એક નાનકડા પરિવારની ઝંખના

21 Jul, 2016
12:00 AM

mamta ashok

PC:

હું જુવાન હતો ત્યારે ઘણીવાર મિત્રો સાથે ગાર્ડનમાં, ફિલ્મો જોવા, દરિયા કિનારે ફરવા જવાનું થતું. અમે ત્રણ ચાર મિત્રો હોઈએ તે સમયે તે જગ્યા ઉપર ઘણા ફેમિલી પણ આવ્યા હોય... ત્યારે મારી નજર એવા ફેમિલી પર જતી જેમાં માતા-પિતા અને એક દીકરો અથવા દીકરી હોય.... ત્યારથી હું એવું વિચારતો હતો કે મારા જીવનમાં પણ આવો દિવસ આવશે કે જ્યારે હું મારી પત્ની અને બાળકને લઈને ફરવા નીકળ્યો હોઈશ. અને આવા સપનાં જોતાજોતાં હું એકીટશે એ ફેમિલીની બધી ગતિવિધીઓને જોતો રહેતો. એક સંતાનના પિતા બનવાની કે, પરિવાર વસાવવાની હંમેશાં ખૂબ ઈચ્છા રહી છે.

ત્યારબાદ જીવનમાં એક સમય એ પણ આવ્યો કે, અભ્યાસ પૂરો થયો અને જોબ કરવાની શરૂ કરી. જોબમાં થોડો સેટ થયો ત્યાં લગ્નની વાતો ઘરમાં શરૂ થઈ ગઈ... એક દિવસ અંકલેશ્વર છોકરી જોવા મને લઈ જવામાં આવ્યો. ત્યારની એ છોકરી એટલે આજની મારી પત્નિ નેહા. બી.એ.બીએડ્. થયેલી અને પ્રાથમિક શાળામાં જોબ કરતી હતી. ત્યારબાદ બંને પક્ષે હા થઈ ગઈ. બધું ગોઠવાતું ગયું અને મારા લગ્ન નેહા સાથે થઈ ગયા... મિત્રોની સલાહ પ્રમાણે પહેલા બે-અઢી વર્ષ અમે હરવા-ફરવામાં પસાર કર્યા... મારા અને નેહાની વચ્ચે થયેલી વાતચીત પ્રમાણે ફેમિલી પ્લાનિંગમાં ત્રીજા વર્ષે બાળકનું આયોજન કરેલું. ત્રીજા વર્ષે મારા ઘરે દીકરાનો જન્મ થયો. મારા દીકરાનું નામ અમે બંનેએ સાથે મળીને રાખ્યું સાગર...

મને જે દિવસે ખબર પડેલી કે નેહા પ્રેગનન્ટ છે ત્યારથી મારા જીવનમાં એક નવો જ સંચાર થયેલો મેં અનુભવ્યો... તે દિવસથી જ મેં નેહાની સ્પેશ્યલ કેર કરવાનું શરૂ કરી દીધેલું... અમારા બંનેના જીવનમાં એ નવ મહિના દરમિયાન ઘણી યાદો વણાયેલી છે... અમે બંને બાળકના આગમનની ખૂબ આતુરતાથી રાહ જોતા હતા... નવ મહિના પૂર્ણ થયા અને ડૉક્ટરે આપેલી તારીખ પ્રમાણે નેહાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે મેં એક અઠવાડિયાની રજા લઈ લીધી હતી... જે દિવસે નેહાને હોસ્પિટલમાં દાખલ કરી એના બીજા દિવસે વહેલી સવારે સાગરનો જન્મ થયો.. સાગરને જન્મ આપ્યા પછી જ્યારે મને કહેવામાં આવ્યું કે, તમે રૂમમાં જઈ શકો છો. ત્યારે મારી અને નેહાની બગલમાં કપડામાં લપાઈને સૂતેલા બાળકને જોઈને એના માથા પર હાથ ફેરવી એના માથા પર ચુંબન કરીને હું સીધો નેહાને ભેટીને રડી પડ્યો હતો... મારા અને નેહા બંનેના આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા... એ ક્ષણ હું આખી જિંદગી ભૂલી શકું તેમ નથી....

જોકે અમારા ઘરે દીકરો આવે કે દીકરી આવે અમારા માટે બંનેનું મહત્ત્વ સરખું જ હતું અને છે... સાગરના જન્મથી અમારા બંનેની જિંદગી જ બદલાઈ ગઈ... ખરેખર કહું તો હું બધુ જ ભૂલી ગયો, નેહા પણ બધું ભૂલી ગઈ હતી... અમે બંને આખો દિવસ સાગર-સાગર જ કર્યા કરીએ...

કોઈએ તો નેહાને કહ્યું પણ હતું કે, નેહા તારે ત્યાં નવાઈનો દીકરો જન્મ્યો છે? તો નેહાએ તરત જ કહી દીધું હતું કે, હા મારા માટે મારો દીકરો સાગર નવાઈનો જ છે... પછી પેંડા વહેંચવાનો દિવસ આવ્યો એટલે મારે આખું લિસ્ટ બનાવવું પડ્યું.. મારા સગા સંબંધીઓ, મિત્રો, સમાજના ઘણા ઓળખીતાઓ, અડોશ-પડોશમાં એમ બધાના ઘરે જઈને પેંડા વહેંચવાની ખુશીને હું અહીં શબ્દોમાં વર્ણવી શકતો નથી...

આજે સાગર ત્રણ વર્ષો થયો છે... ઓફિસે જવા નીકળું એટલે બાઈક પર આગળ બેસીને એક નાનો આંટો તો ખરો જ... રોજ સાંજે આવીને એની સાથે રમવાનું... જમ્યા પછી રાત્રે નેહાને અને સાગરને લઈને આંટો મારવા જવાનું. હું અને નેહા સાગરને દીકરા તરીકે મેળવીને ખૂબ ખુશ છીએ... અમારી તો આખી લાઈફ જ બદલાઈ ગઈ તેમ કહું તો ખોટું નથી....

એ જ ગાર્ડન અને દરિયા કિનારે આજે પણ હું જાઉં છું... પણ હવે મિત્રો સાથે નહીં... પણ જે ફેમિલીને જોઈને હું વિચારતો રહેતો હતો... તેવું એક ફેમિલી બનીને.

(મહેશ પટેલ, સુરત)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.