જેમની આંખોમાં સમજણનાં જોયા મેં ભાવ

21 May, 2015
12:00 AM

mamta ashok

PC:

શ્રવણ એ એક એવું આદર્શ પાત્ર છે, જે માતા-પિતાને માટે આધારરૂપ પુરવાર થાય છે. શ્રવણના સમર્પણની ઊંચાઈ આજના યુગમાં આંબવી મુશ્કેલ છે. પરંતુ ભારતીયતાનું વહેણ હજુ પણ આપણા લોહીમાં મૌજૂદ છે અને તેથી નિત્યનવીન રૂપે શ્રવણ પોતાનું અસ્તિત્વ જાણે કે પુરવાર કરતો જ રહે છે.

બે પુત્રોની માતા થવાનું સદ્દભાગ્ય મને મળ્યું છે અને મારા પુત્રોમાં શ્રવણની ઝલક પણ મને દેખાઈ છે. વળી અધ્યાપક હોવાને નાતે મારા વિદ્યાર્થીઓમાં પણ મને એકથી વધારે વાર શ્રવણ મળ્યા છે, જેની વાત અહીં કરવાનું મને ગમશે.

મારા દીકરા રોહન અને સૌરભ નાના હતા ત્યારની વાત છે. મારું એવું છે કે તાવ જેવી કોઈ માંદગી આવે ત્યારે હું ખૂબ અશક્ત થઈ જાઉં. કુંવારી હતી ત્યારે તો માંદગી દરિમયાન હું કંઈ જ કરી શકતી નહીં પણ લગ્ન પછી જવાબદારી વધે તેથી થોડું થોડું કામ કરી લેતી. એકવાર એવું બન્યું કે મારા સાસુ-સસરા અમારે નોકરીમાં વેકેશન હોવાથી વતન ગયેલા, મારા પતિ જયકર કંઈક કામ માટે સુરત ગયેલા અને બંને દીકરાઓ સાથે બારડોલીમાં હું એકલી જ. તે દિવસે મને તાવ હતો. રોહન છએક વર્ષનો અને સૌરભ તેનાથી ત્રણ વર્ષ નાનો. સૌરભને હજી નવડાવવો પડે પણ તે દિવસે મને એ કામ આકરું લાગતું હતું. મોટા દીકરા રોહનને મારી સ્થિતિનો ખ્યાલ આવ્યો અને તેણે સૌરભને સ્નાન કરાવવાનું બીડું ઝડપી લીધું. સામાન્ય રીતે મને પજવતા સૌરભે પણ ભાઈને સરસ સહકાર આપ્યો. પછી તો બીજા પણ નાના-નાના કામ રોહને કરી નાખ્યા. તે દિવસે રોહન તેની નાની વયે પણ મારા માટે શ્રવણ બની રહ્યો.

ઘણીવાર એવું બનતું કે કામના દબાણ વચ્ચે સંયુક્ત કુટુંબમાં સૌનો સ્વભાવ સાચવવાને કારણે હું અકળાઈ જાઉં. એવી વખતે રોહનની આંખોમાં તે મને સમજે છે એવો ભાવ મેં જોયો છે. સ્નેહનો તંતુ ઉંમર કે પરિપક્વતાને અતિક્રમી જાય છે એવું મેં મારા બંને પુત્રોની મારે માટેની કાળજીમાં જોયું છે. સામાન્યતઃ માતાએ બાળકના સ્વભાવને સમજવાનો હોય છે, પણ ક્યારેક ઊલટી ગંગા પણ વહે છે.

મારા પતિ જયકરને રાત્રે વહેલા સૂઈ જવાની ટેવ. તેથી રોહન-સૌરભ તેમનું લેસન કે વાંચન કરતા હોય અને હું મારું વાચન-લેખન કરતી હોઉં એવું દૃશ્ય રાત્રે અમારા દીવાનખંડમાં જોવા મળે. મારી લખેલી રચના હું એ લોકોને વાંચી સંભળાવું તે તેઓ બરાબર ઝીલે. તેનો અર્થ યથાતથ સમજતાં બંનેને જોઉં ત્યારે પણ તેમની સમજશક્તિ વિશે ભારે આશ્ચર્ય થાય. એવા સંજોગોમાં પણ તેઓ મને ‘શ્રવણ’ અનુભવાયા છે.

આવી તો કંઈક નાની-નાની સ્મરણકણિકાઓનો મોટો કાફલો મૂકીને રોહન તો સત્તરમે વર્ષે આ સંસારની પેલે પાર ચાલ્યો ગયો પણ સૌરભમાં સંગોપાઈ ગયેલો તેનો ધબકાર આજે પણ હું સૌરભની નાનાવિધ ચેષ્ટાઓ દ્વારા અનુભવી શકું છું. ‘ટુ ઈન વન’ની જેમ સૌરભ હવે બંનેની ગરજ સારે છે. પહેલા અમારા બહારના નાના-મોટા કામ રોહન કરી આપતો. સૌરભ નાનો હોવાથી અમે તેને કોઈ કામ સોંપતા નહીં. પણ હવે એ બધા કામ સૌરભ કરતો થઈ ગયો છે.

બાઈક પર અકસ્માતને કારણે મૃત્યુ પામેલા રોહનના ગયા પછી સૌરભે એક સમજ સાથે હજી સુધી બાઈકની માગણી કરી નથી. રોહનને દસમા ધોરણમાં લઈ આપેલું મોપેડને આઠ વર્ષ થયા, જે સૌરભ વાપરે છે. આ સાથે એ પણ એટલું જ સાચું છે કે અમે કોઈ વાહન ભયથી ગ્રસિત નથી. જયકર અને સૌરભ બંને કાર ચલાવે છે. સૌરભ મને કારમાં લઈ જાય છે, ત્યારે શ્રવણ કાવડમાં લઈ જતો હોય એવી લાગણી થાય છે.

આ વાતને અહીં જ અટકાવી મારા વિદ્યાર્થીઓ ભણી નજર નાખું છું તો, સૌ પ્રથમ તો હું ભણાવું છું ત્યારે વિદ્યાર્થીઓની આંખોમાં દેખાતો મારા પરની શ્રદ્ધામાં હું શ્રવણનો પ્રેમ જોઉં છું. મારા બોલવામાં રણકો આવે છે તેમના સકારાત્મક પ્રતિભાવથી! આને કારણે જ વર્ગમાંથી જ્યારે હું નીકળું છું ત્યારે તેમને કંઈક આપવાની સાથે તેમની પાસેથી કંઈક લઈને પણ હું નીકળું છું. આ સંદર્ભે મારી વિદ્યાર્થીનીઓ પણ શ્રવણની જેમ જ મારી કાવડ ઊપાડે છે.

હું કૉલેજમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરાવું છું ત્યારે મારા વિદ્યાર્થીઓ હંમેશાં મારો ટેકો બની રહે છે. મને યાદ આવે છે આજથી પચ્ચીસ વર્ષ પહેલાનો સમય જ્યારે અંતરિયાળ વિસ્તારમાં આવેલી માંડવી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા પછી હું સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરાવતી હતી. વિદ્યાર્થીઓને લઈને હું સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ગયેલી. અધ્યાપકોમાં હું એકલી જ હતી. જુદી જુદી ચાર ઈવેન્ટ્સમાં અમે ભાગ લીધેલો. તે વખતે યુનિવર્સિટી જમવા માટેનો ખર્ચ રોકડમાં આપતી અને અનુકૂળતા પ્રમાણે વિદ્યાર્થીઓને જમાડી દેવાના. માંડવીથી નીકળ્યાં બાદ અમે સવારે નવ વાગ્યે સુરત પહોંચ્યા. ત્યાં મૂકેલ ચા-બિસ્કીટનો નાસ્તો કરાવ્યા પછી અમે બાર વાગ્યે જમવાનું વિચાર્યું, મને ખ્યાલ ન રહ્યો કે હસ્તકલાની સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થી 10 વાગ્યાથી ચાર કલાક સુધી રોકાઈ રહેશે અને તેને જમવાનું મોડું થઈ જશે. વળી, હસ્તકલામાં મહેનત પણ હોય. બીજા વિદ્યાર્થીઓનો સ્પર્ધામાં ક્રમ આવી ગયા પછી તેમને જમવા લઈ ગઈ ત્યારે મને આ ખ્યાલ આવ્યો. મારી અપરિપક્વતાને કારણે તે વિદ્યાર્થીને તકલીફ પહોંચી. એક પાઠ હું શીખી.

ઈતર પ્રવૃત્તિ કરાવતા હોઈએ ત્યારે જવાબદાર વિદ્યાર્થી અધ્યાપકની ગરજ સારે છે. નજીકના ભૂતકાળમાં મેહુલ રાણા નામનો એમ.કોમ.નો વિદ્યાર્થી હાર્મોનિયમ સરસ વગાડે. તે સૌથી પહેલા પ્રેક્ટીસમાં આવી જાય, સંગીતના સાધનો ગોઠવી દે, શેતરંજી પાથરી દે. તેની નિષ્ઠાની અસર બીજા વિદ્યાર્થીઓ પર પણ થાય અને એમ સારું વાતાવરણ બંધાય. વળી કૃતિ લઈને બહારગામ જવાનું હોય એવા ટાણે વાહનમાં જતા હોઈએ ત્યારે પણ મેહુલ બીજા વાદ્યકારો સાથે સંગીતની બારીકીની વાતો કરે અને તેમાંથી શીખે. એકવાર તો અમારે સ્પર્ધા માટે વડોદરા જવાનું હતું અને એ જ દિવસે મારે બીજા સ્થળે સાહિત્યના કાર્યક્રમ માટે જવાનું હતું. આથી હું ભારે અવઢવમાં પડી હતી. પરંતુ મેહુલે આ મૂંઝવણમાંથી રસ્તો કાઢ્યો અને સમુહગીતની ટીમને મેહુલ વડોદરા લઈ ગયો. મારા વિદ્યાર્થીઓએ ત્યાં કૃતિ પ્રસ્તુત તો કરી જ, પરંતુ તેઓ પારિતોષિક પણ લઈ આવ્યા અને અમારી કૉલેજને ગૌવર અપાવ્યું.

આવા વિદ્યાર્થીઓ આધુનિક શ્રવણ બનતા હોય છે, મને જીવનમાં આવા શ્રવણ મેળવી શક્યાનો આનંદ અને સંતોષ છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.