ધ્યેય એટલે મારો પ્રાણવાયુ
ધ્યેય તારા પ્રત્યેના મારા અહેસાસને મેં પહેલી વાર શબ્દો દ્વારા વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. તું જ્યારે સમજતો થઈશ ત્યારે તને વંચાવીશ. તને એ ગમશે! 3 ઓગસ્ટ એટલે એ દિવસ, જ્યારે મને પ્રથમ વખત જાણ થઈ કે તું આ દુનિયામાં આવવાનો છે. જોકે ત્યારે મને એની ખબર નહોતી કે, તું દીકરો હશે કે દીકરી. પણ મારી અંદર એક કુંપળ ફૂટી છે અને હવે એ ધીરે ધીરે ખીલી રહી છે એ વાતની જાણ થતાં જ હું ઉછળી પડેલી!
જોકે મારી ઉત્તેજના કરતા મને તારા ડેડાનું રિએકશન અદ્દભુત આનંદ આપી ગયેલું! પોતાને નાચતા નથી આવડતું એવું કહેતા ડેડા તે દિવસે ખુશીથી ઝૂમી ઉઠેલા. અને હું? મારા તો મિશ્ર પ્રતિભાવ હતા. હોઠ પર અનોખી સ્માઈલ જોડે આંખમાં હર્ષના આંસુ હતા.
એ પછી જ્યારે તું મારા ગર્ભમાં હતો અને ડૉક્ટરે જ્યારે પહેલી વાર તારા ધબકારા સંભળાવેલા ત્યારે મારામાં અચાનક બદલાવ આવી ગયેલો. અને હંમેશાં પોતાની બહુ દરકાર નહીં કરતી હું તે દિવસથી ખૂબ સંભાળીને રહેવા લાગી.
પછી આવી 3 એપ્રિલ. સવારે 9.03 કલાકે તે આ સુંદર દુનિયામાં પાપા પગલી માંડવા માટે જન્મ લીધો. મેં જ્યારે તને પહેલી વખત જોયો ત્યારનો અહેસાસ હું ક્યારે પણ ન ભૂલી શકું. પહેલીવાર તને હાથમાં લીધો ત્યારે, તું રડે અને હું હસું! મારી નવ મહિનાની પીડાદાયી યાત્રા તારા ચહેરા સામે ફિક્કી લાગવા માંડી. તારા આવ્યા પછી હું જાણે હું જ નહીં રહી! મારી અંદરનું માતૃત્વ દરિયાની ભરતીની જેમ ઉછળવા માંડ્યું. મારી લાઈફ સ્ટાઈલ એકદમ ચેઈન્જ થઈ ગઈ. હવે હું કંઈ પણ કરતા પહેલા તારો વિચાર કરતી થઈ ગઈ.
તારા આવ્યા બાદ ક્યારેક તો તારા ડેડા પણ ફરિયાદ કરે છે કે, ધ્યેયની સામે તું મને ભૂલી ગઈ. તારા જન્મ બાદ થોડા મહિના સુધી તારું દૈનિકચક્ર એકદમ અલગ હતું. તું આખો દિવસ ઉંઘતો અને રાત્રે જાગતો. એટલે મારે રોજ ઉજાગરા થતા. તારા શિડ્યુઅલ પ્રમાણે હું મારી લાઈફ સ્ટાઈલ એડજેસ્ટ કરતી. ઈનશોર્ટ અચાનક જ મારી ફર્સ્ટ પ્રાયોરિટી તું થઈ ગયો. પછી તો તું જેમ જેમ મોટો થતો ગયો એમ આપણા સંબંધમાં જાતજાતના રંગો ભળતા ગયા. તારી એક સ્માઈલ મારા આખા દિવસનો થાક ભૂલાવી નાખે અને તું પ્રેમથી 'મં.....મા....' નામનો ટહુકો કરે ત્યારે મારા પગ જાણે જમીનથી અધ્ધર થઈ જાય! મારી વસ્તુને કોઈને અડવા ન દેવું... 'મારી મમ્માનું છે એમ અધિકાર પૂર્વક કહેવું! હું જરા સરખી તારી આંખો સામેથી દૂર થાઉં તો, 'મારી મમ્મા ક્યાં ગઈ? મારી મમ્મા ક્યાં છે?'ના સવાલો પૂછી પૂછીને ઘર આખુ મેથે લેવું...
...અને આવી તો તારી અનેક એવી બાબતો છે, જેમાંથી તારા પ્રેમની છાલક ઉડતી રહે છે અને હું ભીંજાતી રહું છું! આ બધી નાની નાની ખુશીઓથી હું ખુશ રહેવા લાગી છું. તું પ્લે ગ્રુપમાં ગયો હોય એટલો સમય જ મને શાંતિથી બેસવાનો સમય મળે છે. બાકી તો તું ઘરે હોય ત્યારે તો નિરાંત કેવી ને શાંતિ કેવી?
મને એ વાતનો તો ખ્યાલ છે કે, બાળકોને જાતજાતનું જાણવાની જિજ્ઞાસા હોય છે. પરંતુ જાણવાની જિજ્ઞાસાની બાબતે તું બધાયને ટપી જાય એવો છે. ભાનુમતિના પેટારામાં જેમ ક્યારેય કશું ખૂટતુ જ નહીં એમ તારા પ્રશ્નો પણ ક્યારેય નથી ખૂટતા! 'મમ્મા આમ કેમ થયું?', 'આમ કરે તો શું થાય?' 'એવું કોણે કર્યું?' 'ફલાણાનો કલર રેડ કેમ છે?' વગેરે વગેરે... અમે મોટાઓ તારા સવાલોના જવાબ આપી આપીને થાકી જઈએ પણ તારું પ્રશ્નોપનિષદ ક્યારેય પૂરું જ નહીં થાય!
જાણવાની જિજ્ઞાસામાં તું ક્યારેક તો એવા સવાલો પૂછી નાંખે અથવા એવી કંઈક નવાજૂની કરી નાખે કે, અમે હસીહસીને લોથપોથ થઈ જઈએ. નવું નવું જાણવાની વૃત્તિ તારી આજકાલની નહીં પરંતુ તું ચાલતો થયેલો એ પહેલાથી જ હતી. તું જ્યારે બેબી વોકર પર ચાલતો થયેલો ત્યારે વોકરના સહારે તને આખા ઘરમાં દોડવાની આદત હતી. એક દિવસ તું વોકરને સહારે ઘરમાં રમતો હતો અને હું મારા કોઈ કામમાં વ્યસ્ત હતી. થોડા સમય પછી અચાનક જ તારો અવાજ આવતો બંધ થઈ ગયો અને લગભગ દસેક મિનિટ સુધી તારો અવાજ નહીં આવ્યો. ઘરમાં અચાનક પથરાયેલી શાંતિને કારણે મને ધ્રાસ્કો પડ્યો અને હું દોડતી તને શોધવા આવી.
તને શોધતી હું બેડરૂમમાં આવી તો આપશ્રી મહાશય વોર્ડરોબ પાસે પડેલા કાજળની ડબ્બીને ખોલીને કાજળથી રમતા હતા! કાજળમાં તને એવું તે શું કુતૂહલ થયેલું કે, તે ડબ્બીમાંથી કાજળ કાઢીને તારા હાથ અને ચહેરા પર ઠેરઠેર ચોપડી દીધેલું! એ દિવસે તારા શરીર પરથી કાજળ કાઢતા કાઢતા મારો દમ નીકળી ગયેલો. તને નવડાવતી વખતે મારે હસવું કે તારા પર ગુસ્સો કરવો એ જ મને નહોતું સમજાતું! આજે પણ મને તારો ચહેરો યાદ આવે તો મને હસું આવી જાય છે.
તારી સાથેનો એવો જ એક બીજો કિસ્સો મને યાદ આવે છે. એક સાંજે હું અને તું ઘરની બહાર ઓટલા પર બેસીને રમતા હતા. રમતા રમતા અચાનક તું 'ચબ્બી ચીક્સ' ગાવા માંડ્યો અને તું મસ્તી કરવા લાગ્યો. તને મસ્તી કરતો જોઈને મને પણ મસ્તી ચઢી અને મેં કહ્યું, 'લાવ હું તારા ચીક્સ લઈ લઉં... ખાઈ જાઉં હું તારા ચીક્સ....' મારી આ વાત સાંભળીને રડતો રડતો તું ઘરમાં બધાને ફરિયાદ કરવા ગયેલો. 'મમ્મા મારા ચબ્બી ચીક્સ ખાઈ ગઈ', 'મમ્મા મારા ચબ્બી ચીક્સ ખાઈ ગઈ.' દાદાએ તને ઉંચકીને કાચમાં બતાડ્યું કે, જો એની જગા પર જ છે તારા ચબ્બી ચીક્સ. તો પણ તું માને નહીં. જાણે સાચે જ હું તારા ગાલ ખાઈ ગઈ હોઉં એમ તારી રડારોળ ચાલુ જ રહી. પછી મેં કીધું, 'લે તારા ચબ્બી ચીક્સ પાછા આપી દીધા. મને ન ભાવ્યા એટલે લઈ લે તારા આ ચબ્બી ચીક્સ.' ત્યારે તું ડાન્સ કરીને હસવા લાગ્યો. 'મારા ચબ્બી ચીક્સ પાછા આવી ગયા. હા હા હા...'
તારું એ ભોળપણ જોઈને ભગવાને એ જ પ્રાર્થના કરી હતી કે, ભગવાન તને હંમેશાં આવો જ હસતો રાખે અને ભલે તું મોટો થઈ જાય પરંતુ તારી અંદરનું ભોળપણ હંમેશાં એવું ને એવું જ રહે! તારા જન્મને કારણે હું તો નાની છોકરી બની ગઈ છું. તારી નાની નાની હરકતો મને ઘણું બધું શીખવાડે છે. જેમ કે નવી નવી વસ્તુ ટ્રાય કરવાથી ગભરાવાનું નહીં, હંમેશાં નવી વસ્તુ જાણવાની ચાહના રાખવાની, મનમાં જે હોય એ ફટાક દઈને કહી દેવાનું, જેથી આપણા પ્રશ્નનું ઝડપથી નિરાકરણ આવી જાય! તારા આવ્યા પછી, પહેલાની ડરપોક કુંજન આજે એક બહાદૂર મા બની ગઈ છે. ભગવાને અમને તારી ભેટ આપીને અમારી જિંદગીમાં ઓક્સિજન પુરું પાડ્યું છે. લવ યુ મારા બચ્ચા... ગોડ બ્લેસ યુ ધ્યેય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર