પિતા બનતા પહેલા, પિતા બન્યા પછી
આપણે ત્યાં એક બહુ સામાન્ય ઉક્તિ છે કે, દરેક બાળકના જન્મ સાથે માતા-પિતાનો પણ જન્મ થતો હોય છે. મારા દીકરા સૌમ્યના જન્મ પહેલા આ વાતને મેં ગંભીરતાથી લીધી ન હતી. કે ન તો મને એ વાતના અર્થની ગહનતા સાથે કોઈ લેવાદેવા હતી. પરંતુ દીકરાના પિતા બન્યા પછી મેં રાતોરાત આ વાત અનુભવી છે. અને હવે મારા અનુભવ પછી હું તો ત્યાં સુધી કહીશ કે, સંતાનના જન્મ પછી માતા-પિતાનો જન્મ તો થાય જ છે પરંતુ એની સાથે માતા-પિતા બનેલી વ્યક્તિઓના સ્વભાવ અને આદતોમાં પણ આમૂલ પરિવર્તનો આવે છે. આ પરિવર્તનોનો અનુભવ જ્યારે પેલી વ્યક્તિ પોતે કરે છે ત્યારે એ પોતે પણ અવાચક બની જાય છે. મારા કિસ્સામાં પણ આવું જ કંઈક થયું છે. સંતાનના જન્મ બાદની એક બીજી મહત્ત્વની વાત મેં નોંધી છે કે, બેમાંથી ત્રણ થયાં બાદ પતિ-પત્ની પણ એકબીજાની અત્યંત નજીક આવે છે.
પણ અહીં મારે માત્ર મારા પુનર્જન્મની જ વાત કરવી છે. પિતા બન્યા પછી મારામાં આવેલા પરિવર્તનોની વાત કરવી છે. પિતા બન્યા પહેલા હું રાત્રે એક વાર ઉંઘ્યાં પછી સીધો સવારે જ ઉઠતો. કોઈ મથીને મરી જાય કે, મારી સામે આવી ઢોલ-નગારાં પણ વગાડે તો મારી રાતની ઉંઘમાં લેશમાત્ર ખલેલ ન પહોંચે. પણ પિતા બન્યા પછી હું લગભગ દર કલાકે ઝબકીને જાગી જાઉં છું કે, મારો દીકરો ક્યાંક જાગતો તો નથીને? એને કોઈ તકલીફ તો નથીને? કે ક્યાંક એ રડતો તો નથીને? હવે તો સૌમ્ય ઘણો મોટો થઈ ગયો છે છતાંય રાત્રે એકવાર તો હું ઉઠીને એને ચકાસી જ લઉં છું. પહેલા દેશના મોટાભાગના પુરુષોની જેમ મારી સવાર પણ અખબારની અટારીએથી જ શરૂ થતી. પરંતુ સૌમ્ય આવ્યાં બાદ મારો નિત્યક્રમ બદલાયો છે અને હવે સૌથી પહેલા હું સૌમ્ય સાથે રમવાનું પસંદ કરું છું. સવારે ઉઠ્યાં બાદ મને તરત સૌમ્યનો ચહેરો જોવા જોઈએ પછી જ બીજી બધી વાતો.
હું હંમેશાં મારા સ્વાસ્થ્ય પ્રત્યે બેજવાબદાર રહ્યો છું. ગમે એટલી શારીરિક પીડા થઈ હોવા છતાં હું ડૉક્ટરના ક્લિનિકનું પગથિયું ન ચઢતો એ ન જ ચઢતો. પરંતુ સૌમ્યને જરા સરખી છીંક આવે તો હું મારા ફેમિલી ડૉક્ટરનું માથું ખાઈ જાઉં અને દિવસમાં બે વખત પણ ડૉક્ટરને ત્યાં જવામાં મને આળસ નથી આવતું. પોતાની જાત પ્રત્યે બેજવાબદાર હું સૌમ્ય કે તેના સ્વાસ્થ્યને લઈને અત્યંત પઝેસિવ છું. પહેલા મને ઘરમાં ઘાંટા પાડીને બોલવાની આદત હતી. જોકે નાનીનાની વાતોએ ઉશ્કેરાઈને નહીં પરંતુ અમસ્તા જ મને ઘરમાં મોટેમોટેથી બોલવાની આદત હતી. પરંતુ હું હવે ઘણો ‘સૌમ્ય’ બન્યો છું. મને સતત એ વાતનો ભય રહે છે કે, હું ઉંચા અવાજે બોલીશ તો મારો દીકરો ક્યાંક જાગી ન જાય. મને બીજો એ ભય રહે કે, ક્યાંક મારા એ નાહકના ઘાંટાથી ગભરાઈ ન જાય. કે ક્યાંક મારા ઘાંટાની એના વ્યક્તિત્વ પર અવળી અસર ન થાય. આ બાબતે સૌમ્યએ મને ખરા અર્થમાં સૌમ્યતા બક્ષી છે.
પહેલા મારા માટે ઘરે પહોંચવું મહત્ત્વનું ન હતું. હું નોકરીએથી વહેલો છૂટું કે મારું કોઈ કામ નિયત સમય કરતા વહેલું પતે તો હું મારા મિત્રોને મળી-મૂકીને શાંતિથી, એટલે કે રાત્રે ઘરે પહોંચતો પરંતુ હવે હું આખા દિવસમાં મારું કામ ક્યારે વહેલું પૂરું થાય એની જ ગણતરીમાં રચ્યોપચ્યો રહું છું. મને રીતસરની કેફ આવે છે કે, હું ક્યારે ઘરે પહોંચું અને ક્યારે સૌમ્યને મળીને એની સાથે રમું. પહેલા ઘરે જલદી ન પહોંચતા મારા માટે હવે ઘરે વહેલા પહોંચવું પ્રાથમિકતા બની ગયું છે.
મારા જીવનમાં મને ક્યારેય વાહન ધીરે ચલાવતા આવડ્યું જ નહોતું. મેં હંમેશાં ધૂમ સ્ટાઈલમાં જ વાહન હંકાર્યા છે. પરંતુ સૌમ્યના આવ્યા પછી હું બાઈક ધૂમ સ્ટાઈલમાં તો શું પરંતુ ક્યારેક તો સાયકલવાળા પણ મને કાઢી જાય એટલી ધીમી ગતિએ વાહન ચલાવું! પહેલા પૂરપાટ બાઈક હંકારવી એ મારો શોખ હતો પરંતુ સૌમ્યના આવ્યાં બાદ વાહન ચલાવવું એ મારી જરૂરિયાત માત્ર છે.
આ ઉપરાંત પહેલા હું ભયંકર તુંડમિજાજી હતો. પરંતુ સૌમ્યના આવ્યા બાદ હું શાંત અને કંઈક અંશે સરળ પ્રકૃતિનો થયો છું. પહેલા હું જીવન પ્રત્યે અત્યંત બેફિકર હતો અને ક્યારેય કોઈ બાબતે આયોજન કરવું એ મારો સ્વભાવ ન હતો. પરંતુ સૌમ્યના જન્મ બાદ એના ભણતરથી લઈને એના ભવિષ્ય સુધીની ચિંતામાં હું ગળાડૂબ રહું છું. આ બધી બાબતોની પાછળ મારો તેના પ્રત્યેનો મોહ કારણભૂત હોઈ શકે છે. પરંતુ એ વાતની સાબિતી તો અહીં મળી જ જાય છે કે, સંતાનના જન્મ બાદ માતા-પિતાના સ્વભાવમાં આમૂલ પરિવર્તન આવે છે. સંતાનને તો માતા-પિતા ઘડે જ છે પરંતુ સંતાનના જન્મ બાદ માતા-પિતાનું પણ ઘડતર થતું હોય છે એ સંતાનના જન્મ પછી જ ખબર પડે છે. આપણા જીવનની આ જ ઉપ્લબ્ધિ હશે કદાચ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર