અધૂરપમાં પૂર્ણતા
મારો તો શ્રવણ ગણો કે જે ગણો તે બસ વિરલ જ છે. મારા લગ્નને ત્રણ વર્ષ બાદ તેનો જન્મ થયેલો અને એનું નામ રાખ્યું - વિરલ. એ વાતને આજે વર્ષો વીતી ગયા. આજે હું શિક્ષિકા તરીકે નોકરી કરું છું અને તે ધોરણ - 10મા આવી ગયો છે. આટલા વર્ષો સુધી હું તેના માતા-પિતા બંને બનીને તેની પડખે રહી છું અને તેની તમામ જરૂરિયાતો પૂરી કરી છે. વિરલ પણ ઘણો સમજુ છે, તે મને ક્યારેય એકલી પડવા દેતો જ નથી....
અમારા લગ્નના ચાર વર્ષ થયા હશે ત્યારે વિરલ એક જ વર્ષનો હતો. ત્યારે તેના પપ્પા ખોટી સંગતમાં આવી ગયા અને એમણે ખૂબ દારૂ પીવાનું શરૂ કરી દીધું. મેં તેમને ઘણા સમજાવ્યા, દારૂના ગેરફાયદા જણાવ્યા પણ પણ હું તેમને સમજાવવામાં કામિયાબ ન રહી. ત્યારબાદ પણ એકાદ વર્ષ સુધી મારી અને વિરલના પપ્પાની વચ્ચે ઘણા ઝઘડાઓ થતા રહ્યા. એમની દારૂ પીવાની આદત અમને આર્થિક રીતે તો ખુવાર કરી જ રહી હતી, પણ અમારા ઘરમાં અશાંતિ પણ ખૂબ વધી ગઈ હતી. લાંબી યાતના બાદ આખરે અમારા લગ્ન જીવનનો અંત આવ્યો અને દીકરાના ભવિષ્યનો વિચાર કરીને હું એમનાથી છૂટી પડી. તે સમયે વિરલ માંડ પોણા બે વર્ષનો હતો.
ત્યારથી મારો એક જ સહારો રહ્યો છે, વિરલ. અને મેં એક માતા અને પિતા એમ બંનેની ભૂમિકાઓ ભજવવાનો પ્રયાસ કર્યો છે. મારા અને વિરલના બંનેના જીવનમાં કંઈક ખૂટે છે. પણ અમે બંને એકબીજાને એટલા બધા સાચવીએ છીએ કે, થોડી ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ અમે સહજ રીતે જીવન પસાર કરી શકીએ છીએ.
વિરલ મારો એકનો એક દીકરો, એને ઉછેરવામાં મને ઘણી તકલીફો પડી પણ મારા કુટંબના સભ્યો મારી પડખે રહ્યા. એક વાતની મને ઘણી શાંતિ છે કે, હું એને કાંઈ પણ સમજાવું એટલે તે તરત જ સમજી જાય છે. ક્યારેય જીદ કરતો નથી. હાલ તે ધોરણ 10માં આવી ગયો છે. અને ઘણી નાની વયે એ એ બધું જ સમજી શકે છે. અભ્યાસમાં પણ એ એટલો જ હોશિયાર છે અને એકાગ્રતાથી ભણી પણ શકે છે. હાલમાં જ ધોરણ 9નું એનું રિઝલ્ટ આવ્યું, જેમાં એના 85 ટકા આવ્યા છે. જે વાતનો મને ગર્વ છે...
બાળપણથી જ એને પોતાની વર્ષગાંઠ ઉજવાનો ખૂબ આનંદ આવે છે. અમારે બંનેએ એ દિવસે રજા પાડવાની અને એ આખો દિવસ ઘર શણગારવામાં કાઢી નાંખે. ફૂગ્ગાઓનો ઢગલો કરી દે અને સાંજે અમે બજારમાં જઈને કેક લઈ આવીએ. થોડા મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપીને એની બર્થ-ડે ઉજવીએ. એને સૌથી વધુ આનંદ ત્યારે થાય જ્યારે હું એને મારા તરફથી સરપ્રાઈઝ-ગીફ્ટ આપું!
મારા જ દીકરાના વખાણ કરવાનું મને થોડું અજુગતુ લાગે છે. પણ ઘરમાં અથવા અમે બહાર ક્યાંય પણ જઈએ, ત્યારે એ મારો ખૂબ જ ખ્યાલ રાખે છે. બધી જ રીતે હોશિયાર છે. એનો સૌથી પ્રિય વિષય છે મેથ્સ. શિક્ષકો પહેલાંથી જ મેથ્સમાં એના માત્ર બે કે ત્રણ જ માર્ક્સ કાપી શક્યા છે.
ટૂંકમાં કહું તો એ ખરા અર્થમાં મારો શ્રવણ છે. મેં એનામાં અને એણે મારામાં પોતાનું જીવન પરોવી દીધું છે એમ કહું તો પણ ખોટું નથી. આમ તો અમારા બંનેના જીવનમાં થોડી અધુરપ છે, થોડી કડવાશ છે, પણ એકબીજા પ્રત્યેના પ્રેમને કારણે અમે એ અધૂરપને પૂર્ણતામાં પરિવર્તિત કરી દીધી છે અને જીવનમાં બને એટલી મીઠાશ ભરવાનો પ્રયત્ન કર્યો છે. હવે બસ, થોડા જ વર્ષોની વાત છે. એ ભણી રહેશે એટલે અમારો જીવન સંઘર્ષ આપોઆપ ઓછો થઈ જશે એ એનો સંસાર વસાવસે એટલે અમે પણ એક કુટુંબ વસાવી શકીશું અને કુટુંબનું સુખ માણી શકીશું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર