કલ્પનાની કાવડમાં અલૌકિક જાત્રા!
બાળક. આ શબ્દ મને એટલો બધો પસંદ છે કે, એ સાંભળતા જ મારા મનમાં ભરતી ઉઠવા માંડે. કંઈક અજબની પ્રતીતિ થાય છે આ શબ્દ સાંભળું ત્યારે! અને એટલે જ મેં મારો વ્યવસાય એવો પસંદ કર્યો કે, હું સતત બાળકોના જગતમાં ઓતપ્રોત રહું અને નિર્દોષતાના સહવાસમાં મારો સમય વ્યતિત કરું. જી હા, હું એક સ્ટોરી ટેલર છું. એટલે કે બાળ વાર્તાકાર. જો કે હું માત્ર વાર્તાઓ લખતો જ નથી પરંતુ ગલી-મહોલ્લા-સ્કૂલમાં જઈને બાળકોને વાર્તાઓ કહું પણ છું. બાળકો મને કાબુલીવાલા કહે છે, જેમના મનમાં દૃઢવિશ્વાસ છે કે, મારા બગલથેલામાં અનેક વાર્તાઓ છૂપાયેલી છે, જે વાર્તાઓ ક્યારેય નહીં ખૂટે! અને બાળકોનો એ વિશ્વાસ જળવાઈ રહે અને તેઓ હંમેશાં ખુશ રહે એ માટે હું સતત વાર્તાઓ તૈયાર કરતો રહું છું. આખરે, બાળકોનો આ વિશ્વાસ જ મને જીવવાનું અને મને મારું કામ કરતા રહેવાનું આત્મબળ પૂરું પાડે છે.
કાબુલીવાલાના રૂપમાં બાળ વાર્તાઓ કહેવાની શરૂઆત કર્યાં પછી હું દેશભરમાં વિવિધ રાજ્યોમાં ફર્યો છું અને ત્યાંના બાળકોને એમની જ માતૃભાષામાં બાળવાર્તાઓ કહી છે. મારા અનુભવો પરથી મને એ વાત સમજાઈ ગઈ છે કે, આપણે મોટેરાં ખોટા ફાંકા મારતા હોઈએ છીએ કે, આપણે નાના બાળકોને બધું શીખવીએ છીએ. વાસ્તવિકતા એ છે કે, બાળકોને કંઈક શીખવવાની પ્રક્રિયામાં બાળકો જ આપણને ઘણું બધું શીખવી જતાં હોય છે. જાતજાત અને ભાતભાતના બાળકોને મળીને હું એમની પાસે એટલું બધું શીખ્યો છું કે, ન પૂછો વાત. સેંકડોની મેદનીમાં પૂરા આત્મવિશ્વાસ સાથે ઊભા રહીને ભીડને કઈ રીતે મંત્રમુગ્ધ કરવી, કે પછી હંમેશાં તરોતાજા કઈ રીતે રહેવું, કે પછી વિકટ પરિસ્થિતિમાં નાસિપાસ ન થવું કે નાની નાની બાબતોમાં પણ વિસ્મયતા દાખવીને જાતને વ્યસ્ત રાખવી. બાળકો પાસે સૌથી મહત્ત્વની જે બાબત હું શીખ્યો છું એ બાબત એ છે કે, કોઈ આપણાને ભલે ગમે એવી ફરજ પાડે પણ આપણે ક્યારે આપણું સ્વત્વ નહીં ગુમાવવું અને હંમેશાં એ જ કરવું, જે આપણે ખરેખર કરવું છે.
મારે મોટેભાગે દિલ્હી, બેંગ્લુરુ કે ચંદીગઢ જેવા મોટા શહેરોની સ્કૂલો કે કલ્બોમાં નાના ભૂલકાંને વાર્તા કહેવા જવાનું હોય છે. સ્વાભાવિક છે કે, આવા મોટા શહેરો હોય એટલે એમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી લોકો આવીને વસતા હોય. આ કારણે હું જ્યારે પણ ક્યાંક વાર્તા કહેવા જાઉં છું ત્યારે મારા દર્શકોમાં વિવિધ જાતિ, ધર્મના બાળકો બેઠાં હોય. કોઈ કન્નડ હોય તો કોઈ મલયાલી, તો કોઈ ગુજરાતી હોય તો કોઈ પંજાબી કે તમિલ-તેલુગુ. વળી એ જ ટોળીમાં બંગાળ, બિહાર કે કાશ્મીર તરફના પ્રતિનિધિઓ પણ હોય. ધર્મ-જાતિ-સંસ્કૃતિની આટલી બધી વિવિધતા એકસાથે સામે બેઠી હોવા છતાં મને એ બાળકોમાં ક્યારેય અસમાનતા જોવા નથી મળી. એમના માટે એમની સાથેનું બાળક કયા ધર્મ કે જાતિનું છે એનું કોઈ મુલ્ય નથી. એમના માટે મહત્ત્વનું એટલું જ કે એમની સાથે બેઠેલું બાળક બસ માણસ હોવું જોઈએ. વાર્તા સાંભળવાને બહાને એ બધા ભેગા મળે ત્યારે એ બધાનો ધર્મ એક જ હોય છે અને એ ધર્મ છે ચંચળતા! બાળકો એમનો આ ધર્મ બખૂબી નિભાવે છે અને ક્યાંક કોઈક બાળક શાંત કે એકલસૂરું હોય તો એને પણ તેઓ ઘડીભરમાં ચંચળ બનાવીને તેને હસતું રમતું કરી દે છે. બીજાને ખુશ કરવાની કે તેની ઉદાસીમાં રંગો ભરવાની આપણા મોટેરાંમાં કેટલી ત્રેવડ?
બાળકો સાથેના લાંબાં સહવાસ પછી મેં એક વાત એ પણ માર્ક કરી છે, કે બાળકોમાં હંમેશાં ભૂખ રહેલી હોય છે. એ ભૂખ કોઈ ખોરાકની નહીં પરંતુ એ ભૂખ હોય છે કંઈક જાણવાની. આપણે મોટાઓ કેટલીક બાબતોને ક્ષુલ્લક કહીને ફગાવી દેતાં હોઈએ છીએ, પરંતુ એ ટાબરિયાંઓને નાનામાં નાની બાબતોમાં રસ પડી જાય છે અને પછી એ વસ્તુ કે વાતની પાછળ પડીને એની ઈતિહાસ-ભૂગોળ જાણવાનો પ્રયત્ન કરે છે. જો કે એ બાળકોના માતા-પિતા સામે હંમેશાં મારી એક ફરિયાદ રહી છે કે, માતા-પિતા ક્યારેક બાળકોની આ વિસ્મયવૃત્તિ પર તરાપ મારતા હોય છે અને નાની નાની વાતોને લઈને ઊઠતા બાળકોના પ્રશ્નનોને દબાવી દેતા હોય છે. આ કારણે બીજું તો કશું નહીં થાય પરંતુ બાળકના એ કલ્પના જગત અને જીજ્ઞાસાવૃત્તિ પર અસર થાય છે, જે કલ્પના અને જીજ્ઞાસા બાળકના આંતરિક વિકાસમાં અત્યંત મહત્ત્વનો ફાળો ભજવતી હોય છે.
આજે દેશમાં સર્વત્ર અંગ્રેજી માધ્યમની બોલબાલા છે. આપણી પ્રાદેશિક ભાષાઓ આટલી બધી સમૃદ્ધ હોવા છતાં ભારતીય માતા-પિતા પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવાનો આગ્રહ રાખે છે અને અધૂરામાં પૂરું બાળક સમજણું થાય ત્યારથી જ તેઓ બાળકો સાથે અંગ્રેજીમાં વાતચીત કરે છે. માતૃભાષા પ્રત્યેનો આટલો બધો અનાદર દુનિયાના કોઈ દેશોમાં નહીં થયો હોય, જેટલો આપણે ભારતીયોએ કર્યો છે. આપણા મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે આપણું સંતાન અંગ્રેજી નહીં શીખે તો મુખ્ય પ્રવાહથી વિખૂટું પડી જશે અથવા અભણમાં ખપશે. દુનિયાના જાપાન, ચીન, રશિયા, જર્મની જેવા અનેક દેશોમાં બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવાનો આગ્રહ રખાય છે. કેટલાક દેશોમાં તો અંગ્રેજીનું ચલણ નહીંવત સમાન છે. તો શું આ દેશો આર્થિક-સામાજિક તરક્કી કરવામાં પાછળ રહી ગયા? તો પછી આપણા બાળકોને તેમની માતૃભાષાથી વિમુખ રાખવાનો આવો દુરાગ્રહ આપણે કેમ સેવીએ છીએ?
હું હંમેશાં બાળકોને એમની માતૃભાષામાં વાર્તા કહેવાનો આગ્રહ કરું છું. અને મારો એ અનુભવ રહ્યો છે કે, જ્યારે બાળક તેની માતૃભાષમાં વાર્તા સાંભળે છે ત્યારે તેના ચહેરા પર વિશિષ્ટ હાવભાવ જોવા મળે છે. એવું લાગે કે, એને ગમે છે એની ભાષા સાંભળવાનું અને પોતાની ભાષમાં કહેવાયેલો એકએક શબ્દ એ આત્મસાત કરે છે. જેના ખૂનમાં એક સંસ્કૃતિ અને જીન્સમાં સદીઓનો ઈતિહાસ વણાયેલો હોય એવા બાળકોને એમની પોતાની ભાષાથી અને એ ભાષાની કથા-લોકકથાઓથી દૂર રાખવાનો અધિકાર આપણને કોણે આપ્યો? શું આ એક ગંભીર અપરાધ નથી? કાલ ઊઠીને બાળકો આપણને કોસસે તો? કે અમને અમારી માતૃભાષાથી દૂર કેમ રખાયા? તો જવાબ શું આપીશું આપણે?
હું તો કહું છું કે, હજુ પણ મોડું નથી થયું. ‘અમારી પાસે સમય નથી’ કે ‘આજની પેઢીને આ બધામાં શું રસ ?’ જેવા નકામા બહાનાને કચરાપેટીમાં પધારવો અને રોજ રાત્રે અડધો કલાક તમારા બાળકોને તમારી માતૃભાષાની અથવા તમારી માતૃભાષામાં કોઈક વાર્તા કરો. ભલે એ અંગ્રેજી મિડિયમમાં ભણતું હોય પરંતુ સાથોસાથ તે પણ ‘આમ કે આમ, ગૂટલીઓ કે દામ’ કે પછી ‘ભેંસ આગળ ભાગવત’ કે ‘ભેંસ ભાગોળે અને છાસ છાગોળે…’ જેવી તમારી માતૃભાષાની કહેવતો બોલતું થઈ જવું જોઈએ. એક વાત યાદ રાખજો કે, બાળકોને જ્યારે માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે કે, જો તેને માતૃભાષામાં વાર્તાઓ કહેવામાં આવે તો બાળક અત્યંત વાચાળ બને છે અને તેના આત્મવિશ્વાસમાં ભરપૂર વધારો થાય છે, જે તેને તેના જીવનમાં અત્યંત ખપમાં આવે છે.
બાળકો સાથે મારો રોજ પનારો પડે છે. એમના વિશ્વમાં રહીને મને જે આનંદ અને સંતોષ મળ્યો છે એ અપ્રતિમ છે. બાળકો ખરા અર્થમાં મારા ‘શ્રવણ કુમારો’ છે, જેઓ રોજ મને એમની કલ્પનાની કાવડમાં બેસાડીને અલૌકિક જગતની જાત્રા કરાવે છે. એ જગતમાં માત્ર હાસ્ય છે, પ્રેમ છે, ખુશી છે, તમામનો સ્વીકાર છે. તેમની દુનિયા પ્રયત્નોની દુનિયા છે, આ દુનિયા માણસોએ ઘડેલા દુનિયાદારીના નિયમોથી પર છે. આ દુનિયાનો એક જ કાયદો છે, એક જ અફર નિયમ છે કે, આપણી પીડાઓનો રંજ નહીં રાખતા ક્ષણભરમાં તેને ભૂલી જાઓ અને હંમેશાં ખુશ રહો અને એ જ કરો જે આપણે કરવા ઈચ્છીએ છીએ. મોટા બનીને તમે ક્યાંક એ દુનિયાથી વિખૂટા તો નથી પડી ગયાને? સાવ મફતમાં મળતા એ આનંદને પામવાનું ચૂકી ગયા હો તો ગમે ત્યારે વિના સંકોચ બાળકોની દુનિયાના દરવાજા ખટખટાવજો. અહીં સૌ કોઈને આવકાર મળે છે! કારણ કે સૌ કોઈને પોતીકા ગણવા એ આપણા બાળકોનો મૂળભૂત ગુણધર્મ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર