એક અનોખી શ્રવણકથા...

19 May, 2016
12:05 AM

mamta ashok

PC:

શ્રવણના રૂપમાં ઈશ્વરે મને એક દીકરો અને દીકરી આપ્યા છે. પરંતુ આજે મારે મારા બે શ્રવણોની વાત નથી કરવી.આજે જેની વાત કરવી છે એ બાળક પણ આમ તો મારું જ સંતાન કહી શકાય, પરંતુ એ બાળકના જન્મદાતા અમે નથી અને છતાંત એનું સ્થાન મારા જીવનમાં કંઈક વિશેષ છે. ઈશ્વરે મને એ બાળકની વિશેષની જવાબદારી આપી છે. અને ઈશ્વર કંઈ આવી જવાબદારી બધાને નથી આપતો! વાત જરા સ્પષ્ટ રીતે કહું તો વર્ષ 2012ના મે મહિનામાં મારી પત્નીની બહેને એક પુત્રને જન્મ આપેલો. ઘણા વર્ષો પછી ઘરમાં નાના બાળકનો જન્મ થયો હોવાને કારણે અમે સૌ અત્યંત ખુશ હતા. અમને સૌને જેમ જેમ સમાચાર મળતા ગયા એમ અમે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં ભેગા થતાં ગયા.

બાળકના જન્મ માટે સિઝેરિયન કરવામાં આવ્યું હતું અને થોડા કલાકો પછી મારી સાળી પણ ભાનમાં આવી ગઈ હતી. સંતાનના જન્મને કારણે એ એટલી તો ખુશ હતી કે, ભાનમાં આવ્યા પછી થોડા જ સમયમાં એણે એના પુત્ર સાથે એક ફોટોગ્રાફ પડાવ્યો. આખો દિવસ અમે સૌ હોસ્પિટલમાં રહ્યા અને ચ્હા-નાસ્તો કરીને બાળકના જન્મની ખુશી મનાવી. જોકે વિધાતાને અમારી એ ખુશી મંજૂર ન હતી. સાંજ થતાં સુધીમાં મારી સાળીની તબિયત અચાનક બગડી ગઈ અને એની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ. એના શરીરમાંથી સતત લોહી વહી રહ્યું હતું, અને લોહીની કમીને કારણે એને વધારાનું લોહી ચઢાવવાની જરૂરત ઊભી થઈ.

ડૉક્ટર્સે અમને આ વાતની જાણ કરી એટલે અમે બધા તરત જ લોહીની બોટલની વ્યવસ્થામાં પડી ગયા અને દશે દિશા ખૂંદીને અમે મારી સાળીના માટે લોહીની બોટલ્સ ભેગી કરવા માંડ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ સ્થિતિ એટલી હદે બગડી ગઈ હતી કે, સાળીને છ કલાકમાં લોહીની 112 બોટલ્સ ચઢાવવી પડી હતી! થોડા કલાકો પછી ડૉક્ટર્સે તો એના જીવવાની આશા છોડી જ દીધી હતી, પરંતુ અમારી આંખ આગળ પેલું થોડા કલાકો પહેલા જન્મેલું નાનકડું બાળક દેખાઈ રહ્યું હતું. એ બાળકને કારણે અમને એવી ધરપત હતી કે, ઈશ્વર એટલો બધો નિષ્ઠુર પણ નથી કે, એ સાત કલાક પહેલા જન્મેલા બાળક પાસે એની માતા છીનવી લે. જોકે શ્રદ્ધા દર વખતે સાચી ઠરે એવું નથી હોતું. કેટલીક ઘટનાઓ એટલી બધી કરુણ હોય છે કે, એ ઘટનાઓ ઈશ્વરના હોવાપણા વિશે પણ આપણા મનમાં શંકાઓ ઊભી કરી દેતી હોય છે. અને મારી સાળીના કિસ્સામાં આવું જ કંઈક થયું.

આગલા દિવસની સાંજ અને આખી રાતની ડૉક્ટર્સની મથામણની કોઇ જ અસર નહીં થઈ અને સંતાન જન્મના બીજા દિવસે મારી સાળીનું અવસાન થઈ ગયું. હજુ તો બાળકના જન્મનો આનંદનો ઊભરો શમ્યો ન હતો ત્યાં અચાનક અમારા ઘરમાં માતમ મચી ગયો. એક તો જુવાનજોધ દીકરીનું અકાળે મોત થયું હતું અને એથીય મોટું દુખ એ હતું કે, એ દીકરી એની પાછળ માત્ર એક દિવસનું બાળક મૂકીને ગઈ હતી. અમારા ઘરની સ્થિતિ એટલી કરુણ હતી કે, અમને સમજ જ નહોતી પડતી કે, અમારે કયા મોર્ચે લડવું અને કઈ સ્થિતિને થાળે પાડવી.

અમે બધા ભાંગી પડ્યા હતા, પરંતુ સ્થિતિનો સામનો કર્યા સિવાય અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. અમારી સાળીના અગ્નિ સંસ્કાર કર્યા બાદ અમારી સામે પ્રશ્ન ઊભો થયો કે, હવે આ બાળકનો ઉછેર કોણ કરશે? અને છ-સાત મહિનાઓ સુધી માત્ર માતાના દૂધ પર નભતા આ નવજાતને પોષણ કઈ રીતે આપીશું? અત્યંત દુખની એ સ્થિતિમાં એક નાનો સરખો નિર્ણય પણ અમારે અત્યંત સાવચેતીથી લેવો પડતો હતો. શરૂઆતમાં અમે એ બાળકને બેબી પાઉડરવાળું દૂધ આપવાનું શરૂ કર્યું અને સાથે જ એ નિર્ણય કર્યો કે, થોડા દિવસો સુધી એને એના મોસાળમાં જ રાખવું, જેથી એની માસી એટલે કે, મારી પત્ની અને એની નાની એની યોગ્ય દેખભાળ કરી શકે. બાળકનું નામ અમે મીત રાખ્યું અને એ બાળક માટે થઈને મારી પત્ની શરૂઆતના છ મહિના એના પિયર રહી અને બાળકના ઉછેરમાં એણે એનું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું. આમ તો અમારા સંતાનો પણ નાના હતા, પરંતુ અમે એ વાતે ગાંઠ વાળેલી કે, આ બાળકને કોઇ પણ ભોગે ઉછેરવું છે અને તેને એના હિસ્સાનું સુખ આપવું છે. અમારા સંતાનોએ માત્ર છ મહિના એની માથી દૂર રહેવાનું હતું, પણ આ નવજાતે તો મા વિનાનો જ સંસાર જોવાનો આવ્યો હતો!

થોડા સમય પછી થયું એવું કે, એના પિતાએ બીજા લગ્ન કરી લીધા. આ કારણે હવે એ વાત તો સ્પષ્ટ હતી કે, એ પિતા હવે એના બાળકને લઈ જઈ શકવાનો ન હતો. કોઈ બીજી સ્ત્રી કોઇનું બાળક શું કામ સ્વીકારે? બીજી તરફ મારી પત્ની પણ સતત એના પિયર રહી શકતી ન હતી. એટલે અમે મીતને અમારા ઘરે લઈ આવવાનું નક્કી કર્યું. બસ, ત્યારથી જાણે એ અમારું ત્રીજું સંતાન બની ગયો અને અમે અમારા સંતાનો વચ્ચે કોઇ પણ ભેદ રાખ્યા વિના એનો ઉછેર શરૂ કર્યો.

સમય જતાં મીત મોટો થતો ગયો અને પાછળથી એને કોઇ ઝાટકો નહીં લાગે એ માટે અમે એને તેના જીવનની વાસ્તવિકતાથી વાકેફ કર્યો. જોકે એ એના હિસ્સાનો પ્રેમ પામ્યો છે અને એણે ક્યારેય મા નહીં હોવાની પીડા નથી અનુભવી કે એની સગી મા સાથે એની કોઇ યાદગીરી પણ નથી એટલે તેને એના જીવનની વાસ્તવિકતાઓ બહુ પીડા નથી આપતી. અમને બંનેને એ મમ્મી-પપ્પા તરીકે જ ઓળખે છે તો અમારા સંતાનોને પણ એ સગા ભાઈબહેનની જેમ માને છે.

આ સંતાનને ઉછેરતી વખતે અમે એક વાત શીખ્યા છીએ કે, ઈશ્વર ભલે આપણને લાખ પીડાઓ કે પડકારો આપે પણ એ પીડાઓની સાથે એ આપણને ઝઝૂમવાની શક્તિ પણ ઘણી આપે છે. જરૂર હોય છે, મુશ્કેલીના સમયને સાચવી લેવાની. જો એ સમય સચવાઈ ગયો અને એ પરિસ્થિતિથી હારીને કે કંટાળીને આપણે કોઇ ખોટું પગલું નહીં ભરીએ આપણો બેડો પાર થઈ જાય છે. કોઇ પણ દુખની એક જ દવા છે અને એ દવા છે મૌન અને સમય! એ સમયે આપણે આપણી જાત પર કાબૂ મેળવીને મૌન રહીએ અને આવી પડેલી સ્થિતિને સમયના વહેણમાં વહી જવા દઈએ તો આપોઆપ આપણું દુખ ઓછું થઈ જાય છે.

હજુ ગયા અઠવાડિયે જ અમે મીતનો ચોથો જન્મ દિવસ ઉજવ્યો અને અમે ઘણો આનંદ કર્યો. અલબત્ત, એની મા નહીં હોવાનું અમને સૌને દુખ છે, પણ આપણા દુખને લઈને બેસી રહેવું એના રોદણાં રડ્યા કરવા યોગ્ય નથી. આપણને માણસોને ઈશ્વરે પગ ભલે આપ્યાં હોય, પણ તોય આપણે વૃક્ષની જેમ મૂળિયાં ઉંડા વિસ્તારતા જઈએ છીએ અને ભૂતકાળને ભૂલીને વર્તમાન અને ભવિષ્યને જીવતા હોઈએ છીએ. આ તબક્કે ઈશ્વરને કોઇ પ્રાર્થના નથી કરવી કે નથી એની પાસે કશું માગવું. કારણ કે, અમને ઈશ્વરમાં જેટલી શ્રદ્ધા છે એના કરતા ઈશ્વરને અમારામાં વધુ શ્રદ્ધા હોવી જોઈએ, તો જ એણે અમને આ શ્રવણના ઉછેરની જવાબદારી આપી છે. એટલે આ માટે અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ. બસ બીજું કશું જ નહીં!

(જયંતિભાઈ પટેલ, અમરોલી, સુરત)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.