ઑલ ધ બેસ્ટ દીકરા…
વહાલા આદિત, આજે તું આ પત્ર વાંચી રહ્યો હશે ત્યારે તારી બોર્ડની પરીક્ષાને પાંચ દિવસ પણ બચ્યાં નહીં હોય. મને ખબર છે કે, પરીક્ષાને કારણે તું અત્યંત ટેન્શનમાં હશે અને ચિંતા ને ચિંતામાં તે તારી બધી આંગળીઓના નખ સુદ્ધાં ચાવી કાઢ્યાં હશે. આવનારા દિવસો કેવા જશે અને એ દિવસોમાં તે કરેલા કર્મોનું ફળ કેવું હશે અને મમ્મી પપ્પા પર આની શું અસર પડશે એના વિચારોમાં તું અડધો થઈ ગયો હશે. પરંતુ તારે આ બધી ચિંતાઓમાં ગળાડૂબ રહેવાની જરૂર નથી. તું માત્ર તારા રિવિઝન્સ પર ધ્યાન આપ અને તારા મગજથી જેટલું સમજી શકાય એટલું સમજીને કે યાદ રાખીને સુખરૂપ પરીક્ષા આપ. અને બીજી બધી ચિંતા અમારા પર છોડી દે.
તારી મમ્માને ખબર છે કે, તને ભણવાનું ઝાઝુ ગમતું નથી. આજ સુધીની મોટા ભાગની પરીક્ષાઓમાં તું જેમતેમ પાસ થયો છે અને કેટલીક વખત તો તને ગ્રેસ પણ મળ્યાં છે. એ બાબતને લઈને અમે તને અનેક વખત ઠપકો આપ્યો છે અને નાનો હતો ત્યારે તને માર પણ પડ્યો છે. પરંતુ દીકરા એનો અર્થ એ નથી કે, અમે તને ચાહતા નથી. અને તારા ટકા ઓછા આવે છે એનો અર્થ એ પણ નથી કે, અમે તને ઠોઠ કે ડબ્બો સમજીએ છીએ.
અમને સુપેરે જાણ છે કે, તું ખૂબ હોશિયાર, સમજુ, પરગજુ અને અમારો ડાહ્યો દીકરો છે. સોસાયટીની કૂતરીએ બચ્ચા આપ્યા હોય કે, મંદિરની બહાર બેસતા ભિક્ષુકનું વાટકું કોઈ દિવસ ખાલી હોય તો તે જ દોડી દોડીને એમના ખોરાકની વ્યવસ્થા કરી છે. આપણી આજુબાજુમાં કોઈક માંદુ પડે કે ઘરમાં નાના-મોટા અકસ્માત થાય તો તું જ બધા કરતા પહેલો દોડે છે અને એમને દાક્તરી સેવા અપાવે છે. અને સ્પોર્ટ્સમાં તો તું કેવો હોશિયાર? જે રવિવારે અમે તને ભણવા બેસવાની ફરજ પાડીએ એ રવિવારે તારા મિત્રો આપણે ત્યાં આવીને રીતસરનું આંદોલન કરે અને કહે, ‘આજે અમારી મહત્ત્વની મેચ છે અને જો આજે આદિત નહીં આવે તો અમે મેચ જીતીશું કેમ?’
ક્રિકેટની જેમ જ તને ફૂટબોલ અને વૉલીબોલમાં પણ સારી એવી મહારત છે, જેને પગલે જ સ્કૂલની ટીમમાં તને સ્થાન મળ્યું છે. એ વાત સાચી કે, આજકાલ ભણતર મહત્ત્વનું છે, પણ દીકરા સાથે એ વાત પણ એટલી જ સાચી કે ભણતર મહત્ત્વનું હોવા છતાં, પણ ભણતર સર્વસ્વ તો નથી જ. આપણે ત્યાં સચીન તેન્દુલકરથી લઈને વડાપ્રધાન મોદી કે ધીરુભાઈ અંબાણીથી લઈને લતા મંગેશકર સુધીના લોકો એવા છે, જેમની પાસે કોઈ ડિગ્રીઓ નથી છતાં તેઓ એમના ક્ષેત્રમાં અત્યંત સફળ છે.
જોકે આવું લખીને હું તને એમ નથી કહેવા માગતી કે, આ બધાની જેમ તું પણ નહીં ભણે તો વાંધો નહીં આવે! કારણ કે, આ લોકોને એમના સંજોગોએ ભણવા નથી દીધા, પણ તારા સંજોગો તો ઘણા સારા કહી શકાય એવા છે. આ તમામના જીવનમાંથી એક જ પ્રેરણા લેવાની કે, જીવનમાં આપણે જે ક્ષેત્રમાં કામ કરવાનું આવે એમાં શ્રેષ્ઠતાની સાધના કરવાની અને આપણું દરેક પગલું માનવ સમુદાયને ખપમાં આવે છે કે નહીં એનું ધ્યાન રાખીને ભરવું. જેથી એક મોટા વર્ગને આપણો લાભ મળે.
તારી પરીક્ષાના થોડા દિવસો પહેલા આ બધી રામાયણ એટલે માંડી છે કે, છેલ્લા કેટલાક દિવસોથી હું તારી બિહેવિયર ઑબ્ઝર્વ કરી રહી છું. કેટલાક દિવસોથી તું અચાનક શાંત થઈ ગયો છે અને તારો ખોરાક પણ યોગ્ય માત્રામાં નથી લઈ રહ્યો. મને એવું લાગી રહ્યું છે કે, પરીક્ષા નજીક આવી રહી છે એટલે તને એનું ટેન્શન થઈ રહ્યું છે અને પરીક્ષા કરતા વધારે તને અમારું ટેન્શન થઈ રહ્યું છે, કે રિઝલ્ટમાં ધબડકો વળ્યો તો અમે શું વિચારીશું?
ઉપર લખ્યું એમ ભણવાનું નહીં ગમવાને કારણે કે ભણતરની બાબતે તારી ગ્રહણ શક્તિ ઓછી હોવાને કારણે આખુ વર્ષ તે યોગ્ય મહેનત કરી નથી. અથવા ઘણી વાર તે અનેક પ્રયત્નો કર્યા હોવા છતાં તને આ બાબતે સફળતા મળી નથી. એટલે સ્વાભાવિક જ છે કે, ઓછી મહેનતને કારણે પરીક્ષા પહેલા તને ટેન્શન થાય.
પણ આવા ટાણે મમ્મી તરીકે હું તને સલાહ આપું છું કે, જો તે આખું વર્ષ કોઈ ટેન્શન નથી લીધુ તો હવે પરીક્ષા સમયે પણ ખોટું ટેન્શન નહીં લે. જે થવાનું છે તે થવાનું જ છે અને તારા કપાળ જે લખાયેલું એ તારા ભાગનું કોઈ લઈ જઈ શકવાનું નથી. આ પ્રકારની ખોટી ચિંતાઓ તારી તબિયત પર માઠી અસર કરશે અને આ બાબતને કારણે તારા મનમાં વિચિત્ર પ્રકારના વિચારો આવશે.
આજકાલ અખબારોમાં ત્રીજે દિવસે વિદ્યાર્થીઓની આત્મહત્યાના સમાચારો આવે છે. પરીક્ષાના ડરમાં વિદ્યાર્થીઓ નાદાનિયતમાં આવા પગલા ભરી બેસે છે ને પછી એમના માતા-પિતાએ દર્દ ભોગવવાનો વારો આવે છે. એટલે જ તને કહું છું કે, તું પણ એ બધા વિચારોમાંથી મુક્ત થા અને પરીક્ષાનું ટેન્શન કરવાનું મૂકી છે.
ધારો કે, તું નાપાસ પણ થશે તો વધુમાં વધુ થશે શું? તારું વર્ષ જ બગડશે ને? ધારો કે તારું વર્ષ બગડશે તો તને ફરી ભણીને પરીક્ષા આપવાની તક તો મળશે જ પણ સાથે તને ગમતા સ્પોર્ટ્સમાં સારી એવી પ્રેક્ટીશ કરવાની પણ તને તક મળશે, જેનાથી તું તારી સ્કીલ્સ સુધારી શકીશ.
જોકે મને ખાતરી છે કે, એટલિસ્ટ પાસ થઈ શકાશે એટલી મહેનત તો તે કરી જ હશે. અને તું પાસ પણ થઈ જ જશે. પાસ થાય એટલે તું તને ગમતા કોર્સમાં એડમિશન લઈ લેજે અને પછી તારા ગમતા કામમાં ફોકસ કરજે. યાદ રાખજે કે, જીવનમાં પૈસો કમાવવું મહત્ત્વનું નથી. અને સાથે એ વાત પણ એટલી જ સાચી કે, માણસ પાસે મોટી મોટી ડિગ્રીઓ નહીં હોય તો એ પૈસા નહીં કમાઈ શકે એ વાત પણ ખોટી છે.
જીવનમાં મહત્ત્વની હોય છે કુશળના અને શ્રેષ્ઠતા. એટલે જ હું તને કહુ છું કે, તું ઝડપથી આ કંટાળા જનક પરીક્ષાઓ પાસ કર અને તારા ગમતા ક્ષેત્રમાં કે તારા ગમતા સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠતાની સાધના કરીને કુશળતા મેળવ. તારા કામની બાયપ્રોડક્ટના રૂપમાં તને પૈસા તો મળશે જ, પરંતુ એની સાથે તને આત્મસંતોષ અને સમાજમાં નામના પણ મળશે.
એટલે આ તું આ પરીક્ષાની ચિંતાઓ પણ છોડી અને અમે શું વિચારીએ છીએ એ વિશે પણ ટેન્શન નહીં લે. તું માત્ર તારા અભ્યાસ પર ધ્યાન આપ અને સારી રીતે આ પરીક્ષા પાર પાડ. પછી તારા માટે તારું વિશ્વ બાથ ખોલીને તને આવકારવા માટે તૈયાર છે. અને પછી જ તને એ પણ સમજાશે કે, સ્કૂલની પરીક્ષાઓ તો માત્ર રમત વાત હતી, ખરી પરીક્ષા તો આ જીવન જ છે! તો તને તારી સ્કૂલની પરીક્ષા માટે પણ શુભેચ્છાઓ અને તારા જીવનની પરીક્ષાઓ માટે પણ શુભેચ્છાઓ. ઑલ ધ બેસ્ટ દીકરા…
લિ.
તારી મમ્મા
(શારદા જોષી, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર