હું ને મારો બહાદુર હેમિશ
વર્ષ 2005ની 21 નવેમ્બરનો દિવસ મારા માટે જરાય સામાન્ય નહોતો. એ દિવસે જે થવાનું હતું એના એંધાણ લગભગ એક અઠવાડિયા પહેલા જ આવવાના શરૂ થઈ ગયા હતા. આગલે દિવસે અર્ધાંગિની તોરલનો જન્મદિવસ પણ ટેન્શનમાં જ ઉજવ્યો કારણ કે, સાંજે ડોક્ટરે કહી દીધું હતું કે ગર્ભમાં પાણીનો ભાગ ઓછો થતો જાય છે. આવતીકાલે સોનોગ્રાફીના રિપોર્ટમાં પણ જો આ કન્ફર્મ થશે તો પ્રિ-મેચ્યોર બાળકની ડિલિવરી કરાવવી જ પડશે. બીજે દિવસે વહેલી સવારે અમદાવાદના RTO સર્કલ પાસે આવેલા એક કલર ડોપ્લર ક્લિનિકમાં જઈને સોનોગ્રાફી કરાવી અને પરિણામ ધાર્યા મુજબ જ આવ્યું. એ ડોક્ટરે પણ કહી દીધું કે આજે જ ડૉ. કિરણભાઈ ડિલીવરી કરાવી દેશે. રિપોર્ટ લઈને હું અને તોરલ, તોરલના ઘેર ગયા અને મારા માતા પિતાને જલદીથી તૈયાર થઈ જવાનું કહ્યું અને પછી હું જ્યારે કહું ત્યારે ક્લિનિક પર આવી જવાની સૂચના પણ આપી દીધી. બંને પરિવારો અને અમે બંને એકદમ ટેન્શનમાં અને આ જ ટેન્શનમાં હું જ્યારે મારા સસરાની સાથે તેમના મિત્ર ડૉ. કિરણભાઈની ચેમ્બરમાં દાખલ થયો ત્યારે તેમણે અમને બેયને વઢી કાઢ્યાં, 'આવું સોગિયું મોઢું લઈને કેમ ફરો છો? કશું નથી થવાનું!'
પણ આત્મવિશ્વાસથી ભરપૂર આ શબ્દોએ મને તો કોઈ રાહત ન આપી. ડોક્ટરે સવારે લગભગ અગિયાર વાગે ડિલિવરી માટે સાંજનો સમય આપ્યો. બપોર સુધીમાં મારી તમામ ખાસ સખીઓને તેમજ મિત્રથી પણ વધારે એવા મારા કઝિન અર્પિતને મેં જાણ કરી દીધી. ક્રિકેટ અને બોલિવુડને પાગલપનની હદ સુધી ચાહનાર હું તે દિવસે હોસ્પિટલ રૂમમાં ચાલી રહેલા ટીવીની ચેનલો બદલતો રહ્યો પણ કોઈ ફિલ્મ કે જૂની મેચ પર નજર સ્થિર ન થઈ શકી. આખરે લગભગ પાંચ વાગે તોરલને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને સાંજે 5.40 વાગ્યે આ નંદને ઘેર આનંદ ભયો… પણ માત્ર પાંચ મિનિટ માટે જ. કિરણભાઈ ઓપરેશનની બધી વિધિ પતાવીને બહાર આવ્યા અને કીધું કે બાળકનું વજન ઘણું ઓછું એટલે કે, લગભગ દોઢ કિલો જેટલું જ છે. એટલે તેને નજીકની નિયોનેટલ હોસ્પિટલમાં મિનિમમ અઠવાડિયું રાખવો જ પડશે. એ ડોક્ટર પણ ઓપરેશનમાં હાજર હતા એટલે તેમની કારની બેકસીટમાં મારો ટચૂકડો હેમિશ મારા બંને હાથમાં મારી સામે ટગર ટગર જોતો હોસ્પિટલ ભણી ચાલ્યો.
હેમિશ જન્મ્યો ત્યારથી લગભગ ત્રણ વર્ષ સુધી પોતાની જાત સાથે ખૂબ સંઘર્ષ કરતો રહ્યો છે. પહેલાં તો જન્મ્યાના ચોથે દિવસે તેને ભારે કમળો થયો. ઉપરાંત તે માત્ર દસ દિવસની ઉંમર સુધી નાકમાં નળીઓ અને ટપૂકડા હાથમાં સોય ભરાવીને ICUમાં અન્ય બેથી ત્રણ તેના જેવા ઉતાવળિયા ભેરુઓ સાથે પડ્યો રહ્યો. એ હોસ્પિટલમાં હતો ત્યારે દિવસભર તો હું આંટા મારું, પણ રાત્રે તો તે એટેન્ડન્ટના ભરોસે જ રહે. સાતમે દિવસે તેનો અને તેની માતાનો ભેટો થયો ત્યારે તેણે પહેલીવાર તેની માતાની છાતીની હૂંફ મેળવી.
અત્યાર સુધી તો હું જ એની માતા હતો. કારણ કે, પત્નીને અચાનક આ પ્રમાણે બાળક આવી જતાં હજુ સુધી દૂધની ગ્લેન્ડ છૂટી નહોતી, એટલે તેનું દૂધ ખાસ સિરિંજથી કાઢવું પડતું અને તેને હું એક નાનકડા જંતુ મુક્ત કરેલા વાસણમાં હોસ્પિટલ લઈ જઈને હેમિશને પિવડાવતો. છેવટે 1.800 ગ્રામનો હેમિશ વીસ દિવસે હોસ્પિટલમાંથી નિકળ્યો ત્યારે તે બે કિલોગ્રામનું વજન પસાર કરી ચૂક્યો હતો.
પણ આ તેના સંઘર્ષનો અંત નહોતો. લગભગ ત્રણ મહિના બાદ એક રાત્રે મારા સાસરામાં અચાનક ખૂબ રડવા લાગ્યો. પેશાબનો ભાગ ફૂલી ગયેલો જોવા મળતાં મારા સસરાના માસી, જેઓ એક જમાનામાં મુંબઈની હરકિસનદાસ મહેતા હોસ્પિટલમાં મેટ્રન હતા તેમનો અનુભવ કામમાં આવી ગયો અને સહેજ ગરમ પાણી તે ભાગ પર રેડતા એને પેશાબ છૂટી ગયો. સવારે મને તોરલે જાણ કરી અને અમે ફરીથી પેલી નિયોનેટલ હોસ્પિટલમાં પહોંચી ગયા. ડોક્ટરે જણાવ્યું કે હેમિશને હર્નિયા છે અને તે પણ બંને સાઈડ. ઓપરેશનની આમ કોઈ ઉતાવળ નથી, પરંતુ જો આ ઉંમરે થઈ જાય તો સારું.
આ સાંભળીને અમને ચક્કર આવી ગયા. સ્વાભાવિકપણે જ અમને નાનકડા હેમિશની ચિંતા હોવાની. આમ, ફરીથી હોસ્પિટલના ચક્કરો શરૂ થયાં અને અમદાવાદના બાળકો માટેના ખ્યાતનામ સર્જન ડૉ અનિરુદ્ધ શાહની હોસ્પિટલમાં હેમિશનું હર્નિયાનું સફળ ઓપરેશન થયું. અમે બધાએ હાશકારો અનુભવ્યો, પણ ફક્ત છ કલાક માટે જ. સવારે લગભગ ચારેક વાગે હોસ્પિટલના રૂમમાં ICUમાંથી ફોન આવ્યો કે, બધી જ દવાઓ લઈને નીચે આવો તો...
હું અને તોરલ નીચે ગયા તો ત્યાં ડ્યુટી પર રહેલા ડોક્ટર્સ સહેજ ચિંતામાં જણાયા. પૂછવા પરથી ખ્યાલ આવ્યો કે હેમિશ સહેજ ખેંચાઈ ગયો હતો. કદાચ કોઈ ગોળી કે ઈન્જેક્શન તેને ફાવ્યું નહોતું. નસીબજોગે તેને શારીરિક કે માનસિક કોઈ તકલીફ ન પડી.
આ ઘટનાના લગભગ દોઢથી બે વર્ષ પછી સસરાનો જન્મદિવસ ઉજવવા અમે તેમને ઘેર ગયા અને તે દિવસે સવારથી હેમિશ મૂડમાં નહોતો કારણ કે, એને સહેજ એટલે કે, સો જેટલું ટેમ્પરેચર હતું. દવા ખવડાવતા પહેલા પેટ ભરેલું હોય તો સારું એમ વિચારીને સાસરે પહોંચીને એક લાડુ ખવડાવા તોરલે જેવો એક કોળિયો હેમિશના મોઢામાં મૂક્યો ત્યાં જ એક ચીસ પાડીને તે તોરલના ખોળામાં બેભાન થઈ ગયો. ફરીથી મારા સસરાના પેલા માસીનો અનુભવ કામમાં આવ્યો. તેમને તરત ખ્યાલ આવી ગયો કે તાવ અચાનક વધીને મગજ પર ચડી ગયો છે. ફ્રિજમાંથી બે ત્રણ બોટલો કાઢીને તરત જ હેમિશના માથા પર રેડી અને એ ભાનમાં તો આવ્યો, પણ અમે ફરીથી ડૉ અનિરુદ્ધ શાહની હોસ્પિટલના મહેમાન બન્યા. અહીં તેનું સ્કેનિંગ વગેરે થયું અને રિપોર્ટ નોર્મલ આવ્યો અને લગભગ 72 કલાકના ઓબ્ઝર્વેશન પછી અમે ઘરે આવ્યા.
આમ લગભગ ત્રણ વર્ષના સંઘર્ષ પછી હેમિશ, ટચ વૂડ પોતાની તબિયત સાથે દોસ્તી કરી શક્યો છે. કદાચ નાની ઉંમરમાં તેના મગજને મળેલા બે ઝટકાએ તેના દિમાગને અત્યંત સતેજ કરી દીધું હોય એવું લાગે છે. આજે તે દસ વર્ષનો થયો છે, પણ સાહજીક બાળકપણું દેખાડવા ઉપરાંત તેની ઉમર કરતા ઘણો મેચ્યોર છે. મારા તરફથી એણે ઘણા વારસા લીધા છે, જેમકે ગણિત અને વિજ્ઞાન બિલકુલ ન ગમવા, ત્રણેય ભાષાઓ પર સારો એવો કાબૂ, ક્રિકેટ અને બોલિવુડ ફિલ્મોનો ગાંડો શોખ. જોવાયેલી ફિલ્મોને દિવસો સુધી વાગોળવી, ફિલ્મોના ડાયલોગ યાદ રાખવા અને જરૂર પડે તો સામાન્ય વાતચીતમાં પણ તેનો ઉપયોગ કરવો વગેરે.
આ ઉપરાંત તે સોલિડ સેન્સ ઓફ હ્યુમરનો પણ માલિક છે. એક મહત્ત્વનો વારસો એણે મારી પાસેથી લીધો છે તે છે ફિલ્મ ‘શોલે’ને વારંવાર જોવી અને કાયમ એ ફિલ્મ નવી લાગવી. 'શોલે' જ્યારે 3Dમાં આવી હતી ત્યારે એ અને હું અમે સાથે જ ફિલ્મ જોવા ગયા હતા એની મમ્મીને ઘેરે મૂકીને! એકસાથે ફિલ્મ જોવાનો આ અમારો પ્રથમ અનુભવ હતો. એક વારસો એણે મારી પાસેથી નથી લીધો અને તે છે દિમાગને કોઈપણ સંજોગોમાં ઠંડુ રાખવાનો. કદાચ પેલા બે ઝટકાએ તેના દિમાગને તેજ કરવા ઉપરાંત ગેસ પર મૂકેલા તવા જેવું ગરમ પણ કરી દીધું છે. પેલું કહેવાયને કે 'ગુસ્સા તો ઉનકી નાક પર રહેતા હૈ!' બસ એવું જ.
એના ફ્યુચર વિશે મેં કોઈ જ પ્લાન નથી કર્યો અને કરવા માગતો પણ નથી. કારણકે મારો ખૂદનો અનુભવ છે કે, મારી અડધી જિંદગી અંધારામાં આમતેમ ખૂબ ગોળીબાર કર્યા પછી છેક 39 વર્ષે હું કોઈ એક વ્યવસાય એટલે કે લેખન સાથે સ્થિર થયો, એટલે કોઈપણ પ્લાનિંગ કામમાં નથી આવતું. પણ હા હેમિશને હું એટલા વર્ષ રાહ નહીં જોવા દઉં. એના અત્યારના લટકા ઝટકા અને ફિલ્મો વિશેનો ગાંડો શોખ જોઈને અત્યારેતો હું એટલું કહી શકું કે એ મારી જેમ કદાચ લેખક ન બને પણ એક્ટિંગ કરીને પોતાનું જીવન જરૂર ગુજારશે. પછી આગળ ભગવાન માલિક!
કોઈપણ છોકરાની જેમ હેમિશ એની માતા સાથે વધુ અટેચ્ડ છે, પરંતુ તેના જન્મ પછી હું જે રીતે અઠવાડિયા સુધી એક નાનકડા વાસણમાં તેની માતાનું દૂધ પિવડાવવા જતો એના લીધે તે મારી સાથે પણ ઈમોશનલી ખૂબ અટેચ્ડ છે. કારણ કે, એ રીતે અમુક ટકા હું પણ તેની માતા જ છું ને? મારી જેમ જ દિલથી વિચારનારો વ્યક્તિ છે એ. બસ, મારી જેમ વધારે પડતો ઈમોશનલ ન બને અને મારા ખરાબ અનુભવની જેમ જ આ સ્માર્ટ દુનિયા એનું પણ ‘કરી ન નાખે’ એવી પ્રભુને પ્રાર્થના.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર