નાજુક ક્ષણોની સાથીદાર

16 Jul, 2015
12:00 AM

mamta ashok

PC:

ક્યારેક વિચાર આવે છે કે, હોસ્પિટલની શાંત રાતો આટલી ભયાવહ કેમ હોય છે? નિરવતા તો ક્યારેય ડરામણી નથી હોતી. પણ હોસ્પિટલ તરીકે ઓળખાતા આ સ્થળે લહેરથી ફરતો સીધોસાદો માણસ લાચાર થઈને બેડ નંબર કે પેશન્ટ નંબર બની જતો હોય છે. એટલે જ કદાચ રાત્રીની એકલતામાં આ સ્થળની ભયાવહતા વધી જતી હશે! ખેર, હોસ્પિટલમાં સામાન્ય રીતે કોઈને શબ્દો નહીં સ્ફૂરે પણ વિદેશની ધરતી પરની આ હોસ્પિટલમાં હું અચાનક લખવા પ્રેરિત થઈ છું અને કેટલીક વિશિષ્ટ લાગણીઓ મને લખવા માટે ધક્કો મારે છે. સાથે જ શબ્દોમાં મારી જાતને પરોવીને હું ડરામણી લાગણીઓમાંથી બચવાનો અને મારી જાતને સંભાળી લેવાનો પ્રયત્ન પણ કરું છું.

'khabarchhe.com'ની લોકપ્રિય કૉલમ ‘મારો શ્રવણ’ વાંચીને અને હાલમાં મારા જીવનમાં બની રહેલી ઘટનાઓ વિશે વિચારીને મને મનમાં એક પ્રશ્ન થાય છે કે શ્રવણ એટલે શું? મને તો બે દીકરીઓ જ છે. તો શું એ દીકરીઓ શ્રવણ નથી? જોકે મારા જીવનને રિવાઈન્ડ કરીને જોઉં છું તો મને એનો અહેસાસ થયો છે કે અમારી દીકરીઓ અમારા શ્રવણ જ નહીં પરંતુ અમારો આત્મવિશ્વાસ પણ છે, જે આત્મવિશ્વાસને પગલે જ હું ટકી પણ શકી છું.

મને યાદ છે જ્યારે મારી પહેલી દીકરીનો જન્મ થયો હતો ત્યારે મારા સાસુએ મને કહેલું, 'જરાય ચિંતા ન કરશો ખૂબ સુંદર દીકરી છે. દીકરાથી પણ વિશેષ!' જોકે એ માત્ર સાંત્વન ન હતું, પરંતુ હૃદયમાંથી નીકળેલી સાચી વાણી હતી, જે મારા જીવનમાં અનેકવાર સત્ય વચનની જેમ પુરવાર થઈ છે.

ગયા મહિને 14મી જૂને મારા જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના ઘટી. અમે, હું અને મારા પતિ શરદ એક સંગીતના કાર્યક્રમમાં ગયેલા. કાર્યક્રમ સમાપ્ત થયાં પછી મારા પતિ કાર લેવા માટે પાર્કિંગ પ્લોટમાં ગયા અને હું દરવાજે ઊભી રહીને એમની વાટ જોઈ રહી હતી. ઘણા સમય સુધી રાહ જોયા પછી શરદ ન આવ્યા એટલે મેં પાર્કિંગ લોટમાં જઈને શું થયું એની તપાસ કરવાનું નક્કી કર્યું. એવામાં રસ્તો ક્રોસ કરીને હું એમને બોલાવવા જતી હતી ત્યાં જ એક એમ્બ્યુલન્સ પુરપાટ મારી પાસેથી પસાર થઈ. એ અમ્બ્યુલન્સનો અવાજ, તેનું સાયરન, લાલ બત્તી અને તેની ઝડપ કોઈ દિવસ નહીં પણ તે દિવસે પહેલીવાર મને ધ્રુજાવી ગઈ. જરા સરખી વારમાં હું મારા હોંશ ખોઈ બેઠી. એટલામાં મેં મારી મિત્ર શમાને નજીકથી પસાર થતાં જોઈ. તેને રોકીને મેં એને શરદને ફોન લગાવવા કહ્યું, ફોન લાગતા જ એક અજાણ્યો આવાજ સંભળાયો.

એ માણસ પોલીસવાળો હતો. તેમણે મને સવાલ કર્યો કે,'તમે એમને કઈ રીતે ઓળખો છો? શું આ ફોન તમારા પતિનો છે? શું તમે એમના પત્ની છો? તો અહીં આવો આ એમ્બ્યુલન્સ એમના માટે આવી છે. જીવનમાં ભાગ્યે જ કોઈ ડર વાસ્તવિકતા બનતા હોય છે. એ દિવસે મારા ડરે વિકટ વાસ્તવિકતાનું રૂપ લીધું અને મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. મારી બધી ઊર્જા અદૃશ્ય થઈ ગઈ. શું કરવું એની કંઈ સૂઝ જ ન પડી. હું મારો પોતાનો મોબાઈલ નંબર સુદ્ધાં ભૂલી ગઈ. નસીબજોગે મારી સાથે અમારી મિત્ર શમા હતી.

શરદ ક્યાં પડ્યા, કેવી રીતે પડ્યા એની કંઈ જ ખબર નથી. પરંતુ પછડાવાને કારણે શરદના માથામાં સખત ઈજા થઈ હતી. હું એમને એ હાલતમાં જોઈ ન શકી. મારા માથે આભ તૂટી પડ્યું. બીજી તરફ શમાએ મારી દીકરીને ફોન કર્યો અને બંને દીકરીઓ એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચે એ પહેલા હોસ્પિટલ પહોંચી ગઈ. સ્ટ્રેચર પર સૂતેલા શરદની હાલત જોઈને હું સ્તબ્ધ હતી. મારા શબ્દો ધ્રુસકામાં અટવાઈ ગયેલા પણ પાસે ઊભેલી દીકરીએ મારો હાથ પકડીને, સહેજ દબાવીને મને હૈયાધારણ આપી.

શરદને તપાસીને ડૉક્ટરે કહ્યું કે, એમને ખાસ ટ્રીટમેન્ટની જરૂર છે. માથામાં ઘણું લોહી વહી ગયું છે અને ન્યુરો સર્જનની જરૂર છે માટે એમને બીજે ખસેડવા પડશે. ડૉક્ટરની આ વાતો સાંભળીને હું ખળભળી ઊઠી. ફરી હોસ્પિટલ અને ડૉક્ટરની પળોજણ વિશે વિચારતા જ મારા મનમાં અનેક વિચારોના ઘોડાપૂર આવ્યા. પણ બે દીકરીઓએ મારી બધી જવાબદારી સંભાળી લીધી. મારા ચહેરા પરના હાવભાવ જોઈને તેઓ ચૂપચાપ બધું સમજી ગઈ. તેમણે મને સંભાળી લીધી અને એમની આંખો જાણે કહેતી હતી કે, 'બધું બરાબર થઈ જશે.' સાથે જ તેઓ મને મૂક સધિયારો પણ આપી રહી હતી કે, 'હમ હૈ ના.'

મારા જીવનની મહાભારતમાં મારા પતિ મારા સારથી છે. પણ તે દિવસે દીકરીઓ જાણે મારી સારથી બની ગઈ. અને પોતાની સૂઝબૂઝથી અચાનક આવી પડેલી એ સમસ્યાનો સામનો કરવા ગભરાયા વિના કામે લાગી ગઈ. ડૉ સાથે શું વાતો કરવી, શું કરવું શું ન કરવું? એ બધું એમણે સંભાળી લીધું. આમ, મારા કરતા અડધી ઉંમરની મારી દીકરીઓ મારા કટોકટીકાળમાં મારી સાથે ઊભી રહી અને નાસીપાસ થયા વિના મહત્ત્વના નિર્ણયો લઈને તેમણે મારી જવાબદારીઓ ઓછી કરી દીધી.

મારી દીકરીઓ નાનપણથી જ મારી મિત્ર છે. મારી મુશ્કેલીઓ, ગમા-અણગમાને તેઓ ઓળખે છે. ક્યારેક તો મારી મા બનીને મને પ્રેમ કરે છે. એમના જન્મ પછી એમના પ્રેમમાં મારો પણ ઉછેર થયો છે. અમારા સંબધો સહજ છે. મારી ઘણી બાબતો કે નિર્ણયો કદાચ એમને ગમતા નહીં હોય. પણ મને એમના અણગમા ક્યારેય મહેસુસ થવા દીધા નથી. તેમણે હંમેશાં મારી કદર કરી છે અને મારા આત્મવિશ્વાસને વધાર્યો છે.

મારી બંને દીકરીઓમાં સ્ત્રીસહજ મૃદુતા અને પુરુષસહજ આત્મવિશ્વાસ છે. તેઓ ઉંમરમાં ઘણી નાની છે પણ સમજણની બાબતે તેઓ ક્યારેક મનેય આંટી જાય છે. અને અનેક પડકારોનો સામનો કરી શકે છે. તેઓ બંને સુપર હ્યુમન છે એમ તો નહીં કહું પરંતુ તેઓ કમજોર તો નથી જ. એમનામાં ગજબની શક્તિ છે.

થોડા વર્ષો પહેલા જે પિતાએ એમને આંગળી પકડીને ઘરના ઉંમરાની બહારની દુનિયા બતાવી હતી એ પિતાને આજે આ બંને દીકરીઓ પથારીમાંથી હાથનો ટેકો આપીને બેઠા કરે છે. દીકરીઓની આવી હૂંફને કારણે આપણો શ્રવણ દીકરો હોય કે દીકરી એનાથી બહુ ફરક પડતો નથી.

સૌથી મોટી વાત તો એ છે કે, તેમના લગ્ન પછી પણ તેમણે સ્નેહની કડીને ઢીલી પડવા નથી દીધી. ઉલટાની અમારી વચ્ચેના તંતને તેમણે વધુ મજબૂત બનાવ્યા છે, જેમાં હવે તેમના પતિઓનો પ્રેમ અને વિશ્વાસ પણ ભળ્યાં છે.

મારા જીવનની ઘણી નાજુક ક્ષણની આ બંને દીકરીઓ સાક્ષી અને સાથીદાર છે. મારા સપનાંને સાકાર કરતા તેઓ પોતાની રીતે આગળ વધી છે. મને મારા જીવનની પરિભાષા એમણે શીખવી છે. એમના થકી જ મને સ્વતંત્ર વ્યક્તિત્વ પણ મળ્યું છે. એમનો સાથ મારા ખભા પર મૂકાયેલા મિત્રના હાથ જેવો છે.

મારી બંને દીકરીઓ મારા જીવનનો ઉત્સાહ પણ છે અને પ્રોત્સાહન પણ. તેઓ વેદનાનું વહાલમાં રૂપાંતર કરે છે. અત્યારે મારા પતિની બીમારીમાં હું મારી બે દીકરીઓમાં માતાની મમતા નિહાળું છું. પોતાના પિતાને ખવડાવવાનું, લાડ કરવાનું અને એમને ગમતી દરેક વસ્તુનું ધ્યાન રાખવું તેમના જીવનની પ્રાથમિકતા બની ગઈ છે. તેઓ પિતાના આંખના દરેક ઈશારાને સમજે છે. અને આટલું બધું કર્યા પછી મને તેઓ એમ પ્રતીત થવા નથી દેતા કે તેઓ અમારું ઋણ ચૂકવી રહ્યા છે.  મારી આ દીકરીઓ અમારી શ્રવણ જ છે, જેઓ પરણીને તેમના સંસારમાં ગળાડૂબ હોવા છતાં તેમણે મારી ચિંતા અને વેદનાની કાવડ એમના ખભે ઉપાડી છે. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.