જીવનની લીલાશ એટલે સંતાનો
આપણા જ સંતાનોની વાત કરવાની હોય ત્યારે સૌથી પહેલા સંયમ ખૂબ રાખવો પડતો હોય છે કારણ કે, આપણા પોતાની લઘુઆવૃત્તિ કહી શકાય અને જગતમાં આપણને સૌથી પ્રિય લોકોમાંના જ એક ગણી શકાય એવા સંતાનો વિશે બોલવામાં કે લખવામાં સંતાનો ઘણીવાર અતિકરી નાંખતા હોય છે. મેં ઘણા એવા લોકોનેય જોયાં છે, જે લોકો એમના સંતાનોમાં કોઇ ભલીવાર ન હોવા છતાં કે, સંતાનો સાવ વંઠઈ ગયેલા હોવા છતાં બિચારાઓ એમના સંતાનના વખાણ કરવામાંથી ઉંચા નથી આવતા. આખરે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થોડું થાય?
હવે મારા સંતાનોની વાત પર આવું. સંતાનો અમારા જીવનમાં આવ્યા પછી જાણે રાતોરાત અમારા જીવનનો અર્થ બદલાઈ ગયો. અમારું બધું ધ્યાન અમે સંતાનોમાં કેન્દ્રિત કર્યું. લગ્ન કર્યાના ચાર વર્ષમાં અમારે ત્યાં એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનોનો જન્મ થઈ ચૂક્યો હતો, જેને કારણે લગ્નના પહેલા વર્ષ પછી સંતાનોમાં રમમાણ થઈ ગયા હતા. અમારા ઘરની સ્થિતિ આમ સામાન્ય કહી શકાય એવી હતી, પરંતુ સંતાનોનું ભવિષ્ય બને અને એમના શિક્ષણ કે અન્ય કોઇ બાબતમાં કચાશ નહીં રહે એનું અમે પૂરું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. એમના પપ્પા તો નોકરી કરતા જ હતા, પરંતુ એમના ઉછેરને કારણે હું નોકરી કરી શકી ન હતી. વળી, મારી બી.એની ડિગ્રી મને ઝાઝું વળતર અપાવી શકે એવું ન હતું એટલે મારી દીકરી એટલે કે, મારું બીજું સંતાન સહેજ મોટું થયું એટલે મેં ગૃહઉદ્યોગ શરૂ કર્યો, જેમાંથી થતી આવકમાંથી મેં બંને સંતાનો માટે બેંકમાં ખાતા ખોલાવ્યા.
સંતાનો અમારા સમજું પણ ખરા અને મસ્તીખોર પણ ખરા. બાળક સહજ એમની મસ્તી સતત ચાલું જ હોય, જેને કારણે અમારું ઘર હંમેશાં હર્યુંભર્યું રહેવા માંડ્યું, પણ આમ પાછા અમારા સંતાનો અત્યંત સમજુ, જેમને એમના માતા-પિતાના સંઘર્ષ વિશે સુપેરે ખ્યાલ હતો, જેને કારણે તેઓ ભણતરની બાબતમાં હંમેશાં અવ્વલ રહ્યા અને નાહકના ખર્ચાની બાબતે તેઓ હંમેશાં પાછળ રહ્યા. અને આઠ-દસ વર્ષના થયાં પછી તો એમણે અમારા ઘરના કામોમાં પણ મદદ કરવી શરૂ કરી દીધી અને બજારમાંથી આવું-તેવું કંઈક લાવવાનું હોય તો એય લઈ આવે અને નજીકનો જ કોઇ ઓર્ડર હોય તો એ આપી આવે!
સંતાનોને કારણે અમારા પતિ-પત્નીમાં પણ પ્રેમ ખૂબ રહેવા માંડ્યો અને પરિવાર તરીકે અમે શ્રેષ્ઠ જીવન જીવવા માંડ્યાં, જેને કારણે જીવનમાં નાના-મોટા આર્થિક સંકટ આવી પડે ત્યારે કે, કોઇ સંબંધીઓ દ્વારા નાહકનો ક્લેશ ઊભો કરવામાં આવે ત્યારે પણ ખૂબ આનંદથી રહી શક્યા અને એકબીજાનો વિચાર કરી એકબીજામાં ઓતપ્રોત જીવન જીવી શક્યા. સંતાનો કદાચ ન હોત તો જીવનના અનેક ઝંઝાવાતોમાં ટકી શકાયું ન હોત. કારણ કે, જ્યારે જ્યારે ઝંઝાવાત આવ્યા છે, ત્યારે જીવનમાં તૂટી જવાની ક્ષણ પણ આવી છે. પરંતુ જ્યારે પણ તૂટી જવાની ક્ષણ આવી છે ત્યારે માત્ર સંતાનોના વિચારને કારણે તૂટી શકાયું નથી અમે અમારી કરોડરજ્જુ મજબૂત કરીને ફરી ટટ્ટાર ઊભા રહ્યા છે!
હવે તો અમારા સંતાનો ઘણા મોટા થઈ ગયા છે અને એમણે એમનો કૉલેજનો અભ્યાસ શરૂ કર્યો છે. મારો ગૃહઉદ્યોગ એટલો વિકસી ગયો છે કે, મારા પતિએ પણ એમની નોકરી છોડીને ઘરના બિઝનેસમાં ધ્યાન આપવું પડે છે. તો મેનેજમેન્ટના ક્ષેત્રમાં અભ્યાસ કરતા સંતાનોએ પણ પાછલા બે-ત્રણ વર્ષોમાં અમારા ઉદ્યોગને એક બ્રાન્ડ તરીકે ઊભું કરીને ઓનલાઈન વેચાણ શરૂ કરી દીધું છે. જે વસ્તુઓ વેચવા માટે મારે ઘણીવાર પસીનો છૂટી જતો એ વસ્તુઓ હવે મારી તરત ઉપડી જાય છે અને બે બાઈઓ રાખીને મારું રસોડું સતત ધમધમતું રાખવું પડે છે. આ પ્રગતિ પણ અમારા સંતાનોને જ આભારી છે, જેઓ હવે એમ કહી રહ્યા છે કે, ભણી રહ્યા પછી તેઓ એમનું પૂરું ધ્યાન આ બિઝનેસમાં જ આપશે અને શહેરભરમાં વિવિધ પ્રોડક્ટ્સ સાથેની અમારી ચેઈન ઊભી કરશે. મારે તો હવે એમને આ માટે આશીર્વાદ જ આપવાના છે અને તેઓ જે દિશામાં આગળ વધવા માગે એમાં પ્રોત્સાહન આપવાનું છે. ભગવાનની કૃપાથી એમના બિઝનેસ પ્લાનમાં જે થોડુંઘણું રોકાણ જોઈએ છે એ પણ ઉપલબ્ધ છે એટલે હવે મારે માત્ર મારા સંતાનોને ઉડાન ભરતા જ જોવાનું છે. ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે, એ મારા સંતાનોને સફળતા બક્ષે.
(હેતલ કાનાણી, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર