બાળઉછેરની આંટીઘૂંટી અને આનંદ

23 Jul, 2015
12:00 AM

mamta ashok

PC:

આપણે આપણા જીવનમાં અનેક પાત્રો ભજવતા હોઈએ છીએ. દરેક સંબંધની અમુક ચોક્કસ જરૂરિયાત હોય છે અને દરેક સંબંધને ચોક્કસ માવજતની જરૂર પડે છે. પરંતુ સંબંધોની બાબતે સ્ત્રીઓએ એક અત્યંત પડકારજનક ભૂમિકા ભજવવી પડતી હોય છે, જે ભૂમિકાને ન્યાય આપવા માટે સ્ત્રીએ તેનો જીવ રેડી દેવો પડતો હોય છે. એ ભૂમિકા ભારે ડિમાન્ડિંગ પણ હોય છે. તમે સમજી ગયા હશો કે હું સ્ત્રીના જીવનના કયા પાત્રની વાત કરું છું. હું સ્વાભાવિકપણે જ માતૃત્વની જ વાત કરું છું.

સ્ત્રીનું જીવન આપણે બે ભાગમાં વિભાજીત કરી શકીએ છીએ. માતૃત્વ પહેલાનું જીવન અને માતૃત્વ બાદનું! માતૃત્વ પહેલાના તબક્કાની વાત કરીએ સ્ત્રી જ્યારે ગર્ભવતિ થાય છે ત્યારે તેનામાં શારીરિક પરિવર્તનોની સાથે અનેક માનસિક પરિવર્તનો પણ શરૂ થઈ જાય છે. હજુ તો બાળક દુનિયામાં અવતર્યું પણ ન હોય એવામાં એ સ્ત્રી બાળકના ભવિષ્યની કલ્પનાની સાથોસાથ બાળકને લગતી નાની નાની બાબતોનું ધ્યાન રાખતી થઈ જાય છે.

હજુ થોડા સમય પહેલા જ જીવનની અમુક બાબત પ્રત્યે એ બેજવાબદાર હતી કે જાણી જોઈને જે બાબતો તરફ ધ્યાન નહોતી આપતી એ બાબતો પ્રત્યે એ અત્યંત સભાન બની જતી હોય છે. પ્રેગ્નન્સીના ગાળા દરમિયાન સ્ત્રી માત્ર પોતાના ગર્ભનો જ નહીં પરંતુ પોતાની માનસિકતા અને માન્યતાઓનો પણ વિકાસ કરે છે. સ્ત્રી ખરા અર્થમાં પરિપક્વ બને છે આ ગાળા દરમિયાન!

અને પછી જ્યારે એ સ્ત્રી માતા બને પછી? માતા બને એ પહેલા સ્ત્રી માટે જે બાબતો જીવનની પ્રાથમિકતા હોય એ બાબતો બાળકના જન્મ પછી હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે. બાળકના જન્મ પછી તેનું બાળક જ તેની પ્રાથમિકતા બની જતું હોય છે. બાળક પ્રત્યેના પોતાના અહોભાવમાં એ માતા પોતાની જાતને પણ સંતાન પછીના ક્રમે છે, જ્યાં કેટલીકવાર એ તેના સપનાં અને તેની ઈચ્છાઓને હંમેશને માટે તડકે મૂકી દે છે.

આ તો ઠીક સંતાનના જન્મ પછી એ સમજણું થાય અને તેની દૈનિક ક્રિયાઓ સામાન્ય બને ત્યાં સુધી માતાએ પોતાની ઉંઘ અને ભૂખ જેવી આવશ્યક શારીરિક જરૂરિયાતો સાથે પણ બાંધછોડ કરવી પડે છે. બાળક જ્યારે જાગતું હોય ત્યારે એણે તેનું પૂરું ધ્યાન બાળકમાં કેન્દ્રિત કરવું પડે છે. તમે બધા જાણતા જ હશો બાળક તો રાત્રે બે વાગે પણ જાગતું હોઈ શકે છે!

સંતાનના જન્મ પછી માતાને જાતજાતના અનુભવો પરથી બધુ શીખવા મળતું હોય છે. સંતાનના જન્મ પહેલા માતાએ તેના ઉછેરની ગમે એટલી પૂર્વતૈયારી કરી હોય કે, તેણે ગમે એટલા પુસ્તકો વાંચ્યાં હોય એ બધુ સંતાનના જન્મ પછી માળિયે ચઢી જાય છે. કારણ કે જેમ દરેક બાળક જુદું હોય છે એમ એની હરકતો પણ જુદી હોવાની. અને એટલે જ દરેક માતાનો માતૃત્વનો અનુભવ પણ જુદો રહેવાનો. બે સંતાનોના જન્મ બાદ હું એટલું તો જરૂર સમજી ચૂકી છું એ બાળ ઉછેરની પ્રકિયા માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા માટે પણ તાલીમનો તબક્કો હોય છે, જે દરમિયાન આપણે ઘણી ધીરજ રાખવી પડતી હોય છે અને એમાં આપણને ઘણું શીખવા પણ મળતું હોય છે.

બાળ ઉછેરની પ્રક્રિયામાં માતા બે મહત્ત્વની બાબતો શીખે છે એમાંની એક છે ધીરજ અને બીજું છે આત્મસંયમ. બાળકને સૂવડાવવા માટે તમે છેલ્લા બે કલાકથી મગજમારી કરતા હો અને છતાંય એ નહીં ઉંઘતું હોય ત્યારે તમારી ધીરજની કપરી પરીક્ષા થઈ જતી હોય છે. તો જ્યારે તમે કોઈ સુપર માર્કેટમાં ગયાં હો અને કોઈ રમકડું ખરીદવાની જીદમાં તમારું નાનકું સેકડો લોકોની વચ્ચે ફ્લોર પર આળોટીને રડારોળ કરે ત્યારે અથવા તમે જેના માટે ભારે કાળજી અને જહેમતથી ભોજન તૈયાર કર્યું હોય એવું બાળક લાખ મનાવ્યે પણ તમારો રાંધેલો ખોરાક ખાવાની ના પાડી દે ત્યારે તમારા આત્મસંયમની પરીક્ષા થઈ જતી હોય છે.

પણ મજા આવે છે આ તબક્કામાં. ઘણા મજાના યાદગાર અનુભવો થાય છે બાળઉછેર દરમિયાન. બાળકને શીખવતી-સમજાવતી વખતે દર વખતે કંઈ આપણી જ જીત થાય એવું નથી હોતું. પરંતુ મજાની વાત એ છે કે, બાળકની જીદ સામે આપણી હાર થાય ત્યારે એ હારમાં પણ આપણને ઘણી મજા આવે છે. પોતીકી અને લાકડી લાગે છે એ હાર!

બાળ ઉછેરના આ તબક્કામાં હું એ પણ શીખી છું કે, સંતાન બે-ત્રણ વર્ષનું થાય પછી માતા તરીકે તમારે અમુક ઓચિંતી બાબતો માટે પણ તૈયાર રહેવું પડે છે. હું એવી ઓચિંતી બાબતોને માતાની સરપ્રાઈઝ ટેસ્ટના સંદર્ભે જ જોઉં છું, જ્યાં તમારે કોઈ પણ તૈયારીઓ વિના બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે. એક ઉદાહરણ આપું તો જ્યારે તમારે કોઈકને ત્યાં જમવા જવાનું હોય અથવા તમે નજીકના મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે કટોકટીના સમયે નીકળો ત્યારે તમારું બાળક ટોઈલેટ જવાની સત્તાવાર જાહેરાત કરી દે, તો ત્યારે તમારે સમય અને બાળક બંનેને યોગ્ય ન્યાય આપવો પડે છે અને એ પણ તમારો પિત્તો ગુમાવ્યા વિના!

માતા બનો એટલે તમારે સારા શ્રોતા બનવું પડે છે. કારણ કે બાળક બોલતું થતાંની સાથે જ તેનું પ્રશ્નોપનિષદ પણ ઉઘડી જતું હોય છે, જ્યાં એ જાતજાતની વાતો અને ભાતભાતના પ્રશ્નો પૂછે છે. 'મમ્મા, પાણી આપણને ભીંજવે છે કેમ?' થી લઈને 'મમ્મા, મારા પેટ કરતા શાહરૂખ ખાનનું પેટ (સિક્સપેક) અલગ કેમ છે?' જેવા અનેક પ્રશ્નોનો મારો તમારા પર થાય છે. પરંતુ આવા સમયે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે, તમારે એ પ્રશ્નનોના સંતોષકારક જવાબ આપવાના છે. ભૂલમાંય બાળકોના પ્રશ્નોને રફેદફે કરી દેવાનો કે એમને પ્રશ્નો પૂછતા બંધ કરી દેવાનો ગુનો નહીં કરતા.

મારા સંતાનો સાથેના અનુભવોની વાત કરું તો એક વાર મારા મોટા દીકરા સાથે હું કોઈ ફિલ્મ જોતી હતી ત્યારે હીરોને જોઈને મારા મોટા દીકરાએ મને પ્રશ્ન પૂછ્યો કે, 'મમ્મા, હીરોના મમ્મી-ડેડી ક્યાં છે?'

'તે એના મમ્મી-ડેડી સાથે નથી રહેતો.' મેં કહ્યું.

'કેમ?' ફરી એક પ્રશ્ન.

મેં કહ્યું, 'દરેક વ્યક્તિ મોટી થાય ત્યારે તેણે ભણવા કે કામ કરવા માટે પોતાના મા-બાપને છોડી દેવા પડે છે.'

અને બસ વાર્તા પૂરી. ફિલ્મ તો એની જગ્યાએ જ રહી ગઈ અને મારા મોટા દીકરાએ પોક મૂકી, 'મારે મારા મોમ-ડેડને છોડીને ક્યાંય જવું નથી.' એના એ શબ્દો અને લાગણીએ જાણે મને તરબોળ કરી દીધેલી. આ પ્રસંગ મારા સ્મરણપટ પર હંમેશને માટે અકબંધ થઈ ગયો છે. બાળકોની આવી લાગણીઓ જ આપણને જીવવાનું બળ પણ પૂરું પાડે છે.

તો મારો નાનો દીકરો હજુ પંદર મહિનાનો જ છે એટલે એની સાથે હજુ એવો કોઈ યાદગાર કિસ્સો બન્યો નથી પરંતુ એનો જન્મ મને હંમેશાં યાદ રહેશે. કારણ કે, એનો જન્મ કોરિયામાં થયો હતો. સામાન્ય રીતે બાળકના જન્મને સમયે આપણી આસપાસ આપણા પરિવારજનો હાજર હોય છે અને એમની હૂંફને કારણે બાળજન્મની પ્રક્રિયામાં ઘણો આધાર મળે છે. પરંતું એના જન્મ વખતે અમે પતિ-પત્ની કોરિયામાં સાવ એકલા હતા, જેના કારણે મનમાં સતત એક ગભરાટ રહેતો હતો. પરંતુ મારા આ દીકરાએ હેમખેમ આ દુનિયામાં જન્મ લઈને મારી તમામ ચિંતાઓને વરાળ કરી દીધી.

આવા બધા અનુભવોને કારણે માતા એક શ્રેષ્ઠ વહીવટકર્તા, મુત્સદ્દી, નીતિ ઘડનાર અને અસરકારક કોમ્યુનિકેટર બની જાય છે. હા, જોકે મા બનવું એ કંઈ સામાન્ય વાત નથી. એક સ્ત્રી જ્યારે માતાની જૉબ પર હોય ત્યારે એના બોસ કંઈ સામાન્ય માણસો નથી હોતા. પરંતુ જ્યારે તમારા એ બોસ ઓચિંતા આવીને તમને ભેટી પડે કે કોઈ પણ કારણ વિના તમારા પર નિર્દોષ ચુંબનોનો વરસાદ વરસાવે છે ત્યારે તમારી જૉબ અત્યંત મૂલ્યવાન સાબિત થાય છે.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.