દીકરીના જન્મ દિવસે પિતાનો પત્ર

08 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

મારી વ્હાલસોઈ દીકરી,

આજે તું ત્રીસ વર્ષની થઈ ગઈ? મને તો વિશ્વાસ પણ નથી બેસતો. હજુ હમણાં જ તો તારા જન્મના સમાચાર સાંભળીને રઘવાયો થઈને હું દોડ્યો હતો અને હજી હમણાં જ તો તારા હાથની નાની નાની આંગળીઓનો સ્પર્શ કરીને હું રોમાંચિત થયો હતો! તારા પિતા તરીકે તને કરેલા એ પહેલા સ્પર્શનો રોમાંચ તો હજુય એનો એ જ છે, પણ વચ્ચેના આ ત્રણ દાયકા ક્યારે વીતી ગયા એની કોઈ સરત જ ના રહી! આ પરથી તો હું એટલું જ કહી શકું કે, દીકરીનો બાપ સમયની બધી વ્યાખ્યાઓથી પરે હોય છે. કારણ કે, દીકરીના પ્રેમમાં છબછબિયાં કરતા સમય ક્યારે નીકળી જાય છે એનું પિતાને કોઈ ભાન નથી રહેતું.

ખૈર, આજે તારો જન્મ દિવસ છે એટલે તને કાગળ લખવાનું મન થયું. વ્હોટ્સ એપના આ જમાનામાં કાગળ લખવું કોઈને વિયર્ડ લાગી શકે છે. પરંતુ મારા માટે તો આજે પણ પત્રનું આ માધ્યમ અભિવ્યક્તિનું શ્રેષ્ઠ માધ્યમ છે. એટલે જ વ્હોટ્સ એપ પર ‘હેપી બર્થ ડે માય ડૉલ’ લખીને, કે બર્થ ડે કેકનું એક ઈમોજી મૂકવાની જગ્યાએ હું આ પત્ર લખી રહ્યો છું.

તું પરણીને ભલે ઠરીઠામ થઈ ગઈ હોય કે, ઉંમરમાં ઘણી મોટી થઈ ગઈ હોય. પરંતુ મારા હ્રદયમાં તો હજુ તારા નાનપણની એ જ છબી જડાયેલી છે, જ્યાં તું નાનુ અમસ્તુ ફ્રોક પહેરીને અને માથે પોની ટેઈલ બાંધીને આમથી તેમ કૂદાકૂદ કરતી! અરે, હજુ આજે પણ જ્યારે ઓફિસથી આવીને ઘરનો દરવાજો ખટખટાવું છું ત્યારે મારા કાનમાં, ‘મારા પપ્પા આવ્યા… હોય હોય… મારા પપ્પા આવ્યા… હોય હોય…’ની બૂમોનો ગુંજારવ થાય છે. આવો આભાસ થાય છે ત્યારે ભૂલી જવાય છે કે, તું હવે મોટી થઈને પરણી ગઈ છે અને હું પણ હવે તો રિટાયર્ડ થવાનો!

મારા બે સંતાનોમાં મને તારા માટે હંમેશાં સોફ્ટકોર્નર રહ્યો છે. જોકે એનો અર્થ એ નથી થતો કે, હું ભાઈને અવગણું છું. પરંતુ જગતનું એ સત્ય છે કે, પૃથ્વી પરના દરેક બાપને એની પુત્રી માટે સોફ્ટકોર્નર હોય છે! તારા જન્મ વખતે બાએ સાચું જ કહેલું કે, ‘આપણા ઘરમાં લક્ષ્મીના પગલાં પડ્યાં છે!’ આમ તો મિરેકલ્સમાં હું બહું માનતો નથી, પરંતુ ક્યારેક મને એવું લાગે છે કે, મેં મારા વ્યક્તિગત જીવનમાં જે કોઈ પ્રગતિ કરી છે એ તારા પગલે જ કરી છે.

તારી સાથે વીતાવેલો શ્રેષ્ઠ સમય યાદ કરું છું તો મને તારા ભણતરના વર્ષો જ યાદ આવે છે. રોજ સાંજે ઓફિસેથી આવું પછી હું તને ભણવા બેસાડતો. પહેલા મેં તને અક્ષરો શીખવીને ભાષા શીખવી અને પછી આંકડા શીખવીને ગણિત શીખવ્યું. પછી તો તું જેમ મોટી થઈ એમ નવા નવા વિષયો આવતા ગયા અને આપણા બાપ-દીકરીની જુગલબંધી ભણતરમાં અવનવા આવિષ્કારો કરતા ગયા. વળી, આપણા બંનેના સ્વભાવ એક સરખા અને હું જેટલો જિદ્દી એટલી જ તું પણ જિદ્દી એટલે ક્યારેક તને ભણાવતી વખતે આપણી વચ્ચે ઘર્ષણ થઈ જતું અને મારે તને ખિજવાવું પડતું. જોકે તને એ ખબર નહીં હોય કે, જ્યારે પણ હું તને ખિજવાયો છું ત્યારે મારાથી ગભરાઈને તું ભલે રડી હોય, પરંતુ ઉઝરડા તો મને પડ્યાં છે! તારી આંખોના પાણીએ મારા હ્રદયને અનેક વાર ભીંજવ્યું છે!

જોકે તેં તારા નાનપણના દિવસો મારા કરતા તારા દાદા સાથે વધુ વીતાવ્યાં છે. પોતાની લાડકી પૌત્રીની નાનામાં નાની જરૂરિયાતને પૂરી કરવા માટે દાદાને મથામણ કરતો જોતો ત્યારે મને થતું કે, મારા પિતાએ અમને ત્રણ ભાઈઓને કરેલા પ્રેમનો સરવાળો કરી દઉં તો પણ એમના તારા પ્રત્યેના પ્રેમની લગોલગ એ પ્રેમ ન આવે. જોકે મુદ્દલ કરતા વ્યાજ શું કામ વહાલું હોય છે એ હવે મને તારા દીકરા દૈવિકને રમાડતી વખતે સમજાઈ રહ્યું છે.

પુરુષ બહુ લાગણીશીલ નથી હોતા એ વાત સાચી જ છે. હું પણ પહેલા આજ જેટલો લાગણીશીલ ન હતો. પરંતુ એ વાત પણ એટલી જ સાચી કે દીકરીના પિતા બન્યાં પછી પુરુષ નામના વૃક્ષને પણ લાગણીઓની કુંપળ ફૂટતી હોય છે. એટલે જ તો તું જ્યારે પહેલી વાર ઘરથી દૂર ભણવા ગઈ ત્યારે બહારથી ભલે હું એમ બતાવતો હોઉં કે મને કંઈ પડી નથી, પરંતુ મને સતત તારી ચિંતા રહેતી અને આવડા મોટા શહેરમાં તને કંઈક થઈ ન જાય તો સારું અથવા તું ક્યાંક ભૂલી તો નહીં પડી જાય એવું વિચારીને હું ફફડતો રહેતો.

જોકે આમ તો પાછા આપણે બંને બાપ-દીકરી અત્યંત પ્રેક્ટિકલ અને કંઈક અંશે જરઠ સાબિત થઈ જઈએ એવા. મમ્મી કે ભાઈની જેમ આપણને બંનેને ફાજલ લાગણીવેડા નહીં પાલવે. ભાઈ અને મમ્મી નાની-નાની વાતે તલનો તાડ કરે ત્યારે આપણે બંને વિકટમાં વિકટ પરિસ્થિતિનો ભાંગીને ભૂક્કો કરીએ એવા! એટલે જ જ્યારે તું પરણીને ઠેઠ બેંગ્લુરુ સુધી જવાની હતી તો પણ મને તારી ઝાઝી ચિંતા ન હતી. કારણ કે મને એ વાતનો વિશ્વાસ હતો કે, મારી દીકરી વિકટ પરિસ્થિતિમાં દુખી થઈ શકે ખરી, પણ એ ભાંગી તો નહીં જ શકે. તારી પ્રેગનન્સી વખતે તું બેંગ્લુરુમાં એકલી રહેતી ત્યારે તારી ચિંતામાં ઉજાગરા કરતી મમ્મીને હું કહેતો કે, ‘તું જેના માટે ઉજાગરા કરે છે એ તો લહેરથી સૂતી હશે. એની તું શું ચિંતા કરે છે?’ અને વાત પણ સાચી જ છે. ચાલ, તું જ કહે આપણે બાપ-દીકરીએ આપણી ચિંતા કરવાનો અધિકાર ક્યારેય કોઈને આપ્યો છે ખરો?

તું કમાતી થઈ પછી અત્યાર સુધીમાં તે મને મારા દરેક બર્થ ડે પર અઢળક ગિફ્ટ્સ આપી છે. જોકે મને ગિફ્ટ્સ આપવા કે લેવાનો ભારે કંટાળો, એટલે તું જ્યારે પણ મને કોઈ ગિફ્ટ આપે ત્યારે હું કંઈક બબડું અને એના પરથી આપણી નોકઝોક થતી. પણ તને ખબર છે દીકરા તે મને અત્યાર સુધીમાં આપેલી ગિફ્ટ્સમાં સૌથી મૂલ્યવાન ગિફ્ટ કઈ છે? સાતમી મે 2013ની સાંજે તે મને એક દોહિત્ર ભેટમાં આપેલો અને તારી આ ભેટને કારણે મારું જીવન અને મારો કડક સ્વભાવ જાણે પળવારમાં બદલાઈ ગયેલા.

મારા જીવનમાં ચીકુના આવ્યા પછી મેં મારામાં આમુલ પરિવર્તનો જોયા છે. મારા પોતાના કામ માટે પણ વાંકો નહીં વળતો હું ચીકુનો ઘોડો બનવા માટે થનગની ઊઠું છું. તને કે ભાઈને એવું કંઈ યાદ છે કે, હું ક્યારેય તમારા બે માટે ઘોડો બન્યો હોઉં? નહીં જ હોય ને! કારણ કે તમારા માટે મેં એવું કશું કર્યું જ નથી. તો પછી ચીકુના આવ્યા પછી મારામાં એવું તે શું પરિવર્તન આવ્યું? એવું તે શું બન્યું હશે કે, કામની વાત સિવાય ફોન પર વધારાનો એક શબ્દ પણ નહીં બોલતો હું, ચીકુ સાથે રોજ સાંજે કામ વગરની વાતોમાં કલાક સુધી હાકોટા પાડતો હોઈશ? પણ, એ જે હોય એ. મને આ પરિવર્તનો ખૂબ ગમ્યાં છે. કારણ કે મને ચીકુ બહું વહાલો છે!

હવે તું જીવનમાં ઘણી ઠરીઠામ થઈ છે. એકલપંડે બાળક ઉછેરવાથી લઈને લાખોની પચરંગી વસતીમાં સ્વજનો વિના ભેંકાર એકલતા લાગે એવા દૂરના શહેરોમાં વસવાટ કરવા જેવા સંઘર્ષો તે કર્યાં છે. કદાચ તારા કપાળ પર જ આપણી ભૂમિમાં વસવાટ નહીં લખ્યો હોય! પણ મને એ વાતનો ખૂબ ગર્વ છે કે તે ક્યારેય કોઈ બાબતે ફરિયાદ નથી કરી, કે નથી તે અમારી પાસે કોઈ માગણીઓ કરી. દૂર બેઠા બેઠા તે પોતે તો પ્રગતિ કરી જ છે પણ સાથોસાથ તે અમારી પ્રગતિની પણ ઝંખના કરી છે. તારો પિતા છું એટલે તારા માટે તો મારો સ્વાર્થ તો રહેવાનો જ. અને મારો સ્વાર્થ માત્ર એટલો જ કે, તું હંમેશાં ખુશ રહે અને જીવનના તમામ નાના-મોટા પડકારોને માત આપીને એક ચોક્કસ મુકામ પર પહોંચે.

તારા પપ્પા.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.