પિતા બન્યો એટલે જ કદાચ માણસ બન્યો

19 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

જે માણસને સામાન્ય નીતિમત્તાનો ખ્યાલ નહીં હોય કે એનામાં ઠરેલપણું નહીં હોય તો એનો સમય અને એના અનુભવો એને ઘણું શીખવી જતાં હોય છે. જોકે આવા માણસોની તકલીક માત્ર એટલી જ એવા લોકોને સાચી વાતનું ભાન જ્યારે થાય છે ત્યાં સુધીમાં થોડું મોડું થઈ ચૂક્યું હોય છે, સમય હાથમાંથી સરી ચૂક્યો હોય છે અને એ માણસ ઘણી બધી ઠોકરો ખાઈ ચૂક્યો હોય છે. હું એવા લોકોમાંનો જ એક છું, જે સમય સાથે નહીં ચાલ્યો અને મેં યોગ્ય સમયે યોગ્ય વસ્તુઓ નહીં કરી, જેને કારણે મેં ઘણું વેઠ્યું છે. જોકે મારા જીવનમાં પણ પરિવર્તન લખ્યું હશે અને અન્ય લોકોની જેમ સાચી રાહ પર ચાલવાનું લખ્યું હશે એટલે મારા ઘરે મારી પુત્રી, આરવીનો જન્મ થયો, જે મૂકપણે મારા માટે એક યોગ્ય સબક સાબિત થઈ.

જીવનના સત્તાવીસમેં વર્ષે મારા લગ્ન થયેલા અને લગ્ન બાદ દોઢ વર્ષ પછી આરવીનો જન્મ થયેલો. આરવીના જન્મ સુધીના મારા જીવનના સાડા અઠ્ઠાવીસ વર્ષો હું અત્યંત બેફિકરાઈથી અસ્તવ્યસ્ત જીવેલો. મારા જીવનમાં મારા મોજશોખ, વ્યસનો અને દોસ્તો સિવાય બીજી કોઈ બાબતોને સ્થાન ન હતું. સિગારેટ કે બિયર જેવા વ્યસનોનો હું દસમા-અગિયારમા ધોરણમાં હતો ત્યારથી જ શિકાર હતો, જેના કારણે નાની ઉંમરથી જ ભણતર પરથી મારું ધ્યાન હટી ગયેલું અને હું ગ્રેજ્યુએશન પણ નહીં કરી શક્યો.  

મારો સ્વભાવ એટલો આકરો હતો કે, મારા મમ્મી-પપ્પા મને કશું સમજાવી પણ નહોતા શકાતા. જો તેઓ મને મારા ભલા માટે કંઈક કહે તો હું આખુ ઘર માથે લઈ લેતો અને એ કારણે ત્રણ-ચાર દિવસ સુધી ઘરમાં અશાંતિ રહેતી. આ તો ઠીક, જ્યારે મને જે વસ્તુઓ જોઈએ એ મારા મમ્મી-પપ્પાએ તાત્કાલિક હાજર પણ કરી દેવી પડતી. નહીં તો હું ઘરમાંથી કશે ભાગી જતો અથવા ઘરની વસ્તુઓની તોડફોડ કરતો. મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાને કારણે મારા મમ્મી-પપ્પા તો મારી જોહુકમી ચલાવી લેતા. પરંતુ બહારની કોઈ વ્યક્તિ મારી નકામી દાદાગીરી ચલાવી લેતી નહીં, જેના કારણે મારે બહારના યુવાનો સાથે મારામારી પણ થઈ જતી.

એક તરફ મારું ભણતર નહીંવત હતું અને બીજી તરફ મારો સ્વભાવ વિચિત્ર હતો. એટલે હું ઉંચા પગારની નોકરી કરી શકું એમ તો હતું જ નહીં. પરંતુ મારા મામા સાથે મળીને મારા પપ્પાએ મને એક નાનકડો બિઝનેસ શરૂ કરી આપ્યો. જોકે શરૂઆતમાં તો મેં બિઝનેસમાં પણ યોગ્ય ધ્યાન નહોતું આપ્યું. પણ બિઝનેસ શરૂ થયાંના થોડાં જ સમયમાં મારા લગ્ન થઈ ગયા અને મારે માથે જાણે જવાબદારી આવી ગઈ.

અલબત્ત, પત્નીના લાખ સમજાવ્યા પછી પણ શરૂઆતમાં તો મારા વંઠેલવેડા ચાલું જ હતા. પરંતુ એક દિવસ અચાનક મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો, જે દિવસે મને ખબર પડી કે, મારી પત્ની પ્રેગનન્ટ છે અને હું પિતા બનવા જઈ રહ્યો છું. કોણ જાણે અચાનક તે શું થયું, પરંતુ મારામાં અચાનક સમજણના ફૂલ ખીલ્યા અને હું જીવનની કેટલીક બાબતોને લઈને ગંભીર અને જવાબદાર થવા માંડ્યો.

આરવીનો જન્મ થયો એ પહેલાથી મેં વિવિધ સેવિંગ્સ પ્લાન વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું. તો મારા બિઝનેસને વધુ વિસ્તારવાના પ્રયત્નો અને એ માટેની મહેનતમાં પણ હું જોતરાઈ ગયો હતો. પહેલા આવું કશું બનતું ન હતું! વળી, થોડા સમય પછી આરવીનો જન્મ થયો એટલે મારા જીવનમાં હજુ કેટલાક પરિવર્તનો આવ્યાં.

આમ તો મારી પત્નીની પ્રેગ્નન્સી વખતથી જ મેં દોસ્તો સાથે બહાર રખડવાનું ઓછું કરી દીધેલું. પરંતુ આરવી આવી પછી તો બિઝનેસના કામ સિવાય મારું ઘરની બહાર નીકળવાનું નહીંવત થઈ ગયું. આ બધું ઈરાદાપૂર્વક નહીં પરંતુ કુદરતી રીતે જ બનવા માંડેલું. મારું બધું ધ્યાન અને મારી તમામ શક્તિઓ મારી દીકરી, પત્ની અને મારા મમ્મી-પપ્પા પૂરતી સીમિત થઈ ગઈ. પહેલા મારા સિવાય બીજા કોઈનુંય નહીં વિચારનારો હું હવે ક્ષણેક્ષણ મારા પરિવાર વિશે વિચારતો થઈ ગયો. દીકરીને ખુશ રાખવા શું કરી શકાય, કે પત્ની અથવા મમ્મી-પપ્પાને સુખ કઈ રીતે મળી શકે એના જ મારા મનમાં વિચારો ચાલતા રહે છે.

એમાંય આરવી સાથેનો તો મારો વિશેષ સંબંધ. હવે તો એ થોડું થોડું બોલતી થઈ અને ‘પા….’ ‘પા…’ કરીને મને બૂમ પાડે છે. પરંતુ એ જન્મી પછીના સમયગાળામાં મેં એની આંખોમાં મારા માટે ગજબનો વિશ્વાસ જોયો છે. એ જ્યારે મારી પાસે રમતી હોય અને રમતા રમતા જ્યારે મારા ખભે માથું મૂકીને એ ઉંઘી જાય ત્યારે મને અજીબ પ્રકારની લાગણી થતી. મને થતું આરવી મારા ખભે માથું મૂકીને મને કહી રહી છે કે, ‘પપ્પા, તમારે ખભે મારું માથું ઢાળીને હું નચિંત થઈ જાઉં ને? કોઈ વાંધો તો નહીં આવે ને?’

અને જાણે મને મારી જવાબદારીઓનું ભાન થઈ આવે અને મારી અંદર પડેલો અને સારો, મહેનતુ માણસ જાગી ઊઠે છે. પેલા વંઠેલ, ધમાલી અને બેફિકર જીવનો નાશ થાય છે અને હું દીકરીના માથે કોમળ હાથ ફેરવી બેસું છું કે, ‘હા, દીકરી હા, તું સાવ નચિંત થઈ જા. હું બેઠો છું ને?’

બસ, આમ જ દીકરી આવ્યા પછી હું ઘડાતો ગયો, જીવન મને મારી જવાબદારીઓનું ભાન કરાવતું હતું અને મારામાં રહેલા અસુરી તત્ત્વોનો નાશ થયો.     

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.