હું જ તમારી દીકરી અને હું જ તમારો દીકરો...
આજે સ્મિતા બેંગલુરુથી આવશે... મારું હૃદય તો તો ખુશી સમાતું નથી. ડૉક્ટરનો અભ્યાસ પૂર્ણ કરીને એ આવશે. મારા માટે તો કેટલા ગૌરવની વાત કહેવાય કે, મારી દિકરી ડૉક્ટર બની ગઈ.
લોકો શું કહેશે એને? ડૉક્ટર સ્મિતા... લોકો જ્યારે એને ડૉક્ટર... ડૉક્ટર કરશે ત્યારે મારી છાતી તો અમસ્તી જ ફૂલાશે.
સ્મિતાના જન્મ પહેલાં જ એક ઉંમરલાયક સ્ત્રીએ મારી તરફ ધ્યાનથી જોઈને કહેલું, 'તારે ત્યાં દીકરી જન્મશે...' પૂરો વિશ્વાસ તો નહોતો કર્યો એ સ્ત્રી પર પણ મનમાં ખુશી થયેલી. કારણ કે અમને બંનેને દીકરી જ જોઈતી હતી. એના જન્મને ટાણે જ્યારે અમને ખબર પડી કે, અમારા ઘરે ખરેખર દીકરી જન્મી છે ત્યારે અમારા આખા કુટુંબમાં ખુશી ખુશી થઈ ગઈ. અને તેણે જ્યારે પ્રથમ વખત સ્મિત કર્યું ત્યારે જ એના પપ્પાએ કહી દીધેલું કે, 'આ મારી સ્મિતા...'
સ્મિતાનું બાળપણ અમારા માટે જાણે જાદુનો ખજાનો હતો. એ ચાલતા શીખતી ત્યારે પણ ઘરમાં એક અલગ જ ખુશીનો આનંદ આપતી રહેતી. પછી તો એ ધીરે ધીરે દોડતાં પણ શીખી અને ત્યાર પછી આખા ઘરમાં અમારે એને સાચવવી પડતી.
અહીંની વસ્તુ ત્યાં અને ત્યાંની વસ્તુ અહીંયા મૂકે અને પછી અમારે આખા ધરમાં શોધાશોધ કરવાની. અવિનાશ તો ઓફિસેથી આવે એટલે તરત એની પાસે પહોંચી જાય. અવિનાશ એને ક્યારેક સ્મિત તો ક્યારેક સ્મિતા કહે. પછી એને બહાર આંટો મરાવવા લઈ જાય. નીચે ઉતરે એટલે તરત જ એ મોપેડ પર આગળ ઉભી રહી જાય..આંટો મારીને આવે એટલે બાપ-દીકરીનું ઘરમાં રમવાનું શરૂ થઈ જાય. બંને જણ તોફાન તોફાન કરી મૂકે. મને તો એ જ નહીં સમજાતુ કે, એ બેમાં નાનું કોણ? અવિનાશ કે સ્મિતા...?
ક્યારેક બાપ-દીકરી સંતાકૂકડી રમે ત્યારે તો મારે એમને જોકા ફક્ત ચૂપચાપ બેસી જ રહેવાનું. જરાપણ બોલવાનું નહીં કે કોણ ક્યાં સંતાયું છે? અને બંને ખૂબ રમે... રાત્રે જમીને નજીકના ગાર્ડનમાં પહોંચી જવાનો અમારો નિત્યક્રમ. ગાર્ડનમાં જતાં જ એ એની બીજી બહેનપણીઓ સાથે ધમાચકડીએ લાગી જાય, રાત્રે અમારા લાખ કાલાવાલા કર્યા બાદ એ માંડ-માંડ બહાર નીકળે.
એ હસે ત્યારે અમને એમ જ લાગે જાણે ઘરમાં એક મીઠો રણકાર કરતું વાજિંત્ર આવી ગયું હોય. અને પછી તો જેમ જેમ એ મોટી થતી ગઈ તેમ તેમ જાણે ઘરનું આખું વાતાવરણ એ પોતે જ બની ગઈ. એની હાજરી માત્રથી આખું ઘર ખીલી ઊઠે. સ્મિતા ઘરમાં હોય એટલે રસોડાનું કામ, રાંધવું, સાફ-સફાઈ કરતાં એના મોઢે ગીત તો સતત ચાલુ જ હોય. ગીત ગાતી જાય ને ઘરમાં ફરતી જાય.
અભ્યાસમાં પહેલેથી એકથી ત્રણમાં જ નંબર હોય. અને બધી જ બહેનપણીઓમાં એ લગભગ મોનિટર જેવી ભૂમિકા ભજવે. નાનપણથી જ એને બધાને સાથે લઈને ચાલવાની ટેવ. એકલીનું નહીં વિચારતા બધા વિશે જ વિચારે, બધાને સમજે, બધાનું સમજે! ઘરમાં પણ મારે કદી એને કંઈ કહેવું નથી પડ્યું.
એક વખત તો અમારા સમાજને 100 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે સમાજનો મોટો કાર્યક્રમ રાખ્યો હતો. એના બીજા દિવસે જ એની એક્ઝામ હતી, પણ આખો દિવસ એણે કાર્યક્રમોમાં ભાગ લીધો, એણે ગરબામાં ભાગ પણ લીધેલો. કાર્યક્રમ મોડે સુધી ચાલ્યો. અમે જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે રાત્રે સાડાબાર વાગ્યા હતા. મને એની થોડી ચિંતા પણ થઈ કે કાલે તો પરીક્ષા છે અને સ્મિતાનો આજનો આખો દિવસ તો પ્રોગ્રામોમાં જ ગયો. ત્યાં તો એ ફ્રેશ થઈ અને રાત્રે એક વાગ્યે વાંચવા બેસી ગઈ. અને હું તો જોતી જ રહી ગઈ...
મેં કીધું સવારે વહેલી ઊઠીને વાંચજે. તો કહે, 'હમણાં થોડું વાંચી લઉં છું. પછી બાકીનું સવારે...' એમ કહી એણે વાંચવાનું શરૂ કરી દીધું. અભ્યાસમાં પણ અમારે કદી એને કંઈ કહેવું જ નથી પડ્યું.
છેલ્લા વર્ષોમાં એ બેંગ્લુરુમાં ડૉક્ટરના અભ્યાસ માટે ગઈ ત્યારે અમને એની સ્વાભાવિક રીતે જ ચિંતા થતી હતી કે, આટલે બધે દૂર એ એકલી કેવી રીતે રહેશે? પણ એણે એટલું સરસ બહેનપણીઓનું ગ્રુપ બનાવી દીધું કે અમને ચિંતા કરવા જેવું કંઈ રહ્યું જ નહીં. ઉપરાંત એમના ગ્રુપમાં નિયમો પણ એટલા સરસ કે, કોઈએ પણ એકલા બહાર જવાનું નહીં, જો કોઈ માંદુ પડે તો બે વ્યક્તિએ એની સાથે જ રહેવાનું. અને આ નિયમો બધી છોકરીઓ પાળે પણ ખરી...
ફક્ત મારી દીકરીને વખાણવા ખાતર નથી કહેતી પણ આટલી ઉંમરે સ્મિતાની વિચારસરણી અને સમજશક્તિ માતા તરીકે મને પ્રસન્નતા ઉપજાવનાર છે. છએક મહિના પહેલા જ્યારે વેકેશનમાં બેંગ્લુરુથી આવેલી ત્યારે અમને કહેતી હતી કે, 'હું તો તમારા બંનેની દીકરી પણ છું અને દીકરો પણ છું. હું પાછી આવું એટલી વાર, તમારા બંને પાસેથી ઘણાંબધા કામો હું લઈ લેવાની છું. એટલે તમે રિલેક્સ રીતે રહી શકો.'
જ્યારે હું શાંતિથી બેઠી હોઉં છું. અને સ્મિતા વિશે વિચાર કરું છું ત્યારે થાય છે કે, ખરેખર ઈશ્વરે અમારા જીવનમાં સ્મિતા નામની ભેટ આપીને અમારું જીવન ધન્ય બનાવી દીધું છે. ફક્ત એક દીકરી જ નહીં પરંતુ એક દીકરા તરીકે પણ એણે અમારા જીવનમાં સ્થાન લીધું છે. જેમ કે શ્રવણ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર