થોડાં દૂર, થોડાં નજીક

21 Apr, 2016
12:00 AM

mamta ashok

PC:

વેકેશન આવે ત્યારે અમને અમારાં સંતાનો ખાસ સાંભરે છે. એક સમય એવો હતો જ્યારે વેકેશનમાં સંતાનો ઘરે રહેતા ત્યારે અમારે નોકરીના કારણે આખો દિવસ બહાર રહેવું પડતું તો હવે અમે રિટાયર્ડ છીએ ત્યારે સંતાનોને વેકેશન નથી પડતાં. એથીય વધુ પીડાની વાત એ છે કે, વેકેશન તો ઠીક, પણ વર્ષ આખામાં દસ દિવસ અમને સંતાનો સાથે રહેવા પણ નથી મળતું. એનું કારણ એ જ કે, હવે અમારા સંતાનો વિદેશ સેટલ થઈ ગયા છે, જેથી અમારું અને એમની વચ્ચેનું ભૌગોલિક અંતર અત્યંત વધી ગયું છે.

અમને સંતાનમાં બે દીકરા. રાજ અને દીપ. બંને વચ્ચે બે વર્ષનું અંતર એટલે બંનેની એકબીજા સાથેની દોસ્તી પણ સારી. અમારા બંનેની બેંકમાં નોકરી હતી એટલે આખો દિવસ અમારે પણ બહાર રહેવું પડતું, જેના કારણે બાળકોના નાનપણ દરમિયાન અમને એમનું ખૂબ ટેન્શન રહેતું. એમને સ્કૂલ હોય ત્યારે તો તેઓ આખો દિવસ સ્કૂલ અને ટ્યૂશનમાં બિઝી રહેતા એટલે અમને એમની ઝાઝી ફિકર નહીં રહેતી પણ એમના વેકેશન પડે ત્યારે અમને ભયંકર ટેન્શન થઈ જતું. કારણ કે, આખો દિવસ બંને ઘરમાં એકલા રહે અને નાના હતા ત્યારે તેઓ થોડા મસ્તીખોર પણ ખરા. એટલે મનમાં આવ્યું તો ભર તાપમાં સાયકલ લઈને ક્યાંક રખડવા નીકળી પડે અને મન થયું ઘરમાં જ ધમાચકડી મચાવીને ઘરમાં બધું આમથી તેમ કરે.

વળી, લડવાની બાબતે પણ બંને અવ્વલ. ઘરમાં કે બહાર રમતી વખતે મોટે ભાગે તો તેઓ બંને જ એકબીજા સાથે કોઈ બાબતે ઝઘડી પડે અને ક્યારેક વળી એમને એમનો સંપ સાબિત કરવાનું મન થઈ આવે તો તેઓ બહારના કોઈક છોકરા સાથે ઝઘડી આવે. અઠવાડિયામાં એકાદ મારામારીનો કિસ્સો પણ હોય પાછો! રોજ સાંજે બેન્કમાંથી ઘરે આવું એટલે એ બંનેની ઓછામાં ઓછી બે ફરિયાદો મારી રાહ જોઈને બેઠી હોય એટલે ઘરે પહોંચ્યા પછીનો પહેલો કલાક તો મારો એમની લવાદી બનવામાં જ નીકળી જાય. ક્યારેક એમની મસ્તીથી તંગ આવીને મેં એમના પર ગુસ્સો પણ કર્યો છે, પરંતુ મોટા ભાગે મેં એમની મસ્તી કે ધમાલને એન્જોય જ કરી છે.

પછી જેમ જેમ મોટા થતાં ગયા એમ આ બધી બાબતોમાં સુધાર આવતો ગયો અને એમના વેકેશન વધુ ક્રિએટીવ બનતા ગયા. બંનેને વીડિયો ગેમ રમવાનું ખૂબ ગમે એટલે દિવસનો મોટા ભાગનો સમય તેઓ સાથે બેસીને વીડિયો ગેમ રમતા અને બાકીના સમયમાં તેઓ બુક્સ વાંચવામાં કે ગિટાર શીખવામાં પસાર કરતા. વળી, રાત્રે એમનો ફિલ્મો જોવાનો કાર્યક્રમ હોય. હોલિવુડ અને ઇન્ડિયન ક્લાસિક ફિલ્મનો એમને એટલો બધો શોખ કે કોઈ ડીવીડી વેચતા દુકાનદાર કરતાં સારું ડીવીડીનું કલેક્શન એમણે અમારે ત્યાં કરેલું. એમની સાથે અમે બંને પણ ફિલ્મો જોવા બેસતા અને એમના જેટલી રોજની બે કે ત્રણ તો નહીં, પરંતુ રોજની એકાદ ફિલ્મ અમે પણ જોતાં.

પછીથી તો અમે એમના વેકેશન દરમિયાન દસેક દિવસની રજા લેવાનું શરૂ કર્યું અને કોઇ પણ એક સ્થળ નક્કી કરીને અમે ત્યાં ફરવા પહોંચી જઈએ. એમની સાથે અમે જે કંઈ પણ ટ્રાવેલિંગ કર્યું એ અમારા જીવનનો બેસ્ટ ટાઇમ હતો. કારણ કે, ટ્રાવેલિંગ દરમિયાન અમને બંને પતિ પત્નીને કોઈ હાલાકી પડે કે અમને ચાલવામાં કે સામાન ઉંચકવામાં તકલીફ પડે તો અમારા બંને દીકરાઓ અમારી આગળ-પાછળ ફરી વળે અને અમારો હાથ ઝાલીને અમને આસપાસનું જે કંઈ જોવાલાયક છે એ બતાવે.

બંનેએ ખૂબ નાનપણથી જ નક્કી કરી દીધેલું કે, એમણે વિદેશની યુનિવર્સિટીઓમાં જ ભણવું છે અને ત્યાં પણ ચોક્કસ કોર્સમાં જ એડમિશન લેવું છે એટલે પહેલાંથી જ એમણે એ દિશામાં કામ કરેલું અને ત્યાંની પરીક્ષાઓ કે વિઝાની વિચિત્ર પ્રક્રિયાઓ પૂરી કરીને તેઓ પોતપોતાના આકાશમાં ઊડી પણ ગયા. બંને બાળકોને પોતાની કરિયર હતી અને એમના સપનાં હતા એટલે એમના માર્ગમાં રોડાં નાંખવાનો અમને કોઈ અધિકાર નથી પરંતુ ક્યારેક એમ થઈ જાય કે, જે કરિયર અને સપનાં આપણને આપણા જ માણસોથી દૂર કરી દેતાં હોય એવી કરિયર, સપનાં અને પૈસાનું કરવું શું?

વિદેશમાં ભણીને તેઓ વિદેશમાં જ સેટલ થઈ ગયા છે અને પોતપોતાનાં ગમતાં પાત્રો સાથે લગ્ન પણ કરી લીધાં છે. અમારા પ્રત્યે એમને અઢળક પ્રેમ છે અને એ પ્રેમને કારણે તેઓ વર્ષમાં એકાદ વાર અમને ત્યાં રહેવા બોલાવે છે તો એકાદ વાર તેઓ અહીં આવી જાય છે. પરંતુ મૂળ મુદ્દો સાથે જીવન વીતાવવાનો છે, જે હવે ક્યારેય શક્ય નથી બનવાનું. મોટો ઓસ્ટ્રેલિયા રહે છે અને નાનો અમેરિકામાં વસ્યો છે અને એ બંનેની વચ્ચે અમે ભારતથી એ બંને દેશોના ઝૂલા ખાઈ રહ્યા છીએ. આમ તો કોઈ પણ એક સંતાન સાથે કાયમી ધોરણે રહી પણ શકાય, પરંતુ નોકરીને કારણે આખી જિંદગી કામમાં વીતાવી તો હવે જ્યારે નિરાંત માણવાનો અને મજા કરવાનો સમય આવ્યો છે ત્યારે વિદેશની ધરતી પણ શું કામ રહેવું? અહીં ભારતમાં જ રહીને આપણા લોકો, આપણી ધરતી, આપણા તહેવારો અને આપણી સંસ્કૃતિને માણી નહીં શકાય? ત્યાં તો દીકરો અને વહુ કામમાં હોય અને વીકએન્ડમાં એમના પોતાના પ્લાનિંગ હોય. તો આખો દિવસ કરવાનું શું? એકબીજાના મોઢાં જ જોવાનાને?

આ કારણે જ અમે વિરહને વેઠીને પણ અહીં રહીએ છીએ અને અમારી રિટાયર્ડ લાઇફ માણીએ છીએ. ક્યારેક કોઈ અમારા જેટલી ઉંમરના લોકોને એમનાં સંતાનો સાથે ફરતા જોઈએ છીએ ત્યારે અમને થોડું દુઃખ થાય છે પણ પછી એમ થાય છે કે, અમારાં સંતાનો ક્યાં અમારાથી રૂઠીને અમારાથી દૂર ગયા છે? તેઓ એમનું ગમતું કામ કરવા ગયાં છે ને? અને અમને તો તેઓ ચાહે જ છે ને? એટલે જ તો એમને ત્યાં અડધી રાત થઈ ગઈ હોય અને તેઓ થાકીને તૂટી ગયા હોય તોય અમને ફોન કરે છે કલાક સુધી વાતો કરીને એમના જીવન વિશેની રજેરજ માહિતી આપે છે. આ ઉપરાંત અમારી પાસે એમના બાળપણની અને એમના વેકેશનની યાદો તો છે જ ને? એ યાદોને યાદ કરીએ છીએ અને એ બહાને અમારા શ્રવણોની સાથે જીવી લઈએ છીએ.

( આશા સુરેન્દ્ર પારેખ,  અમદાવાદ )

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.