જન્મ દિવસ મુબારક કશ્યપ

29 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

મારા ગુડ્ડુ,

સામાન્ય રીતે પત્રની શરૂઆત ‘ડિયર’ કે ‘વહાલા’ જેવા શબ્દોથી થાય છે. પરંતુ હું એવું માનું છું કે, જે વ્યક્તિ મારી હોવાની એ તો આમ પણ ‘વહાલી’ કે ‘માય ડિયર’ તો હોવાની જ ને? અને જે પોતીકું હોવાનું એ તો જીવનમાં હંમેશાં અગ્રક્રમે જ રહેવાનું, એટલે જ પત્રની શરૂઆતમાં મેં ‘મારા’ શબ્દ મૂકીને તને મારી પ્રાથમિકતા બનાવ્યો.

ચાલ, હવે મુદ્દા પર આવું. આજે તારો જન્મ દિવસ છે. એટલે સૌથી પહેલા તો તારા જન્મ દિવસે તને હ્રદયપૂર્વકની શુભકામનાઓ. તારા જીવનમાં આવતા તમામ પડકારોનો સામનો કરીને, એમની સામે તલવાર તાણીને તું તારી સફળતાઓને પામે એવી ઈશ્વરને પ્રાર્થના. દુનિયા ભલે તને કશ્યપ ચૌહાણને નામે ઓળખતી હોય, પરંતુ મારા માટે તો તું મારો ગુડ્ડુ જ રહેવાનો. તારી શારીરિક ઉંમર ભલે દિન-બ-દિન વધતી રહે પરંતુ મારા દિલમાં તું અને નિક્કી હંમેશાં બાળકો જ રહેવાના. અને એટલે જ તમે તમારા ક્ષેત્રોમાં ભલભલી ફતેહ કરીને આવશો તોય હું તને તારા નિક નેમથી જ બોલાવીશ.

તારું નિક નેમ ‘ગુડ્ડુ’ પણ મેં જ રાખેલું. નાનો હતો ત્યારે તું મરફી રેડિયોની એડમાં આવતા પેલા નાના છોકરા જેવો જ ક્યુટ અને નિખાલસ હતો, નાનું અસ્મતુ ઢિંગલું જ જાણે! મજાની વાત એ છે કે તારી એ ક્યુટનેસ અને નિખાલસતા હજુય જળવાઈ રહી છે, જેમાં વધારાના ભળ્યાં છે સમર્પણભાવ (કામ પ્રત્યેનું ડેડીકેશન), આત્મીયતા અને કોઈને મદદ કરવાની ભાવના!

તને તારું જીવન જીવતો અને કામ કરતો જોઉં છું ત્યારે મને તારા પર નહીં પરંતુ મારા પર આશ્ચર્ય થઈ જાય છે કે, ‘મારી જ કૂખે જન્મેલો આ મારો દીકરો એવી તે કઈ વિશિષ્ટ માટીમાંથી બન્યો હશે?’ નાનપણથી અત્યાર સુધીના તારા જીવનમાં મેં તને સતત દોડતો જોયો છે, સતત કામ કરતો જોયો છે અને બીજાઓ માટે ઘસાઈ છૂટતો જોયો છે. ઘણી વાર તો મને તારી કાર્યક્ષમતા પર આશ્ચર્ય થઈ જાય છે કે, તારામાં એવું તે કયું જોમ છે, જે તને સતત કાર્યશીલ રાખે છે?

આજના યુવાનોની સરખામણીએ તારી કમજોરીઓ ઘણી ઓછી છે. તું તારી મેળે ભણ્યો, તારા શોખ પૂરા કરવા તેં તારી મેળે ભણતા ભણતા નોકરી કરી, તે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને હવે તારી મેળે જ તું રિચર્સ કરી રહ્યો છે. અને આ બધાની વચ્ચે તે તારો બિઝનેસ ઊભો કર્યો એ વધારાનો! આ બધામાં અમારી મદદ એટલી જ કે, હું, ભાઈ અને પપ્પા તારી સાથે ઊભા રહ્યા. બાકી જે કરવાનું હતું એ તે કર્યું, બધા પડકારો તે ઝીલ્યા અને તારી દિશા તે નક્કી કરી!

હા, જોકે તારી એક કમજોરી ઘણી મોટી છે, જેને હું તારી સારપ નહીં, પરંતુ તારી કમજોરી જ માનું છું. અને તારી એ કમજોરી છે, બધાને પ્રેમ વહેંચતા ફરવું અને કોઈ પણ નવી ઓળખાણ થઈ હોય તો એ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકી દેવાનો! રસ્તે ચાલતા સાવ અજાણ્યા અને ચહેરા પરથી જ ચોર જણાઈ આવે એવા માણસ પર પણ તું વિશ્વાસ મૂકી શકે છે અને એ માણસને બનતી મદદ કરી શકે છે. તું બીજાને મદદ કરે છે એ વાત ઘણી સારી છે, જરૂરિયાતમંદોને મદદ કરવી જ જોઈએ. પરંતુ તારા આ ગુણને જોઈને મને ઘણી વખત ડર લાગે છે કે, ક્યાંક કોઈ તારી એ ભલમનસાઈનો ગેરલાભ નહીં ઉઠાવી જાય અને ક્યાંક તને કોઈ હાનિ નહીં પહોંચાડી જાય!

તારી બીજી મોટી કમજોરી છીએ અમે બધા અને તારા મિત્રો! અમારા માટેનો અને તારા મિત્રો માટેનો તારો પ્રેમ અપ્રતિમ છે. અમારા બધાની ખુશીઓ માટે કે તારા મિત્રોની સાથે રહેવા કે એમની સાથે ધમાલ-મસ્તી કરવા માટે તું ગમે ત્યાંથી સમય ફાળવી લે છે. અમને બધાને ખુશ રાખવા કે અમને સમયાંતરે સરપ્રાઈઝ આપતા રહેવું એ તારી હોબી છે. એ માટે તારે ભલે શારીરિક શ્રમ ઉઠાવવો પડે કે આર્થિક રીતે ઘસાવું પડે, પણ તું હંમેશા તૈયાર રહે છે!

તું જન્મ્યો છે ત્યારથી મેં તારા માટે એક વાત ઓબ્ઝર્વ કરી છે કે, તું ઘણી બધી બાબતોએ નસીબદાર રહ્યો છે. જોકે તું માત્ર તારા માટે જ નહીં, પરંતુ અમારા માટે પણ ઘણો લકી છે. તું આવ્યો પછી અમારા- આપણા જીવને જબરજસ્ત પલટો માર્યો અને ભગવાનની કૃપાથી આપણે બધુ સુખ પામ્યાં. અલબત્ત, આપણા ચાર જણા માટે દુનિયાના બીજા ભૌતિક સુખ કરતા આપણા ચારનું પરસ્પરનું સુખ ઘણું મહત્ત્વ ધરાવે છે. અને એટલે જ એક પરિવાર તરીકે આપણે શ્રેષ્ઠ જીવી શક્યા છીએ.

તારી આંતરીક શક્તિ એટલી બધી સમૃદ્ધ અને સશક્ત છે કે, તું ક્યારેય નેગેટિવીટીમાં નથી સરી પડતો અને જીવનના કોઈ પણ પડકારો સામે તું હિંમતપૂર્વક ઝઝૂમી શકે છે. એટલે જ તું તને જોઈતી કોઈ પણ સફળતા અને તારી ખુશીઓ મેળવવા માટે સક્ષમ છે. આ કારણે તને આશીર્વાદ આપવા કે ઈશ્વર પાસે તારા સારા સ્વાથ્યની પ્રાર્થના કર્યા સિવાય હું બીજું કશું કરી શકું એમ પણ નથી. જીવનમાં તારા તમામ લક્ષ્યો પર વિજય મેળવે, તારી આસપાસના, તારી સાથે સંકળાયેલા તમામ લોકોને હંમેશાં ખુશીઓની ભેટ ધરતો રહે અને બસ, આમ જ શક્તિનું કોઈ ઝરણું હોય એમ હંમેશાં પૂરી એનર્જીથી હસતો-રમતો અને કામ કરતો રહે. ઈશ્વર તને સુખી રાખે!

તારી મમ્મી

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.