અનોખા જીવનની અનેરી વાત

28 Jul, 2016
12:00 AM

mamta ashok

PC:

મારા સંતાનો એટલે અનેરી અને અનોખી. બે વર્ષના અંતરે ભગવાને અમને બે મજાની દીકરીઓ આપી અને એ દીકરીઓની સાથે અમને ખુશીઓનો ખજાનો પણ ભેટમાં આપી દીધો. એ બંનેમાં મોટી અનેરી અને નાની અનોખી. બંને વચ્ચે બે વર્ષનો ફરક છે પણ ચહેરા અને કદ એકબીજાને એ રીતે મળતા આવે છે કે, એમને જોઈને કોઈ પણ એમ જ કહે કે, આ બંને બહેનો જુડવા છે. ચહેરાની બાબતે બંને એમના પપ્પા પર ગઈ છે અને સ્વભાવ પણ એમનો મોટાભાગે એમના પપ્પા જેવો જ છે. જન્મ સમયે એમનામાં જે નાજૂકાઈ અને નમણાઈ હતી એ જ નાજુકાઈ આજે એમની ટીનએજમાં પણ જળવાઈ રહી છે. આખરે દીકરીઓ હોય જ છે ફૂલ જેવી છે, જેમની નાજૂકાઈ અને એમના પ્રેમની સુગંધ આજીવન માતા-પિતાના જીવનને મઘમઘતું રાખે છે.

અનેરી અને અનોખીના આવ્યા બાદ અમારું જીવન પૂર્ણપણે બદલાઈ ગયું છે. લગ્ન બાદ અમે જે આયોજનો કરેલા કે ભવિષ્ય વિશે જે સપનાં વિચારેલા એ સમૂળગા બદલાઈ ગયેલા. પછી અમારું આખું જીવન દીકરીઓની આસપાસ મંડરાવા માંડેલું અને અમારા દરેક કામ, વિચારોમાં પ્રાથમિકતા અમારી દીકરીઓની રહેતી. જોકે દરેક માતા-પિતા માટે એનું સંતાન જ પ્રાથમિક ધોરણે હોય છે એટલે અહીં એવું કહેવાનો જરાય દાવો નથી કે, આવું કરીને અમે કંઈક નવું કર્યું.

જોકે અહીં અમારી દીકરીએ અમને આપેલી ખુશીઓની સૌગાતો વિશેની વાત તો કરી જ શકાય. અનેરી અને અનોખીને જાણે ભગવાને સતત આનંદમાં રહેવાનું અને બોલબોલ કરવાનું વરદાન આપેલું છે. સવારે દીકરીઓ ઊઠે ત્યારથી અમારા ઘરે જાણે કોયલોના ટહુકાર શરૂ થાય અને પછી આખો દિવસ ઘરે જાતજાતના આનંદની છોળો ઊડે.

નાની-મોટી વાતોએ એમને અમારા પર પ્રેમ ઊભરાય એટલે અમસ્તા જ તેઓ અમને 'હગ' કરશે અને આખા દિવસમાં સો વખત નાની-મોટી વાતે અમને બંનેને પજવશે. આમ તો તેઓ મોટેભાગે એમના પપ્પાના પક્ષે જ રહે છે અને દર વખતે મારી ખૂબ પજવણી કરે છે. પણ કોઈક વાર મને પજવીને ત્રાસે ત્યારે તેઓ મારા પક્ષે થઈ જાય ને એમના પપ્પાનો ખૂબ દાવ લે. કેટલીક વખત એવું પણ બંને કે, ઘરની કોઇક બાબતે અમારી વચ્ચે ચડભડ થઈ જાય તો એક દીકરી મારા પક્ષે રહે તો બીજી એમના પપ્પાના પક્ષે હોય. જોકે આવી બધી બાબતો અમે ખૂબ એન્જોય કરીએ અને પછી બધા એક થઈને નાનકડી પાર્ટી પણ કરી નાંખીએ.

બહાર જમવાની બાબતે બંને જણીઓ એટલી શોખીન કે, અઠવાડિયામાં બેએક વાર તો તેઓ બહાર જવાની વાત લાવે જ અને અમે ના પાડીએ તો અમને એ રીતે ફોર્સ કરે કે, એ દિવસે તેઓ છેલ્લી વખત બહાર જમવાના હોય અને ત્યાર પછી ક્યારેય બહાર જવાના જ ન હોય. એમના કપડાની બાબતે પણ એમની જાતજાતની ધમાલ હોય. આગળ કહ્યું એમ, બંનેની કદકાઠી એક જ એટલે એમને બંનેને એકબીજાના ડ્રેસ આવી જાય, જેમાં કોઇક વાર એકાદ દીકરી એની બહેનનો ડ્રેસ પહેરી લે અને બીજીએ પણ એ દિવસે એ જ ડ્રેસ પહેરવો હોય તો એમની વચ્ચે ભારે રમખાણ થઈ જાય, જેમાં મોટેભાગે હું નહીં પડું. એમના પપ્પા જ એ વાતમાં મધ્યસ્થી કરે એમને શાંત પાડે.

બંને બહેનો વચ્ચે સંપ પણ એટલો કે, સ્કૂલની ફ્રેન્ડ્સ સિવાય બહાર એમનું કોઈ મિત્ર નહીં. ઘરે કે આસપાસના એરિયામાં એ બંને જ એકબીજાની બહેનપણીઓ અને એ બંને જણીઓ એકબીજાની કંપનીમાં ટાઇમ સ્પેન્ડ કરે. જોકે હવે દીકરીઓ મોટી થવા માંડી છે એટલે એમના ભણતરની બાબતથી લઈને એમના શારીરિક બદલાવો કે અંગત જીવનના પ્રશ્નો પણ ઊભા થશે. અમે એ બધી બાબતો માટે તૈયાર છીએ અને કેટલીક બાબતોની અમે દીકરીઓ સાથે ચર્ચા પણ શરૂ કરી દીધી છે, જેથી અમુક પ્રશ્નો કે સમસ્યાનો એમણે સામનો કરવો પડે તો તેઓ ગૂંચવાઈ નહીં અને એમના પ્રશ્નોનો તેઓ હિંમતભેર સામનો કરે.

દીકરીઓએ અમને જીવનમાં ખૂબ આપ્યું છે. અઢળ પ્રેમ અને ખોબલે ખોબલે એમણે અમને લાગણીઓની ભેટ આપી છે અને જે યાદો આપી છે એની તો વાત જ શું કરવી? હું ખરેખર એવું માનું છું કે, જેમના ઘરે દીકરી નહીં હોય એ ખરેખર કમનસીબ હશે. કારણ કે, દીકરો પણ આપણને પ્રેમ તો આપતો જ હોય છે, પરંતુ દીકરાઓ સ્વભાવગત થોડા રિઝવ્ડ હોય છે અને અંતરમાં પ્રેમ હોવા છતાં પ્રેમની અભિવ્યક્તિની બાબતે તેઓ થોડા પાછા પડે છે. પરંતુ દીકરી આ બાબતે ખરેખર વહાલનો દરિયો સાબિત થાય છે, જેનો અમે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે.

(જાગૃતિ પંડ્યા)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.