સંતાનોઃ જીવનનું બળ, જીવનનો ઉમંગ

14 Apr, 2016
12:00 AM

mamta ashok

PC:

માણસ જાત પ્રેમ કરવાનું ભૂલે નહીં અને જીવનમાં એની શ્રદ્ધા ટકી રહે એ માટે જ કદાચ ઈશ્વર માણસ જાતને સંતાનની ભેટ આપતો હશે અને માતાપિતા બનવાની તક આપતો હશે. કારણ કે એક નાનકડા જીવન દરમિયાન પણ માણસે એના એટલી બધી પરેશાનીઓ, હાડમારીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે કે, જો કોઈક કાચી ક્ષણે એ એની જાતમાંથી કે જીવનમાંથી શ્રદ્ધા ગુમાવી બેસે તો એ આપઘાત કરીને જીવન ટૂંકાવી શકે છે પણ સંતાનોના આગમન પછી જીવનની કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ માણસ ટકી જાય છે અને કોઈ પણ હિસાબે એનું જીવન જીવે છે. સંતાનો જીવનનું બળ પણ હોય છે અને તેઓ જ આપણું ફ્યુઅલ પણ હોય છે, જેમની સાથે અને એમના માટે જીવવાની મજા જ કંઈક ઓર હોય છે.

મારાં લગ્ન થયાં પછી તરત હું મારી પત્નીને લઈને ગામડેથી લઈને સુરત આવી ગયેલો. કામ કશું હતું અને ભણતર પણ ઝાઝું હતું નહીં એટલે હીરાની એક ફર્મમાં હીરા ઘસવાનું શરૂ કર્યું અને આ રીતે હાલકડોલક અમારો સંસાર શરૂ કર્યો. પત્નીની તો હાલત મારા કરતાંય ખરાબ હતી, જ્યાં એના માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા. જોકે, મારાં લગ્ન થયેલાં ત્યારથી મને એવી ઇચ્છા હતી કે હું મારી પત્નીને થોડુંઘણું ભણાવું, જેથી એને થોડુંઘણું વાંચતાં-લખતાં કે નાના-મોટાં હિસાબ કરતાં આવડે. જોકે, મારી નવી નોકરીના કામના કલાકો ઘણા વધુ હોવાને કારણે શરૂઆતના સમયમાં હું એવું નહીં કરી શકેલો. વળી, લગ્ન બાદનાં ચારેક વર્ષના ગાળામાં અમારે ત્યાં અમી અને પાર્થ નામનાં બે સંતાનોનો જન્મ થયો એટલે હું અને મારી પત્ની અમારા સંસારમાં ગળાડૂબ થઈ ગયાં.

સંતાનોનો જન્મ થવાને કારણે અમારા ઘરે આનંદ અને ખુશીનો માહોલ તો રહેતો પરંતુ એ સાથે જ રાતોની ઊંઘ ઉડાવી દે એવાં કેટલાંક સત્યો પણ અમારી આંખ આગળ રહેતા. જેવા કે મહિનાની સાતમી તારીખ થઈ ગઈ છે અને હજુ મારો પગાર નથી થયો પણ આવતી કાલે સવારે મકાનમાલિક ભાડું લેવા આવશે તો એમને શું જવાબ આપીશું? દાણા-પાણીવાળાને હજુ ગયાના ગયા મહિનાના થોડા પૈસા આપવાના બાકી છે, ત્યાં ઘરમાં ખાંડ સમૂળગી પૂરી થઈ છે કે વાટલો સમ ખાવા પૂરતોય નથી બચ્યો તો એ આ મહિને ઉઘાર માલ આપશે કે નહીં? અથવા નાનકડા પાર્થની તબિયત આજકાલ સારી નથી રહેતી અને સરકારી સ્વાસ્થ્ય સુવિધા પર અમને લગીરેય વિશ્વાસ નથી એટલે પ્રાઇવેટ દવાખાને જ જવું પડશે. તો એ ડૉક્ટરની ફી અને એણે લખી આપેલી દવાઓ આ મહિનાના પગારમાં મોટું ગાબડું પાડશે તો? આ ઉપરાંત એક ઓરડીના અમારા ઘરમાં બીજાઓની જેમ ટીવી નથી, બેસવા માટે સરખી સુવિધા નથી, બાળકોને ઊંઘવા માટે સરખા ગાદલાં નથી કે એમણે બીજાનાં કપડાં પહેરવા પડે છે. એવા તો કંઈ કેટલા પ્રશ્નો નાગની જેમ ફેણ કાઢીને અમારી ઉપર મંડરાતા રહેતા, જેના અમારી પાસે કોઈ જવાબો ન હતા. અમારી પાસે હતો બસ અમારો વર્તમાન, જે અમારે જીવવાનો હતો અને એ જિવ્યા સિવાય અમારી પાસે કોઈ છૂટકો પણ ન હતો.

જીવનના આવા સંઘર્ષભર્યા સમયમાં અમારી પાસે સંતાનોને આપવા માટે પ્રેમ સિવાય બીજું કશું જ ન હતું પરંતુ સંતાનો પ્રેમની બાબતે અમને પણ ટપી ગયા અને એમણે અમને એટલો બધો પ્રેમ અને સ્નેહ આપ્યાં કે અમારા પતિ-પત્નીના સંઘર્ષના સમયમાં એમના એ પ્રેમ અને સ્નેહને કારણે જ અમે ટકી શકયા અને ટકવાની વાત તો દૂર રહી એ પ્રેમને કારણે જ અમને જીવવાનું બળ મળતું રહ્યું અને જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળતી રહી. એક વાર તો જીવનમાં એવો પણ સમય આવ્યો છે કે, અમારા ક્ષેત્રમાં ભયંકર મંદી આવી અને હીરાની કંપનીઓમાં કામ કરતાં અમારા જેવા અનેક કર્મચારીઓએ ઘરે બેસવાનો વારો આવ્યો.

લાગલગાટ ત્રણથી ચાર મહિના સુધી મારી પાસે કોઈ જ કામ ન હતું અને ઘર ચલાવવાની વાત તો દૂર એક ટંકના રોટલાના પણ વાંધા પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. જીવનમાં ખાવાના પણ ફાંફાં પડે એવો સમય ક્યારેય જોવા નહોતો મળ્યો એટલે એ સમયમાં અમે એટલા તો નાસીપાસ થઈ ગયાં હતાં કે એક સમયે અમે બધાએ અત્મહત્યા કરવાનું વિચારી લીધેલું. પરંતુ આવા સમયમાં પણ અમે સંતાનોના ચહેરા તરફ જોતાં ત્યારે અમને કંઈક વિશિષ્ટ શાંતિ મળતી અને આ સમય પણ વીતી જશે એવું વિચારીને અમે અમારી બેકારીને માણતા.

ભગવાનની મહેરબાનીથી એ દિવસોમાં મારા જેવા માણસને પણ ઉછીના પૈસા આપવા વાળા મળી રહેલા, જે પૈસાથી મેં અને મારી પત્નીએ નાસ્તાની લારી શરૂ કરેલી અને કંઈક એ રીતે અમારો રોજીરોટીનો રસ્તો કાઢેલો. જોવા જેવું એ થયું કે, અમે જે વિસ્તારમાં નાસ્તાની લારી શરૂ કરેલી એ વિસ્તારમાં એ પહેલાં સવારે નાસ્તા માટે બીજી કોઈ લારી નહોતી એટલે અમારા આશ્ચર્ય વચ્ચે એ લારી ચાલવા માંડી અને એકાદ વર્ષ પછી તો એવી સ્થિતિ થઈ કે, હું હીરાના કારખાનામાં કમાતો એના કરતાં અમને લારી પર વધુ કમાણી થવા માંડી. અલબત્ત, આ કામમાં મહેનત ખૂબ એટલે ખૂબ જ પડતી હતી. એના માટે અમારે મળસકે 4.00 વાગ્યાથી ઊઠીને તૈયારી કરવી પડતી હતી તો સાંજે રોજ બજારમાં જઈને જાતજાતની ખરીદી કરવી પડતી પણ જ્યાં આવકનું માધ્યમ આવું સરસ હોય ત્યાં અમને મહેનત કરવામાં કોઈ વાંધો ન હતો એટલે અમે બંને પતિ-પત્ની સવારથી કામ પર મચી પડતાં અને રાત સુધી કમ્મરતોડ મહેનત કરતા.

અમારા જીવનના બીજા તબક્કામાં અમારા ભાગે મહેનત કરવાની ઘણી આવી પરંતુ આ તબક્કામાં અમારે આર્થિક રીતે કોઈ સંઘર્ષ નહીં કરવો, જેના કારણે અમારું જીવન ઘણું સરળ રહ્યું અને મોટા ઘરથી લઈને ઘરમાંની સારી વસ્તુઓ સુધીની અનેક ખરીદી કરીને જીવનધોરણ ઘણું સુધારી શક્યાં. આ સાથે જ અમી અને પાર્થને ઉત્તમ શિક્ષણ આપવાની સાથે એમની તમામ જરૂરિયાતો પણ પૂરી કરી. એ વાતનો અમને ઘણો ગર્વ છે પરંતુ આજે અમે જે કંઈ પણ છીએ એની પાછળ અમારાં સંતાનોનો ઘણો મહત્ત્વનો ફાળો રહ્યો છે. કારણ કે એક તબક્કે અમે જીવન જીવવાની આશા ખોઈ બેઠાં હતાં અને મરવાનો સુધ્ધાં વિચાર કરી નાંખ્યો હતો. પરંતુ સંતાનોને કારણે અમે એમ નહોતાં કરી શક્યાં. છેલ્લી ઘડીએ અમને બંનેને એક જ સવાલ થયેલો કે, આપણાં સંતાનો ક્યારેય આપણને અરજી કરવા નહોતાં આવ્યાં કે, અમે એમને આ દુનિયા લાવીએ. અમે અમારી મરજીથી એમને અહીં જન્મ આપ્યો હતો. પરંતુ જન્મ બાદ એમનો જીવ લઈ લેવાનો કોઈ અધિકાર નથી. આ એક માત્ર કારણને કારણે અમે મરવાનો વિચાર માંડી વાળેલો અમે અમારા જીવનનો નવો અધ્યાય શરૂ કરેલો.

(અજીત માવણી, સુરત)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.