એક પિતાની એવી ઈચ્છા…

03 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

વહાલી દીકરી,

આજે તને પત્ર લખવાનું મન થયું. ખબર નહીં કેમ. નથી તો તારો જન્મ દિવસ કે, નથી એવો કોઈ પણ સ્પેશિયલ દિવસ. પણ તોય તને કાગળ લખવાનું મન થયું. કેમ? કારણ કે હૈયામાં જ્યારે લાગણી ધસમસે છે ત્યારે એ તારીખ, વાર કે તિથિ નથી જોતી. અરે, લાગણીઓને તો ધસમસવાનું  કારણ પણ નથી જોઈતું. એને તો મન થાય ત્યારે એ જન્મે અને કોઈ વાસંતી લહેરખીની જેમ આપણને સ્પર્શીને, આપણને પલ્લવિત કરીને ચાલી જાય.

દીકરા આજકાલ મને તારા પર અત્યંત પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે. આમ તો તું જન્મી છે ત્યારથી જ મને તારા પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે, પણ હમણા તું જે રીતે મને સાચવી રહી છે એ કંઈક ગજબ છે. મમ્મીની બિમારી પછી, જ્યારે આપણને ખબર પડી ગયેલી કે, મમ્મી હવે વધુ નથી જીવવાની ત્યારે મમ્મીને સૌથી વધુ ચિંતા એક જ વાતની હતી કે, એના ગયા પછી મારું શું?

લાંબી બિમારી બાદ મમ્મીનું અવસાન થયું પછી પણ હું તૂટી ગયેલો કે, એક સમયની મારી પ્રેમીકા, મારી ધર્મપત્ની અને મારી જીવનસાથી વિના હું જીવન કઈ રીતે જીવી શકીશ? પુરુષના અવસાન પછી સ્ત્રી ઘણી આસાનીથી જીવન પસાર કરી શકે, પરંતુ સ્ત્રીના અવસાન પછી પુરુષ માટે જીવવું મુશ્કેલ અને દુષ્કર થઈ જાય છે. એકલતા તો એના જીવનની ઘૂટન બની જ જાય છે, પરંતુ રોજબરોજની દૈનિક ક્રિયાઓમાં પણ એને તકલીફ પડી જાય છે. પણ મમ્મી ગઈ પછી તે મને સાચવી લીધો, તે મને જાળવી લીધો.

મમ્મી સ્વસ્થ હતી ત્યાં લગી તો તું ઘરમાં પડેલી કોઈક વસ્તુને ઊચકીને એને સરખી જગ્યાએ મૂકવાનું નામ સુદ્ધાં નહોતી લેતી. કે ન તો તું કપડાની ઘડી કે રસાઈના નાનામોટા કામ કરતી. તારી હરકતોથી કંટાળી જતી મમ્મી દર વખતે તારા પર ઉકળી ઊઠતી કે, તારા લગ્ન થશે પછી તને ખબર પડશે, કેવી રીતે કામ થાય ને કેવી રીતે ઘર અને જીવન ચાલે. ત્યારે તું બેફિકરાઈથી જવાબ આપતી કે, ‘મારે ક્યાં પરણીને સાસરે જવું છે કે મારે કામ શીખવા પડે? અને પરણીશ તો પણ મારી બે શરત રહેશે. એક તો મારી સાથે જે પરણશે એણે અહીં આપણા ઘરે રહેવા આવવું પડશે અને બીજી શરત એ કે, હું રસોઈ કે ઘરના કોઈ પણ કોઈ કામ નહીં કરું….’

તું આવું કહે એટલે તારી મમ્મી ઔર ભડકતી અને આ મુદ્દે તમે મા-દીકરીઓ માત્ર મારામારી કરવાનું જ બાકી રાખતા એટલું ઝગડતા. જોકે મમ્મીની માંદગી દરમિયાન તે જે રીતે ઘર સાચવ્યું અને રસોઈથી લઈને મમ્મીની દવાઓ સુધીની વાતોમાં તે જે પ્રકારનો રસ દાખવ્યો અને કાકી અને માસી પાસે જે રીતે તું બધુ શીખતી ગઈ એ આશ્ચર્યજનક હતું. તને ખબર છે? મમ્મીને ઘણું શારીરિક દર્દ થતું હોવા છતાં, તને આ બધુ કરતી જોઈને તે ઘણી આનંદમાં રહેતી.

એક વાર તો નીલુએ મને કહેલું પણ કે, ‘આશિષ હવે હું છૂટી જાઉં તો પણ વાંધો નહીં. આપણી દીકરી હવે ઘણું શીખી રહી છે. હું નહીં હોઉં પછી એ પણ સચવાઈ જશે અને તને પણ સાચવી લેશે.’ રડી પડાયેલું ત્યારે મારાથી! કારણ કે, એક તરફ મારી દીકરી એની જવાબદારીઓથી વાકેફ થઈ રહી હતી, તે એક સ્ત્રી તરીકે નિખરી રહી હતી અને જાતજાતની નવી વસ્તુઓ શીખી રહી હતી. તો બીજી તરફ મારી પત્ની રોજ એનું જીવન ખોઈ રહી હતી. એના પ્રવાસની માત્ર તારીખ જ નક્કી ન હતી. બાકી જવાનું છે એ તો નક્કી જ હતું!

અને આખરે થયું પણ એ જ. આપણને બંનેને છોડીને એ નીકળી ગઈ. એની અનિચ્છાએ ગઈ. કારણ કે, એને એની ગંભીર માંદગીના દુખ કરતા આપણને બેને એકલા, સબડતા મૂકી જવાનું દુખ વધુ હતું. એ ગઈ પછી થોડા દિવસો તો આપણા સગા આપણી સાથે રહ્યા. તારી ફોઈઓ અને માસીઓએ થોડા સમય સુધી વારાફરતી આપણે ત્યાં રહેવાનું નક્કી કર્યું. પરંતુ તે એ બધાને ના પાડી દીધી. અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે, ‘એમ ક્યાં સુધી આંટાફેરા કરતા રહેશો તમે? હું અને પપ્પા આરામથી રહી શકીશું અને હું આસાનીથી ઘરના બધા કામો સંભાળી લઈશ.’ તારી એ હિંમત પર માન થઈ આવેલું મને.

ત્યાર પછી પણ તે જે ઝડપે બધુ સ્વીકાર્યું એ આશ્ચર્યજનક હતું. હું ઊઠું એ પહેલા તારું ઉઠી જવું અને એ પહેલા ચ્હા-નાસ્તો કે પછી મારું ટિફિન અને મારા કપડાં તૈયાર રાખવા. ઘરનું બધુ કામ વ્યવસ્થિત કરીને કૉલેજ જવું કે પછી સાંજે ઘરે આવીને ઘરનું કામ પતાવીને તારા ભણતરમાં પરોવાઈ જવું. તું તો રાતોરાત જાણે કોઈ સમજદાર સ્ત્રી થઈ ગઈ.

હમણા પણ આપણી વાતોમાં તું મને કહે છે કે, તારે પરણવું નથી. પણ મારી દીકરી, દીકરી તો સાસરે જ શોભેને? એમ કંઈ એકલા એકલા જિંદગી જીવાય? તું કહે છે કે, ‘પપ્પા તમે એકલા પડી જશો.’ પણ દીકરા આવી જીદ થોડી કરાય? પપ્પા તો હવે ઢળતી સાંજ! મારે તો આથમવાનું જ છે. પણ તારે તો હજુ ઘણું આગળ વધવાનું છે, ઘણો વિકાસ કરવાનો છે અને ખૂબ સુંદર જીવન જીવવાનું છે. તો પછી આવી જીદ ચાલે ખરી?

તો પછી તારે મારી આ વાત માનવાની છે. તું મારી દીકરી છે એટલે સ્વાભાવિક છે કે, તને મારી ચિંતા થાય. પણ એનો મતલબ એ નથી કે, મારે ખાતર તું તારું જીવન દુખમાં કે એકલતામાં વિતાવે. આખરે તારી ખુશીમાં જ તો મારી ખુશી છે. તો તું મને દુખી નહીં કરેને દીકરા?

અને હવે તો કોમ્યુનિકેશનનો જમાનો છે. આપણે ગમે એટલા દૂર હોઈશું તોય આપણને એમ જ લાગશે કે, આપણે એક જ ઘરમાં, એક જ છતની નીચે જીવી રહ્યા છીએ. તને મારી પળપળની ખબર મળશે, તો હુંય દિવસમાં દસ વાર તારી ખબર કાઢતો રહીશ. હવે આજના સમયમાં અંતર જેવું કંઈ હોતું હશે?

દીકરા, આ પત્ર દ્વારા હું મારી લાગણીઓ તારી સાથે શેર કરી રહ્યો છું. આપણી રૂબરૂ વાતોમાં હું ગળગળો થઈ જાઉં છું. એટલે જ આ રીતે મારી લાગણી વ્યક્ત કરી. આશા રાખુ છું કે તું મારી વાત સમજશે.

તારા પપ્પા.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.