બસ, હું તને ચાહું છું
વહાલા સંકેત,
તને ભલે એમ હોય કે, તારા પપ્પા તને નાનીનાની વાતે વઢે છે અથવા તેઓ તને સમજતા નથી. પરંતુ મારા લિટલ ચેમ્પ હું તને પૂરેપૂરો સમજુ છું અને તને અત્યંત ચાહું પણ છું. અને તને વઢવા કે કેટલીક વાતોએ ટોકવા પાછળ પણ મારો તારા પ્રત્યેનો પ્રેમ જ જવાબદાર છે. બેટા, તે ક્યારેય જોયું છે કે, પપ્પા રસ્તે ચાલતા કોઈ માણસને વઢ્યાં હોય અથવા કોઈ અપરિચિત માણસ સાથે એમણે તકરાર કરી હોય? તને એવો એકેય દાખલો નહીં મળે. કારણ કે, તારા પપ્પાને એ બધા સાથે કોઈ લેવાદેવા નથી, એટલે સ્વાભાવિક જ પપ્પા એમની સાથે કોઈ ઉંડી વાતમાં ન પડે. પરંતુ તું તો પપ્પાનો દીકરો છે. પપ્પાએ તને એક ઉત્તમ માણસ અને દેશનો આદર્શ નાગરિક બનાવવો છે. એટલે ક્યારેક તું જાણ્યે અજાણ્યે કોઈક ભૂલ કરી બેસે એને સુધારવા માટે હું ઠપકો આપું છું. જોકે એક વાત એ પણ છે કે, ઠપકો આપવાની જગ્યાએ હું તને પ્રેમથી પણ સમજાવી શકું. પરંતુ કદાચ એ મારા સ્વભાવની નબળાઈ છે. તું તારા પિતાની આટલી નબળાઈ પણ નહીં ચલાવી લે?
મને ખબર છે કે, તને ભણવાનું બહું નથી ગમતું અને તારે મોટા થઈને ક્રિકેટર થવું છે. તું તારા દિવસનો મોટાભાગનો સમય ક્રિકેટ રમવા પાછળ જ ખર્ચે છે અને બાકીનો સમય તું ટેલીવિઝન જોવામાં કે, દોસ્તો સાથે રખડપટ્ટી કરવામાં પૂરો કરી દે છે. તારે જો ક્રિકેટર થવું હોય તો ક્રિકેટર જ બન. હું પણ તારો મેનેજર બનીને તારી સાથે દેશ-વિદેશમાં ટૂર કરીશ!
તારું કોઈ પણ સપનું એ માત્ર તારું નથી. પણ એ સપનું મારું અને મમ્મીનું પણ છે. એટલે આપણું એ સહિયારું સપનું હું નંદવવા તો નહીં જ દઉં. પણ દીકરા આટલા મોટા દેશમાંથી આપણી ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવું કંઈ સહેલું કામ નથી. ધારોકે તું ક્રિકેટર નહીં થઈ શક્યો તો? મારા લાડકવાયા તારા પપ્પા તને સુખી કરવા માટે તમામ પ્રયત્નો કરે છે પણ તોય આપણે એક કડવાં સત્યને ધ્યાનમાં રાખવાનું છે કે, આપણે આ દેશના મધ્યમવર્ગીય લોકો છીએ અને આ દેશમાં આપણા લલાટે કાળી મજૂરી કર્યા સિવાય બીજું કશું લખાયુ નથી. એટલે એવા સમયે જો તારી પાસે સારું ભણતર કે ઊંંચી ડિગ્રીઓ નહીં હોય તો ભવિષ્યમાં તારી સ્થિતિ અત્યંત કફોડી થઈ જશે. તું એ સત્ય કે પરિસ્થિતિથી અજાણ છે એટલે તને કદાચ એમ લાગે કે, પપ્પા ભણવાની વાતને લઈને નાહકનો કકળાટ કરે છે. પરંતુ દીકરા, તારો આ બાપ એ સ્થિતિને ભોગવી-અનુભવી ચૂક્યો છે. બાકી મારે પણ કળાના ક્ષેત્રમાં સારું નામ બનાવવું હતું!
આ ઉપરાંત મને તારી કેટલીક આદતો પસંદ નથી. પણ એનો અર્થ એ નથી કે મને તું પસંદ નથી. તું અઠવાડિયામાં અડધા દિવસ કૉલેજમાં બંક મારે છે અને જ્યારે તું કૉલેજ નથી જતો ત્યારે તું સવારે અગિયાર વાગ્યે ઊઠે છે! બેટા, તું સારામાં સારું ભણતર મેળવી શકે એ માટે હું રાત-દિવસ મહેનત કરું છું. અને તારા માટે થઈને જ હું દુનિયાભરની હાડમારીઓ વેઠું છું. તો એવા સમયે તું કૉલેજ નહીં જાય તો મને તારા પર ગુસ્સો કરવાનોય અધિકાર નથી? બીજું એ કે, સાંજના સમયે તું મોડે સુધી ઘરની બહાર તારા મિત્રો સાથે ફરે છે અને મોટાભાગે તું ઘરનો ખોરાક જમતો નથી. તારી આ ઉંમર ફરવાની જ છે અને હું એ ચોક્કસપણે માનું છું કે તારે માત્ર આપણા શહેરમાં જ નહીં પણ આ ઉંમરે દેશના અન્ય સ્થળોએ પણ ફરી આવવું જોઈએ. પણ દીકરા માણસ તરીકે આપણે તામમ કામ અમુક ચોક્કસ હદમાં રહીને જ કરવા જોઈએ. આપણે જ્યારે હદ વટાવી જઈએ છીએ ત્યારે એ બાબત આપણા માટે મુશ્કેલઓ ઊભી કરે છે. અને તારા જીવનનું બીજું સત્ય એ પણ છે કે, તારી આ ઉંમરમાં ફરવાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ નવું નવું શીખવાનું અને કંઈક અર્થસભર કામ કરવાનું પણ છે.
તું અમારું એકમાત્ર સંતાન છે એટલે અમારા બંનેની તારી પાસે અત્યંત અપેક્ષાઓ છે. જોકે અમારી અપેક્ષાઓ એવી પણ નથી કે, તું મોટો ડૉક્ટર, વકીલ કે એન્જિનિયર બને. અથવા દિવસભર ઘરમાં બેસી રહીને આખો દિવસ અમારું કહેલું જ કરે. અમે તો માત્ર એટલું જ ચાહીએ છીએ કે, તું શિસ્તબદ્ધ જીવન જીવે, જીવનમાં તારા ધારેલા ક્ષેત્રમાં ઉત્તમ કામ કરે તેમજ વિશ્વનું તમામ સુખ તને સાંપડે! તારી પાસે મારી અપેક્ષા માત્ર એટલી જ કે તું જીવનને થોડું ગંભીરતાથી લે અને કેટલીક બાબતોમાં સજાગતાથી નિર્ણય લે.
મેં તારામાં અઢળક ક્ષમતાઓ જોઈ છે. તારી ગ્રહણ શક્તિ પણ અદ્દભુત છે. તું જો તારી શક્તિઓને યોગ્ય દિશામાં વાળે તો તને પોતાને પણ ખ્યાલ નથી એવી બાબતો તું આસાનીથી કરી શકે એમ છે. એ દિશામાં કામ કરવા માટે બસ માત્ર જરૂર છે થોડી ધીરજની, થોડી મહેનતની અને અને તારી પોતાની જાતમાં ઘણી બધી શ્રદ્ધાની! એટલું તો તું આરામથી કરી શકીશ. તો દીકરા, તારા મનમાં મારા માટે જે થોડાઘણી શંકા છે એને દૂર કરી દે. તારા પપ્પાને તારી સામે જરાય વિરોધ નથી. વિરોધ છે માત્ર તારી કેટલીક આદતો સામે. હું તો બસ તને ચાહું છું. બસ, બીજું કંઈ જ નહીં.
તારા પિતા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર