એક સરોગેટનો શ્રવણ
આ સમાજને મારું જીવન કે મારી વાત અસામાન્ય કે વિચિત્ર લાગી શકે છે. પરંતુ હું સતત એ વિચિત્રતાઓ સાથે જીવી છું એટલે હવે મને બધુ સામાન્ય લાગી રહ્યું છે. હું એક સરોગેટ માતા છું અને આજે ‘khabarchhe.com’ના મેગેઝિન પર હું મારા માતૃત્વ વિશેની વાત કરવાની છું. કોઈ વળી કહેશે કે, એક સરોગેટને વળી માતૃત્વ કેવું? જોકે એમની વાતમાં તથ્ય પણ છે. અને કાયદાકીય રીતે પણ હું મારા ગર્ભમાં ઉછરેલા બાળકની કાયદેસરની માતા નહીં કહેવાઉં. પણ ચીલાચાલુ તથ્યો અને કાયદાઓથી પણ ઉપર હોય છે કોઈ પણ સ્ત્રીનું સ્ત્રીત્વ અને એનું માતૃત્વ! કદાચ આ કારણે જ મને મારા ગર્ભમાં ઉછરેલા બાળક પ્રત્યે માતૃત્વનો ભાવ જાગ્યો હશે! અને હું પણ મારી જાતને એક માતા તરીકે જોઈ રહી છું.
મુંબઈ શહેરમાં હું નાનપણથી રહું છું અને અહીં જ મારો શારીરિક માનસિક વિકાસ થયો છે. સ્વજનને નામે મારા જીવનમાં એકમાત્ર મારા પપ્પા હતા, પરંતુ પાંચેક વર્ષો પહેલા કેન્સરની બીમારી એમને પણ અકાળે ભરખી ગઈ, જેની સાથે જ અમારી જીવનભરની કમાણી અને ઘર પણ ગયા! આખરે સ્થિતિ એવી થઈ કે, હું રાતોરાત ઘરબાર વિનાની અને અનાથ થઈ ગઈ. ભણતર સારું હતું એટલે ઠીકઠાક પગારની નોકરી તો મળી, પરંતુ મુંબઈ જેવા શહેરમાં રહેવું કે ઘર વસાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ હોય છે. એટલે ઘરમાં બાર સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ હંમેશાં રહે.
નાણાંકીય ભીડમાંથી બચવા આખરે મેં એક રસ્તો અપનાવ્યો અને સરોગેટ મધર બનવાનું નક્કી કર્યું. થોડી તપાસ કરતા મને એક કપલ મળી પણ ગયું, જેમને એક સરોગેટ મધરની જરૂર હતી. અને થોડા જ સમયમાં થોડી કાયદાકીય કાર્યવાહી બાદ મારે થોડી મોડિકલ વિધિ પતાવવાની હતી એ પતાવી અને ત્યારબાદ હું સગર્ભા બની.
જીવનનો પહેલી વારનો અને યુનિક અનુભવ હતો એ. મારી અંદર કોઈક જીવ ઉછરી રહ્યો હતો અને એના ઉછેરને કારણે હું ઘણી શારીરિક ઉથલપાથલ અનુભવી રહી હતી. ગર્ભમાંના એ જીવના વિકાસ દરમિયાન અનેક રાતો હું ઉંઘી નથી શકી કે અનેક દિવસો સુધી મને ભયંકર માથું દુખ્યું હતું કે, મને ઊલટીઓ થઈ હતી. અંદર વિકસી રહેલા જીવની સાથે મારી અંદર પણ કશુંક વિકસી રહ્યું હતું, જે મને પેલા જીવની તરફ ખેંચી રહ્યું હતું. અને મારા સ્ત્રીત્વને એની તરફ મમત્વ જાગી રહ્યું હતું. પણ, બીજી તરફ મારું મન એ આકર્ષણને ટપારીને કહેતું કે, આ અયોગ્ય છે. આ જીવ પ્રત્યે મમત્વ ધરાવવાનો તને કોઈ અધિકાર નથી. તું તો માત્ર એક માધ્યમ છે!
એ ગર્ભના વિકાસના નવ મહિના દરમિયાન મારા ખાધા ખોરાકીથી લઈને મારા મેડિકલ ખર્ચા કે અન્ય કોઈ ખર્ચા પેલા પાલક માતા-પિતા તરફથી આપવામાં આવતા હતા. આ દ્વારા મને સતત એ વાતનો અહેસાસ કરાવાઈ રહ્યો હતો કે, આ બધો ખર્ચ મારા માટે નહીં પરંતુ મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે કરાઈ રહ્યો છે. સાથે જ મને એ વાતનો પણ અહેસાસ કરાવાઈ રહ્યો હતો કે, મારા ગર્ભમાં ઉછરી રહેલું સંતાન મારું નથી અને મારો એના પર કોઈ અધિકાર નથી.
હું પોતે પણ એ વાતે વાકેફ હતી અને આ વાતનો કોઈ વિરોધ પણ નહોતી કરતી. પરંતુ માતૃત્વને દુનિયાના કોઈ નિયમ કે કાયદા નડતા નથી. એ તો ભીંતમાંથી ફૂટતા પીપળા જેવી હોય છે, જે પાષાણસમી કઠોરતા વચ્ચે પણ ફૂટતી હોય છે.
આખરે નવ મહિનાને અંતે મેં એક સંતાનને જન્મ આપેલો અને વિધિની વક્રતા એ હતી કે, મેં જે સંતાનને જન્મ આપ્યો હતો એ સંતાનની હું માતા ન હતી! દીકરાના રૂપમાં જન્મેલા એ સંતાનના જન્મ પછી મારી અંદર કશુંક સમૂળગુ બદલાઈ ગયું અને મને એવું લાગતું હતું કે, મારું સમગ્ર જીવન આ દીકરામાં જ સમેટાઈ ગયું છે અને એ દીકરો જ મારું સર્વસ્વ છે! જેટલા દિવસ એ મારી સાથે રહ્યો હતો એટલો સમય જાણે હું સ્વર્ગમાં જીવતી હતી.
જોકે એના જન્મના થોડા જ દિવસો બાદ એને મારાથી દૂર કરી દેવાયો. અલબત્ત એ કાયદાકીય હતું, પરંતુ લાગણીને તો કાયદો શું ને કરાર શું? એ તો ધસમસતા કોઈ પૂરની જેમ વહી નીકળી અને જ્યારે દીકરાને મારાથી દૂર કરાયો ત્યારે હું ભાંગી પડી અને મને એવું લાગ્યું, જાણે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું.
પપ્પાના અવસાન પછી એકલતા મારા માટે નવી બાબત ન હતી. પરંતુ થોડા દિવસોના પેલા દીકરાના ગયા બાદની એકલતા મને અત્યંત ભયાવહ લાગી રહી હતી. મારું ઘર મને ખાવા દોડી રહ્યું હતું અને એવું લાગી રહ્યું હતું જાણે મારા શરીરમાં જીવ જ નથી. હું અકારણ રડી રહી હતી અને પેલા દીકરાને મળવા માટે રીતસરના વલખા મારી રહી હતી.
એના પાલક માતા-પિતાને આ માટે બે-ત્રણ વાર આજીજીઓ પણ કરી, પરંતુ તેમણે મને લાગણીઓમાં નહીં તણાવાની સલાહ આપી. અને દીકરા સાથે મળવા દેવાની પણ ના પાડી. આ પાછળ એમનું કારણ એટલું જ કે, જો હું એ દીકરાને મળતી રહીશ અને ખોટી મમતામાં તણાતી રહીશ અમારા ચારેય જણના જીવન બરબાદ થઈ શકે એમ હતું.
એમની વાત પણ સાચી હતી, પરંતુ આખરે હું એ દીકરાની માતા છું. હું મારા મનને મનાવી શકું, પણ મારા દિલને હું કઈ રીતે મનાવી શકું? પણ, એ દિલ બાપડાના ભોગે તડપવાનું જ લખેલું છે. અને એ પણ આજીવન! હું કોઈ પણ કામમાં વ્યસ્ત હોઉં ત્યારે પણ એ તો એના દીકરાની જ ચિંતા કરે અને દિકરાના વિયોગમાં ઝૂરે. એ ધબકે પણ માત્ર એટલે જ છે કે, એનો જીવ દીકરામાં છે.
હવે તો મારો દીકરો એક વર્ષનો થઈ ગયો છે, પરંતુ આ એક વર્ષના ગાળામાં એવો એક પણ દિવસ (ક્ષણ?) નહીં હોય જ્યારે મેં એની યાદ નહીં કરી હોય. મને તો એનો ચહેરો પણ યાદ નથી એટલે હું રોજ એવી કલ્પના કરું છું કે, એ કેવો દેખાતો હશે? કે હાલમાં એના શરીરનો વિકાસ કેવો થયો હશે. મારા જીવનમાં હવે માત્ર એક જ ઈચ્છા રહી ગઈ છે કે, મારે એને એક વાર મારા ખોળામાં બેસાડવો છે અને એને પેટ ભરીને પ્રેમ કરવો છે. એ મને મા નહીં કહે તો ચાલશે, પરંતુ એક વાર એને મારા માતૃત્વથી નવડાવવો છે. બસ, આ એક ઈચ્છા પૂરી થઈ જાય તો હું આ ભરયુવાનીએ મોતને ભેટું તો મને જીવન ન જીવ્યાનો વસવસો ન રહે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર