જીવનની શ્રેષ્ઠ ભેટ એટલે સંતાનો

18 Feb, 2016
12:00 AM

mamta ashok

PC:

ઈશ્વર તરફથી માણસ જાતને મળેલી શ્રેષ્ઠ ભેટ કઈ? મને જો કોઈ આવો સવાલ પૂછે તો હું એમ કહું કે, ઈશ્વર તરફથી માણસોને એમના જીવનકાળ દરમિયાન એક જ શ્રેષ્ઠ ભેટ મળે છે અને એ ભેટ છે એમના સંતાનો. કારણ કે, એ સંતાનો રૂપે માણસના ઘરમાં હસી-મજાક કે નિર્દોષ ધમાલ-મસ્તી તો આવતા જ હોય છે, પરંતુ આ બધાની સાથે ખૂદ ઈશ્વર પણ સંતાનના રૂપમાં માણસોની ઘરે આવતા હોય છે. અને એકમાત્ર આ કારણને કારણે જ કદાચ એમ કહી શકાય કે, ઈશ્વર દ્વારા માણસોને મળેલી શ્રેષ્ઠ ભેટ એમના સંતાનો છે.

આ સિદ્ધાંતે મને તો ઈશ્વરે અચલ અને આરોહીના રૂપમાં એક નહીં પરંતુ બે-બે ભેટ આપી છે, જે બદલ હું ઈશ્વરનો આભાર માનું એટલો ઓછો છે. જો આ ભેટ મારા જીવનમાં નવી આવી હોત તો કોણ જાણે હું ક્યાં ફંગોળાઈ ગઈ હોત! અચલ અને આરોહી બંને જુડવા ભાઈ-બહેન. બંને એકસાથે મારા જીવનમાં આવેલા અને જન્મેલા ત્યારથી મારા માટે અઢળક આશ્ચર્ય લઈ આવેલા અને એ આશ્ચર્યમાંથી જ રોજ જન્મે છે મારો નિતાંત આનંદ!

બંને ભાઈ-બહેનમાં આરોહી અચલ કરતા પૂરી ત્રણ મિનિટ મોટી! એટલે બંને ભાઈ-બહેન વચ્ચે કોઈ વાતે વિવાદ થાય તો આરોહી એના ત્રણ મિનિટ નાના ભાઈને ફટ દઈને સંભળાવી દે કે, ‘તું શાંતિથી બેસ, તને કંઈ સમજાતું નથી. હું તારા કરતા મોટી છું અને હું જે કહું પ્રમાણે જ તારે કરવું પડશે.’ તો કોઈક વાર અચલ પડી જાય અથવા એને ભૂખ લાગે કે સોસાયટીના કોઈક બાળક સાથે અચલભાઈ લડીને આવે તો મોટી બહેન જાણે નાના ભાઈની કાળજી કરતા હોય એમ અચલનું ઉપરાણું લે અને એને કહે, ‘અચુબચ્ચા હું છું ને? તું ચિંતા નહીં કરતો હોં? રડવાનું નહીં હોં?’

બંને ભાઈ બહેન જેટલા મસ્તીખોર એટલા જ ડાહ્યા પણ ખરા. હું વર્કિંગ વુમન છું અને એય પાછી માર્કેટિંગની ફિલ્ડમાં જૉબ કરું છું એટલે આખો દિવસ જાતજાતના મગજ સાથે મારે કામ કરવાનું હોય અને લમણા ઝીંકવાના હોય. એવામાં આખો દિવસ એ બંનેના એકબીજાની કોઈને કોઈ ફરિયાદ માટે મારા પર ફોન આવતા રહે અને આ બધી પળોજણમાં જ સાંજ સુધીમાં હું થાકીને લોથપોથ થઈ જાઉં. પણ સાંજે થાકીને ઘરે જાઉં ત્યારે બંને ભાઈબહેન મારી પાસે આવીને વળગી પડે અને ઘરે ફુલટાઈમ કામવાળા બહેન હોવા છતાં બેમાંનુ એક મને પાણી લાવી આપે તો એકાદ કહે, ‘ચ્હા મૂકાવી દઉં તારા માટે?’

એકવાર તો મને અમારા કામવાળા બહેને એમ કહ્યું હતું કે, ‘આ બંને બાળકો તમારા આવવા પહેલા એમ ચર્ચા કરે છે કે, મમ્મી આવે પછી આપણે કોઈ મસ્તી કરવી નહીં કે એકબીજાની કોઈ ફરિયાદ કરવી નહીં, જેથી મમ્મી ગુસ્સે થઈ જાય!’ નાદાન બાળકોની આવી સમજણ જોઈને મને પણ આશ્ચર્ય થઈ ગયેલું કે, આખરે કોણ આ લોકોને આવી સમજણ આપતું હશે? આપણા જીવનના સંજોગો એમનું આવું ડહાપણ શીખવતા હશે?

અચલ આને આરોહીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેઓ ક્યારેય કોઈ બાબત માટે ખોટી ડિમાન્ડ નથી કરતા. ઘરમાં હોય ત્યારે તેઓ ભલા અને તેમની રમત ભલી અને બહાર ગયા હોઈએ ત્યારે તેઓ એમની વાતોમાં અનહદ મશગૂલ હોય. સ્કૂલ કે ટ્યુશન જવાની બાબતે પણ એમની કોઈ ફરિયાદ નહીં હોય અને આખો દિવસ હું ઘરે નહીં હોઉં તો પણ નિયમિત પણે ટ્યુશન જઈ આવે કે એમના હોમવર્ક પતાવી નાંખે.

ઘણી વાર મને વિચાર આવે છે કે, હજુ તો તેઓ ઘણા નાના છે અને છતાંય તેઓ એમના હસી-મજાક કે નિર્દોષ ધમાલ-મસ્તીથી મારા જીવનને આટલું રંગીન બનાવી દે છે, તો જ્યારે તેઓ ખરેખર સમજણા થશે કે હાઈસ્કૂલ-કૉલેજમાં જતાં થઈ જશે પછી કેટલી મજા આવશે. પછી તો અમે ત્રણેય મિત્રોની જેમ જ જીવન જીવીશું. અમારી મિત્રતા એવી ગાઢ હશે કે, અમે સાથે ફિલ્મો જોવા કે પ્રવાસો કરવા તો જઈશું જ, પરંતુ કોઈક ગરમ મુદ્દા પર તડકભડક ચર્ચા પણ કરીશું.

જોકે એ બધી બાબતોને હજુ વાર છે. હજુ તો એમણે એમનું બાળપણ માણવાનું છે અને મારે એમના બાળપણની બધી યાદો સમેટી લેવાની છે. એમના બાળપણ દરમિયાન કે ભવિષ્યમાં એમની યુવાની દરમિયાન મારે એમના એક પણ સપનાં અધૂરાં નથી રાખવા. આ માટે હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ અને એમની તમામ જરૂરિયાતો પૂર્ણ કરીશ અને માતા-પિતા બંનેનો પ્રેમ એકસાથે આપીશ. એમને ક્યારેય એવું નહીં લાગવા દઉં કે, એમના માથે એમના પિતાનો હાથ નથી.

( પ્રજ્ઞા જોશી, અમદાવાદ)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.