવું કૈંક બોલાવાઈ જાય
તો તું મારી સામે આંખો કાઢે છે.
મેં એ પણ નોંધ્યું છે કે, માહિતીથી ફાટ ફાટ થતાં આજના વિશ્વમાં તને કશું શીખવાનું બાકી હોય એમ મને નથી
લાગતું પણ એક વાત યાદ રાખજે -
જીવનના પહેલા તેરથી ઓગણીસ વર્ષો જ તમારી નિયતિ નક્કી કરે છે.
આ જ સમયે કરિયર, એજ્યુકેશન અને આ જ ઉંમરે વિજાતીય આકર્ષણ -
એમ બંને વચ્ચે સ્પર્ધા શરુ થાય છે.
તું મારી એટલી વાત માનજે કે,
એજ્યુકેશનના ભોગે કશું પણ ન કરતી.
તારા આ ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટર્સ કે લવ સ્ટોરીના હીરોઝ...
એમાંથી રિયલ લાઈફમાં કોઈ જ સાથે નહીં આવે!
સહેજ નબળું પરફોર્મ કરીશ અથવા સહેજ નબળું પાત્ર શોધીશ તો
અડધી જિંદગી એને સેટલ કરવામાં અને એની સાથે તારા સેટલ થવામાં વેડફાઈ જશે.
તું બેસ્ટ છે માટે તને બેસ્ટ જ મળવું જોઈએ એ જીદ પકડી રાખજે જીવનભર...
દોસ્તો હોવા ખરાબ નથી, પણ ખરાબ દોસ્તો આપણો કિંમતી સમય બરબાદ કરે છે એ વાતનું ધ્યાન રાખજે અને એનાથી બચજે.
અને એથી પણ વધુ ખતરનાક પેલા અંકલ્સ લોકો અને વડીલો છે,
જેઓ તને કોઈ ને કોઈ બહાને સ્પર્શવાનો પ્રયત્ન કરશે!
એમનાથી સો ફૂટ નું અંતર રાખજે કારણ કે, તેઓ એ લોકો છે, જેમની જાતીય લાઈફ કોઈ એવરેજ ગુજરાતી પુરુષની માફક જ વધુ પડતા કામના ભારણ, અનિયમિત જીવન શૈલી, અદોદળા શરીરો અને વન અપ મેનશીપને કારણે તદ્દન ખાડે ગયેલી છે.
અંદરખાને એક બાપ તરીકે હું એવું ઈચ્છું છું કે,
તું શોપિંગ જાય ત્યારે કે પાણી પૂરી ખાવા જાય ત્યારે કારમાં પાછળની સીટ પર બેસી
રહેવાને બદલે ખુદ જ કાર ડ્રાઈવ કરે...
એ પણ તારા પોતાના પૈસે ખરીદેલી કારમાં!
સ્ત્રીઓ સામે થતાં અન્યાયો સામે ગુસ્સો વ્યક્ત કરી ફેમિનિસ્ટ બનવાને બદલે
એવી બનજે કે, જેથી પુરુષો તારાથી એક વહેત નીચે રહે.
જેથી કરીને તું એમની સાથે નોર્મલ રીતે વર્તી શકે - જેન્ડર બાયસ વિના પણ!
મારું માનજે પુરુષો ખરાબ હોઈ શકે, પણ તે પોતે પસંદ કરેલો મેલ / મેન ક્યારેય
ખરાબ ન જ હોઈ શકે અને એ બીજા જેવો ન બને એ જોવાની પણ જવાબદારી ઉઠાવતા શીખજે.
મને ખબર છે તારી ઉંમરના પ્રમાણમાં આ થોડું વધુ પડતું છે. પરંતુ,
તે તારી મોમને જે પ્રશ્નો પૂછેલો કે -
શું લગ્ન કરવા જરૂરી છે?
જે નથી ગમતા એમની સાથે તમે વર્ષોના વર્ષો કઈ રીતે હસ્તે મોઢે વીતાવી શકો?
'પ્રિ મેરિટલ સેક્સ સારું કે ખરાબ?'
એ બધું જ તારી મોમએ મને કહ્યું
એટલે જ આ પત્ર લખવો પડ્યો છે. કારણ કે તારી સામે રૂબરૂ આ બધું ન જ કહી શકું
વાંચી લેજે
…….
લી.
જિંદગીને હજુ પણ એક ટીન એજની નજરે જોવાની સમજવાની અને જીવવાની કોશિશ કરતો તારો સંવેદનશીલ બાપ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર