સોગંદનામા વિનાનો સુંદર કરાર

17 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

દીકરી..., બેની..., સખી..., સહેલી..., પ્રિયતમા..., પત્ની…, ગૃહિણી..., પુત્રવધુ.... ક્રમબદ્ધ રીતે ચાલતા સ્ત્રી જીવનના વિવિધ રૂપોમાં અટવાયેલી હું આટલા બધા વિશેષણોથી લદાયેલી હોવા છતાં સ્ત્રી તરીકે મૂળથી જાણે અધૂરી હતી. કશુંક સતત ખૂંટતું હતું. પણ શું ખૂંટતું હતું એની સમજણ નહોતી પડી. કારણ કે પહેલા એટલી પરિપક્વતા જ નહોતી કદાચ! પણ દીકરી વિરતી અને દીકરા મોક્ષનું મારા જીવનમાં આગમન થયું ત્યારે નારી તરીકે હું સંપૂર્ણ થઈ હોઉં એવો મને પરિપૂર્ણતાનો છલોછલ અહેસાસ થયો. એમના જન્મ બાદ જ એ સમજાયું કે, જે ખૂંટતું હતું એ આ જ હતું!

વિરતી... મારી નાની ઢીંગલી. પરીલોકમાંથી ઉતરેલી નાની પરી, જાણે એની માતાને મળવા માટે જ ખાસ આ ધરતી પર અવતરી હોય એવી! એનો જન્મ થયો ત્યારે વાસંતી વાયરો વાયો ને પરમાત્મા તરફથી મને મારી જ એક પ્રતિકૃતિ સાંપડી. મને સાહિત્યમાં ઘણો રસ છે અને ક્યારેક હું કવિતાઓ પણ લખું છું. પણ વિરતી તો જીવતી જાગતી કવિતા, જેના આવવાથી જિંદગી જીવવાની દિશા જ સમૂળગી બદલાઈ ગઈ.

‘કૃપાલી, બીજી કૃપાલી આવી છે...!’ વિરતીના જન્મ સમયે ડૉ. હેમા શાહના મુખેથી બોલાયેલા એ શબ્દો આજે પણ યાદ આવે તો નર્યા આનંદથી મારા રોમટા ખડા થઈ જાય છે. ફક્ત સ્મરણ માત્રથી મુખ પર સ્મિત ફરી વળે છે! એનો રૂપાળો, ગોળમટોળ ચહેરો ને એ ચહેરા પર નાની-નાની ગોળગોળ ફરતી મધમીઠી આંખો. અમારા મા-દીકરીના પહેલા મિલન વખતે ચકળવકળ થતી આંખો જાણે કેટલાય પ્રશ્નો પૂછતી મને. પણ મારી એ નાનકીને ત્યારે એ ખબર નહોતી કે, આ દુનિયાને જોઈને એને ભલે અનેક પ્રશ્નો થયાં હોય, પણ એની મૂંગી જબાન અને મધુરું સ્મિત ક્ષણવારમાં મારા જીવનના કેટલાય પ્રશ્નોના ઉત્તર બની ગયેલા.

આજે તો એ 5 વર્ષની થઈ છે. એ બોલવામાં એકદમ ચબરાક! પરંતુ હૈયેથી સાવ નિઃસ્વાર્થ! થોડા વર્ષો તો વિરતી અમારા એકમાત્ર સંતાન તરીકે જ ઉછરી અને ઘરના બધા લોકોનો પ્રેમ પામી. પણ એના નસીબમાં પણ એક નાનકા ભાઈનો પ્રેમ લખાયેલો હશે એટલે એને નાના ભાઈનો સાથ પણ સાંપડ્યો.

વિરતી એટલે નિયમ. અને નિયમથી જીવાતી જિંદગીમાં મોક્ષ આવ્યા વગર રહે જ નહીં.

જો કોઈએ મોક્ષ મેળવવો હોય તો જીવનમાં વિરતી તો લેવી જ પડે!

અંધારાને ચીરતી એ તો મારી વિરતી,

ઉજાળ્યો કૃપાનો જીવનકક્ષ, જ્યારથી આંગણે રમતો થયો છે મોક્ષ...

આમ વિરતીની સરખામણીએ મોક્ષ ધીરગંભીર સાગર જેવો. પરંતુ મોક્ષની બાબતે ‘‌સૂતેલા સિંહ સારા‘ એવું કહી શકાય. કારણ કે, શાંત હોય ત્યાં સુધી એ ઘણો સારો પરંતુ જો તોફાને ચડે તો પળવારમાં ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત કરી નાંખે! અને ધમાલ કર્યા પછી પણ ભાઈ જાણે કંઈ થયું જ ન હોય એમ કોઈ પણ ડર વિના અલમસ્ત બનીને ઘર આખામાં મહાલે મસ્ત મસ્ત.

બેનને જોઈને ‘મમ્મી હું આવી’, ‘હું પડી ગઈ’, ‘હું હસી… રડી’ એમ બધું જ સ્ત્રીલિંગમાં બોલે. વિરતી જાણે એની રોલમોડેલ અને બધું જ વિરતીને જોઈને શીખે ને બોલે! આમ તો અમે મુંબઈમાં રહીએ પણ મોક્ષની ભાષા અમને રોજ સુરત-વલસાડની યાદ અપાવે એવી નો-ની-નું-ના ના ઉચ્ચારણોવાળી અને સાંભળીને એને ભેટી પડવાનું મન થાય એવી એની મધુર બોલી.

ઘરના અને વ્યવહારના બધા કામોથી ક્યારેક કંટાળી જાઉં અને બીજી તરફ એ બંને પણ ધમાલે ચડ્યાં હોય તો એમના પર ગુસ્સો પણ થઈ જવાય મારાથી. પરંતુ જ્યારે કાન પકડીને એ બંને 'Sorry' બોલે ત્યારે મારી અકળામણ પળવારમાં વરાળ થઈને ઉડી જાય અને એમના પર ગુસ્સો કરવાને બદલે હરખ નીતરતા સ્મિત સાથે એમની સાથે બાળક થઈને એમના બચપણમાં મહાલવાનું મન થઈ આવે.

બાળકો જીવનમાં આવે પછી સાતમાં આસમાનમાં વિહરતા હોઈએ એવું લાગે. એમાંય એમની સાથે એમના જેવા બનીને જ્યારે Kitchen set અને Cricket રમું ત્યારે મંદ પડેલી બધી જ લાગણીઓને જાણે માતૃત્વનું સુકાન સાંપડે. અને પછી રોમેરોમમાં દીવા પ્રકટે!

ક્યારેક મારી અને મારા પતિ વચ્ચે ખટપટ થાય તો વિરતી કહે ‘પપ્પા મમ્મીને એક Kiss કરશો તો જ એ માનશે.’ તો પપ્પાનો વકીલ બનતો મોક્ષ કહે, ‘મમ્મી Sorry બોલ Sorry’ કોઈ મુદ્દે અમે ગંભીર દલીલ પર ઉતરી ગયા હોઈએ તો પણ એ બંનેની વાતો સાંભળીને અમારા બંનેની ખટપટ, પટપટ ભાગી જાય ઊભી પૂંછડીયે! અને અમે ફરી એક થઈ જઈએ. પતિ-પત્નીના સંબંધમાં સંતાનો અદૃશ્ય સાંકળ બની રહે છે, જેઓ પતિ-પત્નીના સંબંધને હંમેશાં મહેકતા રાખે છે.

વળી, વિરતી મોક્ષની નોકઝોકની વાતો જો અહીં લખવા બેસું તો કદાચ લખીએ એટલું ઓછું પડે. પણ, આ બંને સંતાનો આમારી સપ્તપદીની સુમધુર સોગાત છે. એમના જીવનમાં તેઓ બસ સરળતા તથા સત્યતાના ગુણો કેળવી સાપેક્ષતાને પણ ટકાવી રાખે એટલા જ એ બંનેને આશીર્વાદ. Classes Classes ને સંતાકૂકડી રમાય છે એવા આ યુગમાં એ બંને Doctor કે Engineer ન બને તો કંઈ વાંધો નહીં. પરંતુ તેઓ સારા અને સાચા માણસ બને એ જ ઈશ્વરને પ્રાર્થના.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.