ટફી નામનું સુખ
નાના બાળકોનો પ્રેમ કેવો હોય એ તો અમને નથી ખબર પરંતુ શુદ્ધ પ્રેમ કોને કહેવાય એ વિશે હું જાણું છું. કારણ કે સંતાનોનો પ્રેમ મેળવવાની લાયકાત ઈશ્વરે અમને નથી આપી. જોકે એ જ ઈશ્વરે અમને મૂગાં પ્રાણીનો અખૂટ અને સાવ નિર્ભેળ પ્રેમ આપ્યો છે. એટલે જ આજે મારે આ વિભાગમાં અમારા ટફીની વાત કરવી છે, જે અમારા માટે સંતાનથી કમ નથી, જેણે અમારા ઘરને હર્યુંભર્યું તો કર્યું જ છે પરંતુ અમારા જીવનમાં પણ પ્રેમની છાલક ઉડાવી છે.
અમારા લગ્ન થયાં બાદ દોઢ વર્ષના ગાળામાં જ અમને વિવિધ મેડિકલ રિપોર્ટ્સ દ્વારા ખબર પડી ગયેલી કે, અમારા ઘરમાં સંતાનનો જન્મ થઈ શકે એવી કોઈ સંભાવના નથી. દરેક દંપતીની જેમ અમને પણ મનમાં ઊંડે ઊંડે એવી ઈચ્છા હતી કે, અમે માતા-પિતા બનીએ. પરંતુ આગળ કહ્યું એમ કુદરત અમને એની પરવાનગી નહોતી આપતી. જોકે અમે એ પરિસ્થિતિમાં હતાશ નહીં થયાં અને એને અમારી નિયતિ સમજીને બીજે ક્યાંક સુખના ઝરણ શોધવા માંડ્યાં.
પતિ ઉંચા પગારની નોકરી કરતા હતા અને અમારા સંસારમાં અમે બે જ હતા એટલે મારે માત્ર ઘર ગબડાવવા માટે નોકરી કરવાની જરૂર ન હતી. એટલે ઘરે રહીને જ હું ફિલ્મો, સીવણ, ગાર્ડનિંગ અને વાચનમાં મન પરોવતી અને દિવસ પસાર કરતી. પણ તોય સમય તો બચતો જ અને ક્યારેક તો વ્યાજની જેમ એની માત્રામાં વધારો પણ થતો રહેતો. એવામાં એક દિવસ મને વિચાર આવ્યો કે, ઘરે એકાદ પ્રાણી હોય તો સારું. બીજું કંઈ નહીં તોય એની દેખભાળ કરવામાં દિવસ પસાર થશે અને એની સાથે રમવા મળશે એ વધારાનું! મારા પતિને આ વિશે વાત કરી તો તેઓ રાજી થઈ ગયા અને બીજા જ દિવસે શહેરની પેટ શૉપની ભાળ કાઢીને અમે પેટ શૉપમાં ગયા.
નાની અમસ્તી એ દુકાનમાં એક ગજબની સૃષ્ટી વસતી હતી, જ્યાં શ્વાન, બિલાડીઓ કે સસલાંની વણઝાર હતી. પહેલા તો મને એમ થયું કે, એક બિલાડી, એક સસલું અને એક શ્વાનનું બચ્ચું લઈ લઉં. પરંતુ ત્રણેય પ્રજાતિઓ એકબીજાની વિરુદ્ધ હોવાને કારણે મેં એ વિચાર માંડવાળ કર્યો અને માત્ર એક શ્વાન લેવાનું નક્કી કર્યું. શ્વાનો વિશે મને થોડી ઘણી જાણકારી હતી અને મને જર્મન શેફર્ડ અથવા લેબ્રાડોર બેમાંથી કોઈ પણ એક પ્રજાતિનો શ્વાન લેવાની ઈચ્છા હતી. નસીબજોગે અમને ત્યાં એક જમર્ન શેફર્ડનું ગલૂડીયું જડી પણ ગયું.
દુકાનદાર આગળ જ્યારે અમે જર્મન શેફર્ડ માટેની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એણે એક અલમસ્ત ગલૂડિયાં તરફ આંગળી ચીંધી. એ ગલૂડિયાંને જોતાં જ એ અમને ગમી ગયું અને મેં દોડીને એને ઉંચકી લીધું. એ ગલૂડિયું પણ જાણે મારી જ રાહ જોઈને બેઠું હોય એમ મારી પાસે આવીને એની પૂંછડી પટપટાવા માંડ્યું અને એની નાનીનાની જીભ મારા ચહેરા પર ફેરવવા માંડ્યું. દિવસભરની બધી વાતો મને કહેવાની રહી ગઈ હોય એમ કાંઉ કાંઉ કરતું મારા આખા ચહેરા પર ફરી વળ્યું.
થોડી જ વારમાં અમે એને ઘરે લઈ આવ્યા અને પછી તો અમારા ઘરમાં જાણે રોનક આવી ગઈ. દુકાનની સંકડાશમાં એનો જીવ ગૂંગળાતો હતો એટલે ઘરની મોકળાશમાં આવીને એને જાણે સુખ મળી ગયું! અમે એને ઘરમાં નીચે મૂક્યું એવું જ એ આખા ઘરમાં દોડી વળ્યું. થોડી જ પળોમાં આગલા ઓરડાના સોફા પરના કુશન સાથે એ મસ્તીએ ચઢ્યું અને આમતેમ કૂદાકૂદ કરીને દિવસોથી એકલા જીવતા ઘરને એણે જીવન પ્રદાન કર્યું. પહેલા જ દિવસે એનું નામ પડ્યું ટફી અને પછી તો ઘરમાં જ્યાં જુઓ ત્યાં ટફી જ ટફી.
શરૂઆતમાં એની સાથે અને એની દૈનિક ક્રિયાઓ સાથે તાલમેલ મિલાવતા અમને ઘણી તકલીફ પડી. ક્યારેક તો એ ઘરમાં જ ઝાડો-પેશાબ કરી નાંખતો, જેના કારણે હું એના પર ગુસ્સે થઈ જતી. મારો ગુસ્સો પામીને થોડો સમય તો એ સમસમીને એક ખૂણામાં બેસી જતો. પણ એનો ગરીબડો ચહેરો મારાથી નહીં જોવાતા હું એને પ્રેમથી બોલાવું એટલે એટલે એ થોડો ગેલમાં આવે અને દોડતો આવીને મારી માફી માગતો હોય એમ મને બાઝી પડે. પછી તો અમે ધીમે ધીમે એને કેટલીક આદતો પાડતા ગયા, દિવસમાં ચારેક વાર બહાર ફરવા જવાનો નિત્યક્રમ બનાવ્યો, જેની સાથે મારું પણ બહાર ફરવા જવાનું નિયમિત થયું.
અમારા એ નિત્યક્રમમાં અમને સૌથી પ્રિય હતી અમારી સવારની અને સાંજની શેર, જ્યારે હું અને ટફી ઘરથી ક્યાંક દૂર જઈએ અને આસપાસના લોકો, આસપાસના ટ્રાફિક અને માહોલને માણીએ, એમને અમારામાં આત્મસાત કરીએ અને થોડું થાકીને ઘરે આવીએ. અમારા ઓળખીતા લોકોના ઘરે પાળેલા શ્વાનોની સરખામણીએ ટફીની આદતો અને સ્વભાવ પણ ઘણો સારો. અમારા ઘરે કોઈ પણ આવ્યું હોય તો ટફી એમની સામે ભસવાની જગ્યાએ ધીરે રહીને આગલા ઓરડામાંથી પાછલા ઓરડામાં ચાલી જાય અને જો મહેમાનોને શ્વાનોથી ભય હોય તો ટફી મહેમાનો જાય ત્યાં સુધી અંદરના ઓરડામાંથી બહાર નહીં નીકળે.
વળી, ક્યારેક કોઈ માણસ અથવા કોઈક બાળક એને પ્રેમથી બોલાવે કે જરા સરખુ બુચકારે તો રઘવાયો થઈને એમની પાસે દોડી જાય અને એનું મહાકાય શરીર કોઈક નાનકડાના બાળકના શરણે કરી દે. એમની સાથે મન ભરીને રમે અને આજીવન એમનો ચહેરો યાદ રાખે. મારી તો એને એવી આદત છે કે, હું જ્યાં સુધી એને ખાવાનું નહીં આપું અથવા એના ખાવાને ટાણે હું એને નહીં દેખાઉં તો એ એનો ખોરાક નહીં ખાય અને કાંઉ કાંઉ કરતો આખા ઘરમાં ફરી વળે. બપોરે હું ટેલિવિઝન જોતી હોઉં તો એને સોફામાં મારી બાજુમાં, મારી અડોઅડ ઉંઘવાની આદત. તો સાંજે હું રસોઈ બનાવતી હોઉં તો જાણે મારા પર પહેરો રાખતો હોય એમ એ જીભ કાઢતો મારી સામો બેઠો હોય. રાત્રે પણ મારા વાંચવાના ઓરડામાં મારી સામે આડા પડ્યા સિવાય એને નહીં ચાલે.
હવે તો એ સાડા-ત્રણ વર્ષનો થયો છે અને જર્મન શેફર્ડનું ફરજંદ છે એટલે શરીરે પણ અત્યંત વિશાળ છે. એને જોતાં પહેલી નજરે તો કોઈ પણ ગભરાઈ જાય, પરંતુ પછીથી એની મુલાયમતા અને એનો પ્રેમ નજરે ચઢતા એ કોઈને પણ વહાલો લાગે. મારા જીવનમાં જો એ નહીં આવ્યો હોત તો હું ખરેખર ઘણા રંગો જોવાની રહી ગઈ હોત. મને એની જોરદાર કંપની મળી ગઈ છે, જેના વિના હવે હું જરાય એકલી રહી શકતી નથી. થેંક યુ ટફી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર