ઘૂઘવે છે વહાલના દરિયા

11 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

'khabarchhe.com'ની લોકપ્રિય કૉલમ ‘મારો શ્રવણ’ જોઈ ત્યારે મને થયું શ્રવણ એટલે તો માતાપિતાની સેવા કરતો અને પોતાના અંધ માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રાએ લઈ જતો દીકરો. સતયુગથી લઈને કળિયુગ દરમિયાન ભારતભરના કરોડો માતા-પિતાએ ભગવાન પાસે શ્રવણ જેવો દીકરો માગ્યો હશે. હજુય માગતા હશે. પણ મારે તો બે દીકરીઓ છે. જો કે હવે જમાનો ઘણો બદલાયો છે અને લોકો પોતાની દીકરીઓમાં પણ શ્રવણને જોઈ-અનુભવી શકે છે. અને હવે તો શ્રવણના હોવાપણાની વ્યાખ્યા પણ બદલાઈ છે. એક જમાનામાં જેની પાસે સેવાની અપેક્ષા રાખવામાં આવતી એ શ્રવણો આજના જમાનામાં તેમના માતાપિતાની દરકાર રાખીને તેમને હૂંફ આપે તોય ભયોભયો થઈ જાય.

દુનિયાની દરેક સ્ત્રી માટે મા બનવું એ અહોભાગ્ય છે. પરંતુ દીકરીની મા હોવું એ આજની સ્ત્રીનું સૌભાગ્ય ગણી શકાય. અને મારું સૌભાગ્ય તો એટલું બધું હતું કે, મને ભગવાને જોડિયા દીકરી આપી! મૃગા અને મેઘા. આ દીકરીઓના જન્મનો દિવસ ખરેખર મારે માટે પુનઃ જન્મનો દિવસ હતો. કારણ કે દીકરીના જન્મની સાથે એક મા બીજી માને પણ જન્મ આપે છે અને અનાદિકાળથી ધરતી પર ચાલતી- ફૂલતી-ફાલતી આવેલી માનવસંસ્કૃતિને ધબકતી રાખે છે.

મારી આ ફૂલ જેવી દીકરીઓ સાથે વીતાવેલો શ્રેષ્ઠ સમય એટલે એમના ઉછેરનો સમય. એમને ઉછેરતી વખતે હું પણ જાણે ઉછરી રહી હતી અને રોજ કંઈક ને કંઈક શીખી રહી હતી. એમનું નટખટ બાળપણ મને મારું જ બાળપણ લાગી રહ્યું હતું અને એમની કલ્પનાઓની દુનિયામાં ખોવાઈને હું પણ રોજ મેઘઘનુષી રંગો જોતી. એમને ભણાવતી વખતે હું ભણી રહી હતી અને તેમને જીવનના પાઠ ભણાવતી વખતે હું પણ જાણે નવેસરથી નિતનવા અનુભવો લઈ રહી હતી. કોઈકે સાચું જ કહ્યું છે કે, 'દીકરી વહાલનો દરિયો.' મારા આ દરિયાના ઘુઘવાટમાં રોજ ભીંજાઈ છું. તરબરતર થઈ છું.

આ સંદર્ભે હું મારી બંને દીકરીઓને હું 'મારો શ્રવણ' તરીકે ઓળખાવું છું, જેમના મારા જીવનમાં આગમનને કારણે મારામાં ઘણી પરિપક્વતા આવી છે અને મને પ્રેમ અને મને લાગણીથી છલોછલ જીવન જીવવાની તક મળી છે. હવે તો દીકરીઓ મોટી થઈ ગઈ છે અને તેઓ તેમના પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કરવામાં છે. પરંતુ એમના બાળપણના એક-બે કિસ્સા મને રહી રહીને યાદ આવે છે, જે હું શેર કરવાનું પસંદ કરીશ.

લગભગ વર્ષ ૨૦૦૬-૭ની વાત છે. મૃગા અને મેઘા બંને ૭મા ધોરણમાં ભણતી હતી. અને એમના પપ્પા એટલે કે મારા પતિ ભાર્ગવ જામનગરમાં જૉબ કરતા. અને અમે ત્રણ વડોદરા રહેતા. દીકરીઓના વેકેશન પડે એટલે અમે તરત જામનગર માટે નીકળતા અને રાત આખી મુસાફરી કરીને અમે જામનગર પહોંચતા.

આ માટે અમે ત્રણ વડોદરાથી રાત્રે ૯ની બસમાં નીકળીએ અને સવારે સાડાપાંચે જામનગર ઉતરીએ. એ ઉંમરે બાળકોની સમજણ બહુ પાકટ ન હોય. પરંતુ એ વખતે પણ એ નાનકીઓ મને સમાન પેક કરવાથી માંડીને ભારેભરખમ સમાન ઉચકવા સુધીની મદદ કરતી. એમાંય બસમાં સીટ ટુ બાય ટુ હોય એટલે એ બંને એક સીટ પર હોય અને હું એમની આસપાસની જ કોઈક સીટ પર હોઉં. રાતની મુસાફરી દરમિયાન જ્યારે જ્યારે બસ અટકે ત્યારે તેઓ ઊઠીને મારી સીટ તરફ આવે અને મને પૂછી લે, 'બરોબર છે ને બધું?' ત્યારે મને થતું કે, 'મારે એમનું ધ્યાન રાખવાનું છે કે એમણે મારું?' પણ દીકરીઓ જ્યારે તમારું ધ્યાન રાખે કે તમારી ઝીણીઝીણી બાબતોનો ખ્યાલ રાખે ત્યારે અદમ્ય સંતોષ થાય. એ સંતોષની આગળ તો દુનિયાનું ભલભલું સુખ પાણી ભરે!

આજે પણ બહારના કોઈ કામ હોય તો એ માટે તેમણે અમને સ્પષ્ટ સૂચના આપી રાખી છે કે, 'આવા કામ પપ્પાને નહીં સોંપવાના અમે બંને પતાવી દઇશું.' કોઈ બીલ ભરવાનું હોય કે મારે શાક લેવા બહાર જવાનું હોય ત્યારે તેઓ કોઈક કડક પરીક્ષકની જેમ અમને બધું પૂછી લે અને એમાં જો એમને લાગે કે એ કામમાં અમને શ્રમ પડે એવું છે તો તેઓ એ જવાબદારી ક્યાં તો જાતે ઉપાડી લે અથવા તેઓ અમારી સાથે આવે. હમણા તો તેમણે નવી પ્રથા પાડી છે, જે હેઠળ અમારા બેમાંથી કોઈ એકાદને સામાન્ય બિમારી માટે પણ ડૉક્ટરને ત્યાં જવાનું હોય તો એ બેમાંથી એક અમારી સાથે આવે અને ડૉક્ટર પાસે ઝીણામાં ઝીણી વિગત જાણી લે. અને ઘરે આવ્યા બાદ ટાઈમે ટાઈમે દવા આપવાથી લઈને પરેજી સુધીની બાબતોનું ધ્યાન રાખે.

કોઈને આ બધી વાતો નાની અથવા અંગત લાગતી હશે. પરંતુ જ્યારે આ નાની વાતોને ખોતરતા જઈને આપણે ઊંડા ઉતરીશું તો આપણને ખ્યાલ આવશે કે, આપણા સંતાનો આપણા માટે કેટલી ઊંડી લાગણી ધરાવે છે અને તેઓ આપણા માટે કેટલા પઝેસિવ છે. હવે તો મૃગા અને મેઘા ઘણી સમજદાર અને જવાબદાર થઈ ગઈ છે. હવે જ્યારે તેઓ બંને તેમનું માસ્ટર પૂરું કરવામાં છે ત્યારે તેઓ રહી રહીને અમને કહે છે કે, પહેલા અમે નોકરી કરીને પગભર થઈને તમને મદદરૂપ થશું. પછી જ બીજી વાત. દીકરીઓ જ્યારે આવી વાત કરે ત્યારે કોને સંતોષ નહીં થાય? તેમની આવી વાતો સાંભળીને મારાથી અમસ્તા જ હાથ જોડાઈ જાય છે અને ઉપર આકાશ તરફ જોવાઈ જાય છે. પળેપળ હું ઈશ્વરનો આભાર માનું છું કે, 'આવી સુંદર અને લાગણીસભર દીકરીઓ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર.'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.