સંતાનો પમવાનું ફળ

24 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

સામાન્ય રીતે લોકો પોતાના માતા-પિતાના ઋણ વિશે લખતા હોય છે, પરંતુ પોતાના સંતાનો વિશે લખવાનો આ પ્રયોગ અત્યંત નવતર અને યોગ્ય લાગ્યો. આખરે આપણા જીવનમાં સંતાનોનું પણ ઘણું મહત્ત્વ હોય છે અને સંતાનો આપણાથી ઉંમરમાં નાના હોવા છતાં તેઓ આપણને ઘણું બધુ શીખવી જતાં હોય છે. અને સૌથી મહત્ત્વની વાત તો એ હોય છે કે, આપણા સંતાનો આપણને શરત વિનાનો પ્રેમ કરતા શીખવે છે અને જીવનમાં આપણી શ્રદ્ધાને અખંડ રાખે છે.

અમારા ઘરે પ્રાચી અને પાર્થનો જન્મ થયાં પછી અમારા જીવનમાં ધરખમ પરિવર્તનો આવ્યા છે. હવે તો તેઓ યુવાન કહી શકાય એટલા મોટા થઈ ગયા છે, પરંતુ ઘરમાં અને જીવનમાં એમના આવ્યા બાદ જીવન સમૂળગું બદલાઈ ગયું છે. એમના બાળપણ વખતે જાણે અમારા ઘરને પણ બાળપણ ફૂટેલું, જ્યાં આખા ઘરની તમામ વસ્તુઓ ઠેર ઠેર વેરવિખેર પડી હોય. અને ઘરની ભીંતો તો જાણે કોઈ ચિત્રકારનો કેનવાસ બની ગયેલી, જ્યાં ઘરની એકપણ દીવાલ એવી નહીં હોય, જેના પર પ્રાચી અને પાર્થે ચિતરામણ નહીં કર્યું હોય.

તો હવે જ્યારે તેઓ જુવાન થયાં છે, ત્યારે ઘરને જાણે જવાની ફૂટી છે. ઘરની ભીંતોને તો કલરકામ થઈ જ ગયું પરંતુ દીવાલોએ રંગો પણ પોતપોતાની પસંદગીના પહેર્યા છે. પ્રાચીની રૂમ આછા ગુલાબી રંગે સોહી રહી છે તો પાર્થની રૂમ બ્લ્યૂ રંગે રંગાઈ છે. સાથે જ ઘરમાં વપરાતા બધા એપ્લાયન્સીસ અને વસ્તુઓ પણ એવી જ ટકાટક! દરેક વસ્તુની એક બ્રાન્ડ છે અને દરેક વસ્તુનું એક ચોક્કસ સ્થાન છે.

કહેવાની વાત એટલી જ કે, સંતાનો આવે પછી એમની ઉંમરના બદલાવ સાથે આપણા જીવનની સાથે આપણી આસપાસના વાતાવરણમાં પણ ઘણા બદલાવ આવી જતાં હોય છે, જેમાંના કેટલાક બદલાવો આપણને પસંદ નહીં હોવા છતાં આપણે એમને પ્રેમ પૂર્વક સ્વીકારી લઈએ છીએ કારણ કે, આપણા સંતાનો પ્રત્યેના આપણા પ્રેમને કારણે આપણે એ વસ્તુઓને પણ ચાહતા થઈ જઈએ છીએ.

સંતાનોના જન્મ થાય પછી આપણા જીવનમાં આવતા મોટા ફેરફારોમાંનો એક ફેરફાર એ છે કે, આપણને અમસ્તા જ રાહ જોવાની આદત પડી જતી હોય છે. સંતાનો થોડા કલાકો માટે ઘરની બહાર નીકળ્યાં હોય કે પછી થોડા દિવસો માટે ક્યાંક ફરવા ગયા હોય, પરંતુ તેઓ ઘરના ઉંબરની બહાર પગ મૂકે એટલે આપણી આંખોમાં કુદરતી રીતે જ જાણે ટાઈમર સેટ થઈ જાય અને આપણે એમની રાહ જોવા માંડીએ છીએ.

આ ઉપરાંત આપણને ફિકર પણ અમસ્તી જ થતી રહેતી હોય છે. સંતાનોના જન્મ પહેલા એવું બની શકે કે, આપણે સાવ બેફિકર હોઈએ પરંતુ સંતાનો જન્મે પછી આપણે સંતાનોને લગતી કોઈ પણ બાબતે ફિકર કરતા થઈ જઈએ છીએ અને એ ફિકરમાં ને ફિકરમાં જ ક્યારેક આપણે એમને પરેશાન કરી મૂકીએ છીએ.

હવે મને પણ આ બાબતે સમજાય છે કે, આપણે સંતાનોની કેર જરૂર કરવી જોઈએ પરંતુ એમની એક્સ્ટ્રા કેર કરીને એમને પરેશાન કરવા જોઈએ નહીં. નહીંતર યુવાનીમાં પગ મૂકી રહેલા આપણા સંતાનો આપણાથી કંટાળીને આપણને ગણકારવાનું બંધ કરી દે છે અથવા આપણા પ્રત્યેના એમના માનમાં ઘટાડો થઈ જાય છે. એમની સાથે બેસ્ટ ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો એમને જે બાબતોમાં ઈન્ટ્રેસ્ટ હોય એમાં આપણે પણ ઈન્ટ્રેસ્ટ લેવો અને પછી એ બાબતો વિશેની એમની સાથે ચર્ચા કરવી. આવા સમયે યુવાન સંતાનો આપણી સાથે ખૂબ ખીલે છે અને આવા સમયે એમની સાથે એન્જોય કરવાની પણ ખૂબ મજા આવે છે.

પાર્થ અને પ્રાચી સાથે અમેં આવા જ કેટલાક સિદ્ધાંતો કામે લગાડ્યા છે, જેના કારણે અમારા ચારેય વચ્ચે અત્યંત મૈત્રીભર્યો સંબંધ બંધાયો છે. આ કારણે સંતાનો એમની કરિયર વિશેની વાતો તો અમારી સાથે શેર કરે જ છે, પરંતુ એમની રિલેશનશિપ વિશેની વાતો પણ અમારી સાથે શેર કરે છે. આવી કોઈ વાતો તેઓ અમારી આગળ કરે ત્યારે અમે એમને ટોકતા નથી, પણ એમને જરૂરી માર્ગદર્શન આપીએ છીએ. અને એમને સાથ આપીએ છીએ.

આખરે માતા-પિતાનું કામ સંતાનોને રોકવા-ટોકવાનું નહીં, પરંતુ એમને આગળ વધવા માટે જરૂરી પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાનું છે. જીવનના આ તબક્કે અમે સંતાનો હોવાનું સુખ અને સંતાનોને પામવાનું ફળ મેળવીને અત્યંત રાજી છે. અમારા જેવી જ લાગણી અને અનુભવ તમામ માતા-પિતાને મળે એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ.

(પ્રજ્ઞા જોષી, રાજકોટ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.