તમે છો એટલે જ હું છું

24 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

આ વાત અહીં આલેખવી કે નહીં એ વિશે હું ઘણા દિવસોથી અવઢવમાં હતી. કારણ કે મને એ વાતનો ડર હતો કે, મારા શ્રવણોની વાત કરતા અહીં એવી કેટલીક વાતોનો ઉલ્લેખ નહીં થઈ જાય, જે વાતો મારા ભૂતકાળને ખોતરીને વળી પાછો બેઠો કરે અને એના કારણે મારો વર્તનમાન ફરી બગડે. પણ એ વાતો કર્યા વિના કોઈ છૂટકો નથી અને મારે મારા શ્રવણોની વાત અહીં આલેખવી જ હતી એટલે થોડું રિક્સ લઈને પણ આ વાત અહીં લખી રહી છું.

મારું લગ્ન જીવન શરૂઆતથી જ સુખી નહોતું. આમ તો મેં પ્રેમ લગ્ન કરેલા પરંતુ એકબીજાને આટલા બધા જાણ્યાં સમજ્યાં અને એકબીજાને ચિક્કાર પ્રેમ કર્યા પછી પણ અમારી વચ્ચે કેટલીક વિષમતાઓ હતી, જેના કારણે અમે એકબીજાની સાથે રહેવાનું તો ઠીક એકબીજાનું મોઢું જોવા પણ રાજી નથી. એકબીજાને પ્રેમ કરવો અને લગ્ન કરીને કોઈક સંબંધને નિભાવવો એમાં ફરક હોય છે એની જાણ અમને લગ્ન બાદ થોડા દિવસોમાં જ થઈ ગયેલી. પરંતુ શરૂઆતમાં અમે એમ માનતા રહ્યા કે, સાથે રહેવાને કારણે થોડી મુશ્કેલીઓ પડી રહી હશે. એટલે અમે અમારા શરુઆતના ગજાગ્રહને ટાળતા રહ્યા અને એના કારણે જ અમારી વચ્ચેની તીરાડ ધીમે ધીમે વધતી ગઈ. એમાં ને એમાં અમે ત્રણેક વર્ષ પસાર કરી દીધા, જે સમયગાળામાં અમે બે સંતાનોના માતા-પિતા થઈ ગયા.

સંતાનો થયાં પછી પણ અમને એવી એક આશા હતી કે, અમે એકબીજા સાથે ગોઠવાઈ જઈશું. પરંતુ એવું શક્ય ન બન્યું. મને મારી કેટલીક સ્વતંત્રતા જોઈતી હતી તો એની જીવન જીવવાની ઢબ પણ થોડી જુદી હતી. અધૂરામાં પૂરું એને રોજ સાંજે શરાબ પીવાની આદત અને શરાબ પીધા પછી એને દર વખતે અમારી વચ્ચેના મતભેદોની યાદ આવે અને પછી એ મને ગમે એમ ગાળો દે. ક્યારેક તો એમ પણ બને કે ઘરમાં એક દોઢ વર્ષનું અને બીજું છ મહિનાનું સંતાન હાજર હોય ત્યારે એ જોરજોરથી મને ભાંડે, જેનાથી ગભરાઈને બાળકો પણ હીબકે ચઢે. એ ગાળામાં મેં અનુભવ્યું કે, મારા સંતાનો પર એ કંકાસની અવળી અસર થઈ રહી છે અને તેઓ ગભરું થઈ રહ્યા છે. મારે એ કંકાસને કારણે એ કુમળા બાળકોના ભવિષ્યનો ભોગ નહોતો લેવો અને હવે હું પોતે પણ કંટાળી ગઈ હતી એ રોજ રોજના કંકાસથી. કારણ કે, મારે જીવવું હતું અને મને કુદરતે આપેલું જીવન ભરપૂર માણવું હતું. એટલે એક દિવસ મેં બાળકો સાથે ઘર છોડવાનો નિર્ણય કર્યો.

બાળકોના પિતાને મેં સીધા શબ્દોમાં સમજાવી દીધું કે, 'મારે હવે અહીં વધુ રહેવું નથી અને તમે મને રોકવાનો જરા સરખોય પ્રયત્ન નહીં કરતા નહીંતર હું કાયદાકીય લડત લડીશ, જેમાં તમે વધુ મુશ્કેલીમાં મૂકાશો! એના કરતા એ જ યોગ્ય રહેશે કે, આપણે શાંતિથી છૂટા પડીએ.' સ્વાભાવિક રીતે જ મને જવા દેવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. કારણ કે, જો કાયદાકીય બાબતમાં પડતે તો બાળકો તો એમની પાસે ન જ રહેતે પણ એમણે અમને ભરણપોષણની રકમ આપવી પડી હોત એ વધારાની!

ત્યાંથી નીકળીને મારે ક્યાં જવું એ વિશે હું પોતે પણ અજાણ હતી. કારણ કે વિધર્મી સાથે પ્રેમ લગ્ન કરવાને કારણે મારા ઘરના લોકોએ ત્રણ વર્ષ પહેલા જ મારા નામનું નાહી નાંખ્યું હતું. જોકે કાંખમાં બે નાના બાળકો લઈને હું ત્યાં પહોંચી હોત તો એમણે મને કાઢી તો નહીં જ મૂકી હોત. પણ ઓશિયાળું જીવન જીવવામાં મને કોઈ રસ નહોતો એટલે મેં એકલા જ રહેવાનો નિર્ણય લીધો. મેં પોતે ખરીદેલું સોનું અને થોડી ઘણી બચત સિવાય મારી પાસે કશું જ ન હતું. અમદાવાદથી થોડે દૂર એક થોડા વિકસિત ગામડામાં એક નાનકડો ફ્લેટ ભાડે લીધો અને સાવ ઓછી ભૌતિક વસ્તુઓ સાથે મારો નવો સંસાર શરૂ કર્યો.

બાળકો નાના હતા એટલે એમને ભણાવવાના ખર્ચની ચિંતા ત્યારે ન હતી પરંતુ ત્યારે સૌથી મોટો પ્રશ્ન હતો બાળકોને સાચવવાનો. કારણ કે ઘર ચલાવવા માટે મારે નોકરી કરવી અત્યંત જરૂરી હતી અને નોકરીના સ્થળે હું બંને બાળકોને લઈ જઈ શકું એ શક્ય ન હતું. જોકે હું જેમના ઘરે ભાડેથી રહેતી એ માસીના દિલમાં રામ વસતા હતા એટલે દિવસ દરમિયાન બાળકોને સંભાળવાની જવાબદારી એમણે લીધી અને મેં ઘર નજીકની એક સ્કૂલમાં શિક્ષકની નોકરી લીધી. પ્રાઈવેટ સ્કૂલ હતી એટલે પગાર માત્ર નામનો મળતો હતો પરંતુ કામને કારણે મારું મન બીજી બાબતોમાં પરોવાયું અને હું બહુ જલદી મારી પીડાઓમાંથી બહાર આવી ગઈ. બંને છેડા મળી રહે એ માટે સ્કૂલેથી આવીને મેં આજુબાજુના ફ્લેટ્સના બાળકોને ટ્યુશન કરાવવાના પણ શરૂ કર્યાં.

આ બધું કરતી વખતે હું સાવ એકલી હતી. ન તો કોઈ સ્વજન સાથે હતું કે, ન કોઈ મિત્રનો સાથ. જુદા જુદા બિલ ભરવા જવાની મગજમારીથી લઈને ગેસ સાથે સિલિન્ડર જોડવા સુધી કે, અડધી રાત્રે બાળક માંદગીમાં રડે તો એકલપંડે એની ચાકરી કરવાની આવે તો ક્યારેક વાઈરલને લીધે હું જ બે-ત્રણ દિવસ તાવમાં પટકાઉ! આવા સમયે એમ થાય કે, એક સમજણું માણસ આપણી સાથે હોય તો કેટલી રાહત રહે. આ કારણે ક્યારેક હું સાવ ભાંગી પડતી અને ક્યારેક માથું પકડીને રડવાનું મન થઈ આવતું. પરંતુ આંખ આગળ ઉછરી રહેલા અને મને અત્યંત ચાહતા બાળકોને જોઈને મને આશ્વાસન મળતું અને મારામાં કોઈક અજબ શક્તિનો સંચાર થતો.

જ્યારે ઘર છોડીને નીકળેલી ત્યારે એક વખત તો એમ થયેલું કે, આ બે બાળકોને ક્યારે ઉછેરીશ અને ક્યારે પૂરા થશે મારા આ કપરા દિવસો? કારણ કે નકરી નિરાશા અને ઘોર એકલતા સિવાય ત્યારે મારી પાસે બીજું કશું હતું પણ નહીં. રોજ સાંજે થાકીને ઘરે આવતી અને બાળકો મને દોડીને વળગી પડતા ત્યારે એમ થતું કે આખરે આ ક્ષણો અને આ પ્રેમ માટે જ તો મારે જીવવાનું છે. મારા આખા જીવન અને ભવિષ્યના તમામ આયોજનોના કેન્દ્રમાં મારા બાળકો જ રહેતા. એમને ક્યારેય ઓછું નહીં આવે અને તેઓ બધી વાતે સુખી થાય એ માટે હું દિવસ દરમિયાન કમ્મરતોડ મહેનત કરતી. બાળકો પણ એમની માતાની હાડમારી જોતાં મોટા થયેલા એટલે તેઓ ભણતરથી લઈને બાકી બધી બાબતોમાં અગ્રેસર રહેતા. એમની ન કોઈ વાતે કશી ફરિયાદ કે ન કશી કોઈ માગણી. માએ જે અપાવ્યું એ પહેર્યું અને એમાં જ ચલાવ્યું.

મારા બાળકો સમજણા થયાં ત્યારથી તેઓ નાના નાના કામોમાં મને મદદરૂપ થયાં છે. ઘરનું પાણી ભરવાથી લઈને લોટ દળાવવો કે દુકાનેથી જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવવા જેવા કામો એમણે સંભાળી લેવાને કારણે મને ઘણી રાહત થવા માંડી. કેટલીક આર્થિક મુસીબતોને બાદ કરતા પાછળથી અમારું જીવન ઘણું સુંદર બની ગયું. કારણ કે અમે ત્રણ માત્ર અમારા માટે જ જીવતા અને અમારી પાસે જે હતું, જેટલું હતું એમાં અમે અત્યંત રાજી હતા! આજે તો પરિસ્થિતિ એવી છે કે મારો મોટો દીકરો એનું માસ્ટર્સ ભણી રહ્યો છે તો નાનો દીકરો એનું ગ્રેજ્યુએશન પૂરું કરવાની તૈયારીમાં છે. નજીકના સમયમાં અમારી કમાણી વધશે અને અમે જે થોડી ઘણી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છીએ એ પણ દૂર થશે. એમના પિતા ક્યાં છે અને શું કરે છે એની અમને ત્રણેયને જાણ નથી. અમે એમની તપાસ કરવાનો પણ પ્રયત્ન નથી કર્યો. કારણ કે અમારા ત્રણેયમાં એક ખુમારી કોમન છે કે, અમે જીવનમાં ક્યારેય પાછળ વળીને નથી જોતાં. જે પાછળ ગયું એ પાછળ જ રહી ગયું. એના તરફ વળી વળીને જોવાનો કોઈ અર્થ નથી કારણ કે, વળીને પાછું જોવા ગયા તો આગળ નહીં જોઈ શકાય અને આગળ નહીં જોઈ શકાય તો આપણે આપણી મંજિલ સુધી કઈ રીતે પહોંચી શકીએ?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.