મારા તો અનેક શ્રવણકુમારો

14 May, 2015
12:00 AM

mamta ashok

PC:

શ્રવણ નામ સાંભળતા જ આપણી સમક્ષ મહાન પાત્ર ઉભરી આવે, જેણે પોતાનાં અપંગ માતા-પિતાની સેવામાં પોતાનું જીવન અર્પણ કર્યું અને માતા-પિતાની કાવડમાં બેસાડીને તીરથ કરાવ્યાં હતા. શ્રવણ નામ સાંભળીએ એટલે આપણી આંખો આગળ આવા જ કંઈક દૃશ્યો ઊભા થાય. આમ તો હું ગરવી ગુજરાતણ છું પરંતુ વર્ષોથી હું મધ્યપ્રદેશનાં આદિવાસી વિસ્તાર ઝાબુઆ જિલ્લામાં આદિવાસી સમાજ સાથે રહીને કાર્ય કરી રહી છું. શ્રવણ વિશેની મારી વાતો શરૂ કરું એ પહેલા અહીં  મારે મધ્યપ્રદેશના લોકોની એક વિશિષ્ટ અને કોઈને પણ ગમી જાય એવી પ્રણાલી વિશે વાત કરવી છે.

પાછલાં 28 વર્ષોથી અહીંનાં અંદરનાં નાનકડાં ગામડાંઓમાં જવાનું થાય ત્યારે મેં ખાસ ધ્યાનપૂર્વક જોયું છે કે કેટલાક સંપન્ન પાટીદાર કણબીઓનાં ઘરની બહાર ઓટલાની દીવાલો પર કાવડમાં માતા-પિતાને બેસાડીને લઈ જતાં શ્રવણ કુમારનું ચિત્ર જોવા મળે છે. લગભગ એકસરખા લાગતા આ ચિત્રોને જોઈને  મેં એક સ્થાનીક માણસને તે વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, ‘બેન અમારે ત્યાં એક પ્રથા છે કે, જો કોઈ ઘરનો મોટો દીકરો પોતાની કમાણીનાં પૈસાથી ઘરડાં મા-બાપને ચારધામની યાત્રા કરાવે ત્યાર પછી તે દીકરો સમાજનાં લોકોને એકઠાં કરીને ભોજન કરાવે, અને પછી ચિતારાને બોલાવીને ઘરની બહારની દીવાલ પર લોકો જોઈ શકે તેમ કાવડવાળાં શ્રવણનું ચિત્ર તૈયાર કરવાવામાં આવે.' અહીંના પાટીદાર અને કણબી ખેડૂતોની આ પ્રથા વિશે સાંભળીને પહેલી વાર તો હું પણ આશ્ચર્યમાં પડી ગયેલી. ત્યાંના લોકોનું કહેવું છે કે, 'આવું કરવાથી સમાજમાં છોકરાઓને પ્રેરણા મળે, જેથી કરીને પાછલી ઉંમરમાં તેઓ પોતાના વડીલોનું ધ્યાન રાખે અને તેમને સાચવીને તેમની જરૂરિયાતો પૂરી પાડે.' આ તો વાત થઈ સીધા સાદા સરળ ગ્રામિણ લોકોની કે જેઓનાં મનમાં શ્રવણકુમાર હોવાનો આ અર્થ છે અને તેઓ તેને પોતાનાં છોકરાંઓનાં આ જ સંદર્ભે જ વખાણે કે વખોડે છે.

પણ મારી વાત અને અંગત અનુભવ કંઈક અલગ છે. 'khabarchhe.com'માંથી મને 'મારા શ્રવણ' વિભાગમાં લખવા વિશે કહેણ આવ્યું ત્યારે હું વિચારવા માંડી કે એક શ્રવણ કુમાર હોય તો જરાક જેટલી વાત લખીને પૂર્ણવિરામ કરી શકાય. પરંતુ મારાં તો અનેક શ્રવણ કુમારો છે કોના વિશે લખું અને કોને રહેવા દઉં? વિષય મળ્યો છે ત્યારથી મારું મન મોટી વિમાસણમાં મૂકાયું છે. પણ છતાંય અહીં કેટલીક વાતો આલેખવાનો પ્રયત્ન કર્યો છે.

મારા લગ્નનાં એક વર્ષ બાદ મને ખબર પડી કે હું માતા બનવાની છું, ત્યારથી હૃદય આનંદથી ભરપૂર હતું. ઘરમાં સૌ વડીલો અને સગાવહાલાઓનાં આશિર્વાદમાં એક છૂપો સ્વર રહેતો કે આવનારું બાળક દીકરો હોય અને એ તમારાં બંને માટે શ્રવણ પૂરવાર થાય એવો હોય! પુરુષપ્રધાન સમાજમાં લોકોને હંમેશાં દીકરાની જ ખેવના રહે એ વાત સાવ સ્વાભાવિક છે. પરંતુ હું કોલેજમાં અભ્યાસ કરતી ત્યારથી સ્ત્રીઓનાં સુખ-દુઃખ જોડે વધારે જોડાયેલી રહેતી અને સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ પર હંમેશાં વધારે ચિંતન કરતી. સગર્ભાવસ્થા દરમિયાન મારી હૃદયની એક જ કામના હતી કે, મારે ત્યાં સ્વસ્થ બાલિકા જન્મે, જેને હું ખૂબ લાડ લડાવીને મારાં કોડ બધાં પૂરાં કરું. અને ખરેખર વિજ્યાદશમીના દિવસે મને સ્વસ્થ પુત્રીરત્ન મળ્યું. એ જન્મેલી ત્યારે એની આંખોની ચમક મને કહેતી હતી કે, 'મમ્મી જો તારી સાચી બેનપણી આવી ગઈ!'

દીકરીનું નામ અમે જવનિકા રાખેલું. એની પાછળ મારો અિભનય અને નાટ્યશાસ્ત્રનો પ્રેમ પ્રેરણારૂપ હતો. જવનિકા નાનપણથી જ મારી અને એના પિતાની આંખોના ભાવ ઝડપથી સમજી જતી અને જરા પણ ચિંતા જેવું લાગે તો એ અમને બંનેને વળગીને એની કાલીઘેલી ભાષામાં કહેતી કે, 'હું છું ને! ચિંતા ની કલાની.' આજે પણ પરણીને સાસરે ગયેલી અમારી દિકરી અમારું એટલું ધ્યાન રાખે છે કે, છેક અમેરિકાથી ફોન પર સમય પર દવા લીધી કે નહીં, ખાધું કે નહીં કે 50 વટાવી ગયા પછી અમારું ડાયેટ કેવું હોવું જોઈએ એનું તે ઝીણામાં ઝીણું ધ્યાન રાખે છે.

એના નાનપણનાં બે કિસ્સા કહેવાનો લોભ જતો કરી શકું એમ નથી. ઝાબુઆમાં અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં વર્ષ 1980-1993 સુધીમાં બહુ સુવિધાઓ નહોતી. કપડાં હાથથી જ ધોવા પડતાં અને હું કપડાં ધોઈને સૂકવવા ખડકાળ મેદાનમાં આવું કે તરત જ એ મારી પાસે દોડતી આવે અને ટબમાંથી એક-એક કપડું લઈ મને સૂકવવા આપે. વળી, પાછી એ ખૂલ્લા પગે જ આવતી. એને જોઈને મારી આંખમાં આંસુ આવી જતાં. ત્યારે એની ઉંમર 6-7 વર્ષની થશે.

આ ઉપરાંત એક વાર અમારી સંસ્થાનાં કામે હું અને મારી દીકરી રાજસ્થાનના તિલોનીયા ગામે SWRC નામની સંસ્થામાં લગભગ 15-20 દિવસ રહેવા ગયેલા. ત્યારે એ સ્કૂલ નહોતી જતી, પરંતુ ગુજરાતી અને હિન્દી બંને ભાષા બહુ સારી રીતે બોલતી અને સમજતી. ત્યાં સંસ્થાનાં બે કેમ્પસ છે એક જૂનું અને એક નવું અને અમારે રોજ નવાં કેમ્પસથી જૂનાં કેમ્પસ પર જવાનું રહેતું. બંને કેમ્પસ વચ્ચે 1 કિલોમીટર જેટલું ચાલવાનું રહેતું. ત્યારે સખત ગરમીનાં દિવસો હતાં, અમે મા-દિકરી ચાલતાં જતાં અને આવતાં. એ થાકી જશે એમ માનીને હું એને ઉંચકીને ચાલવા લાગતી. પણ મારી નાનકી મને સામેથી ધરપત આપતી કે, ‘અરે, મમ્મી તું થાકી જશે. મને નીચે ઉતારી દે. આપણે આ સંસ્થામાં સાંભળ્યું ને કે ‘નારી શક્તિ જિંદાબાદ’. તો ચાલ આપણે એ બોલતાં બોલતાં ત્યાં જઈએ’ ત્યારે મને મારી દીકરીની સમજદારી પર આશ્ચર્ય થતું, કે એને આવી સમજ કેવી રીતે પડી હશે?

જો કે માણસને તેના સંજોગો અને પરિસ્થિતી ઘણું શીખવી જતાં હોય છે. સંજોગોને કારણે જ માણસ મજબૂત પણ બનતો હોય છે. જવનિકાના કિસ્સામાં પણ એવું જ હતું. સંજોગોથી ઘડાયેલી અમારી દિકરી ખરેખર અમારો શ્રવણકુમાર જ છે.

અમારે ત્યાં આ એક શ્રવણકુમાર તો હતો જ ત્યાં અમને બીજા શ્રવણની પણ ભેટ મળી, જવનિકાનો જીવનસાથી નિશીથ! નિશીથ પણ અમારું એટલું ધ્યાન રાખે, જેટલું જવનિકા રાખે. નિશીથભાઈ અમારા જમાઈ ઓછા અને અમારા મિત્ર વધું. અત્યંત લાગણીશીલ એવા નિશીથ અમારી સંસ્થામાં જ્યારે પણ આવે ત્યારે સંસ્થાની શાળાનાં ગરીબ, વંચિત બાળકો પર ન્ચોચ્છાવર થઈ જાય અને અમને હંમેશાં કહે, 'જો જો, હું અને જવનિકા પાછલી ઉંમરમાં તમારી જોડે રહીને આદિવાસી બાળકો માટે કામ કરીશું.'

આમારા આ શ્રવણો માત્ર અમારું જ નહીં પરંતુ અમારા લક્ષ્યનું પણ જતન કરવાની નેમ ધરાવે છે. સચ્ચાઈ, નૈતિકતા, માણસાઈની ધરોહરને આગળ લઈ જવા માટે તત્પર એવા આ સમજદારીભર્યા બે શ્રવણ કુમારોથી અમે ધન્ય છીએ.
આ તો થઈ અમારા સંતાનોની વાત. પણ અમારે તો એવા અનેક શ્રવણો છે, જેમની વાતો કરત અમારી સંસ્થા ‘સંપર્ક’ની ‘સંપર્ક બુનિયાદી શાળા’ આદીવાસી બાળકો જોડે ગાંધીજીની નઈ તાલિમ શિક્ષણ પદ્ધતિ પર કાર્ય કરે છે. 1 થી 10 ધોરણ સુધીની આવાસીય શાળામાં હું પ્રિન્સીપલ છું. પરિણામે મજદૂરી માટે જતાં ગરીબ આદિવાસીઓનાં બાળકો અહીં ભણવા આવે છે.
આ બાળકો મને ભાભીસા કહીને જ બોલાવે. ઘરેથી શરૂઆતમાં જ્યારે તેઓ અમારી સંસ્થામાં આવે ત્યારે ઘણાં બાળકોના શરીરે ગૂમડાં, દરાજ, ચામડીના અન્ય રોગ વગેરે હોય. તે અમારાં શિક્ષકો અને અમે સાફ કરીએ, અને તેના પર મલમ લગાવીને તેના પર પાટાપિંડી કરીએ.

એક વખત એક ચોથા ધોરણનો બાળક રાજેશ મૈડા તેના ઘરેથી આવ્યો ત્યારથી જ તાવ લઈને આવેલો. અમે તેના તાવનું કારણ જાણવા પ્રયત્ન કર્યો તો અમને જાણવા મળ્યું કે તેના પગના અંગુઠામાં કંઈક વાગ્યું હતું, જે પાકીને પરુ થઈ ગયેલું, જેના કારણે બાળકથી ચલાતું પણ નહીં. મેં વોર્ડન બહેનની સહાયતાથી તેના ઘાવને સાફ કરવાનું શરું કર્યું,  તેના ઘાવ પર બાઝેલું પરુ મારે દબાવી દબાવીને સાફ કરવું પડ્યું, જેના કારણે છોકરો ચીસો પાડીને રડતો હતો.

અમે જેમતેમ કરીને ઘાવ સાફ કરી દવા લગાવી અને પાટો બાંધ્યો. ગોળી અને દવાની અસરથી બે દિવસમાં એને આરામ થયો અને રાજેશ હરતો ફરતો થઈ ગયો. એક દિવસ હું મારી ઓફિસમાં બેસીને કામ કરતી હતી ત્યારે રાજેશ ત્યાં આવ્યો અને મને કહે, 'ભાભીસા મારે તમને કંઈ કહેવું છે.' અને તેણે મને જે કહ્યું તે સાંભળીને મારી આંખમાં હરખનાં આંસુ આવી ગયાં. તેણે કહ્યું ‘ભાભીસા થે બુઢી થઈ જાહે તો મું દાકતર બની ને થારી સેવા કરુંગા, મું ખૂબ ભણુંગા’ તેના ભીલી ભાષાના લાગણીથી ભરપૂર શબ્દો મને અહેસાસ કરાવી ગયાં કે આ શાળાનાં બધાં જ એટલે કે 200 જેટલા બાળકો મારાં શ્રવણ કુમારો છે.

આ વર્ષે પણ શાળા સત્રનાં અંતમાં જ્યારે 10મા ધોરણના વિદ્યાર્થીઓને વિદાય આપવાનો કાર્યક્રમ હતો ત્યારે 10મા ધોરણની બધી છોકરીઓ જતાં જતાં મને કહીને ગઈ, 'ભાભીસા થું કાંય ભી ચિંતા ની કરતી અમું ભણીને પાછી થારી કને આવાંગી ને કદી દાકતર બની ગઈ તો થુ અમારી કને જ ઈલાજ કરાવજે.’ બોલો મિત્રો આ છે મારાં શ્રવણ કુમારો. શ્રવણ એક ભાવ છે. શ્રવણ કુમાર નામનાં પાત્રને જોવા માટે કદાચ બહુ વિશાળ દ્રષ્ટિની કદાચ આવશ્યકતા છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.