મોડે મોડે મળ્યો શ્રવણ
મેં અને મારી પત્નીએ સહજીવનના ચાળીસ વર્ષો પસાર કર્યા અને આજીવન નિઃસંતાન રહ્યા. લગ્ન પછીના શરૂઆતના દાયકામાં અમે સંતાન થાય એ માટે ખૂબ પ્રયત્નો કર્યા અને મેડિકલ ટ્રીટમેન્ટથી લઈને બાધા-આખડી સુધીનું બધું જ કરી લીધેલું, પરંતુ અમારા ઘરે પારણું નહીં બંધાયું એ નહીં જ બંધાયું. પછી તો અમે પણ એ બાબતે આશા છોડી દીધી અને સંતાન વિનાની જિંદગી સ્વીકારીને મુંબઈ જેવા શહેરમાં નોકરીની વ્યસ્તતામાં ખૂંપી ગયા. અમારા બંનેની કમાણી સારી હતી અને અમને ફરવાનો પણ ઘણો શોખ હતો એટલે અમે પ્રવાસોને જીવનમાં વધારે મહત્ત્વ આપ્યું. નોકરીની ઘટમાળ અને પ્રવાસોની મજા અને એની મીઠી યાદોને સહારે અમે સહજીવનના ચાર દાયકા ક્યાં પસાર કરી નાંખ્યા એની અમને ખબર પણ ન પડી. જોકે માણસની ઉંમર કોઈને છોડતી નથી, એ અમે અનુભવે શીખ્યા. અમારી પણ ઉંમર થઈ અને એક તરફ વયમર્યાદાને કારણે અમારે નોકરીમાંથી રિટાયર્ડ થવું પડ્યું, તો બીજી તરફ શરીરે સાથ આપવાનું બંધ કરતા અને યાદ શક્તિ ઓછી થતાં પ્રવાસો પણ પરાણે બંધ થયાં.
આમ તો અમે બંને ઘરે બે-ત્રણ નોકરો રાખી શક્યા હોત અને મુંબઈમાં આરામથી પાછલી જિંદગી વીતાવી શક્યા હોત. પરંતુ મૂળે અમે પ્રવાસી અને મળતાવડા જીવ એટલે મુંબઈની ભીડમાં પણ અમને એકલું લાગવા માંડ્યું, એટલે અમે મુંબઈ નજીક દહાણુને દરિયાકાંઠે આવેલા એક વૃદ્ધાશ્રમમાં જવાનું નક્કી કર્યું. ત્યાં જઈને તપાસ કરી તો ત્યાં અમારા જેવા ત્રણ-ચાર કપલ્સ મજેથી રહેતા હતા, તો વખાના માર્યા ત્યાં રહેતા કેટલાક વૃદ્ધો પણ સરસ મજાની સુવિધાઓ સાથે એમનું જીવન પસાર કરી રહ્યા હતા. સાથે લીલી વનરાજી અને દરિયા જેવા પ્રકૃતિના તત્ત્વોની સોબત મળી રહી હતી એ વધારાની! મને અને મારી પત્નીને એ વૃદ્ધાશ્રમ ખૂબ ગમી ગયું અને અમે મુંબઈ પહોંચીને એકાદ મહિનાના ગાળામાં જ અમારા મહત્ત્વના દસ્તાવેજી કામો આટોપીને અહીં રહેવા આવી ગયા.
મુંબઈ અને દહાણુના હવામાનમાં ઝાઝો તફાવત નહીં હોવાને કારણે અહીં અમને અત્યંત ફાવી ગયું અને અહીંના વૃદ્ધોનો પણ સ્વભાવ સારો હોવાને કારણે અમને એમની સાથે ગોઠી ગયું. ત્યાંના અમારા કાર્યક્રમમાં, સવાર પડ્યે અમે દરિયા કિનારાની સેર પર નીકળતા તો દિવસ દરમિયાન લાઈબ્રેરીમાં વાંચન અને કેટલાક વૃદ્ધોની શારીરિક સ્થિતિ બહુ સારી ન રહેતી તો અમે એમની સેવામાં વીતાવતા. એવામાં એક દિવસ અમારા જીવનમાં એક નવી વ્યક્તિ પ્રવેશી. દહાણુ નજીકના બોરડી પાસે રહેતી માનસી નામની એ દીકરી વૃદ્ધાશ્રમની નિયમિત મુલાકાત લેતી અને નહીંતોય અઠવાડિયામાં ચારેક દિવસ એ ત્યાં આવીને વૃદ્ધો સાથે સમય પસાર કરતી.
બોરડીની જ કોઈ કૉલેજમાં અધ્યાપક એવી માનસી એની કૉલેજ છૂટ્યાં પછી સાંજે વૃદ્ધાશ્રમ તરફ આવતી, પરંતુ વચ્ચે એની કૉલેજમાંથી એણે ક્યાંક જવાનું બનતા અમે વૃદ્ધાશ્રમ રહેવા ગયા ત્યારે એકાદ મહિના સુધી એ આવી શકી ન હતી, એટલે અમને એના વિશેની કોઈ જાણ ન હતી. અમારી સાથે એની મુલાકાત થઈ ત્યારે જ એ અમને ખૂબ મીઠડી લાગી અને પછી તો જેમ જેમ દિવસો વીતતા ગયા અને અમારો એની સાથેનો પરિચય વધવા માંડ્યો એમ એ અમને વધુ પોતીકી લાગતી ગઈ.
રોજ સાંજે પાંચ વાગે એટલે અમારા બધાની નજર બોરડી તરફથી આવતા રસ્તા પર હોય કે, 'હવે માનસી આવશે... હવે માનસી આવશે...' એ આવતી દેખાય એટલે અમારા બધા વૃદ્ધોની આંખોમાં ચમક આવી જાય અને એ જેવી વૃદ્ધાશ્રમની અંદર આવે એટલે જરી વારમાં તો હોહા મચી જાય. એ આવે એવી સૌથી પહેલા બધાની તબિયત અને દવા વિશેની જાણકારી મેળવી લે અને જો કોઈ વૃદ્ધે દવા નહીં લીધી હોય કે કોઈકે બજારમાંથી દવા મગાવવામાં આળસ કરી હોય તો માનસી એમનો બરાબરનો ક્લાસ લે અને પછી અમારી સાથે ચ્હા પીવા બેસે. ચ્હા પીતી વખતે અમને એની કૉલેજમાં શું શું બન્યું અને વિદ્યાર્થીઓએ શું શું ધમાલ કરી એના રિપોર્ટ આપે અને પછી અમને બધાને હળવી કસરતો કરાવે.
વળી, અમે જો અમારી રૂમમાં હોઈએ તો, જાણે અમારી જ લાડકી દીકરી હોય એમ અમારા ઓરડામાં વગર પરવાનગીએ ઘૂસી જાય અને પછી અમારી દવાના ડબ્બા અને અમે જો કોઈ મેડિકલ રિપોર્ટ્સ કઢાવ્યા હોય તો એ ચેક કરી લે. જો અમારી દવા ઘટતી જણાય તો તરત જ એ પ્યૂનને બોલાવીને સૂચના આપી દે અને અમારા માટે દવા મગાવી લે. વળી, ઘડીક અમારી સાથે બેસે અને અમારી પાસે અમારા પ્રવાસના અનુભવો વિશે જાણે. ક્યારેક એને કશુંક ખાવાનું મન થાય તો એ અમને હકથી કહી પણ દે કે, 'દાદી મારે સુખડી ખાવી છે, કે દદ્દુ, દાદીને કહોને કે કાલે સરસ મજાનો હાંડવો બનાવે....' અને પછી માનસીનો ઓર્ડર હોય એટલે એની બધી દાદીઓ બીજા દિવસે એના માટે હોંસે હોંસે બનાવી પણ કાઢે અને પછી અમને બધાને ભેગા મળીને એ બધુ આરોગવાની મજા પણ એટલી જ આવે.
વૃદ્ધાશ્રમમાં આવ્યા પછી અમારા જીવનમાં આમુલ પરિવર્તન આવી ગયા છે અને સાથી મિત્રોને કારણે અમને એવું જ લાગી રહ્યું છે કે, અમે એક પરિવારમાં જીવી રહ્યા છીએ. પરંતુ માનસીના મળ્યાં પછી એ પરિવાર પૂર્ણ થયો છે અને અમે એ દીકરીની કંપની ખૂબ એન્જોય કરીએ છીએ. માનસી અમારા પ્રત્યે જે વાત્સલ્ય દર્શાવે છે એ એક સંતાનનું એના માતા-પિતા તરફના પ્રેમ સમું વાત્સલ્ય છે. જીવની સંધ્યાએ આ દીકરીએ ખરેખર અમને સંતાન પ્રત્યેની લગણી વિશેની અનુભૂતિ કરાવી છે.
(જીતેન્દ્ર પંચાલ, દહાણુ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર