ચંચુપાત નહીં પણ પ્રેમ

30 Jun, 2016
12:00 AM

mamta ashok

PC:

આપણા સંતાનો પાસે આપણને મોટેભાગે ઘણીબધી અપેક્ષા હોય છે. કેટલીક વખત તો એવુંય બનતું હોય છે કે, અપેક્ષાના કે અરમાનોને નામે આપણે આપણા સંતાનો પર આપણી અનેક અધૂરી ઈચ્છાઓ થોપી દેતા હોઈએ છીએ. અને આવી કેટલીક બાબતોને કારણે જ પેરેન્ટ્સ અને સંતાનો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ જતું હોય છે. કારણ કે, સંતાનોના અરમાનો કંઈક જુદા હોય છે અને પેરેન્ટ્સ જડશુંઓની જેમ સંતાનો પાસે એમની ઈચ્છા મુજબનું જ થાય એવી ઈચ્છા રાખીને બેઠા હોય છે. આ જે વાત કહી રહી છું એ મારા પોતાના અનુભવ પરથી કહી રહી છું, જ્યાં પેરેન્ટ તરીકે મારા સંતાન પર મારી ઈચ્છા થોપી દીધી હતી, જેને પગલે અમારી વચ્ચે ઘણું ઘર્ષણ થયું છે. જોકે સદનસીબે મારું મગજ ઠેકાણે આવી ગયું એટલે અમારી વચ્ચેના બધા ઘર્ષણો શાંત થઈ ગયા.

મારા દીકરાનું નામ રોનક. આજકાલના મોટાભાગના યુવાનોની જેમ રોનકને કળામાં બહુ રસ પડે અને એમાંય નાટકોમાં એને ખૂબ મજા પડે. નાટકોમાં અભિનય કરવાની સાથોસાથ એને નાટકોનું લેખન-ડિરેક્શન કે બેક સ્ટેજનું કામ પણ ખૂબ ગમે. સ્કૂલમાં હતો ત્યારથી એ શહેરના એક નાટકના ગ્રુપમાં જોડાઈ ગયેલો, જેમાં તેઓ નાટકને લગતી વિવિધ પ્રવૃત્તિ કરતા. નાટકમાં એને જેટલો રસ પડે એટલો જ એ ભણવામાં હોશિયાર અને એમાંય ગણિત જેવા વિષયોમાં એ રાજા. એને દાખલા ગણતા જોવો કે થિયરમ્સ સૉલ્વ કરતા જોવો એક લહાવો થઈ પડતો. નાના છોકરાઓ જે સહજતાથી દોડી કે કૂદાકૂદ કરી શકે એટલી સહજતાથી એ થિયરમ્સ સોલ્વ કરતો. દસમાં ધોરણમાં હતો ત્યારે મને હતું કે, રોનક જરૂર સાયન્સ લેવાનો અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ વધવાનો.

એ દસમા ધોરણમાં હતો ત્યારે હું પણ એને સમયાંતરે કહેતી રહેતી કે, આટલું વર્ષ ગુજરાતી-અંગ્રેજી કે હિસ્ટરી જેવા વિષયો સહન કરી લે, પછી તને આવા વિષયોનો ત્રાસ નહીં રહે. જોકે એવું તો હતું જ નહીં કે, રોનકને એ બધા વિષયો નહીં ગમતા. એના તો એ બધા વિષયોમાં પણ ખૂબ સારા માર્ક્સ આવતા અને હિસ્ટ્રી અને અન્ય બાહ્ય વિષયોમાં રસ હોવાને કારણે જ એ 'સફારી' જેવા મેગેઝિન્સ વાંચતો રહેતો. પણ હું એનું મન જાણવા માગતી હતી એટલે હું એને આવું બધુ કહેતી રહેતી કે, સાયન્સ સ્ટ્રીમમાં તને આ બધા વિષયોનો ત્રાસ નહીં રહે. રોનક આમ થોડો અંતર્મુખી એટલે મોટાભાગે એ એની ઈચ્છા જાહેર કરતો નહીં, પરંતુ મોકાણ ત્યારે સર્જાઈ જ્યારે એનું દસમાનું રિઝલ્ટ આવ્યું અને રોનકે આર્ટ્સ ફેકલ્ટીમાં જવાનું નક્કી કર્યું.

હું એનું આ પગલું અત્યંત નાદાનિયતભર્યું સમજતી હતી વળી, ઉંમરની દૃષ્ટીએ પણ એ નાદાન હતો એટલે મેં એને કહ્યું કે, તારા માર્ક્સ એટલા સરસ આવ્યા છે કે, શહેરની કોઈ પણ સારી સાયન્સ સ્કૂલમાં તને પહેલા મેરિટમાં એડમિશન મળે. ત્યાં તું આર્ટ્સ લેવા બેઠો? આર્ટ્સમાં તું શું કરીશ? દુનિયા ક્યાં જઈ રહી છે એ તો જો.' અને બસ ત્યારથી અમારી વચ્ચે ઘર્ષણ શરૂ થયું. રોનક એના નિર્ણયમાં અત્યંત મક્કમ હતો અને હું મારા નિર્ણયમાં! જેને કારણે એડમિશન દરમિયાનના મહિનામાં અમારી વચ્ચે ખૂબ ઘર્ષણ થયું. જોકે આખરે એણે આર્ટ્સમાં જ એડમિશન લીધું, જેને કારણે મેં એની સાથે બોલવાનું બંધ કરી દીધું.

મારા ફેમિલીનો ચિતાર આપું તો અમારા પરિવારમાં હું અને રોનક બે જ જણા છીએ. એટલે અમારી દુનિયા એકબીજાથી શરૂ થાય અને એકબીજામાં જ સમાઈ જતી. આ કારણે અમારી વચ્ચે જ્યારે પણ ઘર્ષણ થાય ત્યારે અમે ખૂબ રિબાતા હોઈએ છીએ. આખરે અમને સમજાવનારું પણ કોણ? અને અમારા રિબાવાનું મોટું કારણ તો એ હોય છે કે, અમે બંને એવું વિચારતા હોઈએ છીએ કે, 'મારે કારણે એ હર્ટ થયો/થઈ...'

લગભગ બેએક મહિના એવું ચાલ્યું હશે. હું એને નાની નાની વાતોએ ટોકતી રહેતી અને બીજાઓના ઉદાહરણ આપતી રહેતી. તો એ પણ મારા બોલ-બચ્ચનથી બચવા માટે રાત્રે મોડો આવતો અને સવારે હું કૉલેજ માટે નીકળું ત્યાં સુધી ઘોરતો રહેતો. અમારી વચ્ચે ચાલેલી એ સૌથી મોટી તકરાર હતી, જેમાં અમે દિવસો નહીં પણ મહિનાઓ સુધી એકબીજા સાથે યોગ્ય રીતે વાત કરી ન હતી. જોકે એ સંબંધ મા-દીકરાનો હતો એટલે એમાં ઝાઝી દરાર રહે નહીં. એટલે એક દિવસ રાત્રે અચાનક એકાદ વાગ્યે મારા પર વ્હોટ્સ એપ આવ્યો કે, 'મમ્મા આપણે દુશ્મનો તો નથી જ ને? ક્યાં સુધી લંબાવીશું આ લડાઈ? આ લાઈફ મારી છે તો મને મારા નિર્ણયો પણ લેવાનો અધિકાર નહીં? તું પણ નહીં સમજી શકે મને?'

એનો એ મેસેજ વાંચીને હું પણ પીગળી ગઈ અને એને વળતો મેસેજ કર્યો કે, 'આઈ લવ યુ. ગુડ નાઈટ...' એ રાત્રે હું એની પાસે જઈ શકી હોત અને એને માથે હાથ ફેરવી શકી હોત, પરંતુ મને ખબર હતી કે, જો હું એની પાસે જઈશ તો અમે બંને રડી પડીશું અને આવા લાગણીવેડા અમને બંનેને પસંદ નહોતા. એટલે મેં એની પાસે જવાનું ટાળ્યું અને બીજા દિવસે સવારે ઊઠીને હું નાસ્તો તૈયાર કરું એટલામાં તો રોનક ઊઠી ગયો અને મારી સાથે એણે ચ્હા-નાસ્તો કર્યો.

અમારું એ જોડાણ થઈ ગયા પછી પણ મારા મનમાં રોનકના આર્ટ્સમાં ભણવાના નિર્ણય બાબતે ખટકો રહ્યો હતો, પરંતુ પછી વિચાર્યું છો દીકરો ખુશ રહેતો. આર્ટ્સ બાબતની મારી ચિંતાનું મુખ્ય કારણ એ જ હતું કે, એ કંઈ પૈસાદાર બાપનો દીકરો નથી. રાધર રોનકને તો પિતા જ નથી! એવામાં આર્ટ્સમાં જઈને આ છોકરો ક્યાં માથા ફોડશે? કળા સાથે સંકળાયેલી વ્યક્તિઓના આર્થિક સંઘર્ષની વાતો ઓછી જાણીતી છે? હું એની આગળ પણ મારી આ ચિંતા રજૂ કરતી, પણ એ મને દિલાસો આપતો રહેતો કે, તારી વૃદ્ધાવસ્થા દરમિયાન તારી દવાઓ ખરીદવામાં હું કોઇ કચાશ નહીં રાખું અને તારી બધી જવાબદારી મારી બસ? એટલે પછી અમે બંને હસી પડતા અને અમારી ગાડી ફરી ઠેકાણે આવી જતી.

હવે તો રોનક શહેરની બેસ્ટ આર્ટ્સ કૉલેજમાં હિસ્ટ્રી અને લિટરેચર સાથે ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. મને ધરપત આપતા એણે એમ કહ્યું છે કે, નાટકોની સાથોસાથ એ માસ્ટર્સ કરીને પી.એચડી પણ કરી લેશે, જેથી કંઈ નહીં તો મારી જેમ એ લેક્ચરર તો થઈ જ શકશે! મેં પણ હવે એની ખુશીઓને આડે મારી અપેક્ષાઓ થોપવાનું બંધ કર્યું છે. મને એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે, હું સમજતી એટલો રોનક નાદાન નથી. એ મેચ્યોયર્ડ છે અને એના નિર્ણયો એ પરિપક્વતાથી લે છે. જેથી એના કેટલાક નિર્ણયોથી હું બહુ ડિસ્ટર્બ નથી થતી અને એની હામાં હા ભણીને એની સાથે લાઈફને એન્જોય કરું છું. હવે એની લાઈફમાં ચંચુપાત કરવાની જગ્યાએ હું એને પ્રેમ વધુ કરું છું.

(હેતા મહેતા, અમદાવાદ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.