મેરે ઘર આઈ એક નન્હી પરી
મારી દીકરીનો જન્મ થયાને હજુ મહિનોય નથી થયો, પરંતુ એના જન્મના પંદરેક દિવસના ગાળામાં મારી આખી જિંદગી બદલાઈ ગઈ હોય એવું લાગે છે. અચાનક જ જીવનની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે અને મારા જીવનના કેન્દ્રમાં માત્ર ને માત્ર મારી દીકરી આવી ગઈ છે. પિતા બન્યાંને હજુ થોડા દિવસો જ થયાં છે ત્યાં મેં મારી અંદર ધરખમ પરિવર્તનો પણ જોયાં છે, જ્યાં કંઈક અંશે નાની નાની બાબતોએ બેજવાબદાર હું હવે અત્યંત ચીવટ ધરાવતો થઈ ગયો છું! અને જીવનને કંઈક અંશે ગંભીરતાથી પણ લેતો થઈ ગયો છું.
આજથી બરાબર નવેક મહિના પહેલા મને જ્યારે ખબર પડી કે, હું પિતા બનવા જઈ રહ્યો છું ત્યારે મેં જીવનમાં પહેલી વાર એ મહેસુસ કર્યું કે, રૂવાં ખડા થઈ જવા એટલે શું! ત્યાર સુધી મેં એ કહેવત માત્ર સાંભળી જ હતી. પરંતુ મને ગાયનેકે એમ કહ્યું કે, 'તમે પિતા બનવા જઈ રહ્યા છો.' ત્યારે હું અત્યંત ઉત્તેજીત થઈ ગયેલો, મારું હ્રદય એની સામાન્ય ગતિ કરતા કંઈક વધુ ઝડપથી ધબકવા માંડેલું અને મારા શરીરમાં મેં કંઈક ધ્રુજારી જેવું પણ મહેસુસ કરેલું. આમ તો એ અનુભવ અવર્ણનિય જ હતો. કારણ કે અહીં જે વર્ણન કર્યાં એ તો શરીરના બાહ્ય ભાગોની વાત હતી. પરંતુ એ સમયે મારા અંતરમાં જે લાગણીઓ પ્રગટેલી એ એવી અદભુત અને અનેરી હતી કે, એને બયાં કરી શકાય એમ નથી.
ત્યારે મને એમ લાગેલું કે હું હમણા જ પિતા બની ગયો છું. એટલે બીજી જ પળેથી મેં મારી પત્નીની એક્સ્ટ્રા કેર શરૂ કરી દીધેલી. હું એની નાની નાની જરૂરિયાતો અને એના કમ્ફર્ટ્સનું ધ્યાન રાખતો થઈ ગયેલો. એણે યોગ્ય સમયે યોગ્ય ખોરાક ખાધો છે કે નહીંથી લઈને એણે યોગ્ય ઉંઘ લીધી છે કે નહીં, ત્યાં સુધીનું હું ધ્યાન રાખતો થઈ ગયેલો. દિવસ દરમિયાન હું ભલેને મારા કામમાં ગમે એટલો ગળાડૂબ કેમ નહીં હોઉં પરંતુ મને તક મળતાં જ હું ફોન પર મારી પત્નીના ખબર-અંતર પૂછી લેતો. મારા કામમાં ડૂબેલો હોઉં ત્યારે સાંજ ક્યાં પડી જતી એની મને ખબર નહોતી પડતી, પરંતુ એ સમયમાં મારા મનમાં સતત મારા આવનારા બાળક અને મારી પત્નીનો વિચાર રમતો રહેતો!
બાળક જ્યારે ગર્ભમાં હતું ત્યારે હું બાળક વિશેના જાતજાતના વિચારો અને કલ્પનાઓ કરતો રહેતો. બાળક દીકરો હશે કે, દીકરી? એ કેવું હશે? એ કોના જેવું દેખાતું હશે? એ આવશે પછી હું એની સાથે કઈ રીતે જીવીશ? એ જાતજાતના કપડાં પહેરશે ત્યારે એ કેવું દેખાશે? અમારો સંબંધ કેવો હશે? ...અને એવા તો બીજા કેટલાય વિચારોની ઘટમાળ મારા મનમાં સતત ચાલતી રહેતી. અમારામાં રાશિ કે ગ્રહદિશા જેવું કશું હોતું નથી એટલે અમે બંનેએ અમારા આવનારા બાળકનું નામ એના જન્મ પહેલા જ નક્કી કરી રાખેલું. જો દીકરી થાય તો એનું નામ ફરિહા રાખવું અને જો દીકરો થાય તો એનું નામ ફૈઝ રાખવું એવું અમે નક્કી કરેલું.
મને અંગતપણે એવી ઈચ્છા હતી કે, પહેલા સંતાન તરીકે મારે ત્યાં દીકરી જન્મે! કારણ કે, મને દીકરીઓ પ્રત્યે અહોભાવ પણ હતો અને અમે એમ માનીએ છીએ કે, જો અલ્લાહની તમારા પર રહેમત હોય તો તમારા ઘરે પહેલા સંતાન તરીકે દીકરી જન્મે છે! મજાની વાત એ બની કે, આ મહિનાની છઠ્ઠી ઑક્ટોબરની સાંજે મારા ઘરે દીકરી જ જન્મી! મને એવું લાગ્યું કે, હું જાણે પરિપૂર્ણ થયો. પિતા બન્યાંના સમાચાર સાંભળીને એવો તો વેવલો થઈ ગયો કે, મારા અંશને, મારી દીકરીને જોવા માટે હું રઘવાયો થઈ ગયેલો. એને જોવા માટે, એને સ્પર્શ કરવા માટે હું તરસી ઉઠેલો! એને જોવા માટે નર્સ મને ક્યારે પરવાનગી આપે એ માટે હું ઉતાવળો થઈ ગયેલો.
... અને મેં જ્યારે એને પહેલી વખત જોઈ ત્યારની તો વાત જ શું કરું? ત્યારે જે લાગણી અનુભવેલી એવી લાગણી મેં જીવનમાં ક્યારેય નહોતી અનુભવી. એના ચહેરા પર રમતુ નૂર મારા રૂહને અદમ્ય શાંતિ આપી ગયેલું. એ ફીલિંગ્સ ખરેખર કંઈક વિશિષ્ટ હતી, જાદુઈ હતી! દીકરીને પહેલો સ્પર્શ કર્યો ત્યારની ક્ષણેથી જ મારી અંદર ઘૂઘવતો દરિયો અચાનક શાંત થઈ ગયેલો અને હું પળભરમાં મેચ્યોર્ડ અને જવાબદાર બની ગયો. કારણ કે હું પિતા બની ગયો હતો! જે જીવનને મેં જીવનમાં પહેલી વાર જોયો હતો એના માટે હું પઝેસિવ બની ચૂક્યો હતો. આ પઝિસિવનેસ હવે આજીવન ટકવાની છે.
દિવસો બદલાશે, કેલેન્ડરમાં વર્ષો બદલાશે પરંતુ ફરિહા માટેનો પ્રેમ એમનો એમ રહેવાનો છે. બલકે એમ પણ કહી શકાય કે, એના માટેનો પ્રેમ ઉત્તરોઉત્તર વધતો જ જાય છે. દીકરીના જન્મ પછી મારા માતા-પિતા પ્રત્યેના માનમાં પણ પહેલા કરતા ઘણો વધારો થયો છે. પોતાનું સંતાન થયાં બાદ ખ્યાલ આવે છે કે, આપણા માતા-પિતા, નાની-નાની વાતે આપણને ટોકતા કે વઢતા કેમ હોય છે? કારણ કે એમને આપણી ચિંતા હોય છે. એમને આપણા માટે અઢળક પ્રેમ હોય છે. અને એમના મનમાં સતત એક જ વિચાર ચાલતો હોય છે કે, આપણું સ્વાસ્થ્ય સારું રહે અને આપણે આપણા જીવનમાં ખૂબ પ્રગતિ કરીએ.
ખૈર, હું મારી જાતને ઘણો ખુશનસીબ માનું છું કે, મને આવી સુંદર પરી જેવી દીકરીના પિતા બનવાની તક મળી. હમણા તો એ એના મામાને ત્યાં છે, પરંતુ મને એને મળ્યાં વિના ચેન નથી પડતું. એટલે ક્યારે સાંજ પડે અને ક્યારે હું એને મળવા જાઉં એની મને તલપ રહે છે. આવું પહેલા નહોતું બનતું. પરંતુ હવે બને છે. કદાચ આને જ પિતૃત્વ કહેવાતું હશે!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર